Homeવિશેષપત્રકારની ડાયરી : એ દિવસો પણ કેવા હતાં

પત્રકારની ડાયરી : એ દિવસો પણ કેવા હતાં

Team Chabuk : હમણાં દિવાળી ગઈ અને બેસતુ વર્ષ પણ ગયું. તારીખ ફટાફટ બદલી જશે અને વર્ષ પણ 2021 આવી જશે અને છતાં 2021ને આપણે એવી જ રીતે સોશિયલ મીડિયાની કોર્ટમાં ઊભો રાખી દોષિત ઠેરવીશું જેવો 2020ને દોષિત ઠેરવ્યો હતો. 2021ની પ્રથમ શરત એ છે કે 2020ને યાદ નહીં કરવાનો!  એ પણ કેવા દિવસો હતાં કે સ્વજનો મરતાં હતા. સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિઓ આપી આપી હાથના ટેરવા દુ:ખી ગયા હતા. ગઈકાલે પોસ્ટ મૂકી હસાવતો માણસ ક્ષણ એકમાં ધુમાડો થઈ ગયો હતો.

દિવાળી અને બેસતા વર્ષની સાંજે એવા એવા ફોન આવ્યા કે વાત જ ન પૂછો. મોટાભાગના મિત્રોએ એક જ વાત કહી, એ પણ શું દિવસો હતા. જૂનાગઢના અમારા જૂનવાણી મિત્રએ ફરી જૂનો રાગ આલાપતા કહ્યું કે, ‘આ ઉડનખટોલા બની ગયા છે. હવે ધીમે ધીમે સીડીઓનું મહાત્મ્ય ઘટવા લાગશે.’

વાત વાતમાં મેં તેને યાદ અપાવ્યું કે, ‘નવું નવું છે થવા દેને. શોખ બધાના પૂરા થવા દેને.’

મેં તેને અંબાજીના રોપ-વેનો એક કિસ્સો કહ્યો. અમે અંબાજીના પ્રવાસે ગયા હતા. ઘણા બધા છોકરાઓ છોકરીઓને જોઈને રોપ-વેનો દોરીસંચાર કરનારા કર્મચારીઓ ખુશ થઈ ગયા. અમે ત્યાં જવાની જગ્યાએ પગથિયાં ચડવા માંડ્યા તો એ હતાશ થઈ ગયા. એમના મનમાં પણ એવો વિચાર પનપ્યો જ હશે કે, નવો નવો રોપ-વે બન્યો ત્યારે કેવા દિવસો હતા. લોકોની ટિકિટ મેળવવા અને પછી રોપ-વેમાં બેસવા લાઈનો લાગતી હતી.  

જૂનાગઢના ગિરનાર પર્વતને પગેથી ચડવાની મજા છે તેવી રોપ-વેમાં ન આવે. બધા રાજીખુશી ફરી લેશે પછી તેમાં બેસનારાઓની સંખ્યા પણ ઉતરોતર ઓછી થઈ જશે. જોકે અંબાજી પર્વતની સીડીઓ ગણતરીની કલાકોમાં ચડી શકો અને ઉતરી શકો એવું ગિરનારનું નથી. મૂળ તો વિદેશી પ્રવાસી અને વૃદ્ધો માટે ગિરનાર પર્વતનો રોપ-વે કારગત સાબિત થશે.

એમ પણ બને કે ગિરનાર પર્વતના રોપ-વે કર્મચારીઓ બધાને સીડી પરથી ચડતા જોઈને કહે, ‘એ પણ શું દિવસો હતા. નવો નવો રોપ-વે બન્યો હતો. વિજયભાઈ રૂપાણીએ ઉદ્ધાટન કર્યું હતું. જૂનાગઢના રહીશો માટે 500 રૂપિયા ફી રાખી હતી અને આઉટ ઓફ જૂનાગઢનાઓ માટે માતબર ભાડુ હતું. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ વિરોધ નોંધવ્યો હતો. એક એવું શહેર જેની પાસે એશિયાનો સૌથી મોટો રોપ-વે હતો પણ રોડ તૂટેલા હતા.’

એ સાથે જ અમારી પણ કેવી દિવાળી હતી. પરિવારના લોકો ભેગા થતા હતા. ઘરની સ્ત્રીઓ ઘરમાં જ વિવિધ પ્રકારના વ્યંજન બનાવતી હતી. સો રૂપિયાના ફટાકડા જેને પચાસ-પચાસ કરી અલગ તારવવામાં આવતા અને બે ભાઈઓ વચ્ચે વિતરણ કરવામાં આવતા હતા. એ પણ શું દિવસો હતા.

મિત્ર તો ‘તમે પત્રકાર છો…’ એમ કહી ચણાના ઝાડ પર ચડાવતો હતો. અરે ભાઈ પત્રકાર હોવું એ આમ સારી વાત છે, આમ સારી વાત નથી. આખો દિવસ લખી લખીને, અનુભવ કરી કરીને, સમાચારો વચ્ચે ઘુમી ઘુમીને માથુ દુખી જાય.

વાત વાતમાં અમારે એક વાત નીકળી અને ફરી અમે એ દિવસોમાં સરી પડ્યા. એણે મને કહ્યું, ‘આજે આપણે ફોન પર વાત કરીએ છીએ. મને તો એક રૂપિયાના ડબલા યાદ આવી ગયા.’

મેં તેની સામે આખી વાત આ રીતે મૂકી. હું પોરબંદર હતો. પોરબંદરથી દ્રારકા જતો હતો. એ વખતે છેલ્લી વખત મેં એ ડબલાનો ઉપયોગ કરેલો. એક રૂપિયાનો સિક્કો નાખી ફોન કરવાની ચળવળ આરંભી. ફોન તો લાગ્યો નહીં પણ સિક્કો પણ પાછો ન નીકળ્યો. અહીંસાની ચળવળ પછી હું બળવા પર ઉતરી આવ્યો અને મેં ગુસ્સામાં જોરથી ધુમ્બો મારી સિક્કો બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. મારો સિક્કો તો નીકળ્યો જ પણ બીજા નવ સિક્કા નિકળ્યા. કદાચ મારી એ બળવાખોર પ્રવૃતિના કારણે જ ડબલા બંધ થઈ ગયા હોય!

મેં મારો રમૂજી તર્ક રજૂ કર્યો. એ દિવસોમાં આસ-પડોસમાં એક લેન્ડલાઈન ફોન રહેતો હતો. પાડોશીઓ પોતાના સગા-વ્હાલાઓને એ ઘરના નંબર આપી દેતા. રવિવારે એક વખત તેમનો ફોન આવે અને પછી એ પરિવારના સભ્યો બધાને કહેવા ભાગે, ‘જીવાભાઈ તમારો ફોન છે, હરદાસ ભાઈ તમારો ફોન છે, લીલી બહેન તમારો ફોન છે.’

કદાચ ભારતમાં એક રૂપિયાનું ડબલું આ કારણે જ આવ્યું હશે. આ તો મારો તર્ક છે, પણ એક રૂપિયાનું ડબલું ચાલતું ખૂબ હતું. એ ડબલું ખાસ તો એમના માટે બન્યું હતું જેમની નવી નવી સગાઈ થઈ હોય. ફોનમાં વાત કરે અને ફોનના સિક્કા સાથે મિનિટ પણ એવી રીતે પસાર થઈ જાય જાણે દિવાળી અને બેસતા વર્ષનો તહેવાર હોય.

લાલ કલરના ડબલામાં સિક્કો નાખો પછી મિનિટ કેટલી ભાગે છે એ મને શીખવાડી ગઈ કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. ગળી રહ્યા છીએ. સમયનો સદઉપયોગ કરતા શીખવો જોઈએ.

અમારા સમયના પત્રકારો પણ એ ડબલાનો કોઈ કોઈ વાર ઉપયોગ કરતા, પણ જ્વલ્લે જ. એક તો એ વખતના પત્રકારોના પગાર ઓછા. પાછા ઘણા રાતના છાપામાંય કામ કરે અને સવારના છાપામાંય કામ કરે ત્યારે ભેગુ થાય.

એ દિવસો પણ કેવા ભાગી ગયા. રમતા રમતા નીકળી ગયા. લકી અલીની અમારા એક કલીગે ચાબુકમાં સ્ટોરી કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એ 62 વર્ષના થઈ ગયા. કોઈ દિવસ સમાચારમાં ન રહેનારો માણસ કેટલી ગતિથી મોટો થતો હોય છે! બાકી હમણાં જ તો એણે ગીત ગાયેલું ઈક પલ કા જીના અને ના તુમ જાનો ના હમ. ઓ સનમ…

ચંદ્રકાંત બક્ષીએ કહેલું, ‘દરેક ભાષાની એક લિટલ મેગેઝિન હોય છે. જે જન્મે છે, જીવે છે અને ક્રમશ: મરી જાય છે.’ એ ક્યારે જન્મે તેને આપણે યાદ કરી લેતા હોઈએ છીએ પણ એ મરી જાય તેની આપણને ખબર નથી હોતી. એવા કેટલાય મેગેઝિનો સમયાંતરે આવ્યા અને ક્યારે તેના ભાવકોને એકલા છોડીને ચાલ્યા ગયા ખબર જ ન રહી. શું હતા એ દિવસો જ્યારે મોબાઈલ નહોતા અને માહિતીના સ્ત્રોત માટે સામાયિકો અને અખબારો પર જ નિર્ભર રહેવું પડતું હતું.  

જ્યોર્જ બર્નાડ શોને ઓર્ડર ઓફ મેરિટનું પારિતોષિક આપવામાં આવ્યું તો એમણે અસ્વીકાર કરતા કહેલું, હું તો હવે વૃદ્ધ છું આ તો મેં ક્યારનું સ્વંય પોતાને મનમાં જ આપી દીધું હતું. જ્યોર્જને પણ ખબર હતી કે હું મારા ભાવકોના કારણે ક્યારનો મહાન થઈ ગયો છું. એમણે એ દિવસોની રાહ ન જોઈ. સ્વંય પોતાને એના માટે હકદાર માની લીધા.

આ લખતા લખતા વિનોદ ભટ્ટનું હાસ્ય નિબંધનું પુસ્તક યાદ આવી જાય છે. એ દિવસો. પપ્પા રિઝલ્ટ આવ્યા પહેલા મારતા. એમને પરિણામના દિવસે બહાર જવાનું હોય એટલે એ દિવસનું વટક વાળી નાખે. એમને ખબર જ હોય કે હું ફેલ થવાનો છું. રસ્તામાંથી ફાયર ફાઈટર જાય અને હું વિચારું કે, આપણી સ્કૂલમાં તો આગ નથી લાગીને ? એવું હોય તો શાળાએ જવાનું કેન્સલ. બધાના પોત પોતાના હોય છે… એ દિવસો…

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments