મયૂર ખાવડુ: આજે અભ્રક અજાયબઘર જેવું લાગી રહ્યું છે. સવાર ખાલી સવાર છે. એમાં કેવી જેવો નિરાશાદર્શક પ્રશ્ન નથી. ટાઢ છે પણ ગઈકાલ જેટલી નથી. નિહાર વિલોપિત વાતાવરણનું આ દૃશ્ય જાણે ચિત્રકારે આત્મશ્લાઘામાં રચ્યું હોય તેવું લાગે છે. એ દૃશ્યને મોબાઈલમાં ઝીલ્યું. એક બે વખત નહીં ત્રણ વખત ઝીલ્યું, પણ આ જુઓ વચ્ચે આડખીલી રૂપ કોઈ નથી. પક્ષીઓ નથી. ધૂમાડા નથી. સવારમાં ઉડતા બે ફાઈટર પ્લેનના ગુરૂભાઈ જેવા ચાર લીટા નથી. વાદળો ખસી જતાં આકાશ રંગભૂમિ માટે સજ્જ થયેલો મંચ લાગે છે અને પેલા અલ્પઆયુ ધરાવતા ઘનદળને પ્રેક્ષકગણ ગણીએ!
અમદાવાદમાં આવો અપૂર્વ અને સમાધિસ્થ નજારો છેલ્લે ક્યારે જોયો હતો એ વાતનું સ્મરણ પણ નથી. હશે તોપણ આવા કિંમતી નજારાને આપણું ચિત્ત ગોપનીય રાખી દે છે. ચિત્ત માટે આપણા કરતા એ ચિત્તાકર્ષકતાનું મહત્વ વધી જાય છે. જનાન્તિકેના આરંભમાં કહેવાયેલી પેલી વાત તો તમને ખબર જ છે, ‘આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઇચ્છીએ.’ પછી તો ઘણું છે, પરંતુ આપણું અનુકૂળ હૈયું તો બધી સારી વાત વિસરાવી દે છે. આજે એ વાતનું ચિત્રવિલોપન ન થઈ જાય એટલે માધ્યમોના દશાસન યુગમાં તમારા અનુકૂળ હૈયામાં સંઘરી પુન:રુક્તિ કરી લેવાનું મન થઈ આવ્યું.
આ મહાનગર રણદ્વિપ છે. આટલા સુંદર નજારાને પેલા સાઉથ બોપલના વૃક્ષો કેવી રીતે માણતા હશે? પક્ષીઓ તેની ડાળ ઉપર બેસી લવલવાટ કરતા હશે પણ પેલા જોનાથન સ્વીફ્ટની ગુલીવર ટ્રાવેલ્સમાં આવે એવા વેંતિયા છોડવાઓનું શું? મનુષ્ય કોઈ મનોરમ્ય નજારો જુએ એટલે એની આઉં આઉં કરતી નવી પેઢીને પણ ઊંચું કરી દર્શાવે. આ વેંતિયાઓનું શું કરશું? કલબલાટ કરતા પક્ષીઓ જમીન પર દાણા ચણવા આવે ત્યારે પેલી વાતનું નક્કી પુનરાવર્તન કરતા હોવા જોઈએ.
ઊંચી ઈમારતો વૃક્ષોને આંધળાધબ કરી નાખે છે. આ દૃશ્યનો ઠાઠમાઠ અને વૈભવ નજીકની ઈમારતો છીનવી રહી છે. બગીચામાં ચાલવામાં મસ્ત અને ઉંઘવામાં વ્યસ્ત એવા એપાર્ટમેન્ટના મનુષ્યોના ચક્ષુઓએ ઘણું ગુમાવ્યું. કષ્ટ પછી જ સુખ આવે એવી પ્રેરણાત્મક પુસ્તકોની વાત અહીં સાચી પડતી લાગે છે. ઉઠવાનું કષ્ટ વેઠ્યું અને અકથ્ય દૃશ્ય માણ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત