Homeગામનાં ચોરેને બિરલા હાઉસનું અવલોકન કરતાં કરતાં નથુરામ ગાંધીજીના ખાટલા સુધી પહોંચી ગયો

ને બિરલા હાઉસનું અવલોકન કરતાં કરતાં નથુરામ ગાંધીજીના ખાટલા સુધી પહોંચી ગયો

Team Chabuk-Special Desk : મહારાષ્ટ્રનું ઉકસાન ગામ. એ ગામમાં પોસ્ટરમાસ્તર દોડીને જતો હતો. એના ત્રણ સંતાનો તો મરી ગયેલા એટલે એણે આખડી રાખી હતી કે હવે ચોથા સંતાનનું બાળમરણ ન થાય અને તે જીવતો રહી જાય, તો દેવસ્થાને એનું નાક વીંધાવું અને નાનપણમાં તો તેને નથણી જ પહેરાવું.

પોસ્ટમાસ્ટર વિનાયક વામનરાવના એક બાદ એક ક્રમશ: ત્રણ પુત્રોનું મરણ થયું હતું. ચોથા ક્રમનું બાળક પેદા થયું તેનું પોસ્ટમાસ્ટરજીએ નામ રાખ્યું રામચંદ્ર અને તેને નિયમ પ્રમાણે નથણી પહેરાવી દીધી. નાનપણમાં પહેરેલી એ નથણી તેના જીવન સાથે જોડાઈ ગઈ. પછી તો આસપડોશના લોકો, ગામના છોકરાઓ બધા તેને નથુ કહીને બોલાવવા લાગેલા. વખત જતા રહીને રામચંદ્ર નામ વિસરાઈ જવાનું હતું. આ નામને તેના હુલામણા નામ સાથે જોડી દેતા એક નવું નામ સામે આવ્યું. નથુરામ.

નથુરામ એ પોસ્ટમાસ્ટરજી વિનાયક વામનરાવ માટે ભાગ્યશાળી જ પૂરવાર થયો. તેના પછી તેની પત્નીએ ઉતરોતર ત્રણ દીકરાઓને જન્મ આપ્યા. ગોપાલ, ગોવિંદ અને દતાત્રેય.

સમય જતા એ નથણી નીકળી ગઈ પણ નામ ન નીકળ્યું. નથુરામે વધારે જ્ઞાનોપાર્જન નહોતું કર્યું. એ વખતે જ્ઞાન કરતાં ધર્મના રંગે તે વધારે રંગાયો. કહી શકાય એટલું શિક્ષણ લીધું અને મરાઠીભાષામાં પ્રકાશિત થતા ધર્મના પુસ્તકોનું અધ્યયન કર્યું. આ રીતે નથુરામ હિન્દુવાદના રંગે રંગાયો અને તેને વેગ આપવાનું પિસ્ટન એન્જીન વીર સાવરકર બન્યા.

ચાફેકર બંધુઓની હત્યા બાદ વીર સાવરકર હિન્દુત્વના રંગે રંગાયા હતા. તેમના વિચારો મહાત્મા ગાંધીના અહિંસાની જેમ નહોતા. એ ખુલ્લમખુલ્લા હતા. નથુરામને મળ્યા ત્યારે આંદમાનની જેલમાં 14 વર્ષની કાળા પાણીની સજા પૂર્ણ કરી આવ્યા હતા. નથુરામ પણ તેમની સાથે જોડાઈ ગયો.

પોતાના આયોજનને વેગવંતુ બનાવવા માટે હિન્દુ મહાસભાની સ્થાપના કરવામાં આવી. હિન્દુ મહાસભાની સ્થાપનાનો હેતુ એટલો જ હતો કે નિઝામના હૈદરાબાદના કેટલાક મુસ્લિમો હિન્દુઓની સરહદો સુધી આવી જતા હતા અને તેમને રંજાડતા હતા. તેમને પાઠ ભણાવવા માટે પ્રથમ આગેવાની નથુરામ ગોડસેએ લીધી.

ઈતિહાસ ચાલતો રહ્યો અને પછી એક સમય એવો આવ્યો કે ગાંધીજીની હત્યાનું કાવતરુ ઘડાવા લાગ્યું. આ કાવતરાને સમસૂતરું પાર પાડવા માટે નવ લોકો એકઠા થયા હતા. જેમના નામ નથુરામ વિનાયક ગોડસે, નારાયણ દતાત્રેય આપ્ટે, વિષ્ણુ રામચંદ્ર કરકરે, દિગમ્બર રામચંદ્ર બડગે, મદનલાલ કાશ્મીરીલાલ પહાવા, શંકર કિસ્તૈયા, ગોપાલ વિનાયક ગોડસે, ડો. દતાત્રેય સદાશિવ પરચુરે, વિનાયક દામોદર સાવરકર હતા.

16 જાન્યુઆરી 1948ની તારીખ હતી. દિગમ્બર બગડે શસ્ત્ર ભંડારની દુકાન ચલાવતો હતો. નથુરામ તેની મુલાકાતે ગયો. તેણે ટેબલ પર ટચૂકડી પિસ્તોલનો ઘા કર્યો અને કહ્યું, ‘આનાથી મોટી પિસ્તોલ જોઈશે.’

દિગંબર બગડેની પાસે શસ્ત્રો ભરપૂર હતા પણ થાય એમ ન હતા, કારણ કે નથુરામ જે હથિયાર માગી રહ્યો હતો તેના કારતૂસો ક્યાંથી કાઢવા. તેણે હથિયારખાનામાં ચબરાક ઉંદરની જેમ સંશોધન કર્યું પણ કંઈ હાથ ન લાગ્યું. હતાશ થઈ તે નથુરામની સામે આવ્યો અને મૌન થઈ ગયો.

નથુરામનો ભાઈ વચ્ચે આવી પડ્યો. તેણે કહ્યું, ‘વિશ્વયુદ્ધના સમયે આપણા ઉકસાના ગામમાં જમરુખના ઝાડની નીચે એક બંદૂક દાટેલી છે.’

તેની આ વાત નથુરામને સમજાય કે ન સમજાય પણ શસ્ત્રોના ઉસ્તાદ દિગંબરને સમજાઈ ગઈ. એણે ડોકુ હલાવી હાક કરી અને ગોપાલ પોતાની નોકરીમાંથી સાત દિવસની રજા લઈ ગામડે ગયો. જોકે એ પિસ્તોલ પણ કામ ન આવી.

દિલ્હી જતાં પહેલા તેઓ એકઠા થયા. આપ્ટે અને ગોડસે પ્લેન મારફતે ગયા જ્યારે બીજા સાથીદારો ટ્રેનમાં આવવાના હતા. બીજા દિવસે ચૂંક ન રહી જાય આ માટે ગોડસે અને આપ્ટે દિલ્હી ખાતે આવેલ બિરલા હાઉસનું નિરીક્ષણ કરવા ગયા. ગાંધીજીની પ્રાર્થના સભામાં હાજરી આપી અને આસપાસ જોતા ખ્યાલ આવી ગયો કે સિક્યોરિટી નબળી છે.

મોકાનો ફાયદો ઉઠાવવા તમામ સભ્યો ભેગા થયા. ગોડસે રિવોલ્વર ચલાવી પૂર્વાનુભૂતિ કરી. એ રિવોલ્વર ચાલી નહીં. જૂના જમાનાની હતી. એકદમ ઠોઠીયું. ટેસ્ટ ફાયરિંગ વખતે તેના બધા પૂર્જા ઢીલા થઈ ગયા અને ઉપસ્થિત સૌના મનમાં નિરાશા ઘેરી વળી. પિસ્તોલમાં રહેલ બુલેટ છૂટતી હતી તો પણ તેની ગતિ વધારે નહોતી.

આખરે નક્કી થયું કે હેન્ડ ગ્રેન્ડનો ઉપયોગ કરવામાં આવે. ગાંધીજીને મારવા માટે હેન્ડ ગ્રેનેડ તૈયાર કરવામાં આવી. આ કાવતરૂ પણ સફળ ન થયું. જોકે આ કાવતરા પહેલા એક મોટી નિષ્ફળતા હાથ લાગી ગઈ. પોલીસના હાથમાં મદનલાલ પહાવા લાગી ગયો. મદનલાલને પકડનારાઓમાં બિરલા હાઉસનો સિપાઈ ભુરસિંહ, સાર્જન્ટ રામચંદર અને રતનસિંહ હતા. દિલ્હીના તુઘલક રોડ પોલીસ સ્ટેશને મદનલાલની પૂછતાછ કરવામાં આવી.

મોટી નિષ્ફળતા પછી નથુરામની પલટન મુંબઈ પાછી આવી ગઈ. રવિવારની 25મી તારીખે આગામી આયોજન કરવા માટે બેઠા ત્યારે નથુરામે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘હું ગાંધીજીને મારીશ અને ત્યાંથી ભાગીશ નહીં.’ ઉપસ્થિત સૌ લોકો વિમાસણમાં પડી ગયા.

29 તારીખે ગ્વાલિયરવાળી ટ્રેનમાં નથુરામ અને આપ્ટે પહોંચ્યા. ટ્રેન મોડી પડી હતી. સ્ટેશન પર હેમખેમ આટા મારી રહેલા કરકરે સાથે મુલાકાત કરી. નથુરામે ખાતરી કરવા માટે થેલામાંથી બંદૂક કાઢી. કરકરે નથુરામના હાથમાં પિસ્તોલ જોઈ ડઘાઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. આવી પિસ્તોલ તેણે અગાઉ કોઈ દિવસ નહોતી જોઈ. નથુરામે તેની આંખોની ચમક વધારવા માટે રૂમાલમાં વીંટળાયેલી બીજી સાત બુલેટ બતાવી.

ગાંધીજીને શૂટ કરવાનું નારાયણ આપ્ટેએ અલગ કાવતરૂ ઘડી કાઢ્યું હતું. તેના મત મુજબ નથુરામ ફોટોગ્રાફર તરીકે સભામાં પ્રવેશે. ફોટોગ્રાફ લેતા સમયે ત્યારે કાળું કપડું ઓઢી રાખવામાં આવતું હતું. એ ઓઢી લે અને નિશાનો લગાવે. આ યોજના ફગાવી દેવામાં આવી. ફગાવી દેવાનું કારણ એ હતું કે ગાંધીજી સુધી કોઈ ફોટોગ્રાફર એટલો તો નજીક ન જઈ શકે. બીજી યોજના પ્રમાણે મુસ્લિમ સ્ત્રીનો બુરખો પહેરી જવું અને હત્યા કરવી. આ વાત પર મહોર મારી દેવામાં આવી. બજારમાંથી આપ્ટે અને કરકરે એક બુરખો ખરીદવા માટે ગયા.

એ બુરખો ખરીદીને આવે ત્યાં નથુરામ હાજર નહોતો. એ બિરલા હાઉસ પહોંચી ગયો હતો. સમગ્ર ગતિવિધિનું પ્રારંભિક અવલોકન કરવા માટે. તેણે નિરીક્ષણ કર્યું કે અહીં તો ફક્ત એક જ ચોકીદાર છે. એ રખડતો રખડતો ત્યાં સુધી પહોંચી ગયો જ્યાં ગાંધીજી ખાટલા પર સુતા હતા. એ નજીક આવ્યો પણ ત્યાં મનુબેને એને અહીં સુધી આવવા બદલા ટોકીને બહાર ખદેડી મૂક્યો. મનુ તેને જોઈ ન જાય એ માટે તે ચિત્તાની સ્ફૂર્તિથી ભાગી ગયો.

ફરી પાછા આવી ગોડસે એ બુરખો પહેર્યો. બુરખામાં તો અગવડતા થતી હતી. એ બુરખામાંથી પિસ્તોલ કેવી રીતે કાઢી શકાય. ત્રણે ફરી મૂંઝાયા. છેલ્લે નથુરામે સાદા કપડાં જ પહેર્યા.

ફરી બિરલા હાઉસ પહોંચ્યા. સુરક્ષાનો ઘેરો નબળો હતો. એ તેમણે આંખોથી માપી લીધું. ગાંધીજી બહાર નીકળ્યા. તેમની સાથે મનુ અને આભા હતી. જેમના ખભા પર તેમણે હાથ રાખેલા હતા.

નથુરામ એમની નજીક આવ્યો અને બોલ્યો, ‘નમસ્તે બાપુ.’

મનુ બોલી, ‘બાપુને થોડું મોડું થાય છે…’ વધારે કંઈ બોલવા જાય એ પહેલા જ નથુરામે મનુને ધક્કો માર્યો અને એક બાદ એક એમ ત્રણ ગોળીઓ છોડી દીધી.

આ દુર્ઘટના બનતાની સાથે જ બિરલા હાઉસના માળી રઘુએ દોડીને નથુરામને દાંતરડાની મૂઠથી ફટકાર્યો. દેવરાજ સિંહે તેના હાથમાં રહેલી પિસ્તોલ આંચકી લીધી.

260 દિવસ ચાલેલા આ કેસમાં અંતે નથુરામ અને નારાયણ આપ્ટેને મોતની સજાનો હુકમ કરવામાં આવ્યો. વિષ્ણુ કરકરે, મદનલાલ પહાવા, શંકર કિસ્તૈયા, ડો. દતાત્રેય પરચુરે અને ગોપાલ ગોડસેને જન્મટીપની સજા આપવામાં આવી. વીર સાવરકર નિર્દોષ ઠર્યા.

પંજાબ હાઈકોર્ટમાં ફરી કેસ ગયો ત્યારે ડો. દતાત્રેય પરચૂરે અને શંકર કિસ્તૈયા નિર્દોષ ઠર્યા બાકીના પાંચની સજા કાયમ રાખવામાં આવી. નવેમ્બર 15-1949. એટલે કે આજની તારીખે જ નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા આપવામાં આવી.

(સંદર્ભ : Why I Killed Gandhi, સફારી અંક -165-ફેબ્રુઆરી-2008)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments