Homeસિનેમાવાદઆનંદ બક્ષી આર્મીમાં હતા એટલે અનુશાસનના પાક્કા હતા અને એટલે જ 4,000...

આનંદ બક્ષી આર્મીમાં હતા એટલે અનુશાસનના પાક્કા હતા અને એટલે જ 4,000 ગીત લખી શક્યા

ઝાલાવાડી જલજીરા: તમે ફિલ્મ શું કરવા જોવા જાવ છો? હવે ફિલ્મો એટલે જોવાય છે, કારણ કે પટકથા સારી હોય. પહેલા ફિલ્મો માનીતા હીરોના કારણે જોવા જવાનું ચલણ હતું. આજે એ ચલણ દક્ષિણ પૂરતું મર્યાદિત થઈ ગયું છે. એ જ દક્ષિણ એ ચલણ ફરી હિન્દી પટ્ટીમાં સ્થાપિત કરવાના ભગીરથ પ્રયાસોમાં લાગી ગયું છે.

shreeji dhosa

પહેલા ફિલ્મમાં કંઈ કાઢી લીધા જેવું ન હોય તોપણ લોકો ગીતો સાંભળવા માટે જતા હતા. આજે સારા કહી શકાય એવા, જે વર્ષો સુધી યાદ રહે એવા, ગીતો બનતા અને સંભળાતા ઓછા થયા છે. આજે આનંદ બક્ષીના એ સોનેમઢેલા દાયકાઓનું સ્મરણ ક્વચિતે જ કોઈને થાય છે. ઘણી વખત તો સાંભળનારને પણ ખબર નથી હોતી કે આટલા સરસ શબ્દો આનંદ બક્ષીએ લખ્યા છે.

આનંદ બક્ષી એટલે એ લખવૈયો જેણે શશી કપૂરની ઢળતી કારકિર્દીમાં પોતાના ગીતો થકી ચાર ચાંદ લગાવી દીધા અને જેણે પોતાના ગીતો દ્વારા કિશોર કુમાર અને રાજેશ ખન્ના બંનેની ગાડી પૂરપાટ વેગે દોડતી કરી દીધી. કિશોર, રાજેશ, શશી આ બધા યાદ છે પણ આનંદ બક્ષીનું નામ આવતા નવી પેઢીને ગૂગલ કરવાની જરૂરિયાત ઊભી થઈ જાય છે.

આનંદ બક્ષીને સિનેમા પ્રત્યે આકર્ષણ તો ખરું જ. બદલા ફિલ્મથી સિનેમામાં પ્રવેશ કરવાનો એક નિષ્ફળ પ્રયાસ તેમણે કર્યો હતો. ફેલ થયા એટલે નેવીમાં જોઈન થઈ ગયા. એ પહેલા ટેલીફોન ઓપરેટર બની સેનામાં કામ કરતા હતા. ભાગલા પડ્યા અને આનંદ બક્ષીનું પરિવાર ભારત આવી ગયું. આનંદે ફરી માયાનગરી મુંબઈમાં કામ કરવાનું મન બનાવ્યું પણ કંઈ ખાસ ન થયું એટલે પાછા સૈન્ય તરફ વળી ગયા.

વીસમી સદીના પચાસમાં દાયકા સુધી તેમણે સૈન્યમાં કામ કર્યું. બક્ષીએ કહ્યું છે કે, આર્મીની નોકરી તેમને અનુશાસનમાં ખૂબ કામ આવી. તેઓ 4,000 ગીત લખી જ એટલે શક્યા કારણ કે આર્મીના અનુશાસનને તેઓ જિંદગીમાં પણ અપનાવતા હતા. જ્યારે કોઈ ગીત લખવા આપે ત્યારે સમયસર ગીત લખી આપે. કોઈ પ્રકારની બાંધછોડ નહીં. ગમે તેવી દુર્દર્શ સ્થિતિમાં પણ કામ કરી જ આપવાનું.

shreeji dhosa

આર્મી છોડ્યા પછી તેઓ હિન્દી સિનેમામાં એક ગીતકાર તરીકે આવ્યા. અનુરાગ બાસુની લૂડો ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની અનેકાધિક એન્ટ્રી સમયે વાગતું ઓ બેટા જી…. ગીત યાદ છે. એ ગીતમાં જે અભિનેતા હતા એ ભગવાન દાદાએ તેમને ભલા આદમી ફિલ્મમાં કામ આપ્યું. જોકે પ્રથમ સફળતા આનંદ બક્ષીને જબ જબ ફુલ ખિલેના લખેલા ગીત પરદેસિયોં સે ના અખિયાં મિલાનાથી મળી હતી. કહેવાય છે કે શશિ કપૂરની કારકિર્દીનો સૂર્યાસ્ત થવાના આરે હતો, પરંતુ આ ગીત થકી બક્ષીએ તેમને નવજીવન બક્ષ્યું.

બક્ષી જેને અંત સુધી પોતાના શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન આપે છે, તે છે ચિંગારી કોઈ ભડકે. આ ગીત તેમણે અમરપ્રેમમાં રાજેશ ખન્ના માટે લખ્યું હતું. આ ગીતને લખવાનો વિચાર તેમને વરસાદમાં અચાનક પાણી પડવાથી સળગતી દિવાસળી ઠરી જવાના દૃશ્યથી આવ્યો હતો. આનંદ બક્ષીની કારકિર્દીનો ગ્રાફ આપણે ઉપર ચઢતા જોઈએ છીએ. કેટલાય એવા ગીતકારો છે જેમણે એક સમયે સુપરહીટ ગીતો લખી આપ્યા પણ પછી કલમનો જાદુ ઓસરવા લાગ્યો. યા તો દિગ્દર્શક કે સંગીત દિગ્દર્શક તેમની પાસેથી કામ કઢાવી ન શક્યા કે તેઓ ખૂદ પોતાની જાતને ધક્કો ન મારી શક્યા. ત્રીજું એમ પણ ધારી શકાય કે કેટલાય ગીતકારો પોતાની આગવી શૈલીનું નિરુપણ કરવાની જગ્યાએ પોતના આદર્શના રસ્તે ચાલ્યા. જેઓ લાંબું ન ખેંચી શક્યા.

આનંદ બક્ષી કંઈક અલગ માટીના હતા. એમણે જૂની પેઢી માટે અમર પ્રેમનું કુછ તો લોગ કહેંગે ગીત લખ્યું અને 1990 આવતા આવતા તૈયાર થયેલી નવી પેઢીના હ્રદયમાં બુડબુડિયા બોલાવવા ટીપ ટીપ બરસા પાની લખ્યું. એ ગીતની લોકપ્રિયતા ત્યાંથી જ આંકી શકાય કે 2021ની સૂર્યવંશમમાં પણ તેને ફિલ્માવવામાં આવ્યું છે. જનરેશન શબ્દ આવે ત્યારે ‘ગેપ’ યાદ આવે, આનંદ બક્ષી એવી વ્યક્તિ છે જેણે બંને પેઢીઓના સ્વાદને ઓળખ્યો.

shreeji dhosa

આનંદ બક્ષીના ગીતોમાં ચકાચૌંધ કરી દેતા કે કોઈને પણ આકર્ષિત કરતાં શબ્દોની ભરમાર નથી. એ અન્ય ગીતકારો, દિગ્દર્શકો અને સંગીતકારોને ખુશ કરવાના હેતુથી નથી લખતા. આવું નથી કરતા એટલે એ આનંદ બક્ષી છે. એ એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે વ્યવહારમાં છે. જે લોકો ખૂદ બોલવા ઈચ્છે છે પણ તેમની પાસે વ્યક્ત થવાની કળા નથી. એમની કલમમાંથી લોકશાહી ટપકે છે. લોકો ઈચ્છે એ જ અર્પણ કરવાનું. દુર્ભાગ્યવશ આવા પ્રયોગો સાહિત્યિક લેખનમાં ચાલતા નથી. આનંદ આધુનિક એટલા માટે છે કે જ્યારે પેઢી બદલાઈ ત્યારે તેમણે નવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો જેથી પોતે માર્કેટમાંથી ખોવાઈ ન જાય. આ ગીતકાર પોતાના લેખન પ્રત્યે સજ્જ છે. એ અવગત છે એ વાતથી કે જૂના કરેલા પ્રયોગો વારંવાર ચાલતા નથી. ચાલે તોપણ લાંબો સમય ખેંચી શકતા નથી. ગીતકાર તરીકે મનુષ્યની જીજ્ઞાસાવૃત્તિથી તેઓ પરિચિત છે.

સર્જક પોતાના સર્જનમાં અસંખ્ય વખત ડોકાતો હોય છે. આનંદ બક્ષી જ નહીં પરંતુ કોઈ પણ ગીતકાર આપણી પકડમાંથી આબાદ છટકી જવાનો છે, આપણે તેના સર્જનમાંથી તેના જીવનને અલગ નથી તારવી શકવાના, કારણ કે અહીં તો પરિસ્થિતિનો પહેલાથી જ પ્રસવ થઈ ચૂક્યો છે. તેના પર કેટલાક દબાણ લાદવામાં આવ્યા છે. તોપણ આનંદના કવનની કોઈ સાવ નજીક ચાલ્યું જશે એ બરખુરદારને ખબર પડી જશે કે આ ગીતમાં આનંદ સ્વયં ઊભો છે.

આનંદ બક્ષી ફક્ત લવર્સ ચોઈસ નથી. જિંદગી કે સફર મૈં…. ગીત થકી તેઓ એક પ્રેરણા ઊભી કરે છે. પ્રેમની વ્યાખ્યા આપતા પ્યાર દિવાના હોતા હૈ લખે છે…. વિખૂટા પડનારા માટે યમ્મા યમ્મા… બસ આજ કી રાત હૈ જિંદગી કલ હમ કહાં તુમ કહાં… બક્ષીની વાતનો તો ક્યારેય અંત ન આવે, ચંદ્રકાંત બક્ષીની જેમ જ! આનંદ બક્ષી એટલું શું? એ માટે મિસ્ટર એક્સ ઈન બોમ્બેનું મેરે મહેબુબ કયામત હોગી સાંભળવું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments