Homeસાહિત્યબાળવાર્તા - ચિનુ શેઠનું સોનાનું ચીકુ- મયૂર ખાવડુ

બાળવાર્તા – ચિનુ શેઠનું સોનાનું ચીકુ- મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: એક હતો ચિનુ શેઠ. એને પૈસાની જરાય કમી નહીં, પણ મજૂરોનું કંઈ સારું ન કરે. આખું વર્ષ, ટાઢ હોય, તડકો હોય કે હોય ચોમાસું, બસ, કામ જ કરાવ્યા રાખે, પણ વાત ફદિયાની આવે એટલે રૂપિયો બે રૂપિયો દગડાઈ કરી સેરવી લે. બીજે ક્યાંય રોજગાર નહીં એટલે મજૂરોને એની વાડીએ જ કામ કરવા જવું પડતું હતું. એણે બે ભીમ જેવા પહેલવાન રાખેલા. કોઈ મજૂર ચિનુ શેઠની સામે છાતી કાઢે તો પહેલવાન એનાં હાડકાં ખોંખરા કરી નાખે. આખા ગામમાં ચિનુ શેઠનો ત્રાસ વર્તાતો હતો.

એવામાં રખડતા રખડતા બે ભાઈ આવ્યા. એકનું નામ રઘલો અને બીજાનું નામ જગલો. રઘલો કહે હું આ ગામ જાઉં અને જગલો કહે હું આ ગામ જાવ. બંને ભેટ્યા અને છૂટા પડ્યા. રઘલો નસીબનો કાચો તે પહોંચી ગયો ચિનુ શેઠની વાડીએ.

અજાણ્યા મજૂરને જોઈ ચિનુ શેઠ એની લુચ્ચાઈ ઉપર ઉતરી આવ્યો. રઘલાને કહે : ‘હું તને એક કામ સોંપું એ તારે કરવાનું છે, જો તું એ કામ કરી નાખે તો તને સો રૂપિયા આપું. પણ એક શરત છે…’

‘શું? બોલો બોલો?’ રઘલાની બંને આંખમાં પચાસ-પચાસ રૂપિયા દેખાવા લાગ્યા.

‘મને એક વિદ્વાન જ્યોતિષીએ કહ્યું છે કે મારી ચીકુની વાડીમાં એક ચીકુ સોનાનું ઉગીને ખરી પડવાનું છે. તારે બધા ચીકુ એકઠા કરવાના. મારો અંગત ઝવેરી એ ચીકુનું પરીક્ષણ કરશે અને એમાં જો સોનાનું ચીકુ હશે તો હું તને સો રૂપિયા આપી દઈશ. પણ હા, જ્યાં સુધી સોનાનું ચીકુ હાથ ન આવે ત્યાં સુધી તારે કામ કરતું રહેવાનું છે. અને તારે કાગળ ઉપર પણ અંગૂઠો મારવાનો છે કે સોનાનું ચીકુ મળશે તો જ ચિનુ શેઠ મજૂર રઘલાને સો રુપિયા આપશે. હવે બોલ? હું તારા પર છોડું છું. કામ કરવું હોય તો કર.’

રઘલો બીચારો ભોળો. એ ચિનુ શેઠની વાતમાં સરરર કરતો આવી ગયો. હાથ જોડી હા હા કરી. પહેલવાન એને ચિનુ શેઠની મસમોટી ચીકુની વાડીએ લઈ ગયા. મોટી ટોકરી આપી અને ચીકુ વીણવાનું કામ સોંપ્યું. એક દિવસ… બે દિવસ… ત્રણ દિવસ… એમ કરતાં કરતાં એક મહિનો પસાર થઈ ગયો પણ સોનાનું ચીકુ ન મળ્યું. રઘલો રોજ સાંજે કાળી મજૂરી કરી ચિનુ શેઠ પાસે આવી પૂછે, :‘શેઠ આજે સોનાનું ચીકુ મળ્યું?’

ઉસ્તાદ ચિનુ નિમાણું મોઢું કરી ગરદન હલાવી ના પાડી દે. સો રૂપિયાની લાલચમાં રઘલાએ આખી વાડીના બધા ચીકુ એકઠા કરી નાખ્યા. હવે તો એક પણ ડાળી પર ચીકુ નહોતા ઝૂલતા. એક સાંજે રઘલો ચિનુ શેઠ પાસે જઈ કહે : ‘શેઠ, હવે તો વાડીમાં એક પણ ચીકુ નથી બચ્યું. ક્યાંક તમારા ઝવેરીની તો ભૂલ નહીં થતી હોય ને? કંઈ નહીં તો આટલા દિવસ કામ કર્યું છે, એના પચાસ રૂપિયા આપી દો.’

રઘલાના મોઢેથી પચાસ રૂપિયાની વાત નીકળી તો ચિનુ શેઠનું મોઢું એવું કટાણું થઈ ગયું જાણે કોઈ સાપ કરડી ગયો હોય. પૈસાની થપ્પી ગણતાં ગણતાં ચિનુ શેઠ રઘલાને કહે: ‘આપણે વાત તો એવી થઈ હતી કે તું મને સોનાનું ચીકુ શોધી આપીશ. સોનાનું ચીકુ મળે તો તને સો રૂપિયા આપું. એ તો મળ્યું નહીં. તે તો કાગળ ઉપર અંગૂઠો પણ માર્યો છે. બતાવું?’

રઘલાના તો બંને હાથ કપાઈ ગયા હતા. એણે શેઠને કહ્યું: ‘શેઠ પણ દસેક રૂપિયા જેવું તો કરી આપો. ગાડામાં બેસી મારા ભાઈ પાસે તો જઉં.’

દસ રૂપિયાની વાત જેવી કાને પડી એ ભેગા શેઠ સફાળા બેઠા થઈ ગયા: ‘તને એક વખત તો કીધું કે સોનાનું ચીકુ મળ્યું હોત તો સો રુપિયા આપેત….’

રઘલો કરગર્યો એટલે ચિનુ શેઠના મગજનો બાટલો ફાટ્યો. એણે બંને પહેલવાનને હુકમ કર્યો એટલે પહેલવાનો રઘલા પર તૂટી પડ્યા. મારી મારી એના હાડકાં ઢીલા કરી નાખ્યા અને કાઢી મૂક્યો. રઘલો થાકેલો-પાકેલો અને ભૂખ્યો ગામના પાદરે પહોંચ્યા. જુએ તો સામેથી ભાઈ જગલો ખુશ થતો થતો આવતો હતો. જગલાએ રઘલાની કરપીણ સ્થિતિ જોઈ અને ડઘાઈ ગયો. એણે પૂછ્યું : ‘રઘલા, આ શું થયું?’

રઘલાએ ભાઈ જગલાને આખી વાત માંડીને કરી. જગલો પહેલા તો રઘલાને એક સારા ચિકિત્સક પાસે લઈ ગયો અને તેની સારવાર કરી અને પછી જ્યાં રઘલો કામે ગયો હતો ત્યાં કોથળો લઈ ઉપડ્યો. ગામની બજારમાંથી અડધો કિલો ચીકુ ખરીદ્યા અને પહોંચ્યો ચિનુ શેઠ પાસે. ચિનુ શેઠ પૈસાની થપ્પી ગણવામાં વ્યસ્ત હતો. જગલો એને કહે: ‘શેઠ તમે તો મારા ભાગ્ય ઉઘાડી દીધા.’

ચિનુ શેઠ પણ વિચારવા લાગ્યો કે મેં એવું કયું પરોપકારનું કામ કર્યું છે કે આના ભાગ્ય ઉઘડી ગયા? ‘શું કર્યું મેં?’ ચિનુ શેઠે પૂછ્યું.

‘શું કર્યું? અરે હમણાં મેં એક જગ્યાએથી ચીકુ લીધા. એમાંથી એક ચીકુ ખાવા ગયો તો મારો દાંત તૂટી ગયો.’ જગલાએ એનો તૂટેલો દાંત દેખાડ્યો જે નાનપણમાં આંબલી-પીપળી રમતા ઝાડ પરથી પડી ગયેલો ત્યારે તૂટી ગયેલો. અને પછી ઉમેર્યું, ‘તમે માનશો નહીં, એ ચીકુ સોનાનું હતું. મેં રેકડીવાળાને પૂછ્યું કે આ ચીકુ કોની વાડીના છે? તો મને કહે એ તો સૌથી અમીર, માયાળુ અને કૃપાળુ એવા ચિનુ શેઠની વાડીના છે. એટલે પછી અહીં ધક્કો ખાધો.’  

ચિનુ શેઠની આંખો મોટી થઈ ગઈ. એની આંખ આડે રઘલો આવી ગયો. ચીકણા ચિનુ શેઠને થયું કે આ તો ગપીચંદ બનતા અમીરચંદ થતા રહી ગયા.

‘એ સોનાનું ચીકુ ક્યાં છે?’ શેઠથી રહેવાયું નહીં એટલે તાત્કાલિક જગલાને પૂછી બેઠો.

‘એ તો હું ઝવેરીની દુકાને વેચી આવ્યો?’

‘કેટલા આપ્યા એણે?’

‘બસ્સો રુપિયા.’

‘અરે મુરખના સરદાર. એના કંઈ બસ્સો રુપિયા હોય. એ તને ધુતી ગયો. એના તો લાખો રુપિયા મળે, લાખો રૂપિયા…’

રઘલો તો ચિનુ શેઠની વાત સાંભળી રડવા લાગ્યો. રડતાં રડતાં કહે: ‘આનાં કરતા તો સીધો તમારી પાસે આવ્યો હોત તો સારું હતું. પણ હવે મારે કરવું શું? મેં એને પૂછેલું કે આ જ ચીકુ મારે પાછું જોતું હોય તો? એ ઝવેરી મને કહે કે કાલ સુધીમાં એક હજાર રુપિયાનો બંદોબસ્ત થાય તો પાછું લઈ જજે. મારે હવે એક હજાર પણ ક્યાંથી કાઢવા?’

ચિનુ શેઠ કહે : ‘રડ નહીં દીકરા રડ નહીં. હું તને એક હજાર અને મારું ગાડું આપું છું. તું જઈ એ ચીકુ લઈ આવ, ઝડપથી અહીં આવ. અને હા તે સોનાના ચીકુના બસ્સો રૂપિયા ચૂકવ્યા છે ને? આ એના બસ્સો પણ.’ ચીનુ શેઠ હસવા માંડ્યો. મગરનાં આંસુ લૂંછી જગલો પણ હરખાણો. બળદગાડું અને શેઠે આપેલા એક હજાર ને બસ્સો રૂપિયા લઈ એ તો ગયો તે ગયો.

ચિનુ શેઠે આખો દિવસ અને પછી આખી રાત રાહ જોઈ પણ જગલો પાછો આવ્યો નહીં. બીજા દિવસે ખરાઈ કરવા શેઠ પોતે બજારમાં લાકડી લઈ નીકળ્યા. ચીકુની ત્રણ રેકડીમાંથી એક રેકડીવાળાએ કીધું: ‘હા તમે વર્ણન કર્યું એવો એક યુવાન આવ્યો હતો. એક કિલો ચીકુ ખરીદ્યા પણ હતા. એમાંથી સોનાનું ચીકુ નીકળ્યું એવું કંઈ એણે મને નથી કહ્યું.’

દુ:ખી દુ:ખી ચિનુ શેઠ દોડીને ઝવેરી પાસે ગયા તો ઝવેરી કહે: ‘ગઈકાલ તો કોઈ ગ્રાહક જ નથી આવ્યો.’

ચિનુ શેઠથી પોક મૂકાઈ ગઈ. ઝવેરીએ કહ્યું: ‘શેઠ અહીંનું અહીં જ છે. તે આખા ગામની આંતરડી બાળી હતી. આજે તારી કોઈક બાળી ગયું. શેરને માથે સવાશેર હોય જ. એક સોનાના ચીકુની લાલચ પાછળ તારી બે લાખની બળદની જોડીનું ગાડું અને એક હજાર બસ્સો નકદ રૂપિયા પણ ગયા.’

બીચારા ચીનું શેઠ…!

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments