Homeવિશેષબાબરને સુલ્તાન માનવાની મનાઈ કરનાર રાણા સાંગાની શૂરવીર અર્ધાંગિની રાણી કર્ણાવતીની યશગાથા

બાબરને સુલ્તાન માનવાની મનાઈ કરનાર રાણા સાંગાની શૂરવીર અર્ધાંગિની રાણી કર્ણાવતીની યશગાથા

વિવેકઃ તાજેતરના જ કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીઓને કેટલી ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય છે તેની સાબિતી મળે છે. દિલ્હીનો સિકંદર વિશ્વકર્મા દિલ્હીમાં જ બબ્બે પત્ની રાખીને બેઠો હતો, દિવસે પહેલી પત્ની રજની સાથે રાત્રે બીજી પત્ની અંજલી સાથે સમય વિતાવતો, આટલેથી નથી અટકતું એક દિવસ સિકંદરનો ફોન તેની પહેલી પત્ની રજનીના હાથમાં આવી ગયો અને તેણે ત્રીજી પત્ની વસંતી જે ગામડે રહેતી હતી તેની સાથેનું કોલ રેકોર્ડિંગ સાંભળી લીધું અને સિકંદરનો ભાંડો ફૂટી ગયો.

ભૂવનેશ્વરમાં 17 મહિલાઓને લગ્ન કરી દગો આપનાર શખ્સ પકડાયો છે, જે 20 વર્ષોથી ઊંચા પગારની વગદાર નોકરી કરતી મહિલાઓને ફસાવતો હતો. અરે સગી દીકરી પર દુષ્કર્મ ગુજરાતા સગા બાપને કોર્ટ આજીવન કેદની સજા ફટકારે આનાથી હજુ કેટલા નીમ્ન સ્તરે જઈશું. આ લખી રહ્યો છું ત્યાં જ મારી નજર સામે ટીવી સ્ક્રીન પર સમાચાર ચાલ્યા કે ભરૂચના ઝઘડિયાના એક ગામમાં 16 વર્ષિય સગીરા પર 8 શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું.

આમ, ચારે તરફ મહિલાની હત્યા, બળાત્કાર, છેતરપિંડી અને ઉત્પીડનની ઘટનાઓ આપણા સમાજને દઝાડી રહી છે ત્યારે આ સમસ્યાનો નિવેડો કેવી રીતે આવશે. તમામ વિસ્તારોમાં સીસીટીવી લગાવવાથી ? ના કારણ કે ડીવીઆર ચોરાઈ જશે, દિકરીઓના હાથમાં હથિયાર આપવાથી ? ના કારણ કે હિંમત નહી હોય તો એ જ હથિયાર તેની વિરૂદ્ધમાં વપરાશે, પેપરસ્પ્રે રાખવાથી ? ના કારણ કે તેનો ઉપયોગ કરવાનો સમય નહીં મળે, ઉચ્ચ અભ્યાસ કરાવવાથી ? ના કારણ કે શૈક્ષણિક સંસ્થા અને કોર્પોરેટ ઓફિસમાં તેનું શોષણ નહીં થાય તેની ખાતરી નથી.

આમ એક વાત તો સાબિત થાય છે કે બહારનું કોઈ વ્યક્તિ કે વસ્તુ કે માધ્યમ મહિલાને સુરક્ષિત નહીં રાખી શકે જ્યાં સુધી તે પોતે સુરક્ષિત થવા માટે પોતાની જાતને સજ્જ નહીં કરે. અર્થાત જ્યાં સુધી માહ્લો મજબૂત નહીં હોય ત્યાં સુધી ન તો ભાઈ, પતિ, પિતા કે પરિવાર અથવા  તો સમાજ તેને સુરક્ષાકવચ પૂરું નહીં પાડી શકે.

પણ આ બધુ આપણને સમજાવે કોણ ? ન તો કોઈને આ વીરતાથી છલોછલ ભવ્ય વારસાને ઉઘાડવાનો સમય છે, ન તો આવા પાત્રોને બાહો ફૈલાવી ખુદમાં સમાવી અનુસરવાની મતી. આપણો સમય તો સબસ્ક્રીપ્શન્સમાં ફસાઈ ગયો છે, મેમ્બરશીપ્સમાં મુંઝાઈ ગયો છે. શાની એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી.  જે લોકો પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે, તેઓ ક્યારેય પોતાનો ઈતિહાસ બનાવી શકતા નથી. બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું આ વાક્ય જ આપણે ભૂલી ગયા છીએ તો ઈતિહાસ યાદ રાખવાની વાત તો ખૂબ દૂર રહી.

કોઈપણ વિષયનો અભ્યાસ કરીએ ત્યારે તેનો ઈતિહાસ જાણવો અનિવાર્ય હોય છે. ઈતિહાસમાં થયેલી એ ભૂલોને યાદ રાખવા અને ફરી એ ભૂલોને થતી અટકાવવા તથા વર્તમાનની સમસ્યાઓનો તોડ કાઢવા માટે પણ ઈતિહાસ જાણવો અને સમજવો જરૂરી છે. જે લોકો પોતાનો વારસો ભૂલી ગયા છે તેઓ વર્તમાનમાં ભૂંસાઈ ગયા છે. જેમણે પોતાના ઈતિહાસનું સન્માન કરીને શીખ નથી મેળવી તેઓ ખુદ ઈતિહાસ બની ગયા છે. આવો ઈતિહાસની અટારીએથી આપણા ભવ્ય વારસાને જાણીએ, જીવનમાં ચરિતાર્થ કરીએ એ વિરાંગનાને જેણે મુઘલ અને બહાદુર શાહ સલ્તનતના અંધકારને દૂર કરવા માટે જાત જલાવી પવિત્રતાનો ઉજાસ પાથરી દીધો હતો.

રાણી કર્ણાવતી કી જય….ચિત્તોડ રી રાજમાતા કર્ણાવતી..અમર રહે..

16મી સદીમાં ચિત્તોડના રાજદરબારમાં મંત્રી, સંત્રી, શેઠિયાઓ અને સમસ્ત પ્રજાજનો મા કર્ણાવતીના ગુણગાન ગાતા થાકતા નહોતા. કારણ કે જે પરિસ્થિતીમાં તેમણે રાજશાસન ચલાવ્યું તેના માટે કાબિલ એ તારીફ શબ્દ ટૂંકો પડશે. એક તરફ દિલ્હીમાં હૂમાયુનું શાસન અને પાડોશી રાજ્ય ગુજરાતમાં સુલ્તાન બહાદુર શાહ એટલે કે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ.

હવે થોડા આગળ જઈએ તો મધ્ય એશિયાના ફરઘાનાના પાટનગર અંદિજામાં જન્મેલા બાબરે સોળમી સદીના ત્રીજા દાયકામાં દિલ્હીના લોદી વંશના અંતિમ રાજા ઈબ્રાહીમ લોદીને પરાસ્ત કરીને મુઘલ વંશની સ્થાપના કરી. વીર નરબંકાઓની ધરતી મેવાડ પર આ અરસામાં રાણા સાંગા રાજ કરતા હતા. 1526 બાદ દિલ્હી સલ્તન વિરૂદ્ધ રાજપૂત શાસકોને એક કરીને તે દળનું નૈતૃત્વ રાણા સાંગા કરી રહ્યા હતા.

17 માર્ચ 1527ના રોજ મુઘલ બાદશાહ બાબર અને રાજપૂત વીર રાણા સાંગાની સેનાઓ રાજસ્થાનના ભરતપુર નજીક આવેલા ખાનવા નામક મેદાની વિસ્તારમાં સામસામે ટકરાઈ હતી. ખાનવા ફતેહપુર સીકરીથી લગભગ 16 કિલોમીડર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. મા ભોમની રક્ષા કાજે કેસરિયા કરવાના દ્રઢ નિશ્ચય સાથે નિકળેલા રાણા સાંગાની યુદ્ધનીતિથી બાબર અજાણ હતો એવું નહોતુ. તે જાણતો હતો કે રાણા સાંગા એક કુશળ યૌદ્ધા છે. તેઓ અનેક યુદ્ધો ખેલી ચુક્યા છે અને મોટા ભાગના જીત્યા પણ છે. જેથી રાણા સાંગાના જીવતા જીવ સમગ્ર ભારત પર મુઘલ સત્લતનતનું રાજ એ બાબરનું સપનું માત્ર બની રહેવાનું હતું.

રાણા સાંગા બાબરને દિલ્હીનો શાસક સુદ્ધા માનવા તૈયાર નહોતા. તેવામાં ખાનવાના ભીષણ યુદ્ધ લડાયું. રાણા સાંગાનું સમગ્ર ભારતમાં હિંદુ રાજ્ય સ્થાપવાનું સ્વપ્ન અધૂરું રહ્યું તો ભારતભરમાં મુઘલિયા પરચમ લહેરાવવાના ખ્બાજ જોતા બાબરને પણ મળ્યો સણસણતો જવાબ.

મેવાડનો સિંહ રાણા સાંગા ખાનવાના યુદ્ધ બાદ ઉભો ન થઈ શક્યો

ખાનવાના યુદ્ધમાં ઘવાયેલા મેડવાનો સિંહ રાણા સાંગા હવે ફરી તલવાર ખેંચી ઉભો થાય તેવી શક્યતા નહિવત હતી. ઘાવ એટલા વધુ અને ઉંડા હતા કે તે શ્વાસને ક્રમશઃ ઘટાડતા ગયા અને અંતે રોકીને જ રહ્યા. પતિની વિદાય પછી સમય પણ રાણી કર્ણાવતીની શક્ય તમામ પરીક્ષા પરીક્ષાઓ લેવા જાણે દરવાજે જ ઉભો હતો. સિંહાસન પર બેસાડવા માટે પુત્રો ઉદયસિંહ અને વિક્રમાદિત્યની ઉંમર હજુ કાચી હતી. રાજ્યની ધૂરા વિક્રમાદિત્યને ચલાવવા અપાઈ પણ ખરી પણ આ ચંદનનો છોડ વૃક્ષ બની શાસનની સુગંધ ફૈલાવવા માટે હજુ નાનું પડતું હતું. કારણ કે ગુજરાતનો શાસક બહાદુરશાહ એક વખત મેવાડ પર ચડાઈ કરી ચુક્યો હતો અને આ યુદ્ધમાં વિક્રમાદિત્યને હાર મળી હતી.

બીજી તરફ દિલ્હીમાં 30 ડિસેમ્બર 1530ના રોજ બાબરના શ્વાસ થંભી ગયા. કાબૂલમાં જન્મેલા હુમાયૂએ આગ્રામાં સત્તા સંભાળી. વિચક્ષણ બુદ્ધિ ધરાવતા રાણી કર્ણાવતીએ રાજનીતિક દૂરદર્શિતાનો પરિચય આપતો એક નિર્ણય કર્યો. તેમણે હુમાયૂ અને બહાદુરશાહને ભેરવી દેવા માટે હુમાયૂ સામે પ્રસ્તાવ રાખ્યો. જેમાં પરસ્પર સહયોગથી બંનેના એક દુશ્મન બહાદુરશાહને યુદ્ધમાં પરાસ્ત કરવાની સંધિ કરી. આમ તો હુમાયૂ કોઈને બક્ષતો ન હતો પણ રાણી કર્ણાવતી માટે તેને લાગણી જન્મી. બીજી તરફ રાણી કર્ણાવતીએ હૂમાયુને ધર્મનો ભાઈ બનાવ્યો અને રાખડી બાંધવાની પરંપરા શરૂ કરી.

એકતાની ઓટને કારણે અટક્યા કર્ણાવતી

હુમાયૂએ રાખડીની લાજ રાખી રાણી કર્ણાવતીનો સમયે સમયે સાથ આપ્યો હતો. તે વખતે ગુજરાતમાં બહાદુરશાહનો દરબાર હુમાયૂ વિરોધીઓનો અડ્ડો બની ગયો હતો. બહાદુરશાહ પોતાની શક્તિ વધારવા અધીરો બની રહ્યો હતો. ચિત્તોડના સિંહાસન પર તેની નજર હતી અને મનમાં ભ્રમ પણ હતો કે રાણી કર્ણાવતીની કોમળ કલાઈ મરોડી સરળતાથી રાણી અને તેના રાજ્ય પર કબ્જો કરી લેશે. સમય પારખી 1533માં તેણે ચિત્તોડ પર બીજી વખત આક્રમણ બોલી દીધું. હરાયા થયેલા બહાદુરશાહના સૈનિકો ચિત્તોડ તરફ ધસી રહ્યા હતા. રાણી કર્ણાવતીની ચિંતા પણ વધી રહી હતી.

રાણી કર્ણાવતીએ અન્ય રાજપૂત શાસકોને સુરક્ષામાં મદદ કરવાની અપીલ કરી હતી. તેમણે એક શરત રાખી કે વિક્રમાદિત્ય અને ઉદયસિંહને યુદ્ધ વખતે સુરક્ષિત સ્થાન બૂંદી મોકલવામાં આવે. રાજમાતા કર્ણાવતીએ પોતાની સૌથી વિશ્વસનીય દાસી પન્નાને રાજકુમારોની બુંદીમાં સારસંભાળ રાખવાની જવાબદારી સોંપી. કર્ણાવતીએ હૂમાયુને વધુ એક રાખડી મોકલી અને મદદ માંગી પણ હુમાયુએ રાજપૂત મૈત્રીની તક ગુમાવી.

હૂમાયુએ મધ્યપ્રદેશના સારંગપુરમાં લશ્કર સાથે પડાવ નાંખ્યો અને ચિત્તોડના પતન સુધી તે ત્યાં જ રોકાયો. ચિત્તોડને સુરક્ષિત રાખવા માટે રાણી કર્ણાવતીએ અંત સુધી પ્રયત્નો કર્યા. તેમણે આસપાસના રજવાડાઓને સમજાવી એક કરવાનો પ્રયાસ કર્યો પણ સમયની સાથે તમામ પલ્ટી ગયા. બીજી તરફ હૂમાયુ તરફથી મદદની આશા ઠગારી નિવડી હતી. ગુજરાતની સેનાની સાથે હતો બહાદુર શાહ પોતે અને રાજપૂત સેનામાં હતાશાનો માહોલ અને શેરદિલ સેનાપતિનો અભાવ. હવે કર્ણાવતી પાસે એક જ વિકલ્પ બચતો હતો અને તે હતો જૌહર કરી અમર થઈ જવાનો.

જૌહર કરી અમર થઈ ગયા રાણી કર્ણાવતી

વાતાવરણ નિરાશામય હતું. અગ્નિકુંડની પૂજા કરાઈ રહી હતી. લાલ પહેરવેશમાં સજ્જ મહિલાઓ ચિત્તોડના કિલ્લામાં આવેલા હવનકુંડ ફરતે પ્રદક્ષિણા કરી રહી હતી. જેવો દુશ્મન બહાદુરશાહ કિલ્લામાં ઘૂસે કે તુરંત રાજપૂતાણીએ સંપૂર્ણ આન, બાન અને શાન સાથે અગ્નિકુંડમાં ઝંપલાવવાની હતી. કુંડના પ્રવેશ દ્વાર પાસે કંકુવર્ણા થાપા મરાઈ રહ્યા હતા. બહાર રાજપૂત યોદ્ધાઓ બહાદુરશાહના સૈનિકોને પરાસ્ત કરવા ઝઝૂમી રહ્યા હતા. વિજયની આશા આકાશે ઢળતા સૂર્યની જેમ ઢળી રહી હતી અને ધગધગતુ લોહી શરીરના ઘાવોમાંથી બહાર આવી રહ્યુ હતું.

યુદ્ધ મેદાને માથા વઢાઈ રહ્યા હતા અને કિલ્લામાં અગ્નિકુંડની જ્વાળાઓ એટલી જ મોટી થઈ રહી હતી. અંતે એ ઘડી આવી કે જ્યારે બહાદુરશાહના સૈનિકો કિલ્લામાં ઘૂસ્યા અને જય ભવાનીના નાદ વધુ બૂલંદ બની ગયા. 8 માર્ચ 1535નો એ દિવસ હતો. રાણી કર્ણાવતીની આગેવાનીમાં 13 હજાર સ્ત્રીઓએ જૌહર કુંડમાં ઝંપલાવ્યું. તેમની કરૂણ ચીસોથી કિલ્લો ગાજી ઉઠ્યો.

1303ની સાલમાં અલ્લાઉદ્દીન ખીલજીના હુમલા વખતે રાણી પદ્માવતીએ કરેલા જૌહર બાદ આ બીજું જૌહર હતું જેણે કાળજુ કંપાવી નાંખે તેવી કરૂણતા સર્જી હતી. રહી રહીને ચિત્તોડ પહોંચેલા હુમાયૂને પણ અફસોસ થયો જો કે નરસંહાર કરી પાછા ફરતા બહાદુરશાહને હુમાયૂએ મંદસૌર નજીક યુદ્ધમાં જબરદસ્ત હાર આપી. એટલું જ નહીં મોટાભાગના ગુજરાત પર કબ્જો જમાવી લીધો જેના કારણે બહાદુરશાહે દીવમાં સહારો લેવો પડ્યો જો કે અહીં બે વર્ષ પછી દરિયામાં પોર્ટુગીઝો સાથેની અથડામણમાં બહાદુર શાહ માર્યો જવાનો હતો.

હવે વિચારીએ કે જીવને બદલે શીલને પ્રાથમિકતા આપનાર રાણી કર્ણાવતી જેવા સ્ત્રી રત્નોને આજની નારીઓ પાસેથી પણ એ જ આશા હશે  જેવી ધાર તેમની આંખો, તેમના ચહેરા, તેમના શબ્દો, તેમના વર્તન અને ચારિત્ર્યની હતી તે જ ધાર ભારતની પ્રત્યેક નારીમાં દેખાય.

(ક્રમશ:)

આપના પ્રતિભાવો માટે [email protected]

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments