Homeવિશેષહવે પાછા જઈશું ત્યારે એ નહીં હોય - મયૂર ખાવડુ

હવે પાછા જઈશું ત્યારે એ નહીં હોય – મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: સ્મૃતિ શેષ બનીને રહી ગયેલા કાશ્મીરી બાપુનો પરિચય વર્ષો સુધી પાંગર્યો નહોતો. 2007ની સાલમાં ચોમાસુ બેઠું અને એ જગ્યાનું નામ ખાસ્સુ સાંભળ્યું હોવાથી ત્યાં જવા પગ ઉપાડ્યા. મન તો ત્યાં થનગનાટ કલ્પના કરતું પહેલા જ પહોંચી ગયેલું. જવાનો સમય પણ કટાણો પસંદ કર્યો હતો. શહેર કરતા જંગલનું ચોમાસું બમણું હોય છે. કોઈ વખત ઝાપટું આવે તો કોઈ વખત મૂશળધાર બની તૂટી પડે. ખાખરાનાં ખરી ગયેલા પાંદડાને વાસુકી સાપની જેમ માથા ઉપર રાખી બાપુની જગ્યા બાજુ નીકળી પડ્યા. એ દિવસે મારું શરીર મને વારંવાર જવાબ આપતું હતું.  

ચોમાસાના કારણે બાપુની જગ્યા પાસેથી ખળખળ ઝરણું ફૂટી નીકળેલું, જે જગ્યાની ગરિમામાં વધારો કરતું હતું. કાશ્મીર તો કોઈ દિવસ જવાનું નથી થયું, પણ આ જગ્યા ચોમાસામાં કાશ્મીર જેવી જ જોઈ લો. વાંદરાઓની હુપાહુપ સ્વરલીલાઓએ અરણ્યમાં દેકારો બોલાવી દીધો હતો. જગ્યાએ પહોંચ્યા તો પંગતમાં એક બેસે અને બીજો ઊભો થાય એમ પ્રસાદી લેવાનું ચાલું હતું. અમે પણ નજીવી પ્રસાદી લીધી અને ધરાઈ ગયા.

બાપુની ઝલક જોવા માટે લાંબી કતાર લાગી હતી. જુએ અને ફટાફટ નીકળી જાય. હું અંદર ગયો અને તુરંત જ બહાર નીકળી ગયો. એ દસેક સેકન્ડના સમયમાં મેં ઘણું બધું જોયું. ચળકતો ચહેરો મારી આંખ આગળથી ખસવાનું નામ નહોતો લેતો. જટા આટલી લાંબી તો પણ ગરદન ટટ્ટાર હતી. મેં સાંભળેલું કે એ બોલતા નથી. આજ સુધી તેમને બોલતા સાંભળ્યા હોય તેવો જૂનાગઢી મને મળ્યો નહોતો. અંતે તો મૌનનો જ મહિમા છે એ કાશ્મીરી બાપુ સિદ્ધ કરી ગયા.

લોકો વચ્ચે વાતો ચાલતી હતી કે દાતાર બાપુ હતા ત્યારે તેમને મળવા જતા. ખૂબ વાતો કરતા પણ પછી તો ધીમે ધીમે જીભે મુખમાં સમાધી લઈ લીધી. કાશ્મીરી બાપુની એ જગ્યા ઉપર શિવની તસવીર પણ જોયેલી. તસવીરમાં શિવ મને કોઈ દિવસ ડરાવતા નથી પણ અહીંની તસવીર ડરાવી દેતી હતી. એ વખતે મેં નરી આંખે જોયું. વાંદરાઓનો ત્રાસ વધી ગયો હતો. પ્રસાદ લેનારાઓની વચ્ચે ડબકા મારવા આવ્યા રાખે. એમાં બાપુને ઝૂંપડીમાંથી બહાર નીકળવાનું થયું. એ નીકળ્યા અને એમને જોતા વેત જ વાંદરાઓ ભાગી ગયા. બાપુએ જમણો હાથ ઊંચો કર્યો એટલે સમજી ગયા. બાપુની જાણે આ જીવ સાથે દોસ્તી ન હોય.

એ આખો દિવસ શરીરે વરસાદ અને ચિત્તે કાશ્મીર બાપુને ખમ્યા. એક ઝંઝાવાત જ જોઈ લો. શરીર તો કાશ્મીરી બાપુની જગ્યાએ ગયેલો ત્યારે જ થાકેલું લાગતું હતું. બે દિવસમાં અછબડા થયા. જાણે શરીરમાં તલના દાણા ઉગી નીકળ્યા હોય.

પછી તો બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં કોઈ કોઈ વખત રવિવારે કાશ્મીરી બાપુની જગ્યાએ જવાનું અણઘડ આયોજન ઘડી કાઢતા. જ્યાં ગિરનારનાં કાળમીંઢ પથ્થરો દેખાતા શરૂ થાય ત્યાં રીક્ષાવાળાને કહીએ કે ઉતારી દે ભાઈ અને ચાલવા મંડીએ. મૂચકુંદ ગુફા અને ગિરનારની વાતો કરતાં કરતાં જંગલમાંથી થઈ ક્યારે કાશ્મીરી બાપુને ત્યાં પહોંચી જઈએ ખબર જ ન પડે. રસ્તામાં પડેલા લાકડાને હાથમાં લઈ હવામાં વીંઝતા તલવારબાજીની કરતબો કરતા જઈએ. પક્ષીઓના ખરી પડેલા પીંછાને પણ પ્રવાસનો આનંદ આપીએ. ગિરનારમાં જગ્યાઓ તો ઘણી છે, પણ જે મજા કાશ્મીરી બાપુને ત્યાં જવામાં આવતી તે કોઈ જગ્યાએ ન આવતી.

વારંવાર એ ઘટનાનું પુનરાવર્તન થાય. પ્રસાદી લેવા બેસીએ. બાપુને દસ સેકન્ડ નીહાળીએ. બાપુની નજર અમારા પર પડી જાય તેવી કામના કરીએ. બાપુ તો આંખ બંધ કરી ધ્યાનમાં લીન હોય. બોલવાનું તો ઓછું હતું જ પણ પછી એમણે જોવાનું પણ ઓછું કરી નાખેલું. ક્યારેક ક્યારેક જોઈ લે, કોઈ વખત સ્મિત લહેરાવી આંખમાંથી વૈભવનો પટારો ખોલી નાખે. એમના હાસ્યના પણ ભાગ્યે જ દર્શન થાય. દર્શન પૂર્ણ થાય એટલે બહાર જગ્યામાં બેસીએ. શિવની તસવીરનું અવલોકન કરીએ. વાંદરાઓને હુપાહુપ કરતા જોઈએ અને ફરી પાછા સંધ્યા પહેલા જંગલમાંથી શહેરમાં આવી જઈએ. હવે જઈશું ત્યારે એ નહીં હોય… એક ખાલીપો હશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments