Team Chabuk-Literature Desk : ગુજરાતી સાહિત્યમાં કિશોર સાહસકથાઓ ઓછો ખેડાયેલો પણ આજેય માણવો ગમે એવો મનગમતો પ્રકાર છે. પશ્ચિમમાં તો કિશોર સાહિત્યના જોનર પર ધડાધડ ફિલ્મો બને, પરંતુ જ્યારે ગુજરાતી સાહિત્યની વાત આવે ત્યારે ભાગ્યે જ એ દિશામાં વિચારવામાં આવે છે. ગત દાયકાની જ વાત કરીએ તો આંગળીનાં વેઢે ગણાય એટલી કિશોર સાહસકથાઓ ગુજરાતીમાં આવી છે. અને આ નવા દાયકાના ત્રણ વર્ષના વહાણ વીત્યા પછી યુવાવર્ગ આ સ્વરૂપને જીવંત રાખવા સાહિત્યના મેદાનમાં આવ્યું એ જ આશ્ચર્ય પમાડે તેવી વાત, કારણ કે હવે તો નવલકથાઓ, કવિતાઓ અને વાર્તાઓના જ સ્વરૂપમાં ખેડાણ થઈ રહ્યું છે. જ્યારે બાળકો અને કિશોરો માટેના સાહિત્યને લઈ ચિંતાઓ સેવવામાં આવી રહી છે. આ કૃતિ અન્ય યુવા સર્જકોને પણ કિશોર સાહસકથામાં ખેડાણ કરવા માટે ઉપયુક્ત નીવડે એવી જ કામના.
એક નામ અમોલ પ્રકાશનનું મૂકવું રહ્યું જેણે કિશોર સાહિત્યના આ પ્રકારને જીવંત રાખવા માટે પૂરતું જોર લગાવ્યું છે. એમનું નવું સાહસ એટલે મયૂર ખાવડુ અને પરમ દેસાઈની સંયુક્ત રીતે લખાયેલી પ્રથમ કિશોર સાહસકથા – અજય અમિત અને મિલનું ભૂત. કદાચિત્ ગુજરાતી બાળ-કિશોર સાહિત્યમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બે લેખકો દ્વારા એક કિશોર સાહસકથા લખવામાં આવી હોય. નવલકથા વિશે તો આપણે સૌ અવજ્ઞ છીએ જ.
111 પાનાં અને 14 પ્રકરણમાં આ કિશોર સાહસકથા ફેલાયેલી છે. એનું કથાવસ્તુ રસનિષ્પતિ કરે છે. લાલચ અને અંધશ્રદ્ધા એ બે તેના વિષયવસ્તુ છે. વાંચવાનું એટલે મન થાય, કારણ કે સ્વયં કિશોર સાહસકથાના લેજન્ડરી સર્જક યશવન્ત મહેતાએ આ કૃતિના વખાણ કર્યાં છે અને લેખકો કહે છે એમ પ્રથમ વાચક પણ એ જ, એટલે જ સાહસકથા પણ એમને જ અર્પણ કરવામાં આવી છે. અંદર ચિત્રો છે. એ ચિત્રો નેવુંના દાયકામાં તૈયાર થતી નવલકથાઓ અને સાહસકથાઓની યાદ અપાવે એવા છે. પુસ્તક બંને રીતે ગુણવત્તાયુક્ત છે. પ્રકાશનની દૃષ્ટીએ પણ અને લેખનની દૃષ્ટીએ પણ. બે લેખકોએ લખી હોવા છતાં ક્યાંય શૈલીમાં ઝાઝો તફાવત આવતો નથી. એટલે સહિયારું સાહસ સફળ નિવડ્યું છે.

લેખકોની વાત કરીએ તો પરમ દેસાઈ આ પૂર્વે સ્પેક્ટ્રમનો ખજાનો નામનું કિશોર સાહસકથાનું પુસ્તક આપી ચૂક્યા હતા. જે પણ અમોલ પ્રકાશને જ પ્રગટ કરી હતી. તેમનું બીજું પુસ્તક પણ રહસ્યરંગ નામથી અમોલ પ્રકાશનમાંથી જ આવ્યું. જેમાં તેમણે વિશ્વભરની રહસ્યમય ઘટનાઓને નાટ્યાત્મક ઢબે પ્રસ્તુત કરી હતી. જ્યારે મયૂર ખાવડુની આ પ્રથમ કિશોર સાહસકથા અને પ્રથમ પુસ્તક છે. કથાનક અને આરંભના પ્રકરણો એમના જ દ્વારા લખવામાં આવ્યા છે. બાદમાં તેમણે પરમ દેસાઈને સાથે જોડી આ કિશોર સાહસકથા પૂર્ણ કરી. એક કિશોર સાહસકથાના વાચક રહ્યા તરીકેનો એમનો અનુભવ અહીં ઝળકે છે.
અજય-અમિત સાહસકથાનું સ્વરૂપ કિશોર સાહસકથાને માફક આવે એવું જ છે. એટલા માટે કહીએ કે આ બાળકથા પણ નથી બની જતી કે નવલકથા પણ નથી બની જતી. એ વાચકને સતત પોતાના શબ્દોની જાળથી બાંધી રાખે છે. પ્રકરણના આરંભે જ કયું રહસ્ય શોધવાનું છે તેની પૂરતી માહિતી મળી જાય છે. બીજા પ્રકરણે સાહસની શરુઆત થાય છે. મગરમચ્છ સામેનું સાહસ, તાંત્રિકને મળવાનું સાહસ, પુસ્તક શોધે અને કોઈ અજાણ્યું માણસ મારવા માટે પાછળ પડે તેનું નદીમાં કરવામાં આવેલું સાહસ, મિલમાં પ્રવેશવાનું સાહસ, સિંહકુંડનું સાહસ… આમ દરેક પ્રકરણે તેમણે સાહસના ડાલામથ્થા સિંહને ગર્જના કરતો રાખ્યો છે. પાછળના પ્રકરણો વધારે ઘૂંટાયેલા છે. ખૂબ ધ્યાનપૂર્વક વાંચવું પડે છે કે રહસ્ય ક્યાંથી ક્યાં જાય. તર્કનો વિષય જ્યાં જ્યાં ખપ પૂરતો લાગ્યો ત્યાં ત્યાં વાપર્યો છે, બાકી કલ્પનાનો સંગમ કરવામાં આવ્યો છે. અંતિમ પ્રકરણોની શૈલી કદાચિત્ બાળકો કે કિશોરો માટે થોડી દુર્બોધ થઈ પડે. નહીં તો મોટેરાઓ માટે આ પુસ્તક સૂતરફેણીની જેમ ગળા નીચે ઉતરી જશે.

હવે સાહસકથાના પરિવેશની વાત કરીએ તો, અહીંનો પરિવેશ એ લેખકોએ સર્જેલું એક કાલ્પનિક ગામ છે. પરંતુ કાલ્પનિક ગામની અંદર બધું નવું સર્જવું પડે એટલે ગુજરાતની ભૂગોળના કેટલાક પ્રદેશોને તેમણે વીણી-વીણી અહીં મૂક્યા છે. ઉદાહરણ તરીકે સિંહકુંડ ગુજરાતમાં ક્યાંય છે જ નહીં, પરંતુ હિરણ નદીથી બધા વાકેફ છે જ! રહી વાત કાલ્પનિક નગર તગડીની તો આ ભાવનગરની પાસે આવેલું ગામ પણ નથી. આમ કરવા પાછળનું કારણ એટલું જ કે તેના વાંચકની અભિરુચિ જળવાય રહે. આ કિશોર સાહસકથા તેનો જ વિલક્ષણ નમૂનો છે. પરિવેશને લઈ ફેસબુકમાં સાહસકથાના લેખક મયૂર ખાવડુએ પોતાની કેફિયત જણાવતા કહ્યું છે, ‘કેટલોક અસબાબ એવો પણ હતો જેને ઘરમાં કંકુથાપાની જેમ એમનો એમ જ રહેવા દીધો છે.’
કથાવસ્તુ પરંપરાગતતાને વળગી રહ્યું છે. છતાંય વિજ્ઞાનના કેટલાક કપોલકલ્પિત નમૂનાઓ અહીં દર્શાવ્યા છે. એમાં કેટલુંક રોમાંચ અને જાસૂસીતત્વ પણ કંડારવામાં આવ્યું છે. “હવે પછી શું?” જેવા રૂઢિગત બંધારણને સર્જકો વળગી રહ્યા હોવાથી રસનિષ્પતિ થતી રહે છે. કિશોર સાહસકથાની પાત્ર સૃષ્ટી ખાસ્સી લાંબી નથી. અને એમાંય જેટલા મુખ્ય પાત્રો વર્ણવ્યા છે તેને કથાની સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ છે. એથી સર્જકોએ સર્જેલા પાત્રોનો વેડફાટ નથી થયો. મૂળ તો વહેમ અને લાલચ બંને આ સાહસકથાના પાયામાં વિષયવસ્તુની ફરજ નિભાવી રહ્યા છે. અંત સુધી કથામાં “કોણે કર્યું?” એવા પ્રશ્નાર્થને સંવૃત રાખવાનો પ્રયાસ થયો છે. માત્ર કિશોરોને જ નહીં પણ ગુજરાતી ભાષાનાં કોઈ પણ ભાવકને વાંચનતૃપ્તિ આપે એવી આ સાહસકથા નિર્માણ પામી છે.
ઘણી વખત પુસ્તકની અંદરની વાત કરવામાં બહારની વાત કરવાથી ચૂકી જવાય છે. વાત કરી રહ્યા છીએ પુસ્તકના આવરણની. તેના મુખપૃષ્ઠમાં એક બારી દેખાઈ રહી છે. ત્યાંથી પ્રકાશનું અંદર પરાવર્તન થાય છે. બીજી તરફ અંધારું છે. આ એ વાત તરફ ઈંગિત કરે છે કે અંધારામાંથી અજવાળા તરફ જવાનું છે. અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ. આગળ કાળું તો પાછળનું આવરણ રતાશ રંગનું છે. જેમાં કિશોર સાહસકથાની અંદરનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. જોકે એ પરિચયથી સમગ્ર કિશોર સાહસકથાનો પીંડ ઉઘડી નથી જતો. એ સાહસકથા વાંચવા માટે ઉત્તેજીત જરૂરથી કરે છે.
હવે મુખ્ય મુદ્દાની વાત કે કિશોર સાહસકથાઓ આપણે ત્યાં ખૂબ ઓછી છે. અત્યારે યશવન્ત મહેતા અને આઈ.કે.વીજળીવાળા આ બે સર્જકોએ તેને જીવંત રાખવાના ભરપૂર પ્રયાસો કર્યાં છે. બીજા કેટલાક સર્જકો પણ છે. નવી પેઢી પણ ગુજરાતીભાષાના આ સ્વરૂપ સાથે જોડાઈ તેનો આનંદ. પુસ્તકમાં જ લેખકો અજય-અમિત શ્રેણી એવું લખ્યું છે એટલે કે આગામી સમયમાં આ પાત્રોને લઈને જ બીજા કેટલાક સાહસકથાના પુસ્તકો આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત