Homeસિનેમાવાદબ્લેડ: વેસ્લી સ્નાઈપની જવાબદારી મહેરશાલા અલી પર, મજા કરાવશે કે લોહી પીશે?

બ્લેડ: વેસ્લી સ્નાઈપની જવાબદારી મહેરશાલા અલી પર, મજા કરાવશે કે લોહી પીશે?

ઝાલાવાડી જલજીરા: વુલ્ફ ઓફ વોલસ્ટ્રીટ, આઈરિશમેન, કસિનો, એવિએટર, ગેંગ્સ ઓફ ન્યૂયોર્ક, ડિપાર્ટેડ અને શટર આઈલેન્ડ સહિતની વિવિધતા સભર અને અભિનયમાં ઉચ્ચકક્ષાએ બિરાજતી ફિલ્મોનું નિર્માણ કરનારા માર્ટીન સ્કોર્સિસે કટાક્ષ કરતા અને કટાક્ષની સાથે સાથે સત્યનું પ્રતિપાદન કરતા કરતા માર્વેલ સિનેમેટિક યુનિવર્સને મોઢે ચોંપડાવી દીધું હતું કે, ‘સુપરહીરો ફિલ્મ એ સિનેમા નથી.’

આર્થિક રીતે સદ્ધર થવા માટે સુપરહીરો ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. 2008થી 2012 સુધી બેટમેન ટ્રાયોલોજી થકી જે રીતે ક્રિસ્ટોફર નોલાને એક બળકટ સુપરહીરો આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો, તેવા ઈતિહાસનું પુનરાવર્તન માર્વેલ કે ડિસી હજુ સુધી નથી કરી શકી. ફિલ્મ વિઝ્યુઅલ માધ્યમથી આંખો આંજી દે છે પણ તેનું કથાનક અત્યંત નબળું હોય છે. સૃષ્ટીને બચાવવા માટે મેદાને ઉતરતા જગત જમાદારના બાવળેબાજ વીરો કમ હીરો જગતને બચાવી લે છે અને વાર્તા પૂર્ણ થાય છે.

માર્વેલે પોતાના તમામ સુપરહીરોને એક પંગતમાં બેસાડી આ કામ સુપેરે કરી બતાવ્યું છે. તેની એક સુપરહીરો ફિલ્મનો છેડો બીજી સુપરહિરો ફિલ્મને ક્યાંકને ક્યાંક અડકતો હોય છે. પાઘડીનો વળ છેડે! હવે સ્પાઈડર મેન નો વે હોમ રિલીઝ થવાની છે. જેની પ્રતીક્ષા કરવા પાછળનું કારણ ઉડેલી અફવા છે. જેનું સત્ય થીએટરમાં ફિલ્મ જોયા બાદ જ સામે આવશે. ત્રણ-ત્રણ સ્પાઈડર મેન એક સાથે.

2002, 2012 અને 2017માં બનેલી સ્પાઈડર મેન ફિલ્મના ત્રણ અલગ અલગ સ્પાઈડર મેનને માર્વેલ સાથે લાવી રહ્યું છે. માર્વેલનું ફેઝ-4 મલ્ટિવર્સ ઉપર આધારિત છે. જેનો અંત કેવી રીતે થાય છે તે જોવા માટે માર્વેલના દર્શકો અત્યારથી અત્યંત આતુર છે, પણ આ વચ્ચે એક ફિલ્મની જાહેરાતે દર્શકોને હેરતમાં નાખી દીધા. માર્વેલ ફરી બ્લેડને લઈ આવી રહ્યું છે. આ વખતે બ્લેડનો રોલ મહેરશાલા અલી કરશે. અલીની અભિનય પ્રતિભાને મૂનલાઈટ, ગ્રીન બુકમાં પારખી ચૂક્યા છીએ. અલીના ખાતામાં સારી કરતા નબળી ફિલ્મોનો સરવાળો વધારે થાય છે.

1998માં વેસ્લી સ્નાઈપને લઈ બ્લેડ ફિલ્મ પ્રથમ વખત બની હતી. વેસ્લીના નામનો વિલન તરીકે સિક્કો પડતો હતો. તેના ચહેરા અને બોડી લેંગ્વેજને જોતા બ્લેડના પાત્ર માટે તે અનુરૂપ હોય તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી. તેણે પાત્ર ભજવ્યું અને વિવેચકો દર્શકોને ખુશ કરી દીધાં. વાર્તા એક એવા વ્યક્તિની છે જે ખૂદ વેમ્પાયર છે પણ વેમ્પાયર પ્રજાતિ માટે ખતરો બની ચૂક્યો છે. અન્ય વેમ્પાયર્સ માણસનું લોહી ચૂસી તેમને પોતાનામાં ભેળવી પોતાના એક અલાયદા વિશ્વનું નિર્માણ કરવા ઈચ્છે છે. જેમાં તેની આડે શુદ્ધ લોહી ધરાવતો અને દિવસમાં પણ ચાલી શકતો બ્લેડ આવી જાય છે. બ્લેડ પરથી જ આપણે ત્યાં શ કોઈ હૈ…. નો વિક્રાલ તૈયાર કરવામાં આવ્યો હતો. બંનેમાં અસીમ સામ્યાતાના દર્શન થશે.

બ્લેડ ફિલ્મનો ઓપનિંગ સીન અને બ્લેડનો ફિલ્મમાં પ્રવેશ ખરેખર વખાણવા લાયક છે. માર્વેલની અત્યાર સુધીની ફિલ્મોમાં સુપરહીરો જે રીતે એન્ટ્રી કરે છે, તેનાથી બિલકુલ વિપરિત બ્લેડનો પ્રવેશ થાય છે. એના કાળા કલરના શૂઝનો ક્લોઝઅપ દેખાતા સુપરહીરો ફિલ્મ જોવા ન ટેવાયેલા કે સુપરહીરો પ્રત્યે જેમને ચીડ ચડે છે તે પણ જોશમાં આવી જાય. પ્રથમ બે ફિલ્મોમાં માર્વેલનું પ્રોડક્શન ક્યાંય ન હોતું પણ બ્લેડ ફિલ્મની અમેરિકામાં બનેલી લોકપ્રિયતા અને વેસ્લી સ્નાઈપના અભિનયના કારણે માર્વેલે ત્રીજી ફિલ્મમાં પોતાના લોગો સાથે કૂદકો માર્યો. ને ત્રીજી ફિલ્મ પડી ભાંગી.

આમ તો બીજી ફિલ્મ પણ સમીક્ષકોની નજરમાં પડી ભાંગી હતી. ત્રણ ભાગમાં બનેલી બ્લેડનો પ્રથમ ભાગ સ્ટીફન નોરિંગ્ટને બનાવ્યો હતો. તેમની પાસે બ્લેડને પડદા પર રજૂ કરવાનો એક ઉદ્દેશ્ય દેખાતો હતો. ફિલ્મમાં ઘણી ખામીઓ હતી પણ સ્ટીફને તેને પોતાની ચતુરાઈથી ઢાંકી દીધી. બીજી ફિલ્મનું દિગ્દર્શન વર્તમાન સમયે ફેન્ટસી અને સાયન્સ ફિક્શનમાં ક્લાસિક આપનારા ગુલીરેમો ડેલ ટોરોએ કર્યું હતું અને ત્રીજી ફિલ્મ ડેવિડ.એસ.ગોયલે બનાવી હતી. જેણે આખી ફ્રેન્ચાઈઝીના પરિશ્રમને પાણીમાં પધરાવવાનું કામ કર્યું.

આવું જ સંગીતની સાથે પણ થયું. માર્ક ઈશમના સંગીતે પ્રથમ બ્લેડને જાનદાર ને જોરદાર બનાવી દીધી હતી, પણ તેના અનુગામીની જવાબદારી ભાગ બેમાં માર્કો બેલટ્રમી અને ત્રણમાં રમીન જેવડીના હાથમાં આવી. બંનેએ સંગીતમાં દેવાળું ફૂંકી નાખ્યું. બ્લેડના ત્રણે ભાગે પ્રોડ્યુસર્સના ખિસ્સા ભરી દીધા પણ માઈલસ્ટોન પ્રાપ્ત ન કરી શકી. બન્યું એવું કે બ્લેડ-1ની ઉપલબ્ધિ પણ આજે એટલી ચર્ચાતી નથી.

બ્લેડ કરતા પણ બાહુબલી સુપરહીરોને નવી પ્રોદ્યોગિકી મારફતે પડદા પર દર્શાવી પૈસા તો માર્વેલ ઉલેચી જાય છે, પણ તેના પર વિવેચકો ખુશ નથી થતા. હવે મહેરશાલા અલીને લઈ આવનારા વર્ષે ઉનાળામાં બ્લેડ ફિલ્મના શૂટિંગનો આરંભ થઈ રહ્યો છે. દિગ્દર્શનની જવાબદારી બસમ તારીક પર છે. જોઈએ પ્રથમ બ્લેડની નજીક પહોંચે છે કે બીજી અને ત્રીજી બ્લેડની હરોળમાં આવે ઉભી રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments