Homeગામનાં ચોરેજેટલી આપની સેવા કરું એટલી ઓછી છે : પ્રધાનમંત્રી

જેટલી આપની સેવા કરું એટલી ઓછી છે : પ્રધાનમંત્રી

દેવદિવાળી પર પ્રધાનમંત્રીએ વારાણસીને ભેટ આપી. પ્રધાનમંત્રીએ અહીં 6 લેન માર્ગનું લોકાર્પણ કર્યું. 2474 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગથી અનેક લોકોને ફાયદો થશે. 73 કિલોમિટરની આ પરિયોજનાના કારણે વારાણસી અને પ્રયાગરાજનું અંતર ઘટશે.

અહીં પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ભોજપુરીમાં કરી હતી. સાથે જ દેવદિવાળી અને ગુરૂનાનકજીની જયંતીની શુભેચ્છા આપી હતી.

જનસભાને સંબોધિત કર્યા બાદ પ્રધાનમંત્રી લલિતઘાટ પહોંચ્યા હતા જ્યાંથી અલકનંદા ક્રૂઝમાં સવાર થઈ કાશી વિશ્વનાથ કોરિડોર પહોંચ્યા હતા. લલિતઘાટ કાશી વિશ્વનાથ કોરિડોરના મુખ્યદ્વાર પર સ્થિત  ઘાટ છે. કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આવતા વર્ષે પ્રોજેક્ટને  આખરી ઓપ આપાઈ જશે.

પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથની પૂજા કરી હતી. કાશી વિશ્વનાથને દૂધ અને જળનો અભિષેક કર્યો હતો. મંદિરના પૂજારીઓએ પ્રધાનમંત્રીને મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાવી હતી..

ત્યારબાદ પ્રધાનમંત્રી દિપોત્સવમાં પહોંચ્યા હતા. રાજઘાટ પર તેમણે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. એક સાથે 15 લાખ દિવડાઓના કારણે તમામ ઘાટ ઝગમગી ઉઠ્યા હતા. જે દૃશ્ય સર્જાયું હતું તે અદભુત હતું.  દિવડાઓ સાથે લોકોના મોબાઈલની ફ્લેશ લાઈટ પણ ટમટમી રહી હતી.

અહીં ફરી પ્રધાનમંત્રીએ ભોજપુરીમાં સંબોધનની શરૂઆત કરી હતી. લોકોને દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતીની શુભકામના આપી હતી. સાથે જ ભોજપુરીમાં જ સંતો અને મહાપુરૂષોને યાદ કર્યા હતા.

અહીં પ્રધાનમંત્રીએ કેનેડા તરફથી પરત મળેલી મા અન્નપુર્ણાની પ્રતિમાનો ઉલ્લેખ કર્યો સાથે જ વિપક્ષ પર પ્રહાર પણ કર્યા. આ પહેલા તેમણે મન કી બાત કાર્યક્રમમાં પણ માતા અન્નપૂર્ણાની મૂર્તિનો ઉલ્લેખ કરી સહયોગીઓનો ધન્યવાદ માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમારા માટે વારસાનો મતલબ છે દેશની ધરોહર. જ્યારે કેટલાક લોકો માટે વારસાનો મતલબ છે પોતાનો પરિવાર અને પરિવારનું નામ. અમારા માટે  વિરાસતનો મતલબ છે અમારી આસ્થા, અમારી સંસ્કૃતિ, અમારા મૂલ્યો.

કાશીની ધરતી પરથી પ્રધાનમંત્રીએ શહીદોને નમન કર્યું. સાથે જ ચીનને ચેતવણી પણ આપી. પીએમએ કહ્યું કે, આ દિપક એમના માટે પણ પ્રજ્વલ્લીત થઈ રહ્યા છે જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે. દેશની રક્ષા માટે શહાદત વહોરી લેનારા, પોતાની જવાની ખપાવી દેનારા, પોતાના સપનાઓને મા ભારતીના ચરણોમાં વિખેરી દેનારા આપણા સપૂતોને નમન કરું છું. જો સીમા પર ઘૂષણખોરીની કોશિશ થશે, વિસ્તારવાદી તાકતોનું દુસ્સાહસ થાય અથવા દેશમાં જ દેશને તોડવાની કોશિશ થાય ભારત આજે તમામનો જડબાતોડ જવાબ આપી રહ્યો છે. આ સાથે જ દેશ હવે ગરીબી, અન્યાય અને ભેદભાવ વિરૂદ્ધ બદલાવના દીપ પ્રગટાવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ રામ મંદિરનો ઉલ્લેખ પણ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સારી નીયતથી જ્યારે કામ કરવામાં આવે છે ત્યારે વિરોધ છતાં તેની સિદ્ધિ થાય છે. અયોધ્યામાં રામ મંદિરથી મોટુ ઉદાહરણ બીજું શું હોઈ શકે.

સાથે જ લોકોને સંદેશ પણ આપ્યો હતો કે હું કોરોનાના કારણે લાંબા સમય પછી આવ્યો છું પરંતુ દરેક ક્ષણે તમારી સાથે જોડાયેલો રહ્યો છે. હોસ્પિટલની વ્યવસ્થા, કોઈ ગરીબ ભૂખ્યો સુઈ નથી ગયોને તમામ મુદ્દે હું સીધો જોડાયેલો રહ્યો. તમે કોઈને ભૂખ્યા સુવા ન દીધા. દવા વિના નથી રહેવા દીધા. તમે જે ગરીબથી ગરીબ વ્યક્તિની મદદ કરી છે તેણે મારુ દિલ જીતી લીધું. જેટલી આપની સેવા કરું એટલી ઓછી છે.  

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાને આપણે પરાસ્ત કરીને આગળ વધીશું. જેવી રીતે ગંગાની ધારા અનેક વિઘ્નો બાદ પણ સતત આગળ વધતી રહે છે તેમ વિકાસની ધારા પણ સતત આવી રીતે જ વહેતી રહેશે. લોકોને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી ફરી અલકનંદા ક્રૂઝમાં ચેતસિંહ ઘાટ પહોંચ્યા હતા.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં લેસર શૉ નિહાળ્યો હતો. તેમની સાથે યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. અલકનંદા ક્રૂઝમાં સવાર થઈને બંને નેતાઓ આગળ વધ્યા હતા. પ્રધાનમંત્રીએ ક્રૂઝમાંથી લોકોનું  અભિવાદન ઝીલ્યું હતું. અલકનંદા ક્રૂઝને 2 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ લીલી ઝંડી આપી હતી

ત્યારબાદ તેઓ રવિદાસ ઘાટ પર પહોંચ્યા હતા અને સંત રવિદાસને નમન કર્યું હતું. સંત રવિદાસ ઘાટથી તેઓ સીધા સારનાથ પહોંચ્યા હતા. જ્યાં પણ અદભૂત લેસર શૉનું આયોજન કરાયું હતું. સારનાથ એ જગ્યા છે જ્યાંથી ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો હતો. કાશીથી લગભગ 10 કિલોમિટર દૂર સારનાથનો સ્તંભ આવેલો છે. સમ્રાટ અશોકે તેનું નિર્માણ કરાવ્યું હતું.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments