Homeગામનાં ચોરેદેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત પંચમહાભૂતમાં વિલિન, બન્ને દીકરીઓએ આપી મુખાગ્નિ,...

દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત પંચમહાભૂતમાં વિલિન, બન્ને દીકરીઓએ આપી મુખાગ્નિ, ભાવુક દ્રશ્યો સર્જાયા

Team Chabuk-National Desk: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના ભારે હૈયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બન્નેના પાર્થિવ દેહને એક જ ચિતા પર મુખાગ્નિ આપવામાં આવી છે. જનરલ રાવત અને તેમના પત્નીનું તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યારપછી તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા હતા અને આજે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા.

દેશની ત્રણેય સેનાઓને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણી રાવતે માતા-પિતાના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી. 

જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. દેશના વીરને અંતિમ વિદાય આપવા જાણે આખું દિલ્હી ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું હતું. સમગ્ર માર્ગમાં લોકોએ ફૂલ વરસાવ્યા અને તેમના પાર્થિવ દેહને લઈ જતા વાહન પાછળ ત્રિરંગો લઈને દોડ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ જનરલ બિપિન રાવત અમર રહેના નારા પણ લગાવ્યા હતા. એટલું જ નહીં સમગ્ર આર્મી કેંટમાં ભારત માતાની જયના નારા ગૂંજી રહ્યા હતા.

ત્રણેય સેનાધ્યક્ષો અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે જનરલ રાવતને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જનરલ રાવતને 17 તોપોની સલામી અપાઈ અને આ દરમિયાન 800 મિલિટ્રી પર્સનલ પણ હાજર રહ્યા હતા.

જનરલ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના પાર્થિવ શરીરને તેમના નિવાસ પર લોકોના અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશના સૈન્ય કમાન્ડર પણ બરાર સ્ક્વાયરમાં હાજર રહ્યા. તેમાં શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ શૈવેન્દ્ર સિલ્વા, પૂર્વ સીડીએસ એડમિરલ રવિન્દ્ર ચંદ્રસિરી વિજેગુનારત્ને (નિવૃત), ભૂટાનની રોયલ આર્મીના ડેપ્યુટી ચીફ ઓપરેશન્સ બ્રિગેડિયર દોરજી રિનચેમ, નેપાળી સેનાના ચીફ લેફ્ટિનેંટ જનરલ બાલ કૃષ્ણ કાર્કી અને બાંગ્લાદેશની સેનાના પ્રિંસિપાલ સ્ટાફ ઓફિસર લેફ્ટિનેંટ જનરલ વેકર-ઉજ-જમાન હાજર રહ્યા.

બ્રિગેડિયર લિદ્દરના અંતિમ સંસ્કાર કરાયા

તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ)જનરલ બિપિન રાવત સાથે જીવ ગુમાવનાર બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. લિદ્દરની પુત્રીએ તેના પિતાના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. આજે સવારે તેમનો પાર્થિવદેહ આર્મી બેઝ હોસ્પિટલમાંથી શંકર વિહાર સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. દિલ્હી કેન્ટના બરાડ સ્ક્વેર ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરને અંતિમ વિદાય આપવા માટે આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી પણ આવી પહોંચ્યા છે. અજીત ડોભાલ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું સવારે 11.48 વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે 12.08 વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરિના પહાડો પર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ તે કુન્નુરનાં જંગલમાં ક્રેશ થઈ ગયું હતું.

હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લીડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબ્લ્યુઓ દાસ, જેડબ્લ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર,લાન્સ નાયક સાઈ તેજાએ જીવ ગુમાવ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments