Homeસિનેમાવાદહું અભિનય બંધ કરીશ ત્યારે મારું અસ્તિત્વ નહીં હોય

હું અભિનય બંધ કરીશ ત્યારે મારું અસ્તિત્વ નહીં હોય

2020. વધુ એક અભિનેતાની વિદાય. બંગાળી સુપરસ્ટાર પદ્મભૂષણથી સન્માનિત સૌમિત્ર ચેટર્જી હવે આપણી વચ્ચે નથી રહ્યા. કાળમુખો કોરોના તેમને પણ ભરખી ગયો. કોલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં સૌમિત્ર ચેટર્જીએ અંતિમ શ્વાસ લીધા. 6 ઓક્ટોબરે સૌમિત્ર ચેટર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

સૌમિત્ર ચેટર્જીએ કોરોનાને મ્હાત પણ આપી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.  છેલ્લા 40 દિવસથી સૌમિત્ર મોત સામે જંગ લડી રહ્યા હતા. 

સૌમિત્ર ચેટર્જી એક એવા ઉમદા, વિનમ્ર અને પ્રભાવશાળી અભિનેતા હતા જેઓ આજે પણ કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રી રૂપા ગાંગુલીએ દૂરદર્શનને આપેલા ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સૌમિત્ર ચેટર્જી પોતે જ એક ઈન્સ્ટીટ્યૂટ હતા. તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. તેઓ હંમેશાં શીખડાવતા રહેતા હતા. તેઓ સારા શિક્ષક  હતા. તેમની સાથે જ્યારે પણ આઉટ ડોરમાં શૂટિંગ પર જાઓ ત્યારે કેટલાય કિસ્સા સાંભળવા મળે અને આ કિસ્સાઓમાંથી કેટલુ બધું શીખવા પણ મળે.’

રૂપા ગાંગુલી સૌમિત્ર ચેટર્જીને પોતાના ગુરૂ માનતા હતા. તેઓ સ્વીકારે છે કે, સૌમિત્ર ચેટર્જીએ તેમને ઘણું બધું શીખવાડ્યું છે.

સૌમિત્ર ચેટર્જી માનતા કે અભિનય તમામનો જોવો જોઈએ, પરંતુ કોઈની કોપી ન કરવી જોઈએ. તમારી અંદર જે કલાકાર છે તેને બહાર આવવા દેવો જોઈએ. રૂપા ગાંગુલી એક પ્રસંગ કહેતા કહે છે કે, ‘એકવાર માધુરીની જગ્યાએ મને કામ સોંપાયું. મે સૌમિત્ર ચેટર્જીને કહ્યું, હું માધુરી જેવું કેવી રીતે કરી શકીશ. ત્યારે સૌમિત્ર ચેટર્જીએ જવાબ આપ્યો કે તારે ખાલી માધુરીનો અભિનય જોવાનો છે તેની કોપી નથી કરવાની. એને એની રીતે અભિનય કરવા દે તુ તારી રીતે કર.’

સૌમિત્ર ચેટર્જી આવા જ હતા. ક્યારેય કોઈને શીખવતા અચકાયા નહીં, કે નથી ક્યારેય પોતાની કળાનું અભિમાન કર્યું. અભિનેતા ઉપરાંત સૌમિત્ર સારા લેખક, કવિ અને પેઈન્ટર પણ હતા. 1959માં અપૂર સંસારથી ડેબ્યૂ કરનારા આ અભિનેતાએ 2019 સુધીમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરી લીધું. સૌમિત્રએ 100 જેટલી બંગાળી અને 2 હિન્દી ફિલ્મ઼ ‘નિરૂપમા’ અને ‘હિન્દુસ્તાની સિપાહી’માં કામ કર્યું છે. એમ કહી શકાય કે નાના પડદા પરથી આવેલા આ અભિનેતાએ બંગાળી સિને સૃષ્ટી પર વર્ષો સુધી રાજ કર્યું.

100 ફિલ્મોમાંથી સૌમિત્ર ચેટર્જીએ સત્યજીત રે સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું છે. ‘ચારુલતા’, ‘અભિજાન’  અને ‘આકાશ કુટુંબ’  જેવી ફિલ્મો માટે તેમણે જીવ રેડી દીધો હતો. મૂળ નાટકના આ અભિનેતાનો આ ફિલ્મોમાં એવો જાદુ ચાલ્યો કે બંગાળી ફિલ્મ જગતમાં તેમનું કદ વધી ગયું.

અભિયનના કારણે બંગાળી ફિલ્મ દિગ્દર્શકોની તેઓ હંમેશાં પ્રાથમિકતા રહ્યા હતા. સૌમિત્ર ચેટર્જી છેલ્લે 2019માં સાંજબાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

અભિનેતા તરીકે જ નહીં પણ પોતે દિગ્દર્શક તરીકેની પણ ભૂમિકા ભજવી હતી. એક ફિલ્મ તેઓએ પણ ડિરેક્ટ કરી છે. જેનું નામ હતું ‘સ્ત્રી કા પત્ર.’

સૌમિત્ર ચેટર્જી ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠીત એવોર્ડ દાદા સાહેબ ફાળકેથી સન્માનિત છે. તો તેમને ત્રણ વાર નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે.  આ ઉપરાંત તેમને સંગીત-નાટક અકેડમી એવોર્ડ અને સાત ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે.

વર્ષ 2004માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌમિત્ર પહેલાં એવા ભારતીય અભિનેતા હતા જેમને ફ્રાન્સે કલાકારોને અપાતા સર્વૌચ્ચ એવોર્ડ  Ordre des Arts et des Lettresથી સન્માનિત કર્યા હતા. સર્વગુણ સંપન્ન એવા સૌમિત્ર ચેટર્જીની વિદાયથી ફેન્સ દુઃખી છે.

સૌમિત્ર પોતે જ કહેતા હતા કે જ્યારે હું અભિનય બંધ કરીશ ત્યારે મારું અસ્તિત્વ નહીં હોય. આજે સૌમિત્ર પ્રત્યક્ષ રીતે ભલે આપણી સાથે નથી પરંતુ કરોડો ફેન્સના દિલમાં તેઓ હંમેશાં જીવતા રહેશે.

લેજન્ડ અભિનેતાના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ છે અને ટ્વીટ સંદેશથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ સંદેશમાં કહ્યું કે, ‘સૌમિત્ર ચેટર્જીના જવાથી ભારતીય સિનેમાએ પોતાના એક લિજેન્ડ ગુમાવી દીધા છે. તેમને ‘અપુ’ ટ્રાયોલોજી તથા સત્યજીત રેની જાણીતી ફિલ્મના પર્ફોર્મન્સ માટે યાદ કરવામાં આવશે. તેમણે અભિનયમાં ખુબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમને દાદાસાહેબ ફાળકે અવોર્ડ,  પદ્મભૂષણ સહિતના અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  તેમના પરિવાર, ફિલ્મ જગત તથા વિશ્વભરના તેમના કરોડો ચાહકો પ્રત્યે સંવેદના.’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘શ્રી સૌમિત્ર ચેટરજીનું નિધન સિનેમા, પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ તથા ભારત માટે મોટું નુકસાન છે. તેમણે પોતાના કામથી બંગાળી સંવેદનશીલતા, ભાવના તથા સ્વભાવને દર્શાવ્યો હતો. તેમના જવાથી મને ઘણું જ દુઃખ થયું છે. તેમના પરિવાર તથા ચાહકોને ભગવાન શક્તિ આપે. ઓમ શાંતિ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments