Team Chabuk-Entertainment Desk: આપણા સુપ્રસિદ્ધ અને સૌના હ્રદયમાં સમાયેલા બાળ વાર્તાકાર રમણલાલ સોનીનું પાંચ ટબુકડા ભાગમાં ફેલાયેલું ‘એક હતા મૂરખલાલ’ નામનું પુસ્તક છે. એમાં મૂરખલાલ અને હીરાની વાત છે. બેઉં પોતાની બુદ્ધિનું વારંવાર પ્રદર્શન કરતાં હોય છે. આવું જ 1994માં નિર્માણ પામેલી જીમ કેરીની ડમ્બ એન્ડ ડમ્બર ફિલ્મમાં છે. આમ તો બેઉંનું વિષયવસ્તુ અલગ ભાસે. એક હતા મૂરખલાલમાં મૂરખ અને હીરાની વાર્તાઓ માત્ર બાળકો અને મનોરંજનના ઉદ્દેશ્યથી લખાઈ છે. બીજી તરફ જીમ કેરીની ફિલ્મમાં હાસ્ય માટે અશ્લીલતાનો સહારો લેવામાં આવ્યો છે. જોકે જ્યારે બે મૂર્ખાઓ પ્રવાસે ઉપડે ત્યારે લોક માટે કેવી મુસીબત આવી પડે તેનું બેઉંમાં લગભગ એક સમાન ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે.
Dumb and Dumber 1994માં રિલીઝ થઈ હતી અને આજે તેને કલ્ટનું સ્ટેટસ મળી ચૂક્યું છે. ફિલ્મની વાર્તા એવી છે કે હેરી અને લોય્ડ નામના બે મિત્રો છે. બેઉં ભવિષ્યમાં કીડાઓનો વ્યાપાર કરી શકે એ માટે પૈસા એકઠા કરતાં હોય છે. એવામાં લોય્ડ એરપોર્ટ પર એક સુંદર કન્યાને મુકવા જાય છે અને ત્યાં તેના હાથમાં તેની સૂટકેસ આવી જાય છે. બિચારીનો સૂટકેસ ભૂલાઈ ગયો એવી પારકી ચિંતાને પોતાના માથે લઈ બેઉં જણ સૂટકેસ તેણીને સોંપવા માટે લાંબો પ્રવાસ ખેડે છે. આ પ્રવાસની વચ્ચે વચ્ચે રમૂજો આવતી રહે છે.
પાત્રોની રચના એવી રીતે થઈ છે કે કોણ કોનાથી વધારે ચડીયાતું મૂર્ખ છે એ સાબિત નથી થઈ શકતું. ક્યારેક લોય્ડને કસૂરવાર ઠેરવી બેસીએ છીએ પરંતુ લોય્ડના બુદ્ધિપ્રદર્શનથી થાકી ગયેલો હેરી એની હામાં હા મિલાવી જાય ત્યારે લોય્ડ કરતાં હેરી વધારે મગજમેટ છે એવું પ્રમાણિત થઈ જાય છે. આ ફિલ્મમાં એક દૃશ્ય છે જે ક્લાસિક બની ગયો અને પછી તેનો હિન્દી ફિલ્મમાં પણ ઉપયોગ થયો. અલબત્ત જુદી રીતે. લોય્ડ અને હેરી પ્રવાસે નીકળ્યા છે અને એ એક વ્યક્તિને લિફ્ટ આપી તેના મગજનું દહીં કરી નાખે છે. એ દૃશ્યમાં અભિનેતા જીમ કેરી અને જેફ ડેનિયલ્સ એકદમ બેહૂદા એક્સપ્રેસન દ્વારા ગીત ગાતા હોય છે. જે એમણે ત્યાં ને ત્યાં યાદ આવ્યું અને બોલી નાખ્યું હતું. એ પટકથામાં હતું જ નહીં. એવી રીતે ફિલ્મનું શીર્ષક પણ “A Power Tool Is Not a Toy” રાખવાનું નક્કી થયું હતું.
જેવી રીતે જેકી ચાનની લોકપ્રિયતા પર એનિમેટેડ શ્રેણી બની અને સફળ રહી, એવું જ મિસ્ટર બીનનું પણ થયું. 1995માં ડમ્બ અને ડમ્બરે પણ આ દિશામાં પગલું ભરેલું અને એ નિષ્ફળ નિવડ્યું હતું. બાદમાં ડમ્બ અને ડમ્બરનો અનુક્રમે બીજો અને ત્રીજો ભાગ આવ્યો પણ જેવી રીતે પ્રથમ ભાગે લોકચાહના પ્રાપ્ત કરેલી એવું બીજા અને ત્રીજા ભાગમાં શક્ય ન બન્યું.
કૉમેડી માટે દિગ્દર્શક Peter Farrellyએ અશ્લીલતાનો ઉપયોગ કર્યો હતો. અમેરિકન ફિલ્મોમાં આ સામાન્ય છે અને એટલે જ અશ્લીલતાનું શરણું તેમને ફળી ગયું. હિન્દી ડબીંગમાં તો દ્વિઅર્થી સંવાદોથી ફિલ્મને નવડાવી દેવાયેલી. ફિલ્મનું પોસ્ટર પણ ક્લાસિક ફોરેસ્ટ ગમ્પમાંથી ઉઠાવી તેની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જીમ કેરીનો એક દાંત તૂટેલો દેખાશે. એ મેકઅપ આર્ટિસ્ટની કમાલ નથી. કેરીએ સ્કૂલકાળમાં એક વિદ્યાર્થી સાથે બે-બે હાથ કરેલા હતા અને એમાં તેનો દાંત તૂટી ગયેલો. વર્ષો સુધી તેણે પોતાના દાંતની આગળ એક આવરણ રાખેલું પણ આ ફિલ્મના રોલને જોતાં તેણે એ હટાવી દીધું.

તો ફિલ્મની થીમ શું હોઈ શકે? લાલચ જ. જે લોકો શરીફ બની યુવતીને સૂટકેસ સોંપવા માટે ગયા છે તે લોકોને જ્યારે ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે આની અંદર તો રોકડા ભર્યાં છે ત્યારે તેમની અંદરનું નિર્દોષ પાગલપન લાલચનું સ્વરૂપ લઈ લે છે. એમાં પણ હાસ્યનું પ્રયોજન થયું છે પરંતુ મૂરખના સરદારોને પણ પૈસો તો વ્હાલો જ હોય. અઢળક પૈસા દેખાતા તેમનું કીડાના વ્યવસાયનું સ્વપ્ન પણ ફિલ્મમાં ક્યાંય જડતું નથી. આ દિગ્દર્શકની ભૂલ નથી, પરંતુ સમજશક્તિ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત