તમિલનાડુની એક યુનિવર્સિટીને અરુંધતિ રોયના પુસ્તકને અભ્યાસક્રમમાંથી હટાવવું પડ્યું છે. ફરિયાદીનું કહેવું છે કે, પુસ્તકમાં માઓવાદી વિસ્તારની યાત્રા વિશે વિવાદાસ્પદ વાતોનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં એવો પણ આરોપ છે કે, પુસ્તકમાં માઓવાદીના ગુણગાન ગવાયા છે. એટલે જ પુસ્તક મુદ્દે વિવાદ સર્જાયો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ નોંધાવતા વિરોધનો વંટોળ વધુ મજબૂત થયો અને પુસ્તકને અભ્યાસક્રમમાંથી હટાવવાની ફરજ પડી.
મામલો શું છે ?
મે 2011માં અરૂંધતિ રોયનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું. પુસ્તકનું નામ છે ‘વોકિંગ વિથ ધ કોમરેડ’. આ પુસ્તકને પેંગ્વિન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે છાપ્યું હતું. પુસ્તકમાં અરુંધતિ રોયે માઓવાદી વિસ્તારમાં કરેલા પોતાના પ્રવાસ વિશે લખ્યું હતું.
આ પુસ્તકને તામિલનાડુના તિરુનેલવેલીમાં આવેલી ‘મનોનમનિયમ સુંદરનાર યુનિવર્સિટી’એ વર્ષ 2017માં પોતાના અભ્યાસક્રમમાં સામેલ કર્યું હતું. એમએના ત્રીજા સેમેસ્ટરમાં રાષ્ટ્રમંડળ સાહિત્ય શ્રેણી અંતર્ગત વિદ્યાર્થીઓને આ પુસ્તકમાંથી અભ્યાસ કરાવાતો હતો.
આ પુસ્તકમાં લખવામાં આવેલા કેટલાક મુદ્દાઓનો ABVPએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે ABVPના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં ફરિયાદ પણ નોંધાવી છે. ABVPના સાઉથ તામિલનાડુના સંયુક્ત સચિવ સી.વિગનેશે આ મુદ્દે કહ્યું કે, ‘આ પુસ્તક રાષ્ટ્રવિરોધી માઓવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. સાથે જ માઓવાદીઓએ કરેલા દંગાઓ અને હત્યાઓને સાચી ગણાવી છે. સૌથી વધુ દુઃખની વાત છે કે, માઓવાદી અને નક્સલ વિચાર છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ પર થોપવામાં આવી રહ્યા છે. શિક્ષકોએ એક રાષ્ટ્ર વિરોધી વિષય ભણાવ્યો. આ પુસ્તકને તાત્કાલિક અભ્યાસક્રમમાંથી હટાવવામાં આવે અને યુનિવર્સિટી માફી માગે.’
જોકે આ પ્રથમવાર નથી. વર્ષ 2016માં છત્તીસગઢના જગદલપુરના એક સ્થાનિકે આ પુસ્તક વિરૂદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. અને જગદલપુરના એસપી પાસે આ પુસ્તક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે, પુસ્તકમાં ભારતીય સેના વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જેનાથી લાગી રહ્યું છે કે આ દેશદ્રોહને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રોય અને પેંગ્વિન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સામે છત્તીસગઢ જનસુરક્ષા અધિનિયમ 2005 મુજબ કાર્યવાહીની માગણી કરી હતી.
અરુંધતિ રોય ભારતના પ્રથમ મહિલા બુકર પ્રાઈઝ વિનર છે. વર્ષ 1997માં એમને ‘ગોડ્સ ઓફ સ્મોલ થીંગ્સ’ નલકથા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી તેમણે નવલકથા ક્ષેત્રે કોઈ એટલું મોટું પ્રદાન નથી આપ્યું. તેમની સફળ કૃતિમાં ‘ગોડ્સ ઓફ સ્મોલ થીંગ્સ’નો જ સમાવેશ થાય છે.