Team Chabuk-National Desk: અલસ બનાવતી ઋતુઓના દિવસો પસાર થઈ રહ્યા છે. ઠંડી ધીમે ધીમે પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહી છે અને ફરી એ વાતનો તાર છેડાઈ છે કે શિયાળા કરતા ઉનાળો સારો. ઉત્તર ભારતમાં એક અઠવાડિયાથી તાપમાન ગગડી રહ્યું છે. રાજધાની દિલ્હીની સાથે સાથે રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં આગામી કેટલાક દિવસો સુધી શીતલહેર સ્થિતપ્રજ્ઞ બની ચાલવાની હોવાના એંધાણ વર્તાય રહ્યા છે. આ ક્રમમાં જ હવામાન વિભાગે રાજ્યોને એલર્ટ આપ્યું છે. આઈએમડીની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે, કારણ કે સમગ્ર ઉત્તર ભારતમાં ન્યૂનતમ તાપમાન અવિરત રીતે ગબડી રહ્યું છે.
જો રાજધાની દિલ્હીના તાપમાનની વાત કરવામાં આવે તો જ્યાં શનિવારના રોજ ન્યૂનતમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યાં રવિવારના રોજ 4.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. સોમવારની સવારે દિલ્હીએ સિઝનની સર્વાધિક ઠંડીનો પ્રચંડ માર ખમ્યો. જ્યાં ન્યૂનતમ તાપમાન 3.2 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું. એવામાં સામાન્ય લોકો એ વાતને લઈ ચિંતામાં છે કે આખરે ઠંડીનો પ્રકોપ કેટલા સમય સુધી ચાલશે અને ડિસેમ્બરના મધ્યમાં ઠંડીમાં અચાનક શા માટે વૃદ્ધિ થઈ રહી છે.
વિશેષજ્ઞોની વાત માનવામાં આવે તો આ વર્ષે ભીષણ ઠંડીની પાછળનું કારણ લા નીનાનો પ્રભાવ માનવામાં આવી રહ્યો છે. અમેરિકન જીયોસાયન્સ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સમુદ્રની સપાટી પર તાપમાનમાં સમય સમય પર થઈ રહેલા પરિવર્તનોથી છે. જેનો પ્રભાવ વિશ્વભરના હવામાન પર પડે છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો, અલ નીનોના કારણે તાપમાન ગરમ થાય છે અને લા નીનાના કારણે ઠંડુ. બંને સામાન્ય રીતે 9-12 મહિના સુધી રહે છે. જોકે અસાધારણ રીતે કેટલાય વર્ષો સુધી તેની માર ખમવાનો વારો પણ આવી શકે છે.
ભૂ-મધ્યરેખીય પ્રશાંત મહાસાગર વિસ્તારની સપાટી પર નિમ્ન હવાનું દબાણ હોવા પર આ પ્રકારની સ્થિતિ પેદા થાય છે. તેની ઉત્પતિના અલગ અલગ કારણ માનવામાં આવે છે. જોકે સૌથી પ્રચલિત કારણ એ છે કે આ ત્યારે પેદા થાય છે, જ્યારે ટ્રેન્ડ વિંડ એટલે કે પૂર્વથી પસાર થનારી હવા ઝડપથી પસાર થવા લાગે. તેનાથી સમુદ્રની સપાટીનું તાપમાન ઘણું ઓછું થઈ જાય છે. તેની સીધી અસર દુનિયાભરના તાપમાન પર થાય છે અને તાપમાન એવેરજથી વધારે ઠંડુ થઈ જાય છે. લા નીનાથી સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમમાં હવામાન ઠંડું અને દક્ષિણ-પૂર્વમાં ગરમ થઈ જાય છે. ભારતમાં આ સમય દરમ્યાન ભારે ઠંડી પડે છે અને વરસાદ પણ સારો પડે છે.
લા નીનાના કારણે પૂર્વ સ્થિત રશિયાના સાઈબેરિયા અને દક્ષિણ ચીનની ઠંડી હવાઓ ભારતીય ઉપમહાદ્વિપની તરફ ફંટાઈ આવે છે. આ હવાઓની અસર એવી હોય છે કે કેટલીય વખત દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ તાપમાન સામાન્યથી નીચું ચાલ્યું જાય છે. ઠંડીના સમયે ઉત્તરમાં લા નીનાના કારણે ભારતના ઉત્તરીય વિસ્તારથી લઈને અફઘાનિસ્તાન, ઈરાન અને હિંદ-કુશની બર્ફિલી પહાડીઓમાં ભયંકર ઠંડી પડે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વખતે લા નીનાના કારણે ભયાનક ઠંડી ડિસેમ્બરથી લઈ ફેબ્રુઆરી સુધી ચાલશે. માનવામાં આવી રહ્યું છે કે આ સમય દરમ્યાન લા નીનાનો પ્રભાવ અત્યાધિક મજબૂત થઈ જશે. જોકે, ભારતમાં ઠંડીની તીવ્રતા માત્ર લાનીનાના પ્રભાવથી જ નહીં પણ પશ્ચિમી વિક્ષોભ સહિતના અન્ય કારણો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત