Homeગામનાં ચોરેનવા સંસદ ભવન વિશે એ બધું જે તમે જાણવા માગો છો

નવા સંસદ ભવન વિશે એ બધું જે તમે જાણવા માગો છો

ભારતીય લોકશાહીના મંદિર સમાન સંસદ ભવન નવા રંગરૂપ લેવા જઈ રહ્યું છે. ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને લઇ સંસદ ભવનની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેકટ સમાન નવું સંસદ ભવન અનેક સુવિધાથી સંપન્ન હશે.પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 10 ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સમગ્ર કાર્ય સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ કરવામાં આવનાર છે.

નવી દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું  કે નવા સંસદ ભવનનું નિર્માણ આગામી 100 વર્ષોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, નવું સંસદ ભવન રૂ.971 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે, જેમાં હાલના સંસદ ભવનની તુલનામાં વધુ સમિતિ રૂમ અને રાજકીય પક્ષોની કચેરીઓ હશે. આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે. તેમણે કહ્યું, તે સંસદની જૂની બિલ્ડિંગ કરતા 17 હજાર સ્ક્વેર મીટર મોટી હશે. શ્રી બિરલાએ કહ્યું હતું કે જ્યારે દેશ 2022માં તેનો 75 મો સ્વાતંત્ર દિન ઉજવશે ત્યારે રાજ્યસભા અને લોકસભાની બેઠક નવી સંસદ ભવનમાં યોજાશે.

નવું સંસદ ભવન કેવું હશે?

નવું સંસદ ભવન ચાર માળનું હશે. નવી પાર્લામેન્ટનો બાંધકામ વિસ્તાર કુલ આશરે 64,500 ચોરસ મીટર જેટલો હશે. તે હાલના ભવન કરતા 17,000 ચોરસ મીટર વધુ છે. નવી બિલ્ડિંગમાં લોકસભા ખંડ ગ્રાઉન્ડ ફ્લોરમાં હશે. જેમાં 888 સભ્યોની બેઠક વ્યવસ્થા હશે. રાજ્યસભા ચેમ્બરમાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા હશે. સંયુક્ત સત્ર દરમિયાન ખંડમાં 1272 સભ્યો બેસી શકશે. નવા બિલ્ડિંગના નિર્માણ પછી પણ જૂની બિલ્ડિંગનો ઉપયોગ ચાલુ રહેશે. બંને ઇમારતો એક બીજાના પૂરક તરીકે કાર્ય કરશે. સમગ્ર નિર્માણ કાર્યમાં, હાલની ઇમારતના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. નવા સંસદ ભવનની રચના પછી, એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે કે મૂળ સંસદ ભવનના દેખાવમાં કોઈ તફાવત ન આવે. સંસદ ભવન સંકુલમાં આવેલી તમામ પ્રતિમાઓને પણ પુરા માન સન્માન અને ગૌરવ સાથે પુન:સ્થાપિત કરવામાં આવશે.

હાલના સંસદ ભવનનો કેવો છે ઇતિહાસ?

હાલનું સંસદ ભવન એક તારસો મહાદેવ મંદિરથી પ્રેરણા લઈ બનાવવામાં આવ્યુ હોવાનું કહે છે. જેનું નિર્માણ બ્રિટિશ કાળમાં વિધાન પરિષદ માટે  1927માં કરવામાં આવ્યું હતું. ભારતમાં બ્રિટીશ શાસનના અંત પછી ભારતની બંધારણ સભા દ્વારા તેને સંભાળવામાં આવ્યું હતું, જે બંધારણ પછી  ભારતીય સંસદ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. હાલના સંસદ ભવનની ડિઝાઇન બ્રિટીશ આર્કિટેક્ટ્સ સર એડવિન લ્યુટિયન્સ અને સર હર્બર્ટ બેકર દ્વારા બ્રિટીશ ભારત માટે નવા વહીવટી રાજધાની શહેરના નિર્માણ માટે વર્ષ 1912-1913માં  કરવામાં આવી હતી. હાલના સંસદ ભવનનું નિર્માણ 1921 માં શરૂ થયું હતું અને તે 1927 માં પૂર્ણ થયું હતું. સંસદ ભવનનો ઉદઘાટન સમારોહ, 18 જાન્યુઆરી 1927ના રોજ ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ગૃહમાં 19 જાન્યુઆરી, 1927ના રોજ કેન્દ્રીય વિધાનસભાનું સત્ર યોજાયું હતું.

શુ છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ?

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથનું પણ નવીકરણ કરવાનો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 20,000 કરોડ છે. કેન્દ્રિય સચિવાલયના ઉત્તર – દક્ષિણ બ્લોકને સંગ્રહાલયોમાં પરિવર્તિત કરાશે. શાસ્ત્રી ભવન, નિર્માણ ભવન, કૃષિ ભવન અને વાયુ ભવન સહિતની સરકારી કચેરીઓને સમાવવા માટે 10 નવા બિલ્ડિંગ બ્લોક્સ બનાવવામાં આવશે. 10 વહીવટી ઇમારતોમાં તમામ મંત્રાલયો રાખવા માટે એક સામાન્ય કેન્દ્રિય સચિવાલય બનશે.  આ ઇમારતો બનાવવા માટે કૃષિ ભવન, વિજ્ઞાન ભવન, નિર્માણ ભવન અને શાસ્ત્રી ભવનને તોડવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ વિકાસનો સમાવેશ થાય છે. જે રાજપથને ઇન્ડિયા ગેટથી જોડશે. ઉપરાંત વડાપ્રધાન મંત્રાલય, વડાપ્રધાન નિવાસ સ્થાન અને ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાનનું પણ પુનર્ગઠન કરવામાં આવશે. આ તમામ ઇમારતોમાં ઇન્ડિયા ગેટ કરતાં કોઇ ઇમારત ઊંચી નહીં બને.

નવા સંસદ ભવનની ડિઝાઇન કોણે કરી છે તૈયાર?

આ પ્રોજેક્ટની ડિઝાઇન અમદાવાદ સ્થિત – HCP ડિઝાઇન કંપની બનાવશે. HCP ડિઝાઇને સાબરમતી રિવરફ્રન્ટ, દિલ્હીનું BJP મુખ્યાલય પણ ડિઝાઇન કરેલ છે.

ટાટા ગ્રુપ બનાવશે નવું સંસદ ભવન

ટાટા ગ્રુપ ઓફ કંપનીએ નવું સંસદ ભવન બનાવવાની બીડ જીતી લીધી છે. નવું સંસદ ભવન બનાવવા માટે 7 કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. ટાટા ગ્રુપ 861.90 કરોડ રૂ.ની સૌથી ઓછી બોલી લગાવી હતી. આ બિલ્ડીંગ સંસદના શિયાળુ સત્ર પ્રારંભ થવાની સાથે નિર્માણ કાર્ય શરૂ થશે. જે 2022ના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે. સંસદ ભવન એ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પુર્ણ થનાર પ્રથમ ઇમારત હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments