HomeસિનેમાવાદZom 100: કોર્પરેટના “કિંગપિંગો” પર આટલો કટાક્ષ કોઈએ નહીં કર્યો હોય

Zom 100: કોર્પરેટના “કિંગપિંગો” પર આટલો કટાક્ષ કોઈએ નહીં કર્યો હોય

Team Chabuk- Entertainment Desk: વિશ્વભરમાં ખચ્ચર કરતાં વધારે કામ કોર્પોરેટ જગતમાં કામ કરતાં કર્મચારીઓ કરતાં હશે. જ્યારે જ્યારે અંગ્રેજી ભાષામાં આ પ્રકારની નવલકથા આવે છે ત્યારે ત્યારે એ બહુ વેચાય છે. તેને ખરીદનારી કોર્પોરેટ જગતની હસ્તીઓ જ હોય છે. ફિલ્મો પણ બને છે. સંદેશ પણ પાઠવે છે, પણ મનુષ્યને યંત્ર સમજી તેની પાસે એટલું કામ કરાવડાવવું કે એક સમયે મહામારી આવે અને નોકરીએ જવાનું છૂટે ત્યારે એક કર્મચારી ખુશ થઈ જાય કે સારું થયું મહામારી આવી. અને તે પોતાના સ્વપ્નો સાકાર કરવા માટે નીકળી પડે.

કોઈ મોતથી, મહામારીથી આટલો ખુશ કેવી રીતે હોઈ શકે? હોઈ શકે, કારણ કે તેણે કોર્પોરેટ જગતની મહામારીને પોતાની આંખની સામે માણી છે. એ મહામારી પણ જેવી તેવી નહીં. ઝોમ્બી. લોકોને બટકો ભરે, મરેલા જીવતા થાય અને એ બીજાને રંઝાડવા માટે લોહીચૂંસણીયા આખાય શહેરમાં ઘોરખોદિયાની જેમ જ્યાં ને ત્યાં ભાટકતા હોય. હવે આવી મહામારીમાં પણ એક વ્યક્તિને જીવનનું “પ્રકાશપુંજ” દેખાય છે. એનાં મનમાં ઓફિસમાં કામ કરવું એટલે મોટી મહામારી. આ તો એની સાપેક્ષે કશું ન કહેવાય. આ તો સૌંદર્ય છે. તેનો લુત્ફ ઉઠાવવાનો હોય.

Zom 100: Bucket List of the Dead નામની જાપાનની માન્ગા સિરીઝ (કોમિક) પરથી નેટફ્લિક્સે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ જાપાને જ બનાવી છે. એટલે એમાં યંત્ર, મહામારી અને મનુષ્ય વચ્ચેનું સત્વ જીવંત રહ્યું છે. ઝોમ્બીને માત્ર મનોરંજનના ઉદ્દેશ્યથી આપણે જોતાં આવ્યા છીએ. થોડા ઘણાં ભયભીત થવાના હેતુથી. પરંતુ તેમાં કલાભિવ્યક્તિનો નીચોડ આપણે જોયો નહોતો.

ઝેક સ્નિડરે આર્મી ઓફ ડેડ્સ દ્વારા લાલચને કલાભિવ્યકિત બનાવી પ્રસ્તુત કરી હતી. પણ એમાંય જીવનરસને કેન્દ્ર બનાવવાનું તત્વ નહોતું. Zom 100: Bucket List of the Deadમાં એ બધું છે. આ ફિલ્મ પૂર્વે તેની એનિમેશન શ્રેણી બની હતી. એય ચર્ચાય હતી અને ડિટ્ટો કોપી ટુ કોપી દૃશ્યો સાથે ફિલ્મ બની છે. બંનેનું વિષયવસ્તુ અને કથાવસ્તુ એક જ છે. પણ કોઈ પૂછે તો કહેવું કે એનિમેશન ફિલ્મ કરતાં ચાર ચાસણી ચડે એવું છે. કારણ કે જાપાન એનિમેશન બનાવનારો દેશ છે. દુનિયાનો ખમતીધર દેશ.

નાયકને અહીં મહામારીમાં જીવન જીવવાની વિથીકા દેખાય છે અને તે પોતાનું એક અલાયદું લિસ્ટ બનાવે છે. કોઈ દુકાનોમાં તો છે નહીં એટલે જે ઇચ્છે તે ખરીદીને ખાય છે. બીજા દિવસે પોતાની સાઇકલ લઈ નીકળી પડે છે. કંઈક નવું અજમાવે છે. લિસ્ટ બનાવે છે. કામ થઈ જાય એટલે એ લિસ્ટ પર ચોકડી મારી દે છે. એય આટલા બધા હિંસક પશુઓની વચ્ચે! અને દરેક કાર્ય કરતા પૂર્વે પોતાને એક વાત કહે છે : “જો હું આ ન કરી શકું તો હું જોમ્બી બનવાને જ લાયક છું” આ હિંમતભર્યાં વાક્યથી એ અશક્ય કામને શક્યવત્ બનાવી શબવત્ લોકો સામે જંગ જીતતો જાય છે.

અહીં કથામાં પ્રકર્ષ પ્રવાસ દિગ્દર્શકે કરાવ્યો છે અને મહામારીને પણ પોતાના ફાયદા માટે વાપરતી કોર્પરેટ હસ્તીઓ ઉપર કટાક્ષબાણ ચલાવ્યું છે. તો મહામારી વળી કઈ? ઝોમ્બી કોણ? ખરી મહામારી તો કોર્પોરેટ જગત છે. અને ઝોમ્બી એ એમાં કામ કરતાં કર્મચારીઓ છે. મનુષ્યને યંત્ર સમજી તેની પાસે કામ કરાવડાવવું અને પોતાના ફાયદા માટે તેનો વપરાશ કરવો એ કહેવાનો કથાનો ઉદ્દેશ્ય અહીં સાકાર પામ્યો છે.

વિલનનું પાત્ર ખરેખર ઉચ્ચ કક્ષાનું નિર્માણ થયું છે. એણે એ પાત્રમાં જીવ રેડી દીધો છે. પરંતુ કેટલુંક શૃંગારિક, જે એનિમેશનમાં આવે છે તે ફિલ્મમાં નથી દર્શાવ્યું. પોતાની એક કર્મચારીનું શોષણ કરતો બોસ અને વિનવણી કરતી સ્ત્રીની લાચારી એનિમેશનમાં સ્પષ્ટરૂપે – સંવાદરૂપે દેખાડી દીધી છે. જેની ફિલ્મમાં અનુપસ્થિતિ છે. આ કારણે જ જ્યાં એનિમેશન ચડીયાતું બને છે ત્યાં ફિલ્મ નથી બનતી. એનિમેશન શ્રેણીની પોતાની કેટલીક ખાસિયતો છે અને લાઇવ એક્શન ફિલ્મની પોતાની કેટલીક ઉણપો. છતાં ઝોમ્બી બની ગયેલી નગ્ની સ્ત્રીની સામે દ્વિતિય નાયક જ્યારે ઊભો છે ત્યારે તે કશું કરી શકતો નથી. તેને ઉત્તેજન નહીં પરંતુ ડર લાગે છે. એ તેના સુવાળા શરીરને સ્પર્શી શકતો નથી. મહામારીના ભોગે તેની વાસનાને લુપ્ત કરી દીધી છે.

zom 100

જાપાન જે સામાન્ય લોકોનાં જીવનમાં બને છે તેને સ્પષ્ટ રીતે કોઈની સાડીબારી રાખ્યા વગર એનિમેશનમાં દર્શાવી દે છે. ફિલ્મો એક જગ્યાએ આવી અટકી જાય છે, પરંતુ Zom 100: Bucket List of the Deadમાં જેટલું લીધું છે, એ કારણે પ્રધાન સંદેશમાં કોઈ વિક્ષેપ નથી પડતો. એને જે કહેવું છે એ કહીને જાય છે. કેટલાક માનવતાના મુદ્દાઓ અહીં છે. જે ઓફિસના બોસને દેખાતા નથી. પણ તેના દર્શકને તે વારંવાર દેખાતા રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments