Team Chabuk- literature Desk : આ લખાય છે ત્યારે હાલ 67 વર્ષની વયના Keisuke Itagaki જાપાનમાં મંગા શ્રેણી ક્રિએટ કરવામાં ઉસ્તાદ ને શિરમોર છે. એમની બહુપ્રતિષ્ઠિત બુક એટલે નેટફ્લિક્સનો જેણે ધંધો ધમધોકાર કરી દીધો. બાકી હાનમા!
આ કાલ્પનિક પાત્રની ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઈંચથી વધારે નથી. શરીરથી તગડો. આખો દિવસ કસરતનું અને લડવાનું જ કામ. એનું એક જ ધ્યેય છે કે પોતાના પિતા યુજિરો હાનમાને પરાસ્ત કરે. જેણે તેની માતાનું આંતરિક યુદ્ધ સમયે રોષે ભરાઈ જઈ કાસળ કાઢી નાખેલું. પિતા-પુત્ર વચ્ચેની એ ફાઇટ, જેનો દર્શકો કેટલાય વર્ષોથી ઈન્તેઝાર કરી રહ્યા હતા, એ પણ હવે તો નેટફ્લિક્સે દર્શાવી દીધી. એટલે દર્શકોને થયું કે નવું શું હોઈ શકે? નેટફ્લિક્સ એ પણ લઈ આવ્યું છે. ગૂગલ સર્ચ કરશો તો મળી રહેશે.
એક પ્રશ્ન છે. Keisuke Itagaki માર્શલ આર્ટ્સની આટલી પ્રખ્યાત અને તર્કસંગત શ્રેણી કેવી રીતે લખી શક્યા? એ ડિફેન્સ ફૉર્સમાં હતા. બોક્સિંગ આવડે છે. જાપાનના નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં હાજરી પૂરાવી ચૂક્યા છે. નાનપણથી કેમ્પો કરે છે. કેમ્પો કરાટેનો જ એક પ્રકાર છે. અમેરિકામાં કેમ્પો અલગ હોય એમ જાપાનમાં પણ કેમ્પો અલગ હોય. આજકાલ યુએફસીમાં કરાટેની પેટા ગણાતી કેમ્પો સ્ટાઇલ ખૂબ પ્રચલિત બની છે. બાકી હાનમાની સિરીઝમાં પણ તેમણે એક પાત્ર માત્ર કેમ્પો માર્શલ આર્ટ્સ કરતું હોય એવું રાખ્યું છે.
આપણે કથા આસ્વાદ કરીએ. બાકી હાનમાના પિતા યુજીરો હાનમાથી સૌ કોઈ ડરે છે. સરકાર પણ. કારણ કે એ એટલા તાકતવર છે. ભૂતકાળમાં સરકારે તેમની પાસે કામ પણ એવા કાળા કરાવ્યા છે. એમને માર્શલ આર્ટ્સમાં કોઈ ન હરાવી શકે. એમની ઇચ્છા હોય છે કે તેમની પત્ની એક એવું સંતાન આપે જે એમને પણ પરાસ્ત કરે, પણ મળે છે બાકી. બાકીમાં તેમને એવું કશું દેખાતું નથી. યુજિરોપુત્ર બાકી આ વાતનો વિરોધ કરે છે અને પોતે માર્શલ આર્ટ્સ શીખી તાકતવર પ્રતિદ્વંદ્વીઓને પરાસ્ત કરે છે. આ વાત હતી બાકી ધ ગ્રેપલર સિરીઝની, જ્યાં અંતે પ્રોટોગોનિસ્ટ બાકીની માતાનું નિધન થાય છે.
બાકી હાનમા નવેસરથી નેટફ્લિક્સે વર્ષો બાદ પ્રોડ્યુસ કરી. એમાં બાકીને યુવા બતાવ્યો. આ સિરીઝમાં બાકી જેલના સૌથી ખૂંખાર કેદી બિસ્કુટ ઓલિવિયા સામે મેદાને પડે છે. એ અનચેઇન્ડ છે. જેલમાં પણ એને કોઈ કેદ નથી કરી શકતું. જે અતિ શક્તિશાળી હોય તેની સાથે એ બથમબથ્થા આવે છે. એ જોવું રસપ્રદ રહે છે કે કેવી રીતે બાકી આ મહાકાયને હરાવશે. હરાવશે પણ કે નહીં?

આ સિરીઝમાં મોટિવેશન ઠાંસોઠાંસ ભર્યું છે. માર્શલ આર્ટ્સ, સ્પોર્ટસ અને એક્શનના ચાહક હોય તો એ જોઈ શકે પરંતુ બાકીમાં ઘણું એવું પણ છે જે Keisuke Itagaki લખેલી બુકમાં હોય, પણ સિરીઝમાં ન હોય. સિરીઝમાં બધું ન સમાવી શકાય.
બુક અને સિરીઝના પણ સૌથી ખતરનાક કેરેક્ટર યુજીરો હાનમાની પ્રેરણા લેખકને Matsutaro Sakaguchiમાંથી મળી હતી. બિસ્કુટ ઓલિવિયા નામનું પાત્ર રિયલ લાઇફ બોડી બિલ્ડર સર્જીયો ઓલિવિયા પર આધારિત છે. એના વિષેનો એક કિસ્સો આર્નોલ્ડની દસ્તાવેજી ફિલ્મમાંથી સાંપડે છે. જ્યારે બોડી બિલ્ડીંગની સ્પર્ધા થતી હતી ત્યારે આર્નોલ્ડ અને સર્જીયો બાજુ બાજુમાં સૌષ્ઠવયુક્ત શરીરનું પ્રદર્શન કરી રહ્યા હતા અને આર્નોલ્ડે તેના કાન પાસે આવી કહી દીધું : “તારો સમય સમાપ્ત થયો.” સર્જીયો આ શબ્દો સાંભળી ત્યાંથી ચાલ્યો ગયેલો, પણ એ પછી સતત આર્નોલ્ડ જ સ્પર્ધા જીતતો આવ્યો અને સામેના ખેરખાંઓ પરાસ્ત થતા રહ્યા. આ સર્જીયો વિષે નેટમાં સર્ચ કરશો તો બિસ્કુટ ઓલિવિયા આવશે જ. બેઉંના માથામાં વાળ ન હોવા સહિત અઢળક સમાનતા દેખાશે.
1989માં ‘મેક અપર’ મંગા દ્વારા Keisuke Itagaki પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. મેક અપર નિષ્ફળ રહી. આજે કોઈને યાદ સુધ્ધાં નથી. મેક અપરનું કથાવસ્તુ એક મસક્યુલર બ્યૂટીશન પર આધારિત હતું. એના ત્રણ વૉલ્યુમ હતા. એ પછી જન્મ થયો બાકીનો. બાકીએ તેમને અઢળક લોકપ્રિયતા અપાવી. 60 મિલિયન કૉપીનું વેચાણ થયું. તેઓ બાકીના સામાનાર્થી બની ગયા.
માર્શલ આર્ટ્સ મંગા હોવા છતાં બાકી હાનમાને જે કહેવું છે એ માઇન્ડ દ્વારા કહેવું છે. તમે જેવું વિચારો એવા તમે બની જાવ. તમારે જો વધારે વજન ઉઠાવવો હોય અને એ તમારી પાસે ન હોય તો માત્ર કલ્પના કરી લેવાની. ભેજું સશક્ત હશે તો તમે ચાલીસ કિલો ઉઠાવતા હશો, નબળું હશે તો તમારા હાથ ખાલી હશે. મેચ પહેલા પણ તમે તમારા વિરોધી સામે લડી શકો છો. બસ ધ્યાન કેન્દ્રિત કરો અને વિચારો કે એ સામે છે. બોડી બિલ્ડરની બોડી ત્યારે બને જ્યારે તે પોતાની કલ્પનામાં પોતાનું શરીર કેવું તુંદુરસ્ત અને હટ્ટુકટ્ટુ છે એ વિચારે. તાકાત પગથી આવે. જમ્પ જેટલો વધારે ઉર્જા એટલી ગતિથી ઉપર વહે. વહીને હાથમાં આવે. હાથથી મુક્કો લાગે. એ મુક્કાથી વિરોધીના દાંત ખાટા થઈ જાય. આવું ઘણું ઝીણું ઝીણું બાકી હાનમામાં છે. જેમ કે: “અમેરિકાના લાસ વેગાસમાં તો પ્રકૃતિ જ નથી, બધું કૃત્રિમ છે!” એ ભાતનો સંવાદ.
મંગામાં ક્યારે ઈટોરિક દૃશ્ય આવી જાય કહેવાય નહીં, એટલે જ બાળકોને આપતા પહેલા તેના વિશે થોડું શોધ સંશોધન કરી લેવું જોઈએ. બાકી તો માર્શલ આર્ટ્સની કથા. એમાં તો એવું ક્યાંય જોવા ન મળે. તોય રાઈટર Keisuke Itagakiથી રહેવાયું નહીં. એમણે બાકી અને એની પ્રિયતમા કોજુઈ વચ્ચેના સંબંધો ખુલ્લમખુલ્લા દર્શાવ્યા. ઉહાપોહ મચ્યો અને વીકલી શૉનેન ચેમ્પિયનમાંથી તેને પ્રતિબંધનું ફરફરિયું મળી ગયું. નેટફ્લિક્સે 20માં એપિસોડમાં એવું ઉત્તેજક દૃશ્ય બતાવ્યું છે. મંગા શ્રેણીમાં તો વાચકોને હવે એ જોવા પણ મળતું નથી.
એક ઉત્કટ દૃશ્ય ટીવી શ્રેણી બાકી ધ ગ્રેપલરમાં પણ હતું. જેના એક એપિસોડમાં ટીનએજ બાકીને તેની માતા તસતસતું ચુંબન આપે છે. વ્યૂઅર્સે આનો પણ વિરોધ કર્યો હતો. બાકીના કેટલાક ચાહકો પૂછી રહ્યા હતા કે આ ચુંબનનો કોઈ અર્થ સરે છે? શા માટે એ અહીં ઘુસાડવામાં આવ્યો? એ ગાલ પર ચુંબન કરત તો પણ શું થઈ જવાનું હતું?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત