Homeસાહિત્યઅથ શ્રી મંગાકથા : દર મહિને જાપાનમાં 125થી 150 મંગા પ્રકાશિત થવાનું...

અથ શ્રી મંગાકથા : દર મહિને જાપાનમાં 125થી 150 મંગા પ્રકાશિત થવાનું કારણ શું હશે?

Team Chabuk- literature Desk : ધારો કે તમે ગુજરાતના કોઈ અંતરિયાળ વિસ્તારમાં રહો છો. તમને વાંચવાનો ભરપૂર શોખ છે. તમારે કોઈ કારણોસર અમદાવાદ આવવાનું થાય છે. તમે પુસ્તક મેળાની મુલાકાત લો છો. વચ્ચે પહોંચો અને ત્યાં અહોભાવ ઉપજે એવી ઘટના તમારી આંખ આગળ બને છે. એક પુસ્તક છે. અંદર જુઓ તો કૉમિક સ્ટાઈલમાં એનું સ્વરૂપ. ચિત્રો પણ છે. લખાણ ઓછું છે. વધુ આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે પુસ્તક ઉલ્ટેથી વાંચવાનું છે. જેમ ગુજરાતી ભાષાનાં પુસ્તકોના મુખપૃષ્ઠ સીધા હોય એમ આ ઉલટા. આપણે લેફ્ટથી રાઇટ વાંચીએ પણ આ તો રાઇટથી લેફ્ટ જવાનું છે. અંદર ક્યાંક વાંચો તો માહિતી મળે કે આ તો જાપાનની મંગા શ્રેણી છે. એ વળી શું?

મંગા આજકાલનું નથી. એના મૂળ તો બારમી અને તેરમી સદીમાં રોપાયેલા. ત્યારે Choju-giga નામની શ્રેણી કેટલાક આર્ટિસ્ટે પબ્લિશ કરી હતી. એમાં પ્રાણીઓ અને પક્ષીઓની વાર્તા હતી. પ્રાણીઓ અને પક્ષીઓ દોડે તો વળી કેવી રીતે દોડે તેની એક ડિઝાઇન તેમણે તૈયાર કરેલી. જે કેટલાક મંગા આર્ટિસ્ટનો આજે પણ પીછો નથી છોડતી. નરુતો નામની એનિમેશન શ્રેણીનાં ચાહક હો તો દોડવાની પદ્ધતિનો તમને ખ્યાલ આવી જશે. મોર્ડન મંગા હજુ પણ આ જૂની સ્ટાઇલથી છૂટી શક્યું નથી એ વાતનું ઘણાને આશ્ચર્ય છે. આપણી ભાષામાં જેમ કેટલાક સર્જકોને પરંપરાગત વાર્તા લખવાનું જ ફાવે એવું આ લોકપ્રિય જાપાનીઝ ‘કૉમિક’ શ્રેણીનું છે.

manga

જાપાનમાં 1603થી 1867ના સમયકાળને ધ ઈડો પિરિયડ તરીકે ઓળખવામાં આવે છે. એ ટાઇમલાઇનમાં Toba Ehon નામની બુકમાં ફરી એક વખત મંગા ચગી ગઈ. ઈડોકાળમાં વચ્ચે વચ્ચે પણ તેના એકાદ બે નમૂના જોવા મળ્યા. ખરો શ્રેય તો કિત્ઝાવા રકુતેનને આપવો જોઈએ. ઈ.સ 1902માં તેણે પ્રથમ આધુનિક મંગાની રચના કરી હતી. મંગાનું નામ હતું – Tagosaku And Makabe. કિત્ઝાવાની આ મંગા લોકપ્રિય ન બની અને અસ્ત થઈ ગઈ. આજે મંગા ઇતિહાસમાં પ્રથમ હોવા છતાં તેનો ‘ઈ.સ’ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે.
આ તો બીજા વિશ્વયુદ્ધના સમયે અચાનકથી મંગાનું માર્કેટ પૂરજોશમાં ચાલવા લાગ્યું. યુ.એસ ઓક્યુપાઈ જાપાનમાં, અમેરિકા પોતાની કૉમિક બુક્સ ત્યાં ગાડાના ગાડા ભરાય એ હદે ઠલવતું. જાપાનીઓએ પણ એ સર્જન રસથી વાંચ્યું. એમને ખ્યાલ હતો કે અમારા દેશમાં આવું પહેલાથી છે; પણ તેને અભિનવ વળાંક કેવી રીતે આપવો તેનાથી તે લોકો અવગત નહોતા.

જેમ ઓચિંતી કોઈ નવીન ઘટના અખબારમાં પ્રકાશિત થાય છે એમ જ થયું. શરૂઆતની શ્રેણીઓ ટૂંકી હતી. સામાયિક અને અખબારોમાં પ્રકાશિત થતી. વીસેક દિવસ ચાલતી. ગુજરાતી અખબારોમાં શનિવારની પૂર્તિના છેલ્લા પાને જે કથાચિત્રો હોય છે એવું માળખું હતું. કેટલાક જાપાની વિદ્વાનોને એનાથી પણ આગળ વધવું હતું. જો આ પ્રકારના ચિત્રોની ચોપડી થાય તો? અત્યારે આપણી ભાષામાં આવું કરવા બેસીએ તો ઘર જાય અને ઓસરી રહે! જાપાનીઓએ પરાક્રમ કર્યું અને લેખે લાગ્યું.

Osamu Tezuka નામક જાપાનીઝ મંગા આર્ટિસ્ટે આ કામ હાથમાં લીધું. આજે Osamu Tezukaને જાપાનમાં ત્રણ હુલામણા નામે બોલાવવામાં આવે છે. ‘the Father of Manga’, ‘the Godfather of Manga’, અને ‘the God of Manga’. તેણે Machiko Hasegawa અને એસ્ટ્રો બોયની રચના કરેલી. આ એસ્ટ્રો બોય અદ્દલ વોલ્ટ ડિઝનીના મિકી માઉસની યાદ અપાવે. બેઉંની માથે કાળી પટ્ટી. ખાલી આ ઉંદર નહીં અને પેલો ઉંદર એટલો જ તફાવત.

અહીંથી મંગાની લોકપ્રિયતા વધી ગઈ. જાપાની સાહિત્યને કેટલાય સારા સર્જકો મળી રહેત પરંતુ એમણે મંગા તરફ મંગલ પ્રયાણ કર્યું. પોતાની કથાઓ ચિત્રો દ્વારા અને ઓછા સંવાદ દ્વારા વહેતી કરી. આજે મંગાનું માર્કેટ એટલું મોટું છે કે વેબસિરીઝ, ફિલ્મો બની રહી છે. જાપાનની જ નહીં પણ દુનિયાભરના કલાકારોના ઘરનો ચૂલો મંગાના કારણે સળગે છે.
ગુજરાતની જ વાત કરો ને – અહીં ટીનએજર્સ તો ઠીક મોટાઓ પણ એકબીજાને પૂડપૂછ કરતાં હોય એવી ક્ષણોનાં સાક્ષી બન્યા છીએ – તમે મંગા વાંચો છો? – જુઓ છો? – લે, તમે પણ? – હમણાં શું જોયું? હમણાં શું વાંચ્યું?

મંગા એટલે એમાં તમામ પ્રકારનું સાહિત્ય હોય. જેમને અશ્લીલ વાંચવાનો શોખ હોય તો એમના માટે ઈરોટિક મંગા પણ છે. બાળકો માટેની શ્રેણી તરીકે ગણીએ છીએ એ નરુતોમાં જ જુઓ. કકાશી હટાકે નામનું પાત્ર બાળકોની સામે અશ્લીલ પુસ્તકો વાંચી રહ્યો છે. એ અશ્લીલ પુસ્તક ઈચા ઈચાનો (પ્રેમ-પ્રેમ) લેખક જીરાયા પણ મુખ્ય પાત્ર તરીકે છે અને આવી અશ્લીલ બુક્સ લખવા માટે એ સ્ત્રીઓની પાછળ પડ્યો રહેતો હોય છે. કાલ્પનિક પાત્ર જીરાયા કહે છે : “આ બધું તો બુક લખવા માટેનું રિસર્ચ છે.”

કહેવાનો અર્થ એવો નથી કે મંગા હંમેશાં ઈરોટિક જ હોય. જેમ એક વાર્તા અલગ અલગ સ્વરૂપની એવું જ મંગાનું સ્વરૂપ છે. પરંતુ મંગાને મોટાભાગે માર્શલ આર્ટ્સ, હોરર, ટીમવર્ક, મોટિવેશન, રૉમેન્સનું જોનર વધારે ફાવ્યું છે. એની લોકચાહના રહે છે. એવું પણ નથી કે તેમાં આર્ટ નથી. આર્ટ પારખવા માટે કથાની ગતિ સામે વિવેચક કે ભાવકે લડવું પડે. કથા જ એવી વેગીલી હોય કે આર્ટને તો કેવી રીતે પારખવું?

મંગામાં તમારે શું વાંચવું જોઈએ? એસ્ટ્રો બોયની મંગા મળતી હોય તો મંગાની ઉત્પતિ સમયનું લખાણ અને ચિત્રો કેવા હતા એના અભ્યાસ માટે વાંચવું જ જોઈએ. નંદશંકર મહેતાની કરણઘેલો અને આજની નવલકથામાં કેટલો ફેરફાર થયો એ વાંચીએ જ છીએ ને? વન પીસ, ડ્રેગન બોલ, નરુતો, ગોલ્ગો 13, બ્લેક જેક, કોચિકામે, ઓઈશીનોબો, ચેઈનશૉ મેન, વિનલેન્ડ સાગા, કેસ ક્લૉઝ્ડ… સહિતની રચનાઓ વાંચવી. આ બધી બેસ્ટ સેલર છે. મંગાના વિવેચકો અને વાચકો બેઉંએ વખાણી છે.

વેચાણના વિક્રમની વાત કરીએ તો જો તમે ડ્રેગન બોલથી પરિચિત હો તો એનું જ નામ તમારા મુખ પર આવશે. હા, ડ્રેગન બોલે વેચાણમાં કેટલાક વિક્રમો નોંધાવેલા, પરંતુ એ બીજા નંબર પર રહી હતી. ડ્રેગન બોલની રચના અકીરા ટોરિયામાએ કરી હતી. ઈચિરો ઓડાની વન પીસ પ્રથમ નંબર પર છે. જેની અત્યાર સુધીમાં 470 મિલિયન કૉપી વેચાઈ ચૂકી છે. 96 વૉલ્યુમ એટલે કે 96 ભાગ છે.

મંગા વિશે એક વાત કહેવી છે. પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શા માટે મંગાના તમામ પાત્રોની આંખો વિશાળ હોય છે. તેની પાછળ પેલું પરંપરાગત વાળું તત્વ રહેલું છે. આધુનિક મંગાના જનક Osamu Tezuka હતા. એમણે ડિઝની એનિમેશનની બામ્બી ફિલ્મ એંસીથી વધારે વખત જોઈ હતી. તમે પણ જોઈ હોય તો ખ્યાલ હશે જ કે એમાં પાત્રોની આંખો ખૂબ મોટી છે. મોટી આંખોના પ્રેમમાં એ એવા તો પડ્યા કે પોતાના પાત્રોની આંખો પણ મોટી રાખવા લાગ્યા. મંગા હોય એટલે મોટી આંખો હોય એ વાત આજ સુધી કેટલાયના ગળાથી નીચે નથી ઉતરી. ભાગ્યે જ એવી મંગા શ્રેણી હશે જેમાં પાત્રની આંખને નાની કરવામાં આવી હોય. આ ઇતિહાસનું એ રીતે પણ અર્થઘટન કરી શકાય કે માણસ જ્યારે શબ્દોથી કશું નથી બોલતો ત્યારે આંખોથી બોલે છે. શું તમને આંખો વાંચતા આવડે છે? મંગાના જાપાનીઝ ચાહકોને એ આવડતું હશે.

મંગાના ચિત્રો – ઇલ્યુસ્ટ્રેટેડ બનાવવા માટે કાળી અને વ્હાઈટ ઇન્કનો ઉપયોગ કરવામાં આવે છે. બોર્ડર ઉપર બીજા કલર હોય છે. એટલો બધો રંગ નથી ઘસી મારતા કે ભૂલભૂલૈયાનો છોટે પંડિત થઈ જાય!

2002માં અમેરિકાએ એક સંશોધન કર્યું હતું. એમણે જાપાનની નિરક્ષરતાનું કારણ મંગાને ગણાવેલું. હકીકત તો એથી તદ્દન વિપરિત હતી. જાપાનના લોકો ઊંચો નિરક્ષરતા આંક ધરાવતા હતા, કારણ કે તેઓ મંગા વાચતા હતા. કેટલાક એટલે જ અક્ષરજ્ઞાન મેળવતા જેથી મંગાનું વાંચન કરી શકાય. રાજકીય રીતે એવું પણ કહી શકીએ કે જાપાને એડોલ્ફ હિટલરની આત્મકથા માય કામ્ફને પણ મંગાનું સ્વરૂપ આપ્યું છે! જાપાનમાં મંગાની લોકપ્રિયતા એ હદે છે કે દર મહિને 125થી 150 મંગાકથાઓ પબ્લિશ થાય છે. જાપાનીઓ હોંશે હોંશે ખરીદે છે અને વાંચે છે. જાપાનના સાહિત્યકારો માટે મંગા માથાનો દુ:ખાવો બની ગયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments