બોક્સઓફિસ પર ધમાકો કરતી કેટલીક ફિલ્મોના પ્રકારમાં ફ્રોડ અને ચીટીંગ કરતા વિષયવસ્તુવાળી ફિલ્મો તુરંત માલામાલ થઈ જાય. તેની પ્રશંસા થાય. તેને લાખ લાખ અભિનંદન મળે. તેના પ્લોટમાંથી બીજી ફિલ્મો કોપી મારે. પછી ખબર પડે કે મૂળ ફિલ્મ જ ઈટાલીની કોઈ ફિલ્મની નકલ હતી. બંટી બબલીથી લઈને હમણાં જ આવેલી સ્કેમ વેબ સિરીઝ તેના ઉદાહરણ પણ છે. જોકે આ બંને તો આપણી પોતાની જ છે. હવે ફિલ્મની પટકથાને ટક્કર મારતી એક સ્ટોરી ઘડવા એક વીરલો સાચેક આવી ગયો પણ તેની ફિલ્મ ફર્સ્ટ હાફમાં જ પતી ગઈ. ક્લાઈમેક્સ સુધી પહોંચવાની તેને તક જ ન મળી.
કેટલીક વખત કલ્પનામાં આવેલી વસ્તુઓ જીવંત થઈ જાય તો હસવા લાગીએ. જોકે હવે જે વાત અમે કહી રહ્યા છીએ તે ગૃહમંત્રી અમિત શાહથી સંલગ્ન છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નામનો ઉપયોગ કરી ફ્રોડ કરનારો વિરાજ શાહ આગ્રાથી પકડાયો છે. વિરાજ શાહ શું કરવાનો હતો ?
તો કે વિરાજ શાહ આગ્રાની દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયનો શિકાર કરવાનો હતો! જંગલમાં કરવામાં આવે એ શિકાર નહીં પણ ઠગવામાં આવે એ શિકાર. તો હવે આ ઠગભાઈ પકડાયા કેવી રીતે ?
ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને વિરાજ ઉપર શંકા ગઈ કે દાળમાં કંઈક કાળું નથી પણ આખેઆખી દાળ જ કાળી છે. તેમણે શંકાને વિશ્વાસમાં તબ્દિલ કરવા માટે પોલીસને ફોન કરી દીધો.
યોગેન્દ્ર ઉપાધ્યાયે વિરાજ શાહની વિરૂદ્ધ મંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. વિરાજ શાહ એક બે દિવસથી નહીં પણ ચાર-પાંચ દિવસથી ફોન કરતો હતો. ફોન કરતો અને ઉપાધ્યાયને આટીએ લેવા માટે કહેતો, હું અમિત શાહનો સગો બોલું છું. ધારાસભ્ય પણ તેની વાતમાં આવી ગયા હતા. એમને પણ લાગ્યું કે આ સાચેક તેમનો કોઈ સંબંધી જ હશે.
યોગેન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે વિરાજ શાહે કહ્યું કે, શાહ કુટુંબને આગ્રામાં એક હોટલ ખરીદવી છે. બસ આ જ કારણે વિરાજ શાહ ગઈકાલે રવિવારે યોગેશ ઉપાધ્યાયના નિવાસસ્થાને આવી પડ્યો. પ્રારંભિક વાતચીત કર્યા પછી તેણે શોપિંગ કરવાની ઈચ્છા પ્રગટ કરી. જે પછી તે ખરીદી કરવા માટે ધારાસભ્યના પુત્ર સાથે માર્કેટમાં ચાલ્યો ગયો.
વિરાજ શાહે બજારના એક રેડિમેટ ગાર્મેન્ટની દુકાનેથી 40 હજારની ખરીદી કરી અને ધારાસભ્યના પુત્રને કહ્યું, પૈસા ચૂકવી દો.
ધારાસભ્યના પુત્રએ જ્યારે પોતાના પિતાને આ વાત કહી તો તેમને પણ શંકા ગઈ કે અમિત શાહનો સંબંધી છે અને સાવ આમ… તેમણે વિરાજ શાહને પકડવા માટે જાળ પાથર્યો.
જાળ પાથરતા પહેલા તેમણે ગૂગલ કર્યું કે, વિરાજ શાહ ક્યાંક સાચેક તો સંબંધી નથી ને? તો એમાં જે માહિતી સામે આવી તેનાથી તો યોગેશ ઉપાધ્યાયજીના વાળ ઊંચા થઈ ગયા કારણ કે, આ ભાઈ તો પહેલાથી જ ફ્રોડ કરી ચૂક્યા હતા.
ગૂગલની જાણકારી લેતા પહેલા એમણે પુત્રને કહ્યું કે, કપડાં ઘરે મોકલી દે અને વિરાજજીને લઈ ઘરે આવી તાત્કાલિક આવી જા. વિરાજને તો આ વાતની તસુભાર પણ ખબર ન પડી કે તેને પકડવા માટે યોગેન્દ્ર ઉપાધ્યાય જાળ પાથરી ચૂક્યા છે. પૂરી રીતે કન્ફર્મ થયા પછી ધારાસભ્યએ પોલીસને જાણ કરી અને અમિત શાહના ખોટા સગા વિરાજ શાહને પોલીસને સોંપી દીધો. સાથે જ એમની સાથે શું શું થયું તેનો પણ સમગ્ર ઘટનાક્રમ પોલીસને લખાવ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત