હિઝ હાઈનેસ જેવા શબ્દ પર મહારાજા રિપુદમન સિંહ કલંક હતા. પ્રેમકૌર સાથે કરેલું ષડયંત્ર તો સપાટી પર આવી ગયેલી એક દાસ્તાન માત્ર છે. રિપુદમનને બીજા અનેક શોખ હતા. શરીરમાંથી ઉઠતા કામના લાવાને ઠારવા માટે તે ગમે તે હદ સુધી જવા તૈયાર હતો.
રિપુદમનની છોકરીઓ સાથે સેક્સ દરમિયાન કરવામાં આવતી મારપીટ વિશે રિયાસતને કાનોકાન ખબર પડી ગઈ હતી. રિપુદમન એટલે જ છુપાયેલો રહેતો હતો. કોઈ કોઈ વાર જ તે આંખે ચડતો હતો. તેને નવી કન્યાની તલાશ રહેતી હતી. રિપુદમનનો સ્વયંવર છે એવો રિયાસતમાં ઢંઢેરો પીટવામાં આવે તો પણ તેની સત્યતાનો તાગ મેળવી ચૂકેલી જનતા શું ચકલુંય ન ફરકે. નવી છોકરીની તલાશ એક જ રીતે સંભવ બને, જો ગામમાં મેળો ભરવામાં આવે.
મેળાને જોવા માટે અલકમલકની સુંદરીઓ આવવાની તો ખરી જ. મેળો એટલો ભવ્ય રાખવામાં આવે કે આસપાસની નહીં બીજી રિયાસતની છોકરીઓનો પણ મેળો જામે. જથ્થાબંધ સ્ટોકમાં નાભાની રિયાસતમાં ધરતીની સુંદરીઓ આવે.
તે એક તહેવારનો દિવસ પસંદ કરતો અને મેળાનો રંગેચંગે આરંભ કરતો. નાભાના મેળાની રોશની, તેનો જગમગાટ, તેની સુંદરતા જોઈ સ્ત્રી અને પુરૂષો આભા થઈ જતા હતા. રિપુદમન હવસને શાંત કરવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતો. મેળાના આયોજન પાછળ તે લખલૂટ નાણાં ખર્ચ કરતો હતો.
મેળામાં આવ્યા પછી કોઈ મનહૂસ રાત્રે સ્ત્રી કે પુરૂષને રોકાવાની ઈચ્છા થઈ જાય, તો રિપુદમન તેમના માટે તંબુઓ લગાવતો હતો. તંબુઓ ખૂબ મોટી સંખ્યામાં હતા. જેથી કોઈને હાલાકીનો સામનો ન કરવો પડે.
જંગલ ખૂબ મોટું હતું. તંબુ પણ જંગલની કાયા પર જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં ત્યાં સુધી લગાવેલા હતા. એક ને એક તંબુની પાસેથી પસાર થવામાં આવે તો ફરી પસાર થઈ ગયા હોઈએ તેની ખબર સુદ્ધા ન રહે. સૌથી પાછળના તંબુઓ રાજાના હતા. જ્યાં તે નવી પસંદ કરેલી કન્યા સાથે નાટક ભજવવાનો હોય.
મેળામાં રખડતી કોઈ અલ્લડ છોકરી મહારાજાને પસંદ આવી જાય તો તેને અને તેના પરિવારને એક સ્પેશિયલ તંબુમાં આમંત્રણ આપવામાં આવતું હતું. તો આ હતું રિપુદમનના મેળાનું આયોજન.
હવે પસંદ આવેલી કન્યાની સાથે શું કરવાનું અને તેની આસપાસ ગુલાબની સાથે કાંટાની જેમ ઉગી નીકળેલા પરિવારજનોનો કાંટો કેવી રીતે કાઢી નાખવો તેની પૂર્વતૈયારીઓ કરી નાખવામાં આવતી હતી.
રિપુદમને જે રીતે પોલીસને પટાવી લીધો હતો. એ રીતે તેણે ભાડાના ગુંડાઓની ટુકડી રાખી હતી. રિપુદમનના ચક્ષુઓને અપાર આનંદ આપનારી સુકન્યા જે તંબુમાં વિશ્રામ કરી રહી હોય ત્યાં આ ગુંડાઓને કહેવડાવી આક્રમણ કરાવતો.
ગુંડાઓ તંબુમાં જઈ માતા પિતાને ઢોર માર મારતા. તેમને ખુરસીની સાથે બાંધી દેતા અને મોઢે મૂંગો દઈ દેતા. રાતમાં આવી કોઈ ઘટના બની છે તેની કોઈને પણ ખબર ન પડતી. તંબુઓ દૂર દૂર સુધી હતા અને એક તંબુ કોઈને આપવામાં આવે તો તેને ભનક સુદ્ધા ન હોય કે બાજુના તંબુમાં કોઈ નથી. કોઈ કોઈ વખત તો ચાર પાંચ તંબુઓની હાર ખાલી રહેતી અને પછી કોઈ માણસને સોંપવામાં આવતો. આ એક પ્રકારની રિપુજાળ હતી.
તંબુમાં છોકરીના માતા-પિતાને બાંધી દીધા પછી મહારાજાના મવાલીઓ સુંદર છોકરીને પકડતા હતા અને તેના વસ્ત્રો કેટલીક જગ્યાએથી ફાડી નાખતા હતા. જગ્યાઓ એવી પસંદ કરવામાં આવતી જ્યાંથી રિપુદમન સંગેમરમર જેવું દેહ જોઈ અપાર આનંદની પ્રાથમિક અનુભૂતિ લઈ શકે. છોકરી રાડો પાડવા લાગતી હતી. તે બચાવો બચાવો કરતી રહેતી.
એવામાં પાછળથી સમગ્ર નાટકનો મુખ્ય સુત્રધાર મહારાજા રિપુદમન વેશપલટો કરીને આવતો હતો. આ ત્રિ-અંકી નાટકનો તે દિગ્દર્શક હોય, જે અમિતાભ બચ્ચન બની છોકરીને છોડાવે. ગુંડાઓ તેના આવતા જ ઘૂંટણીયે પડી જાય અને હમણાં સુધી જેની બહાદુરીનો સિતારો બુલંદ હોય એ માર ખાવા માંડે.
પોતાની પીટાઈ થતા જોઈ અન્ય ગુંડાઓ ઊભી પૂંછડીએ ભાગી જાય. મહારાજા નાટકના પ્રથમ અંકનો અંત કરે અને પછી બીજા અંકની શરૂઆત કરે. આ બીજા અંકમાં નાટકનું પાત્ર ફક્ત મહારાજા હોય બાકીની સત્ય ઘટના આકાર લેવાની હોય.
છોકરીની લાજ બચી ગયા પશ્ચાત તે મનમોહક રિપુદમનની આગળ ઊભી રહી જાય. તેના હ્રદયમાંથી રિપુદમન માટે જેનું એ સમયે બીજું કંઈક નામ હોય, ફૂવારાની ધાર થાય. આ ફૂવારામાં તરવાનું સૌભાગ્ય રિપુદમન તાત્કાલિક ધોરણે ઉઠાવી લે.
છોકરીના ફાટેલા કપડાં પર બાજુમાં પડેલી ચાદર ઉઠાવીને ઢાંકે જેથી રિપુદમન છોકરીઓની ઈજ્જત લૂંટતા પહેલા કેટલી ઈજ્જત કરે છે એ વાતનો પાયો બંધાય. છોકરી આંખો ઢાળી દે. ચહેરા પર રિપુદમનની બહાદુરીનું સ્મિત તરી આવે.
‘અરે… આપની આવી હાલત.’ અભિનયનો ઉસ્તાદ રિપુદમન છોકરીના માતા પિતા પાસે જાય. જે આ નાટકમાં મહત્વનો ભાગ ભજવવાના હોય. માતા પિતા સાથે આવો વ્યવહાર કરતો આ ખૂંટીયો છોકરીની આંખોમાં સિંહ બની જાય. વિલન આ રીતે પોતાની હીરોપંત્તી સાબિત કરે.
કન્યા રિપુદમનના પ્રેમમાં પડે. શિકાર માટે તૈયાર કરવામાં આવેલા ઘાતક શસ્ત્રમાં છોકરી અટવાય જાય. થોડા સમય પછી રિપુદમન ખૂદ માહિતી આપે કે, તારી અને તારા માતા-પિતા સાથે એ રાત્રે જુલમ ગુજારનારાઓ પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે.
આ બદમાશોને કેટલાક વર્ષની સજા ફટકારવામાં આવે. જે ફક્ત ચોપડા પર રહેવાની હોય. સજા મળ્યા બાદ તેમને પાછલા બારણે કેટલાક લાભ આપી સ્વતંત્ર કરી દેવામાં આવે અને તેમની અભિનયકળાની મહારાજા રિપુદમન પ્રશંસા કરે. અભિનયમાં કંઈ ખોડખાંપણ રહી ગઈ હોય તો મહારાજા તેમાં સુધારા વધારા કરે.
મહારાજા કન્યાને રોજ એ વેશપલટામાં જ મળવા જાય જેવો મેળા સમયે હતો. છોકરી અને તેના માતા-પિતા સાથે ગોળ કરતાં પણ ગળચટ્ટી વાતો કરે. તેમના માટે ભેટ-સોગાદ લાવે. છોકરીને કોઈ કોઈ વાર બજારમાંથી લાવેલા ઉપહાર આપવામાં આવે. છોકરી હવે પુરી રીતે લટ્ટુ છે એટલે તેની સાથે સમાગમનું પૂર્વઆયોજીત કાવતરૂં ઘડવામાં આવે.
મેળામાં ભજવાયેલું નાટક કોઈ કોઈ વાર બે ત્રણ કે ચાર મહિના સુધી ચાલે. મહારાજાને પછી એ મેળામાં કરેલા નાટકના ફળ ચાખવા મળે. હવે ત્રિ-અંકી નાટકનો ત્રીજો પાર્ટ શરૂ થાય.
પોપટને જેમ ફળ પાકી ગયાની ખબર પડી જાય તેમ રિપુદમનને પણ છોકરીના મનમાં રહેલી ગુપ્ત વાતોની જાણકારી મળી જાય. પાકા ફળને પોપટ ચાંચ મારે તેમ રિપુદમન પણ છોકરીને ચાંચ મારી પજવે. તેનો સુંદર વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો હોય. રિપુદમને એ વસ્ત્રો એટલા માટે ભેટ આપ્યા હોય, કારણ કે તેને ઉતારવા હોય. તેના સુંદર માંસલ દેહ અને શરીરની ત્રિ-ભંગી રચનાના એક એક ખૂણાને માપી લેવા હોય.
રાત હોય કે દિવસ તક મળતા જ સર્વ બંધનો તૂટી જાય. લગ્નના વચનો અપાતા જાય. પરિવારની મોટી મોટી વાત ખોટી ખોટી રીતે રિપુદમન કરે અને તેને પોતાની આગોશમાં સમાવી લે. અભિનયમાં નિપૂર્ણ રિપુદમન સામે છોકરી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે. અત્યાર સુધી કરેલી કદમબોસી રિપુદમનને ફળે અને તેની કામુકતાનો જ્વાળા શાંત થાય. આવા હતા હિઝ હાઈનેસ શબ્દ માટે કલંરૂપ અને અભિનયના ઉતુંગ શીખર સમાન મહારાજા રિપુદમન.
(ક્રમશ:)
(Source : Maharaja Book By Diwan Jarmani Dass)