Homeવિશેષસિંહાસન બત્રીસી : કીર્તિમતીની રાજા વિક્રમાદિત્ય અને સર્વશ્રેષ્ઠ દાનવીરની વાર્તા

સિંહાસન બત્રીસી : કીર્તિમતીની રાજા વિક્રમાદિત્ય અને સર્વશ્રેષ્ઠ દાનવીરની વાર્તા

Team Chabuk : બારમી પુતળીની વાર્તા પૂર્ણ થતાં તેરમી પુતળી કીર્તિમતીએ રાજાભોજને વિક્રમાદિત્ય અને દાનવીરતાની વાર્તા સંભળાવી.

એક વખત રાજા વિક્રમાદિત્યએ મહાભોજનું આયોજન કર્યું. એ ભોજનમાં અસંખ્ય વિદ્રાન, બ્રાહ્મણ, વેપારી અને દરબારી આમંત્રિત હતા. ભોજનની મધ્યમાં જ એ વાતની ચર્ચા ચાલી કે સંસારમાં સૌથી મોટો દાનવીર કોણ છે. તમામે એક સ્વરે વિક્રમાદિત્યને સંસારનો સૌથી મોટો દાનવીર ઘોષિત કરી દીધો. રાજા વિક્રમાદિત્ય આસપાસના લોકોના ભાવ જોઈ રહ્યાં હતાં. ત્યાં એમની નજર એક બ્રાહ્મણ પર પડી જે પોતાનો મત નહોતો આપી રહ્યો. તેના ચહેરાના હાવભાવ સ્પષ્ટ કહી રહ્યા હતા કે એ આ લોકોના વિચારોથી સહમત નથી.

વિક્રમે તેના મૌન રહેવા પાછળનું કારણ પૂછ્યું, ‘બ્રાહ્મણ તમે કેમ ચૂપ છો ?’

‘મહારાજ નાનું મોં મોટી વાત. હું તો અહીં ઉપસ્થિત સર્વે જનમાં નાનો તો છું જ ઉપરથી મને સંશય છે કે હું મારો અલગ મત આપ સૌની આગળ રાખીશ તો મારી વાત કોણ સાંભળશે?’

‘અહીં તમને કોઈ નહિ રોકે ભૂદેવ. બોલો, નિશ્ચિત થઈને બોલો.’ મહારાજાએ આશ્વાસન આપ્યું.

‘મહારાજા માફ કરજો, પણ હું જવાબ આપતા વ્યાકુળ છું, કારણ કે હું અસત્ય બતાવીશ તો ખોટું બોલ્યાનું પાપ મુજ બ્રાહ્મણ પર લાગશે અને જો હું સત્ય બોલું છું તો કદાચિત્ આપના કોપનું ભોગ મારે બનવું પડે.’

હવે વિક્રમની જિજ્ઞાસા વધી. તેણે તેની સ્પષ્ટવાદિતાની પ્રશંસા કરી અને તેને નિર્ભય થઈને તેની વાત કહેવાનું કહ્યું.

બ્રાહ્મણે આ વાતથી સંતોષ મેળવતા કહ્યું, ‘મહારાજા વિક્રમાદિત્ય તો ખૂબ મોટા દાની છે. એ વાત સત્ય છે, પણ આ ભૂલોક પરના સૌથી મોટા દાની એ નથી.’ આ સાંભળતા જ સૌ ચોંકી ગયા.

આશ્ચર્યચકિત્ત થઈ સૌએ પૂછ્યું, ‘શું આવું થઈ શકે ? તો કોણ છે મહારાજા વિક્રમાદિત્ય કરતા પણ મોટો દાની ?’

તેના પર એ બ્રાહ્મણે કહ્યું, ‘સમુદ્રની પાર એક રાજ્ય છે. ત્યાંનો રાજા કીકિર્તિધ્વજ જ્યાં સુધી એક લાખ સુવર્ણમુદ્રાનું પ્રતિદિન દાન નથી કરતો ત્યાં સુધી પેટમાં અન્નનો દાણો પણ નથી પધરાવતો. જળ પણ ગ્રહણ નથી કરતો. મહારાજ જો મારી વાત અસત્ય પ્રમાણિત થાય છે તો હું કોઈ પણ દંડ ભોગવવા માટે તૈયાર છું.’

રાજાના વિશાળ ભોજ કક્ષમાં નિ:સ્તબ્ધતા છવાઈ ગઈ. બ્રાહ્મણે જણાવ્યું કે, ‘કીકિર્તિધ્વજના રાજ્યમાં તો હું લાંબા સમય સુધી રહ્યો અને અઢળક સુવર્ણમુદ્રાઓ લીધી. એ વાત સત્ય છે મહારાજ કે કીકિર્તિધ્વજ એક લાખ સુવર્ણમુદ્રાઓ દાનમાં આપ્યા પછી જ ભોજન આરોગે છે. બસ મહારાજા વિક્રમાદિત્ય, આ જ કારણ છે કે ભોજનમાં ઉપસ્થિત સર્વે લોકોની હામાં મેં હા ન મીલાવી.’

રાજા વિક્રમાદિત્ય બ્રાહ્મણની સ્પષ્ટવાદિતાથી પ્રસન્ન થઈ ગયા અને તેમણે તેમને ઈનામ આપી સાદર વિદાય કર્યો. બ્રાહ્મણના ગયા પછી રાજા વિક્રમાદિત્યે સાધારણ વેશ ધારણ કર્યો અને બંને વેતાલનું સ્મરણ કર્યું. બંને વેતાલ સામે પ્રગટ થતા જ રાજાએ કહ્યું, ‘વેતાલ અમને મહારાજા કીકિર્તિધ્વજના રાજ્યમાં પહોંચાડી દો.’

વેતાલોએ પળવારમાં રાજાને ત્યાં પહોંચાડી દીધા. કીકિર્તિધ્વજના મહેલના દ્રાર પર પહોંચીને તેણે તેમનો પરિચય ઉજ્જેન નગરીના એક સાધારણ નાગરિકના રૂપે આપ્યો અને કીકિર્તિધ્વજ સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

કીકિર્તિધ્વજ સાથે વેશપલટો કરીને ગયેલા મહારાજા વિક્રમાદિત્યની મુલાકાત થઈ. વિક્રમાદિત્યએ કહ્યું, ‘મને આપના રાજ્યમાં કોઈ નોકરી અપાવો.’

‘તું શું કામ કરી શકે છો ? હું એ જ કામમાં તારી સેવા લઉં. જેને જે કામ ગમતું હોય એ કરે તો સેવા પણ ઉત્તમ થાય.’

‘મહારાજા જે કોઈ નહિ કરી શકે એ કામ કરીને હું બતાવીશ.’ વિક્રમાદિત્યએ કહ્યું.

રાજા કીકિર્તિધ્વજને વિક્રમાદિત્યનો જવાબ પસંદ આવ્યો. તેમણે વિક્રમાદિત્યને સેવા પર રાખી લીધો. એ દ્રારપાળના રૂપે નિયુક્ત થઈ ગયા. રોજ વિક્રમાદિત્યએ જોયું કે મહારાજા  કીકિર્તિધ્વજ એક લાખ સુવર્ણમુદ્રાઓનું દાન કરે છે અને પછી જ અન્ન જળ ગ્રહણ કરે છે.

આ સિવાય મહારાજાએ એક વિસ્મય પમાડતી વાત જોઈ. રોજ સાંજે રાજા કીકિર્તિધ્વજ એકલો જ ક્યાંક જાય છે અને પરત આવે છે તો તેના હાથમાં સોનાની મુદ્રાઓથી ભરેલી થેલી હોય છે.

એક દિવસ આમ જ કીકિર્તિધ્વજ નીકળ્યો. મહારાજા વિક્રમે તેનો પીછો કર્યો. તેમણે જોયું કે કીકિર્તિધ્વજ સમુદ્રમાં સ્નાન કરીને મંદિરમાં જાય છે અને એક પ્રતિમાની પૂજા-અર્ચના કરીને ઉકળતા તેલમાં કૂદી પડે છે. તેનું આખું શરીર સળગી જાય છે તો જોગણી આવીને તેના સળગેલા શરીરને ઉકળતા ટોપમાંથી કાઢી ખાઈ ને તૃપ્ત થઈ ચાલી જાય છે. જોગણીના ગયા પછી મંદિરની પ્રતિમાની દેવી પ્રગટ થાય છે. જે અમૃતના ટીપા નાખીને કીકિર્તિધ્વજને પુન:જીવિત કરી દે છે. એટલું જ નહિ પોતાની થેલીમાંથી એક લાખ સુવર્ણમુદ્રાઓ કીકિર્તિધ્વજના ખોળામાં નાખી દે છે અને કીકિર્તિધ્વજ ખુશ થઈ પરત ફરે છે. સવારમાં એ જ સુવર્ણમુદ્રાઓ તે લોકોને દાનમાં આપે છે. વિક્રમાદિત્યની જાણમાં રોજ એક લાખ સુવર્ણમુદ્રાઓ દાન કરવાનું રહસ્ય સામે આવી ગયું.

આગલા દિવસે કીકિર્તિધ્વજ સુવર્ણમુદ્રાઓ લઈ પરત ફર્યો. રાજા વિક્રમ એ જ તાકમાં હતો. કીકિર્તિધ્વજના પરત ફરતા તેણે સ્નાન કર્યું અને ઉકળતા તેલમાં કૂદી પડ્યો. જોગણી આવી તેના શરીરને ઉકળતા તેલમાંથી બહાર કાઢી ખાઈ ગઈ. એ પછી પ્રતિમાની દેવી પ્રગટ થઈ. તેણે વિક્રમાદિત્ય પર અમૃતનાં ટીપા નાખી તેને પુન:જીવિત કરી દીધો. દેવી તેને સુવર્ણમુદ્રાઓ આપવા જ જતી હતી ત્યાં મહારાજા વિક્રમાદિત્યએ હાથ આડો રાખી કહ્યું, ‘દેવી તમારી કૃપા જ મારા માટે સર્વોપરિ છે.’ આમ કહી મહારાજાએ ના પાડી દીધી.

આ જ ક્રિયા સાત વખત થઈ. પ્રતિમાની દેવીએ સાતમી વખત આવું થતાં કહ્યું, ‘હવે તું કંઈક માગી લે.’

વિક્રમ આજ રાહ જોઈને બેઠો હતો. તેણે દેવી પાસેથી એ થેલી માગી લીધી જેમાંથી સુવર્ણમુદ્રાઓ નીકળતી હતી અને કીકિર્તિધ્વજને તેમાંથી કેટલીક સુવર્ણમુદ્રાઓ મળતી હતી. એ થેલી દેવીએ તેને સોંપતા જ ચમત્કાર થઈ ગયો.

મંદિર અને પ્રતિમા સહિત બધું ગાયબ થઈ ગયું. હવે દૂર દૂર સુધી ફક્ત સમુદ્રતટ જ દેખાતો હતો. બીજા દિવસે જ્યારે કીકિર્તિધ્વજ ત્યાં આવ્યો તો દુ:ખી દુ:ખી થઈ ગયો. તેનો વર્ષોથી એક લાખ સુવર્ણમુદ્રાઓ દાન કરવાનો નિયમ તૂટી ગયો. તે અન્ન જળ ત્યાગ કરીને અસહાય પોતાના કક્ષમાં પડ્યો રહ્યો. તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. જ્યારે તેની હાલત અત્યાધિક બગડવા લાગી, તો વિક્રમ તેની પાસે ગયો અને તેની ઉદાસીનું કારણ પૂછ્યું.

કીકિર્તિધ્વજ તેને ઉદાસીનું કારણ જણાવ્યું.

વિક્રમે તેના હાથમાં થેલી રાખતા કહ્યું, ‘રોજ રોજ તું ઉકળતા તેલમાં કૂદતો હતો. મને એ યોગ્ય નહોતું લાગતું. મેં દેવી પાસેથી એ થેલી જ માગી લીધી જેમાંથી તને એ સુવર્ણમુદ્રાઓ આપતી હતી.’

એ થેલી કીકિર્તિધ્વજને આપીને તેમણે એ વચનની પણ રક્ષા કરી લીધી જે આપીને તે કીકિર્તિધ્વજના દરબારમાં સેવા કરવા માટે રહ્યા હતા. વિક્રમાદિત્યએ સાચેક એ જ કામ કરી બતાવ્યું જે કોઈ પણ નહોતું કરી શકતું.

મહારાજા કીકિર્તિધ્વજે તેમની સત્યતા જાણી તેમને ગળે લગાવી લીધા અને કહ્યું, ‘તમે સાચા સર્વશ્રેષ્ઠ દાનવીર છો, કારણ કે આટલી મહેનત કરીને તમે એ થેલી જ દાન કરી દીધી જેમાંથી રોજ હું લોકોને એક લાખ સુવર્ણમુદ્રા દાનમાં આપવાનો છું. આપ જ છો મહાન દાનવીર.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments