વાર્તા – કોલેજ રોમાન્સ
લેખક – નીલેશ મિશ્રા
પુસ્તક – યાદ શહર-2
પ્રથમ પ્રકાશિત – 92.7 Big FM
અનુવાદ –Team Chabuk
3 માર્ચ 1990. કોલેજનું ચઢાણ ચઢતા ચઢતા, રજિસ્ટ્રાર ઓફિસની સામેથી પસાર થતા, સરસ્વતીની મૂર્તિની સામે પહોંચતા પહોંચતા, એ જ આર્ટ્સ ફેકલ્ટીની બિલ્ડીંગના ગેટની બરાબર સામે સવારના 10:45 પર મને એ અનુભૂતિ થઈ ગઈ હતી કે મને ફરી પ્રેમ થવાનો છે.
તમે પૂછશો કે કેમ ? બસ ફિલ થઈ રહ્યું હતું. કોટનનો નવો સફેદ રંગનો બુશર્ટ પહેર્યો હતો અને કોર્ડરોયનું ટ્રાઉઝર. અચાનક ચાલમાં એટલો આત્મવિશ્વાસ આવી ગયો હતો કે માની લો આ જંગલ છે અને હું સિંહ… વિદ્યાર્થી યુનિયનનો સિંહ તો હું ગત ત્રણ વર્ષથી હતો. જનરલ સેક્રેટરી હતો અને હવા એ હતી કે આવનારી ચૂંટણીમાં મારું પ્રેસિડેન્ટ બનવું નક્કી હતું.
અને જ્યાં સુધી પ્રેમના ઈલેક્શનનો સવાલ છે. આવતા આવતા ભગવાનનો એક ઈશારો પણ મળી ગયો. ઓલ ઈન્ડિયા રેડિયો પર ગીત પણ વાગી રહ્યું હતું – મહોબ્બત બડે કામ કી ચીજ હૈ…
મેં કહ્યું કે ભાઈ ઠીક છે. તમે કિશોર કુમાર સાહેબ છો, જ્ઞાની છો. હવે તમે કહી રહ્યા છો તો સાચેક કામની જ વસ્તુ હશે.
સામેથી એમ.કોમ. ફર્સ્ટ યરનો મારો જૂનિયર મંજીત સિંહ રંધાવા ચાલીને આવી રહ્યો હતો. બોલ્યો, ‘ગુરૂ, શનિવારનું યાદ છે ને મારા લગ્નનું રિસેપ્શન છે.’
મેં કહ્યું, ‘મન્નુ તારું થયું, હવે મારું શું થશે?’
બોલ્યો, ‘સારું જ થશે. ફ્રેશર્સનું નવું ઝૂંડ આવ્યું છે. એમને તારા માર્ગદર્શનની જરૂર છે.’
માર્ગદર્શન? માર્ગદર્શનનો તો હું ઉસ્તાદ છું. જોકે કોઈ કોઈ વાર તો મને લાગે છે કે પાછલા જન્મમાં હું ટ્રાફિક પોલીસ હતો. ચોક પર ઊભો ઊભો ગાડીઓનું માર્ગદર્શન કરતો રહેતો હતો.
મેં કહ્યું, ‘ચાર વાગ્યે એ ટોળાને કેન્ટીનની પાછળ બોલાવ તો ખરો. ભટકેલી આત્માઓ છે. તેમને માર્ગદર્શનની જરૂર છે.’
ચારને વીસ મિનિટ પર કેન્ટીનમાં છેલ્લા ત્રણ ફ્રેશર્સ ડરતા ડરતા અંદર દાખલ થયા. છોકરાઓ વધારે હતા અને છોકરીઓ ઓછી. હિન્દુસ્તાનમાં છોકરાઓની તુલનાએ છોકરીઓનો અનુપાત ઓછો હોવા પર અફસોસ થાય છે.
કેન્ટીનનો એક ભાગ આખો ભરાઈ ગયો. હું ચિંતામાં હતો કે રેગિંગ માટે બોલાવી તો લીધા, પણ હવે આમના ચાના પૈસા કોણ ચૂકવશે ? મેં ખોટો ગુસ્સો બતાવતા કહ્યું, ‘પહેલા તો બધા ચાના પૈસા ભેગા કરો, હાલો તો.’
ફ્રેશર્સમાં બે અને પાંચ રૂપિયા કાઢવાનો તરવરાટ જાગી ગયો. ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો.
એક છોકરીએ કહ્યું, ‘સર, આ ઠીક નથી.’
પછી બીજો અવાજ આવ્યો, ‘અમે તમારા મહેમાન છીએ. કંઈ નહીં તોય ચા તો તમારે પીવડાવવી જ જોઈએ.’
કેવી હોય છે નહીં છોકરીઓની જીભ!
રેગિંગ તો ન થઈ કારણ વિનાનું નુકસાન થઈ ગયું. અરે બાપ રે…. બે છોકરીઓને એક સાથે દિલ દઈ બેઠો. કેન્ટીનમાં પાછળની બાજુથી બે અવાજ આવ્યા હતા. એ અવાજ મારા હ્રદય સોંસરવા ઉતરી ગયા.
એ અવાજ હતો ઋચા અને સપનાનો. મિત્રો હું સોશિયલિઝમ પર વિશ્વાસ રાખું છું. મારી નજરમાં તો બધી છોકરીઓ એક સરખી જ છે.
એ વખતે યુએસએસઆરનો અંત થઈ જ રહ્યો હતો. છતાં હું પોલિસી પર અણનમ હતો. જે પણ જેની પાસે પણ હોય બધા વચ્ચે બરાબર વહેંચાવું જોઈએ. એક નાનકડું એવું દિલ જ કેમ ન હોય…
એ દિવસોમાં એક રૂપિયાના સિક્કાથી શિયાળાની બપોરે છોકરીઓના ટેબલને થપથપાવીને અમે લોકો એક ગીત ખૂબ ગાતા હતા, ‘એક દિલ કે ટૂકડે હજાર હુએ, કોઈ યહાં ગિરા કોઈ વહાં ગિરા.’
સાચું પણ હતું. અમારા હ્રદયના હજાર ટૂકડાઓ કોઈ વખત લાઈબ્રેરીમાં પડતા હતા, કોઈવાર મિસિસ પરિહારના રૂમની સામે, કોઈ વખત આર્ટ્સ ફેકલ્ટીની પાછળ, કોઈ વખત કોલેજ જ્યાંથી ચઢતા ત્યાં….
અને શું કામે ન થાય. બતાવો મને એ પુસ્તક જેમાં ટાંકેલું હોય કે એક સમયે બસ એક વ્યક્તિ સાથે જ પ્રેમ કરી શકીએ?
હું એક સંબંધ માટે તો બન્યો જ નથી. આવનારા સમયમાં બે સંબંધો મારા સંબંધોના પુસ્તકમાં વધારે જોડાઈ ચૂક્યા હતા. હોડી બે અને મુસાફર એક. બહુત નાઈન્સાફી…. જરાં પણ નથી.
બેઉં જ્યારે અલગ અલગ ગ્રહમાંથી આવી હતી. ઋચા માસૂમ પરી હતી. જેવી રીતે ફૂલ હમણાં ખીલવાનું જ હોય. ના વધારે લોકો સાથે વાત કરતી હતી, ના બીજાઓની જેમ જોર જોરથી હસતી હતી. એટલી સુંદર હતી કે લાગતું હતું કે- હાથ અડો તો દાઘ પડી જાય.
અને સપના તેનાથી બિલકુલ ઉલટી. પૂરી રીતે બિંદાસ. જેવી રીતે પંજાબના કોઈ પહેલવાનનું શરીર અને મન એક સુંદર છોકરી બાજુ ઢળી ગયું હોય. કોઈ ભરોસો નહીં કે ક્યારે તે છોકરાઓ સાથે ફૂટબોલ રમવા મેદાનમાં ઉતરી આવે, ક્યારે બારીમાંથી છલાંગ લગાવીને હોસ્ટેલમાંથી રફુચક્કર થઈ જાય. અને ક્યારે મોલ રોડની પાસે આવેલા સત્યમ ટોકિઝ સિનેમા હોલની પાછળની સીટ પર બેસીને એડલ્ટ ફિલ્મ જોતી નજર આવી જાય.
બંને એકબીજીથી આટલી અલગ… પણ હું બંને તરફ આકર્ષાતો જતો હતો. જેવી રીતે એક હ્રદયની બે કાર્બન કોપી થઈ ગઈ હોય.
હવે આપણો કાર્બન કોપી રોમાન્સ સારો ચાલી રહ્યો હતો. ધીમે ધીમે બાકી તમામ છોકરીઓથી હટીને મારા હ્રદયનું ટેલિસ્કોપ આ બંને ચંદ્રમા પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું. પણ કોઈ ભગવાનની જેમ મારે આ બંને ચંદ્રમાઓને ખૂબ સાવધાનીપૂર્વક હેન્ડલ કરવાના હતા. એક ચંદ્ર ગ્રંથાલયમાં લાઈબ્રેરી સેક્શનની પાછળ હોય, તો બીજા ચંદ્રને બજારમાં જોશી ટી સેન્ટર સુધી લાંબા થઈ જોવા જવું પડતું હતું. એક ચંદ્ર સાથે સવારે નવ વાગ્યે ટકરાતો હતો તો બીજા ચંદ્ર સાથે સાડા પાંચ વાગ્યે. બંને ચંદ્રને એક સાથે એક જ જગ્યાએ નહોતું મળી શકાતું. આખરે આટલી ચાંદનીથી સળગી જવાનો ભય પણ રહેતો હતો!!
આમ તો મારા પ્રેમની ડબલ શિફ્ટ પણ બરાબર ચાલી રહી હતી. પણ મિત્રોએ જાહેરાત કરી દીધી હતી કે મારું સળગવું નક્કી છે.
હું ખૂદને ચતુર સૂરજ સમજતો હતો. પણ મિત્રો બોલ્યા કે હું બસ એક પતંગિયું છું.
મનુએ કહ્યું, ‘ભાઈ એક નહીં, બંને છોકરીઓ એટલી ધોલાઈ કરશે કે માની લો ચૂંટણીમાં ડિપોઝીટ ડૂલ થઈ જશે.’
મહેશે કહ્યું, ‘અને વીસ દિવસમાં સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી છે. એમાં તો ડિપોઝીટ પાક્કી ડૂલ થવાની છે. તને ખબર છે રોકી રંધાવા આ વખતેના પ્રેસિડેન્ટ ઈલેક્શનમાં કેટલા રૂપિયા લગાવવાનો છે? સાંભળ્યું છે દસ હજાર પોસ્ટર છપાઈ રહ્યા છે. એ પણ ફોર કલરમાં, ગ્લોસી પેપર પર. દરેક હોસ્ટેલમાં જશ્ન થવાનો છે. અને બધાને દિલવાલે દુલ્હનિયાની કેસેટો પણ વેચવામાં આવી રહી છે. અને તું અહીંયા બેસીને ડબલ ઈશ્ક લડાવી રહ્યો છો….’
મેં કહ્યું, ‘તમે બધા ગધેડા છો. જો વોટરને પૈસા આપીને જ સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી જીતવાનો હોય તો હોલિડે રિસોર્ટનો કરોડપતિ અરોરાનો હાલી નીકળેલો દીકરો સની ત્રણ વર્ષથી તમારો પ્રેસિડેન્ટ હોત. આ ચૂંટણી જીતવું એ મારો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. હું આ કોલેજનો સૌથી લોકપ્રિય વિદ્યાર્થી છું અને આ વાતને રોકી રંધાવાની નોટ ખરીદી ન શકે. તમે જોજો આ વખતે ગત વખતના માર્જીન કરતાં પણ વધારે જીતીશ અને હવે મારો ટાઇમ ખરાબ ન કરો. મારે બે બે ડેટ્સ પર જવાનું છે.’
મારા મૂર્ખા મિત્રોને પહેલાથી વિશ્વાસ હતો કે આ ટૂ-ટાઈમિંગવાળા પ્રેમ-પ્રકરણના ટાઈમબોમ્બમાં કોઈ દિવસ હું બરબાદ થઈ જઈશ. પણ આ ટાઈમબોમ્બના ધડાકા પહેલા જ મારા જીવનમાં એક નવો વળાંક આવી ગયો.
ક્રિસમસનો દિવસ હતો. હું દિલવાલે દુલ્હનિયા લે જાયેગેની ચાર ટિકિટ લઈને આવ્યો હતો. બે બાર વાગ્યાના શોની મારા અને ઋચા માટે અને બે નવ વાગ્યાના શોની, મારા અને સપનાના માટે.
ઋચા એ દિવસે હદથી વધારે સુંદર લાગી રહી હતી. કાલી સલવાર-કમીઝ પહેરેલી હતી અને હલ્કી ઝરીવાળો દુપટ્ટો. વાળ ખુલ્લા હતા અને માથા પર જીવલેણ કાળા કલરનો ચાંદલો લગાવ્યો હતો. હું ફિલ્મ ઓછી અને તેને વધારે જોઈ રહ્યો હતો.
બાર વાગ્યાનો શો પૂરો થયો જ હતો કે ઋચા શરમાતા બોલી, ‘મને ખબર છે કે તું પણ રાજની જેમ મારા પપ્પા પાસે જઈને મારો હાથ માગી લઈશ.’
મેં કહ્યું, ‘એ તો છે જ. તારા પિતાને મજબૂર થઈને કહેવું પડશે, જા સિમરન… આઈ મીન જા ઋચા… જી લે અપની જિંદગી.’
એ બોલી, ‘એટલે જ મેં પપ્પાને આપણા બંનેના વિશે કહી દીધું છે. એ આગલા અઠવાડિયે આવવાના છે અને તને મળવા ઈચ્છે છે.’
મારા તો ઝાંક મોકરા થઈ ગયા. ધોલાઈ તો દૂર રહી, આ મેડમ તો વિદાયની વાત કરી રહી છે.
આવા દિલફેંક આશિકો પોતાની જુવાનીમાં લગ્ન પણ કરે ? પરિસ્થિતિને સંભાળી લઈશ. ખૂદને આ રીતે જ સાંત્વના આપતા હું રાતના નવ વાગ્યાના શો માટે સપનાને લઈને સત્યમ ટોકિઝ પહોંચ્યો. ફરી દિલવાલે દુલ્હનિયા જોવા માટે. ફરી રાજ અને સિમરનનો ક્લાઈમેક્સ સીન જોતા જોતા ઊંડો શ્વાસ લીધો. પહેલી વખત સપનાને ફિલ્મમાં રડતા જોઈ. અંધારામાં ચૂપચાપ પોતાના આંસુ લૂંછી રહી હતી. મને ખૂબ જ નિરાશા થઈ કે પહેલવાન ટાઈપની છોકરીની અંદર પણ એક સેન્ટીમેટલ છોકરી છે. આ છોકરીઓ આટલી સેન્ટીમેટલ શા માટે હોય છે? આ છોકરીઓ છોકરાઓનું છોકરી વર્ઝન શા માટે નથી હોઈ શકતી?
પિક્ચર હોલમાંથી નીકળતા જ સપનાએ શિંગદાણા ખાતા કહ્યું, ‘તું તો ડરપોક છો. તારા કામનું નથી કે તું છોકરીના બાપ સામે તેનો હાથ માંગી શકે.’
હું તો ઝાડવે ચડીને બેઠો હતો. મેં કહ્યું, ‘પાગલ છો કે ? છોકરીના બાપથી છોકરીનો જ નહીં એની માંનો પણ હાથ માગી શકું છું… સમજીને શું રાખ્યું છે?’
એ બોલી, ‘મારી માંનો હાથ માગવાની બિલકુલ જરૂર નથી. હા પપ્પા સાથે મેં તારી અને મારી વાત કરી લીધી છે. એ તને મળવા માગે છે.’
એક જ દિવસમાં લગ્નના બે પ્રપોઝલ. આ કંઈક વધારે જ નહોતું? ટાઈમબોમ્બ બસ ફૂટવાનો જ હતો.
અચાનક મારા કોમળ ખભા ઉપર એક એક ક્વિન્ટલના ત્રણ ભાર આવી ગયા હતા. જેની સાથે રમત-રમતમાં પ્રેમ કર્યો હતો. એ બે છોકરીઓના લગ્નના પ્રપોઝલ અને સામેથી આવતું સ્ટુડન્ટ ઈલેક્શન…
રોકી રંધાવાએ સાચેક બધી તાકાત લગાવી દીધી. તેના ચૂંટણી પ્રચારમાં રોજ સો-દોઢસો છોકરાઓ રહેતા હતા. મને પહેલી વાર સાચેક આટલી મૂંઝવણ થવા લાગી. મારા ભાષણ માટે પણ ખાસ્સી ભીડ ઉમટી પડતી હતી. પણ લાગી રહ્યું હતું કે આ વખતે સ્પર્ધા કાંટાની ટક્કર જેવી છે.
હું દર વખતે હોસ્ટેલમાં જઈને મીટીંગ કરતો હતો. એક દિવસ સાંજે પ્રભાદેવી ગર્લ્સ હોસ્ટેલમાં ઈલેક્શન કેમ્પેઈન પૂર્ણ થવાનું જ હતું ત્યાં ઋચા, જે ત્યાં રહેતી હતી, ભીડમાંથી સરકીને મારી પાસે વાત કરવા માટે આવી.
બોલી, ‘પપ્પા કાલ રાતે આવી રહ્યા છે. શું આપણે પાંચ વાગ્યે મળી શકીએ?’
મેં તુરંત સોઈ ઝાટકીને કહ્યું, ‘આ બધું બધાની વચ્ચે ન કર. મારી એક પોઝિશન છે….’
એ ડઘાઈ ગઈ. બોલી,‘તું નાની અમથી વાતમાં ગુસ્સે કેમ થઈ જા છો?’
હું સમજી જ ન શક્યો કે તેના પિતાને કેવી રીતે મળું ?
ફ્લર્ટ કરવાની મારી આદત આ વખતે હદ કરતા આગળ વધી ગઈ હતી.
મેં કહ્યું, ‘હું કાલે બતાવીશ.’
એ બોલી, ‘તું મને પ્રેમ તો કરે છે ને?’
મેં કહ્યું, ‘હા, હું ફક્ત તને જ પ્રેમ કરું છું.’
કાર્બન કોપી રોમાન્સની રાતની વાર્તા પણ કંઈક આવી જ હતી. સપના બોલી, ‘હું જ શા માટે હંમેશાં આઈ લવ યૂ કહું છું ? તારા ડાચામાંથી કેમ નથી ફાટતો.’
લાગી રહ્યું હતું કે હવે કાર્બન કોપી રોમાન્સમાંથી કાર્બન હટાવવાનો વારો આવી ગયો છે.
આ પિતા-બીતા વાળી ઘટના તો હવે ગંભીર થતી જતી હતી. ઋચાએ કહ્યું, ‘હું કાલ સાડા ચાર વાગ્યે તને આર્ટ્સ કેમ્પસની સામે મળીશ. પછી આપણે સાથે જઈશું.’
આર્ટ્સ કેમ્પસમાં આગલા દિવસે ઘણી ભીડ હતી. મને મનુએ કહ્યું કે, રોકી રંધાવાની મોટી રેલી થવાની હતી. અત્યાર સુધીની સૌથી મોટી રેલી હતી. ખૂબ નારા લાગી રહ્યા હતા. આવી સ્થિતિમાં હું બહાર નહોતો નીકળી શકતો. ઈજ્જત નીકળી જાત. તો હું મનુ અને કેટલાક બીજા મિત્રોની સાથે રિડિંગરૂમમાં બેઠો હતો. પટ્ટાવાળાને કહીને ચા મંગાવી લીધી હતી અને બારીમાંથી મારા મિત્રો શાંતિપૂર્વક દુશ્મનની તાકતનો અંદાજો લગાવતા હતા.
અચાનક મનુએ મારો હાથ પકડીને કહ્યું, ‘એ અહીં બારી પાસે આવતો, મને તો વિશ્વાસ નથી થઈ રહ્યો.’
મેં કહ્યું, ‘હા ખબર છે. બહાર ભીડ છે.’
તેણે કહ્યું, ‘હું ભીડની વાત નથી કરતો.’
મેં બારીમાંથી જોયું તો આભો રહી ગયો. સરસ્વતીજીની મૂર્તિના સામેના સ્ટેજ પર રોકી રંધાવાની સાથે તેના સપોર્ટમાં જોર જોરથી નારા લગાવતી ઋચા ઊભી હતી.
મને તો મારી આંખો પર વિશ્વાસ જ ન થયો. ઋચા રોકી રંધાવાના સપોર્ટમાં?
મનુએ કહ્યું, ‘બોસ આ શું થઈ રહ્યું છે?’
મેં કહ્યું, ‘એલા જબરદસ્તી ફ્રેશર્સને ખેંચીને લઈ આવ્યા છે બીજું શું?’
કદાચ આ જ થયું હતું. ઋચા કદાચ દબાણમાં તેના સપોર્ટમાં આવી ગઈ હતી. બાકી આજ સુધી આ થયું જ ન હતું. થઈ જ ન શકે કે મારા પ્રેમમાં જે છોકરીની ધરપકડ થઈ હોય તે મારી વિરુદ્ધ ચાલી જાય. મેં આજ સુધી જીવનમાં જે ઈચ્છ્યું હતું તે મેળવ્યું હતું… સંબંધો, લોકપ્રિયતા, લોકોનો પ્રેમ, ક્લાસ અને કોલેજમાં એક પોઝિશન.
મેં ખૂદને યાદ દેવડાવ્યું કે હું દરેક વસ્તુમાં પ્રથમ હતો. આજ સુધી, ચૂંટણીમાં પણ હું જ રહીશ. અને પ્રેમ ? અરે પ્રેમ જે દિવસે કરવા ઈચ્છીશ ચપટી વગાડતા કરી લઈશ.
મીટીંગ પછી જાણી જોઈને ઋચાને ન મળ્યો અને સપનાથી પણ બચતો રહ્યો. શોધવા દે એમને મને. તડપવા દે મારા માટે. જો રોકી રંધાવાએ દબાણ કર્યું હતું તો બતાવવું હતું ને ?
ભાડમાં જાય બંને. હવે તો મારે ફક્ત ચૂંટણી જીતવી હતી અને જીતીશ.
છેલ્લે ચૂંટણીનો દિવસ પણ આવી ગયો. નેવું ટકા વિદ્યાર્થીઓએ વોટ આપ્યા હતા. હું કાઉન્ટીંગ સેન્ટર ગયો. મનુ અને બીજા મિત્રો ઊભા હતા. તેમના ચહેરા નમેલા હતા. દુ:ખમાં હતા એ.
શું એમને કંઈક એવી ખબર હતી જે મને નહોતી ? દરેક મિનિટ એવી રીતે પસાર થઈ જાણે ચાર કલાક હોય. પરિણામ જ એનાઊન્સ નહોતા કરતા.
લાંબા સમય પછી જે મિત્રોના ચહેરા પર હતું, એ બોર્ડ પર પણ આવી ગયું. હું પહેલી વખત ચૂંટણી હારી ગયો હતો.
રોકીના સાથીદારોએ હલ્લો મચાવવાની શરૂઆત કરી દીધી. નગારા વાગી રહ્યા હતા. સમજાતું ન હતું કે શું કરું ? થાકીને હું દિવાલના ટેકે ઊભો રહી ગયો.
સામેથી કાઉન્ટીંગ એજન્ટ બિલ્ડીંગની બહાર નીકળવા લાગ્યા. રોકીના કાઉન્ટીંગ એજન્ટમાં હતી ઋચા અને સપના!
બંને મારી પાસે આવી. સપનાએ કહ્યું, ‘સોરી, તું અમારા ત્રણેથી હારી ગયો.’
ઋચા. એ મીંદડી અચાનક શું બની ગઈ હતી. બોલી, ‘તને શું લાગતું હતું, અમે ગધેડા છીએ? અમે તો કેન્ટીનમાં રેગીંગવાળા દિવસથી જ સાથે સાથે ઓપરેશન પર કામ કરી રહ્યા હતા. ખોટું ન લગાવતો અને પર્સનલી ન લેતો. આ જવાબ તને નહીં પણ છોકરાઓની કોમ્યુનિટીને હતો. અમે તો સોશિયલિઝમમાં વિશ્વાસ કરનારા છીએ. આખરે અમારી નજરમાં બધા છોકરાઓ બરાબર છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત