લેખક-ખલીલ જિબ્રાન
અનુવાદક – Team Chabuk
દેડકો
ઉનાળાના દિવસો હતા. એક દેડકાએ પોતાની પત્નીને કહ્યું, ‘જ્યારે આપણે રાતના ગીત ગાઈએ છીએ તો કિનારે મકાનમાં રહેનારાઓને જરૂર તકલીફ થતી હશે.’
દેડકીએ કહ્યું, ‘એનાથી શું ? એ લોકો પણ દિવસે વાતચીત કરતાં કરતાં આપણી ઉંઘ હરામ કરી નાખે છે.’
દેડકાએ કહ્યું, ‘આપણે એ માનીએ કે ન માનીએ, પણ સત્ય એ જ છે કે રાતમાં આપણે કંઈક વધારે જ મસ્ત થઈ ગાઈએ છીએ.’
દેડકાની પત્ની બોલી, ‘એ લોકો પણ દિવસના કેટલા જોરજોરથી ગપ્પા મારે છે. રાડો પાડ્યા રાખે છે.’
દેડકીએ વધુમાં કહ્યું, ‘અને આ રાજનેતા, પૂજારી અને વૈજ્ઞાનિક!! એ પણ આ કિનારા પર આવી બરાડા પાડી પાડીને જમીનને આકાશ એક કરી નાખે છે.’
દેડકાએ કંઈક વિચારતા વિચારતા કહ્યું, ‘આપણે આ માણસોથી વધારે શિષ્ટ બનવું જોઈએ. આપણે રાતે ચૂપ થઈ જઈએ, ગીતો મનમાં જ ગણગણીએ. ચંદ્ર અને તારાઓ તો ફરમાઈશ કરતા જ રહેશે, કમ સે કમ બે ત્રણ રાતો ચૂપ રહીને જ જોઈએ.’
દેડકીએ કહ્યું, ‘બરાબર છે. જોઈએ છીએ, તારી ઉદારતાથી આપણા હાથમાં શું આવે છે.’
એ ત્રણ રાત સુધી બિલકુલ મૌન રહ્યા.
નદીના કિનારે રહેનારી બોલકી મહિલા ત્રીજા દિવસે નાશ્તા દરમિયાન પોતાના પતિની સામે બોલી, ‘ત્રણ રાત વીતી ગઈ મને ઉંઘ નથી આવી. જ્યારે દેડકાઓનો અવાજ મારા કાનમાં આવતો રહેતો હતો ત્યારે હું નિશ્ચિત બનીને ઉંઘી જતી હતી. કોઈ વાત તો છે…. આ દેડકાઓ ત્રણ દિવસથી મૌન કેમ છે? જરૂર કંઈ થયું છે. જો હું ઊંઘી ન શકી તો ગાંડી થઈ જઈશ.’
દેડકાએ જ્યારે આ વાત સાંભળી તો પત્ની સન્મુખ આંખ મારીને બોલ્યો, ‘આ રાતના મૌનવ્રતે તો આપણને પણ ગાંડા જેવા કરી નાખ્યા છે. છે ને ?’
દેડકાની પત્નીએ કહ્યું, ‘આ રાતની નિરવ શાંતિ તો જીવ લઈ લેશે. આમ તો મને કોઈ કારણ નજર નથી આવતું કે આપણે એ લોકો માટે મૌન રહ્યા જે પોતાના જીવનને શોરબકોરથી ભરીને ઉંઘવા માગે છે.’
અને એ રાત્રે ચંદ્ર અને તારાઓએ કરેલી ફરમાઈશો દેડકા દેડકીએ ખાલી ન જવા દીધી.
યુદ્ધ
એ રાતે મહેલમાં જમણવાર હતો. ત્યાં એક માણસ ત્યાં આવ્યો અને રાજાની સામે દણ્ડવત થઈ ગયો. ભોજન સમારંભમાં ઉપસ્થિત સર્વ લોકો તેની સામે જોવા લાગ્યા. તેની એક આંખ ફૂટી ગયેલી હતી અને બરાબર એ જ જગ્યાએથી લોહી ટપકી રહ્યું હતું.
રાજાએ પૂછ્યું, ‘આ બધું કેવી રીતે થયું ?’
તેણે જવાબ આપ્યો, ‘રાજા હું તો ધંધાથી ચોર છું. ગત્ત રાતે હું ચોરીના ઈરાદાથી એક શાહુકારની દુકાનમાં પ્રવેશ્યો. બારી ઉપર ચડીને અંદર કૂદતા મારાથી ભૂલ થઈ ગઈ. હું કાપડ વણનારાની દુકાનમાં કૂદી પડ્યો. ત્યાં મારી આંખ ફૂટી ગઈ. રાજાજી હું તમારી પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છું.’
આ સાંભળીને રાજાએ વણાટકામ કરનારાને હાજર કર્યો અને તેની એક આંખ ફોડી નાખવાનો આદેશ કર્યો.
‘રાજા.’ કાપડ વણનારાએ કહ્યું, ‘તમારો નિર્ણય બરાબર છે. મારી એક આંખ કાઢી નાખવી જોઈએ. પણ અફસોસ! મને મારા હાથથી વણાયેલા કપડાં જોવા માટે બંને આંખોની જરૂર પડે છે. મહારાજા મારા પાડોશમાં એક મોચી રહે છે. તેની બે આંખો છે તેને કામ કરવા માટે બંને આંખોની જરૂર નથી પડતી.’
સાંભળીને રાજાએ મોચીને હાજર કર્યો અને તેની એક આંખ કાઢી લીધી.
ગુલામી
રાજસિંહાસન પર ઉંઘતી વૃદ્ધ રાણી પર ચાર નોકર પંખો ફેરવી રહ્યા હતા અને તે ઘોરાડતી હતી. રાણીના ખોળામાં એક બિલાડી બેઠી હતી જે એકધારી ગુલામો પર નજર રાખતી જોઈ રહી હતી.
એક ગુલામે કહ્યું, ‘આ વૃદ્ધ સ્ત્રી ઉંઘમાં કેટલી કદરૂપી લાગે છે. તેનું લટકી પડેલું મોઢું તો જુઓ, કેવી ખરાબ રીતે શ્વાસ લઈ રહી છે, જાણે ન કોઈએ ગરદન દબાવી દીધી હોય.’
ત્યાં બિલાડીએ ઘુરકારી કરી અને પોતાની ભાષામાં બોલી, ‘ઉંઘતી રાણી એટલી ખરાબ નથી લાગી રહી, જેટલા તમે જાગતા તમારી ગુલામીમાં લાગી રહ્યા છો.’
ત્યાં બીજો દાસ બોલ્યો, ‘ઉંઘતા તેની કરચલીઓ કેટલી ઊંડી દેખાઈ રહી છે. ચોક્કસથી કોઈ ખરાબ સપનું જોઈ રહી છે.’
બિલાડી પાછી ઘુરકી, ‘તમે જાગતા જાગતા આઝાદીના સપના ક્યારે જોશો?’
ત્રીજાએ કહ્યું, ‘કદાચ આ સપનામાં એ લોકોની ઠાઠડીઓને જોઈ રહી છે, જેમનું આણે નિર્મમતાથી કત્લ કરી નખાવ્યું હતું.’
બિલાડી પાછી પોતાની ભાષામાં બોલી, ‘હા, એ તમારા બાપ દાદાઓ અને મોટા થઈ રહેલા તમારા બાળકોના સપના જોઈ રહી છે.’
ચોથાએ કહ્યું, ‘આ રીતે આના વિશે વાતો કરતા સારું લાગે છે. છતાં ઊભા ઊભા પંખા લગાવવાથી લાગી રહેલા થાકમાં તો કોઈ ફર્ક નથી લાગી રહ્યો.’
બિલાડી પાછી બોલી, ‘તમારે અનંતકાળ સુધી આ રીતે જ પંખાથી હવા નાખવી જોઈએ.’
બરાબર આ જ સમયે રાણીએ ઉંઘમાં પોતાનું માથું હલાવ્યું તો તેનું મુકુટ જમીન પર પડી ગયું. તેમાંથી એક દાસ બોલ્યો, ‘આ તો અપશુકન છે.’
બિલાડીએ કહ્યું, ‘કોઈ માટે તો અપશુકન હોય જ છે. બીજા માટે એ શુભ સંકેત હોય છે.’
બીજો દાસ બોલ્યો, ‘જો તત્ક્ષણ આ જાગી જાય અને પોતાનું પડી ગયેલું મુકુટ જુએ તો? નિશ્ચિત રૂપથી આપણી હત્યા કરાવી નાખે.’
બિલાડી ઘુરકી, ‘જ્યારથી તું પેદા થયો છો, એ તારી હત્યા જ તો કરાવતી આવી છે અને તને ખબર પણ નથી.’
ત્રીજા દાસે કહ્યું, ‘હા, એ આપણી હત્યા કરાવી દેશે અને પછી તેને ઈશ્વરના નામે બલિદાનનું નામ આપશે.’
બિલાડી ફરી ઘુરકી, ‘ફક્ત નબળા લોકોની જ બલિ ચડાવવામાં આવે છે.’
ચોથા દાસે બધાને શાંત કરાવ્યા અને પછી સાવધાનીપૂર્વક મુકુટ ઉઠાવીને ફરી રાણીના માથા પર રાખી દીધું. તેણે એ વાતનું ધ્યાન રાખ્યું કે રાણીને આ વાતની ભનક સુદ્ધાં ન લાગે.
બિલાડીએ ઘુરકારી મારી કહ્યું, ‘એક ગુલામ જ ગબડી પડેલું મુકુટ પાછું રાખે છે.’
થોડા સમય પછી રાણી જાગી ગઈ. તેણે આળસ મરડતા ચારેની તરફ જોયું. પછી બોલી, ‘લાગે છે હું સપનું જોઈ રહી હતી. એક ખૂબ જ પ્રાચીન ઓકનું વૃક્ષ છે…. તેની ચારે બાજુ ભાગતા ચાર કિડા…. તેનો પીછો કરતો એક વિચ્છી…. મને તો આ સપનું સારું ન લાગ્યું.’
આટલું બોલીને તે ફરી ઘસઘસાટ ઉંઘી ગઈ અને નસકોરા બોલાવવા લાગી. ચારે દાસ ફરી પંખાથી હવા નાખવા લાગ્યા.
બિલાડીએ મ્યાંઉ કરી ઘુરકારી બોલાવી અને કહ્યું, ‘પંખાથી હવા લગાવતા રહો….! મૂર્ખો તમે આગને હવા આપતા રહો. જેથી એ તમને સળગાવીને રાખ કરી નાખે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત