Homeસાહિત્યવાર્તાવિશ્વ : કમલેશ્વરની હસાવતી ને મજા કરાવતી આઠ લઘુકથાઓ

વાર્તાવિશ્વ : કમલેશ્વરની હસાવતી ને મજા કરાવતી આઠ લઘુકથાઓ

લેખક – કમલેશ્વર
મૂળ ભાષા – હિન્દી
અનુવાદક – Team Chabuk

લક્ષ્મી

દિવાળીની રાતના પહેલાનો દિવસ. એક કરોડપતિ મિત્રએ પોતાના લેખક મિત્રને કહ્યું, ‘મિત્ર ઘરના દરવાજા ખુલ્લા રાખજે… આજે રાતે લક્ષ્મી આવશે.’

લેખકે જવાબ આપતા કહ્યું, ‘તો મિત્ર પોતાના ઘરના દરવાજા પણ ખોલીને રાખજે, નહીં તો લક્ષ્મી ત્યાંથી નીકળશે કેવી રીતે ?’

તાજ મહેલ કોનો છે ?

વાત તાજમહેલની હતી. સમય બજારીકરણનો હતો. ત્રણ બજારવાદી મુસાફર યુવાનો, જે દરેક વસ્તુને, ત્યાં સુધી કે સભ્યતા, સંસ્કૃતિ અને અર્વાચીન સ્મારકોને પણ પોતાની અંગત સંપતિ બનાવવા માગતા હતા. તાજ મહેલ જોયા પછી સાત સિતારા હોટલ જઈ રહ્યા હતા.

એકે કહ્યું, ‘હરિયાળી ક્રાંતિ પછી પણ દેશમાં જગ્યાએ જગ્યાએ દુષ્કાળ પડતો રહે છે. હું આને ખરીદીને અનાજનું ગોડાઉન બનાવીશ જેથી દેશમાં કોઈ માણસ ભૂખે ન મરે.’

બીજાએ કહ્યું, ‘તું ખૂબ જ આદર્શવાદી છો. ખોટે ખોટી બકબક કરે છે. હું તો તાજમહેલને ખરીદીને સાત સિતારા હોટલ બનાવીશ. જેથી હું અને મારી સાથે દેશ પણ થોડો ઘણો માલામાલા થઈ જાય.’

તે બંનેની સાથે ચાલતા ત્રીજા મિત્રએ કહ્યું, ‘પણ આ બધું તો તમે ત્યારે કરી શકશો, જ્યારે હું તાજમહેલને વેચીશ. હું તો એને વેચીશ જ નહીં.’

જેમણે આ વાત સાંભળી હતી તે વિચારી રહ્યા હતા કે તાજમહેલ કોનો છે?

પાંચ આંગળીઓ

સત્ય ઘટના છે. ખેડૂતોના બેતાજ બાદશાહ ચૌધરી ચરણસિંહના જમાનાની વાત છે. એ ભારતના એક માત્ર એવા અલ્પજીવી પ્રધાનમંત્રી હતા, જેમણે પોતાના કાર્યકાળમાં કોઈ દિવસ સંસદનો સામનો ન કર્યો. પ્રધાનમંત્રી તો તેઓ ન રહ્યા પણ ખેડૂતોના મોટા નેતા તો હતા જ. પ્રધાનમંત્રી હતા એ સમયે કેટલાક વિરોધીઓએ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.

એક ખેડૂતની રેલીમાં એ જ આરોપનો જવાબ આપી રહ્યા હતા. અંતમાં તેઓ હાથની હથેળી બતાવતા બોલ્યા, ‘આ કહેવત પણ છે અને દુનિયા જાણે છે કે પાંચે આંગળીઓ બરાબર નથી હોતી.’

ભીડમાંથી એક ખેડૂત ઊભો થઈ ગયો. ચાદરમાંથી હાથ કાઢીને તેણે કહ્યું, ‘ચૌધરી સાહેબ ખાતા સમયે પાંચે આંગળીઓ બરાબર થઈ જાય છે.’

સત્ય ઘટના

એક પેઢીઓ થકી માલદાર એવા લેખકે પોતાનું ઘર મફતમાં અન્ય લેખક મિત્રને ભાડે આપી દીધું. હવે એ મફતમાં મોજ કરનારો મિત્ર ન તો ઘર ખાલી કરતો ન તો ભાડુ દેતો હતો. ઝઘડો વધી ગયો તો મફતમાં રહેનારા મિત્રએ કહ્યું, ‘જઈને કોર્ટ પાસેથી ખાલી કરાવી લે.’

પેઢીના કારણે માલદાર થયેલા લેખકને ગુસ્સો આવી ગયો, ‘મને કોર્ટ જવાની જરૂર નહીં પડે. મારી પાસે બીજા પણ ઉપાયો છે.’

પેઢીઓનું પડેલું બેઠા બેઠા ખાતા લેખકે પોતાના વિસ્તારના બે ગુંડાઓને પૈસા દઈને મકાન ખાલી કરાવવા બોલાવ્યા. પણ ગુંડાઓએ તેના પર પોતાનું તાળું લગાવી દીધું.

વેલકમ

જેલમાં કાળાબજારી કરનારો શેઠ પહેલાથી કેદ હતો. એક નવો કેદી લાવવામાં આવ્યો. તેને જોઈ કેટલાક કેદીઓને આશ્ચર્ય થયું. એ ઈન્કમ ટેક્સ કમિશ્નર હતો. કાળાબજાર કરનારો શેઠ તેને ઓળખી ગયો ને બોલ્યો, ‘નમસ્તે કમિશ્નર સાહેબ. તમે એ જ છો ને, જેણે મારા પર ઈન્કમ ટેક્સની રેડ કરી હતી…. તમે પણ આવી ગયા! વેલકમ…’

ખેડૂત

બાબરી મસ્જિદ ધ્વંસ થયા બાદ કાશ્મીરમાં પણ હુલ્લડ ઉપડી ગયું. કાશ્મીરી પંડિતોના પણ મંદિર પાડવામાં આવ્યા. એક મંદિર પર હુમલાનો ખતરો જોઈ પંડિત ભાગી ગયો.

એક ખેડૂતે જોયું. હતોત્સાહી ભીડ એ તરફ જ આવી રહી હતી. એ મંદિરમાં ઘુસીને બેસી ગયો અને કુરાન વાંચવા લાગ્યો. હતોત્સાહી ભીડ પરત ફરી ગઈ. તેમણે પૂજારીને કહ્યું, ‘અરે ઓ અજુધ્યાનાથ. તારા મંદિરને સંભાળ.’

પતંગિયું

ઈડન ગાર્ડનના ખુલ્લા મંચ પર નૃત્ય સમ્રાટ ઉદયશંકરનું નૃત્ય પ્રદર્શન હતું. દર્શકોની ભીડ. ઉદયશંકર તાંડવ નૃત્યનું પ્રદર્શન કરી રહ્યા હતા. એ નૃત્યની તાલ અને લયમાં તલ્લીન હતા. તાંડવના પ્રલય પક્ષનું રૌદ્ર સ્વરૂપ જ્યારે આવ્યું ત્યારે જ નૃત્ય સમ્રાટના બે પગની વચ્ચે પતંગિયા આવીને ચક્કર લગાવવા લાગ્યા. થોડા સમય સુધી તો તેઓ એ રીતે જ નૃત્ય કરતાં રહ્યા, પણ પતંગિયાએ પોતાનું નૃત્ય ન રોક્યું તો ઉદયશંકરે પોતાનું નૃત્ય એકાએક રોકી દીધું. દર્શક અચંભામાં પડી ગયા. એ સમજી ન શક્યા કે આવું કેવી રીતે થઈ ગયું. ત્યારે ઉદયશંકરે પતંગિયાઓની વાત બતાવતા કહ્યું, ‘મોટામાં મોટી કળાને સ્થગિત કે ખંડિત કરી શકાય છે. જો તેનાથી જીવન વિનિષ્ટ અને ખંડિત થતું હોય.’

ઘુંઘટવાળી વહુ

વાત વૃંદાવનની છે. હું મંદિરોમાં નથી જતો. જવું હોય તો જવાથી અચકાતો પણ નથી. કહેવામાં આવ્યું કે બિહારીજીનું મંદિર તો જોઈ જ લો. એટલે કે દર્શન કરી આવો. ગયો. પણ રસ્તા અને આસપાસની ગંદકીથી પણ વિચલિત થઈ ગયો. પાછો ફરી આવ્યો. મંદિરના એક સભ્ય, એક પત્રકાર મિત્ર યોગશે કહ્યું, ‘ભાઈ સાહેબ પ્રસાદ તો ગ્રહણ કરતા જાવ. મેં ઘરે જ મંગાવી લીધો છે. બાળકોને પણ મળીને જજો.’

અમે ઘરે પહોંચ્યા. દેશી ઘીની મોટી પૂરી સહિત એટલો બધો વધારે પ્રસાદ હતો કે તેને ગ્રહણ કરવો તો અસંભવ જ હતો. ચોક્કસથી એ ગિરધારી બાંકે બિહારીજીનો ભોગ હશે. પ્રસાદ લીધો. બાળકોને મળ્યો. ત્યાં જ લાંબો ઘુંઘટ તાણેલી ઘરની વહુ આવી. તેણે અમારા બંનેના ચરણસ્પર્શ કર્યા. અમે આશિર્વાદ આપ્યા. વહુ ગાયત્રીની પાસે બેસી ગઈ. લાંબો ઘુંઘટ કોઈ ચાદરની જેમ પથરાયેલો હતો.

અમે નીકળવાના થયા તો વહુએ ફરી ચરણસ્પર્શ કર્યા. રસ્તામાં જ પ્રદીપે બતાવ્યું, ‘ભાઈ સાહેબ યોગેશની વહુ તો વૃંદાવન નગરની કાઉન્સિલર છે.’

હું ચોકી ગયો, ‘નગરની કાઉન્સિલર. એ ઘુંઘટ તાણેલી વહુ. શું વાત કરે છો ?’

‘હું સાચું કહું છું ભાઈ સાહેબ.. હમણાં બે ત્રણ અઠવાડિયા પહેલા જ ચૂંટણી થઈ હતી. વહુ જાજા વોટથી જીતી ગઈ છે.’

અત્યારે અમે બજારથી થઈને મુખ્ય રસ્તા પર જઈ રહ્યા હતા. પ્રદીપે કહ્યું, ‘એ જુઓ ભાઈ સાહેબ, દિવાલ પર પ્રચાર-પોસ્ટર લાગેલું છે.’ ઘુંઘટ તાણેલી વહુ તેજસ્વી મુદ્રામાં ભાષણ આપી રહી હતી.

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments