Homeગામનાં ચોરેસરકાર માનશે નહીં અને ખેડૂતો હારશે નહીં

સરકાર માનશે નહીં અને ખેડૂતો હારશે નહીં

છેલ્લા 11 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદાને પરત લેવા ખેડૂતો ડેરા જમાવીને દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જેમ દિવસ વિતી રહ્યા છે તેમ આંદોલન નરમ પડવાની જગ્યાએ શક્તિશાળી બની રહ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો બાદ અન્ય રાજ્યના ખેડૂતો પણ આંદોલનમાં પહોંચી રહ્યા છે અથવા તો આંદોલનને સમર્થન જાહેર કરી રહ્યા છે. બીજી તરફ સરકાર કાયદો પરત લેવા ટસની મસ નથી થઈ રહી તો ખેડૂતો પણ હાર માનવા તૈયાર નથી.

આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચ વખત ફેસ ટુ ફેસ બેઠક થઈ પરંતુ કોઈ ઢીલ મૂકવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ફરી 9 ડિસેમ્બરે બેઠક યોજાશે. આંદોલન કરી રહેલા ખેડૂતોના તેવર જોતાં લાગી રહ્યું છે કે, જો સરકાર ઝુકશે નહીં તો લડાઈ લાંબી ચાલશે.

આંદોલન ચલાવી રહેલા કિસાન સંયુક્ત મોરચાના પ્રમુખ રામપાલ સિંહે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ડરેલી છે. તે ખેડૂતોની વાત માની ચૂકી છે પરંતુ જાણીજોઈને મુદ્દાને લટકાવી રહી છે. સરકાર વિચારી રહી છે કે કદાચ વૃદ્ધો અને બાળકો ડરીને ઘેર ચાલ્યા જશે. પરંતુ તેઓએ અમારો ઇતિહાસ નથી વાંચ્યો. અમારી પીછેહટનો કોઈ સવાલ જ નથી ઉભો થતો’  ખેડૂત આગેવાન રામપાલ સિંહના નિવેદન પછી લાગી રહ્યું છે કે ખેડૂતો કાયદો રદ કરાવ્યા સિવાય માનવા તૈયાર નથી.

પંજાબના સભરાના કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના સુખવિંદર સિંહે કહ્યું કે, ‘દેશભરના ખેડૂતો એક સાથે છે અને ખેડૂતોએ અંદરોઅંદર તાલમેલ કરી લીધો છે. 13 રાજ્યનું સમર્થન આવી ચુક્યું છે. સરકારે ઝડપથી નિરાકરણ લાવવું પડશે. જો ઝડપથી નિરાકરણ નહીં આવે તો 9 ડિસેમ્બરની બેઠક બાદ નવી રણનીતિ બનાવીશું.’  આમ ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો ઝડપથી હલ નહીં નીકળે તો નવી રણનીતિ સાથે આંદોલન ચલાવવામાં આવશે.

કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતો બુરાડીના નિરંકારી સમાગમ મેદાનમાં અડિંગો જમાવીને બેસી ગયા છે. એક આંદોલનકારી ખેડૂતનું કહેવું છે કે, ‘જ્યાં સુધી કાયદો પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ’

દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો કહી રહ્યા છે કે, ‘સરકાર ખેડૂતોની માગ પર કામ નથી કરી રહી. બેઠક સતત થઈ રહી છે પરંતુ બેઠકમાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી જવા આગેકૂચ કરી રહ્યા છે.’

હાલ જે પ્રમાણે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તે જોતા એટલું કહી શકાય કે કાયદો પરત લેવડાવવા ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મુડમાં છે. ખેડૂતોને ચોતરફથી સમર્થન મળી રહ્યું છે. આંદોલન કરી રહેલા ખેડૂતો ટ્રેક્ટરની સાથે મહિનાઓ સુધી ચાલે તેટલું રાશન લઈને પહોંચ્યા છે. ઉપરાંત ગરમ જમવાનું પણ તેમના સુધી લોકો પહોંચાડી રહ્યા છે.

કેટલાક ખેડૂતો બીમાર હોવાની વાત સામે આવતા ડોક્ટર્સની ટીમો પણ ફ્રીમાં સારવાર આપવા માટે પહોંચી છે. ઘણા વિદ્યાર્થીઓ પણ ખેડૂતોને ચા-નાસ્તો અને જમવાનું પિરસવા માટે સ્થળ પર પહોંચ્યા છે. સ્થળ પર ખેડૂતો માટે ધાબળાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને સમર્થન કરનાર એક્ટર-સિંગર દિલજીત દોસાંજે ખેડૂતો માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

જે રીતે ખેડૂતો તંબુ તાણીને આંદોલન કરી રહ્યા છે તે જોઈને કહી શકાય કે જો સરકાર કાયદો પરત નહીં ખેંચે તો લડાઈ લાંબી ચાલશે.

પાંચ-પાંચ બેઠક બાદ સરકારે પણ કાયદો પરત લેવાને લઈને કોઈ વાત સ્પષ્ટ નથી કરી. સરકાર પણ કાયદો ચાલુ રાખવા અડગ છે તો ખેડૂતો પણ હાર માનવા તૈયાર નથી. આમ સરકાર ખેડૂતોની વાત માનવા તૈયાર નથી સામે ખેડૂતો આસાનીથી હાર માનવા તૈયાર નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments