Hyderabad Team Chabuk : હૈદરાબાદને નિઝામનાં શહેર તરીકે ઓળખવામાં આવે છે. એકબાજુ ઓલ્ડ હૈદરાબાદમાં હજુ પણ નિઝામો જેવું કલ્ચર જોવા મળે છે. ન્યુ હૈદરાબાદ એક દમ આઈટી સેક્ટરનું હબ છે. જો તમે ક્યારેય ફરવા જવાનો પ્લાન કરો તો હૈદરાબાદને તમારી લિસ્ટમાં જરૂર રાખજો અને ચાર મિનાર તો ખાસ જજો…
ચાર મિનાર માત્ર ભારતમાં જ નહીં. દુનિયાભરમાં વખણાય છે. ચાર મિનારની મુલાકાત લીધા વિના તમારો હૈદરાબાદનો પ્રવાસ અધુરો લેખાય. અહીં ભીડ પણ એટલે જ હોય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ચાર મિનારએ માત્ર ચાર મિનારા નથી. પણ તેના અંતિમ માળે એક સુંદર અને ભવ્ય મસ્જિદ પણ આવેલી છે.
મુસ્લિમ શિયા પંથના સુલતાન મુહમ્મદ કુલી કુતુબ શાહે ઈ.સ. 1591માં તેનું નિર્માણ કરાવ્યું હતું. હાલ તે તેલંગાણા રાજ્યનું હૈદરાબાદ શહેરનું સૌથી પ્રસિદ્ધ સ્મારક છે.
મુસી નદીના કાંઠે અને લાડ બાઝાર પાસે આવેલા આ ઈમારતના ચારેય મિનારાઓ મુસ્લિમ સ્થાપત્યના અદભુત નમુનાઓ છે. ચાર મિનારના સર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુલતાન મુહમ્મદ કુલી કુતુબ શાહનો મુખ્ય પ્રધાન મીર મોમીન અસ્ત્રબાડી હતો. તેણે હૈદરાબાદ શહેરના સર્જન સાથે સૌથી પ્રથમ ઈમારત તરીકે ચાર મિનારનું નિર્માણ કર્યું હતું. તેના આ આયોજન મુજબ હૈદરબાદ શહેર ચારેય મિનારાઓની દિશાઓમાં વહેચાયેલું છે. જે આજે પણ ચાર મિનાર ઉપરથી શહેરનું નિરીક્ષણ કરતા માલુમ પડે છે. ચાર દરવાજા ઉપર અવલંબિત ચારે મિનારાઓ 47.7 મીટર અર્થાત 160 ફીટ ઊંચા છે.
એક લોકો વાયકા મુજબ સુલતાન મોહમ્મદ કૂલી કુતુબ શાહીના રાજ્યનું પાટનગર ગોલકુંડા નામનું સ્થળ હતું, પણ ત્યાં કોઈ ભયાનક રોગ ફેલાતા સુલતાને આ પાટનગરથી 8 કિલોમીટરના અંતરે નવી રાજધાની (હૈદરાબાદ) બનાવવાનું વિચાર્યું અને તેની મધ્યમાં ચાર મિનાર બનાવીને રાજધાનીના બાંધકામની શરૂઆત કરી.
એક લોક વાયકા એવી પણ છે કે આ ચાર મિનારની ઇમારતમાં ભોંયરાં બનાવાયાં હતાં. જો કોઈ વિદેશી આક્રમણખોર રાજ્ય પર આક્રમણ કરે તો રાજાના પરિવારને આ ચાર મિનારથી ભોંયરામાં દૂર સુધી મોકલીને બચાવી શકાય. જોકે, આવા કોઈ ભોંયરાનું હજુ સુધી તો પગેરૂ મળ્યું નથી.
હાલ ભારત સરકારના પુરાતત્વ વિભાગ તરફથી ચાર મિનારનું સમારકામ ચાલી રહ્યું છે. જે પુર્ણતાના આરે છે. મેં જયારે તેની મુલાકાત લીધી ત્યારે સમારકામ પૂર્ણતાના આરે હતું. ટૂંક સમયમાં હૈદરાબાદના આ વિશ્વ વિખ્યાત ચાર મિનારા પુનઃસજધજ સાથે લોકો સમક્ષ મુકાશે.
ચાર મિનારમાં ઉપર જવા માટે 150 પગથીયાં છે. આ ઇમારતને બાંધવા માટે વાપરવામાં આવેલા પથ્થરોનું વજન 14,000 ટનનું છે. એક મિનારમાંથી મક્કા મસ્જિદ પણ દેખાય છે. આ મક્કા મસ્જિદનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. એવું કહેવાય છે કે મહમ્મદ કુલી કુતબ શાહે આ મસ્જિદના બાંધકામમાં વાપરેલી માટી ઇસ્લામ ધર્મના લોકોના પવિત્ર સ્થાન મક્કાથી લાવવામાં આવેલી. જેને લીધે આ મસ્જિદનું નામ મક્કા મસ્જિદ રાખવામાં આવ્યું હતું. જેમ એક મિનારમાંથી મક્કા મસ્જિદ દેખાય છે તેમ બીજા મિનારમાંથી જ્વેલરીની પ્રખ્યાત લાડ બજાર જોવા મળે છે.
ચાર મિનારમાં જ આવેલી મસ્જિદ
ચાર મિનારાના છેલ્લા માળ પર આવેલી નાનકડી મસ્જિદની જો વાત કરવામાં આવે તો આ મસ્જિદમા શાહી કુટુંબના સભ્યો નમાઝ પઢતા હતાં. આ મસ્જિદનું નિરીક્ષણ હવે તો દુર્લભ બની ગયું છે. પરિણામે બહુ ઓછા પ્રવાસીઓ તેનાથી પરિચિત છે. તે મસ્જિદનો કીબલો પણ અન્ય મસ્જિદોની જેમ પશ્ચિમ તરફ છે. ચાર મિનારની સુંદરતાના કારણે તેનો ઈતિહાસ દબાય ગયો છે. મોટાભાગે સ્થાનિકોને અને ઈતિહાસ જાણનારાઓ જ તેનાથી અવગત રહેતા હોય છે.
પથ્થરમાં કોતરેલી સુંદર વેલ અને બુટ્ટાઓથી સુશોભિત આ મસ્જિદમાં પ્રવેશવાના પાંચ દરવાજાઓ છે. તેને પંજતનના પ્રતિક સમાન માનવમાં છે. ઇસ્લામના પાંચ મહાનુભાવોનો તે નિર્દેશ કરે છે. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ), હઝરત અલી (અ.સ.), હઝરત ફાતિમા, હઝરત હસન અને હઝરત હુસૈન. આ નાનકડી મસ્જિદમા 48 મુસ્લિમો નમાઝ પઢી શકે તેટલી સગવડતા છે.
બાંધકામ
રાજધાની અને ચાર મિનાર બાંધવાના કામ માટે ભારતીય ઉપરાંત ર્પિસયાના 170 ઇજનેરોને રોકવામાં આવ્યા હતાં. ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો બેનમૂન નમૂનો ગણાતી આ ઇમારત વર્ષોથી દક્ષિણ ભારતની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહી છે.
લાડ બજાર
ચાર મિનાર પાસેની બજારમાં બંગડી અને મોતીનાં ઘરેણાં ઘણાં લોકપ્રિય છે. જેના પગલે હૈદરાબાદને સિટી ઓફ પર્લ્સના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંના મોતી દુનિયાભરમાં ફેમસ છે. જે મોતીને કોઇ પણ શસ્ત્ર વડે ઘસવાથી મોતી ઘસાતુ પણ નથી. જેથી તેને ઓરીજનલ મોતી કહેવાય છે. હૈદરાબાદના ચાર મિનારની આ એક વિશિષ્ટ ઓળખ છે. આ ઉપરાંત ત્યાંનું અત્તર પણ પ્રખ્યાત છે. જેની સુગંધની અસર કપડા ધોવાયા પછી પણ એવી જ રહે છે. એક આંકડા પ્રમાણે, ચાર મિનારની ફરતે નાની મોટી 14,000 દુકાનો આવેલી છે.
ચોકીદારી કેવી છે ?
કોઇ પણ સ્થળ પર ફરવા જતા પહેલા પ્રવાસીઓને સિક્યોરિટી બાબતની ચિંતા સતાવતી રહેતી હોય છે. પરંતુ ચાર મિનારની મુલાકાત લેતા સમયે પ્રવાસીને સિક્યોરિટી બાબતની ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં સિક્યોરિટીના નામે પોલીસ હાજર રહેલી છે. ચાર મિનારને બરોબર બાજુ પર જ પોલીસ ચોકી આવેલી છે.
સમય
સવારે 8 કલાકથી લઇ સાંજે 5 કલાક સુધી પ્રવાસી ચાર મિનારની મુલાકાત લઇ શકે છે. હા પ્રવાસીઓ મુલાકાત લેવા માટે વ્હેલી સવારે પ્રવેશ કરવો કારણ કે ચાર મિનાર ફરવા બાદ ખરીદી માટે સમય લાગી શકે છે.
ટીકીટનો દર
ભારતીય લોકો 20 રૂપિયા વ્યક્તિ દીઠ
વિદેશી પ્રવાસીઓ માટે 200 રૂપિયા વ્યક્તિ દીઠ
રહેવાની સુવિધા
ચારમિનારની આસપાસ પ્રવાસીઓને રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. રહેવા માટે પ્રવાસીઓને એસી અને નોન એસી હોટલ રૂમની સુવિધા મળી શકે છે.
કઈ રીતે જવું
રાજય કે દેશ બહારથી આવી રહેલા પ્રવાસીઓ માટે હૈદરાબાદ સ્થિત ચાર મિનાર સુધી જવા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે. ત્યાંથી દેશ કે રાજ્ય બહારથી પ્રવાસી મુસાફરી કરી શકે છે. પ્રવાસીઓને એરપોર્ટથી ચાર મિનાર સુધી જવા માટે એરપોર્ટથી પણ બસની સુવિધા આપેલી છે. જેમાં એરપોર્ટથી એલ બી નગર સુધીની બસનું ટ્રાવેલ પ્રવાસીએ કરવાનું રહેશે. બસની ટિકિટ 212 રૂપિયા છે જ્યારે ટેક્સી દ્વારા પણ એરપોર્ટથી એલબી નગર આવી જઇ શકો છો. જેનુ ભાડુ 800 થી 900 રૂપિયા સુધીનું રહેશે. ત્યારબાદ એલબી નગરથી ચાર મિનારની 208C નંબરની સીટી બસમાં જઇ શકો છો. જો તમે આ બસમાં પ્રવાસ કરો તો તમારે 20 બસ સ્ટોપ પરથી પસાર થવુ પડશે. આ ઉપરાંત પ્રવાસી એરપોર્ટથી ટેક્સી દ્વારા સીધા ચાર મિનાર પણ જઇ શકે છે.
(ક્રમશ:)