Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-2 યોગીનું આગમન

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-2 યોગીનું આગમન

Team Chabuk : નાના ભાઈ ભર્તુહરિના સંન્યાસ લીધા પછી વિક્રમે ફરી ગાદી સંભાળી અને સુખેથી રાજપાટ ચલાવવા લાગ્યો. તેને હવે હરાવનારું દૂર દૂર સુધી કોઈ ન હતું.

આમ જ એક દિવસ નગરમાં શાન્તિશીલ નામના એક યોગીનું આગમન થયું. તેણે માથા પર ભભૂત લગાવેલી હતી. હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. ભગવા વસ્ત્રો પહેર્યા હતા. તેના માથાને જોઈને તો કોઈને પણ તે મહાન યોગી લાગ્યા વિના ન રહે. તેની લાલ આંખોને એકધારા જુઓ તો ડરી જાવ.

વિક્રમના દરબારમાં શાન્તિશીલ યોગી આવ્યો અને તેને એક ફળ આપીને ચાલ્યો ગયો. રાજા દરેક નગરવાસીની વાત માનતો હતો. નગરજનો અને વટેમાર્ગુઓ માટે મહારાજા કોઈ પણ કામ કરવા તત્પર રહેતા. તેણે યોગીનું ફળ પોતાની પાસે રાખી લીધું. અચાનક તેને મનમાં વિચાર સ્ફુર્યો કે દેવ જેની વાત કરતાં હતાં તે આ તો નહીં હોયને? પણ પુન: તેને થઈ ગયું કે આ યોગી થોડો હોય શકે ?

છતાં તેણે સાવધાની વર્તવા ફળ ગ્રહણ ન કર્યું. દેવની વાત તેને થોડી થોડી વારે મનમાં આવતી રહેતી હતી અને વિચલિત કરી દેતી હતી. તેણે એ ફળ પોતાના રાજ્યના ભંડારીને આપી દીધું અને ભંડારીએ તેને સુરક્ષિત રાખી દીધું. રાજા વિચારોમાં લીન થઈ ગયો, પણ હવે તો આ રોજનું થયું. યોગી રોજ આવે અને ફળ આપી ચાલ્યો જાય. રાજા યોગીને ન પૂછે અને યોગી રાજાને કંઈ ન કહે. બસ ફળ આપે અને મહેલમાંથી નીકળી જાય. રાજાને પણ લાગ્યું કે દાળમાં નક્કી કંઈક કાળું હોવું જોઈએ. નહીંતર એક સામાન્ય ફળ આપવા માટે રોજ રોજ એક તપસ્વી ધક્કો થોડો ખાય ?

રોજની આ ક્રિયા વચ્ચે રાજા એક દિવસ પોતાના ઘોડાઓને જોવા માટે તબેલામાં ગયો. એક એક ઘોડાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અહીં તો તેને કોઈ મળવા આવવાનું ન હતું, ત્યાં યોગી પહોંચી ગયો. તેણે રાજાના હાથમાં ફળ આપી દીધું. રાજાએ ફળને ઉછાળ્યું. ઉછળતા વેત જ ફળને તબેલાની ઉપર બેઠેલો વાંદરો લઈ ગયો. એ દાડમ હતું. તોડ્યું તો અંદરથી દાડમના દાણાના કદનાં હીરા નીકળવા લાગ્યા. વાંદરાને હીરા શું કામના ? તેણે ફળનો પાછો ઘા કરી દીધો અને જંગલમાં ચાલ્યો ગયો.

વાંદરાએ ઘા કરેલા એ ફળને જોતા જ રાજા સહિત આસપાસ ઊભેલા સેવકોએ પણ આંખ દાબી દીધી. તેની ચમક આંખોને આંજી નાખતી હતી. રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘તમે આ દાડમનું ફળ અને તેમાંથી પણ હીરા નીકળે તે રોજ મને શું કામે આપો છો?’

યોગીનું રોજ રોજ આવવું તે રાજા માટે અચરજનો મુદ્દો પહેલાથી જ હતો, પણ હવે ફળમાંથી ચમકતા હીરાનું નીકળવું તે ઘટનાએ વધારે વિસ્મય પેદા કર્યું હતું. હવે તો રાજાને જાણવું જ હતું કે આ યોગી ખરેખર છે કોણ ?

રાજાની વ્યાકુળતાને દૂર કરતા યોગીએ જવાબ આપ્યો, ‘મહારાજા! રાજા, ગુરૂ, જ્યોતિષી, વૈદ્ય અને દીકરી આમાંથી કોઈના પણ ઘરમાં ખાલી હાથે ન જવાય.’ રાજા પણ યોગીની બુદ્ધીમતાનો પરચો મેળવી ખુશ થઈ ગયો. તેને પણ ભ્રાન્તિ થઈ ગઈ કે યોગી કંઈ જેવો તેવો તો નથી જ.

રાજાએ હાથેથી તાળીઓ પાડી અને તુરંત ત્યાં ભંડારીને હાજર કરવાનું કહેણ મોકલ્યું. ભંડારી આવતાની સાથે જ રાજાએ હુકમ કર્યો, ‘જાઓ અને શ્રીમાન યોગીએ આપેલા અત્યાર સુધીના તમામ ફળો લઈને મારી સામે પ્રસ્તુત કરો.’

ભંડારી દોડતા દોડતા ગયો અને યોગીએ અત્યાર સુધી રાજાને ભેટમાં આપેલા તમામ ફળ ટોકરીમાં લાવ્યો. રાજાએ બીજો હુકમ કર્યો, ‘આને તોડવામાં આવે.’

એક એક ફળ તૂટતા ગયા અને નાના કદના હીરાઓ ત્યાં ઉપસ્થિત સૌની આંખો પહોળી કરતા ગયા. ધીમે ધીમે હીરાઓનો એક નાનો પર્વત તૈયાર થઈ ગયો. જેને નાના જીવજંતુઓ હીરા-મોતીની અલાયદુ વિશ્વ જ સમજી લે.

રાજાએ યોગી સામે જોયું અને પછી હીરા-મોતીના પારખુને બોલાવ્યો. તેણે આવી આંખ કાણી કરી એક એક હીરાને પોતાના અનુભવ અને બુદ્ધીથી તપાસ્યો અને કહ્યું, ‘મહારાજ આ હીરા તો એટલા કિંમતી છે કે તેની કિંમત કરોડો કે અરબોમાં પણ ન આંકી શકાય. એક એક મોતી આપના એક એક રાજ્ય કરતાં પણ અધિક મૂલ્યવાન છે.’

રાજાને થયું કે જે રાજ્યો મેળવવા માટે હું રાત દિવસ તલવાર અને સૈનિકો લઈ યુદ્ધ કરતો રહ્યો તેનાથી વિપરિત એક યોગી આવી મને આટલું ધન મફતમાં આપી ગયો. એ પણ બદલામાં કંઈ માંગણી વિના.

રાજાના મને કહ્યું, ‘ના… ના…. કોઈ મફતમાં આ ન કરે. છતાંયે આટલું ધન???’

રાજાએ યોગી સામે જોયું. તેની આંખોથી તે પારખી ગયો કે યોગીને એકાંતમાં ચર્ચા કરવી છે. રાજા વિક્રમ તેને પોતાના મહેલમાં લઈ ગયો અને ત્યાં યોગીએ રાજાને કહ્યું, ‘મહારાજ… ગોદાવરી નદીના કિનારે એક સ્મશાન છે. એ સ્મશાનમાં હું એક મંત્ર સિદ્ધ કરી રહ્યો છું. એ મંત્ર સિદ્ધ થઈ જશે તો મારું મનોરથ પૂર્ણ થઈ જશે. તું બસ રાત્રીના મારી પાસે તારું હથિયાર લઈ આવી જજે.’

રાજાએ તુરંત ગરદન ઘુમાવી અને હા કહી દીધું. રાજાની હા સાથે જ યોગીએ તેને રાતના સ્મશાનમાં પધારવાનો સમય કહી દીધો.

રાજા ત્યાં પહોંચ્યો. ગોદાવરી નદીના કિનારે સ્મશાન હતું. આસપાસ તો શું? પણ દૂર દૂર સુધી કોઈ ન હતું. મનુષ્ય જ નહીં પ્રાણી પણ નહીં. સ્મશાન એક ગુફા જેવું હતું. ગુફાની આસપાસ ચામાચીડિયા લટકી રહ્યા હતા. અંધારામાં તેની આંખો બિહામણી લાગતી હતી. રાજા વિક્રમે જોયું તો યોગી અગ્નિકુંડની સામે ધૂણી ધખાવીને ધ્યાનમાં લીન હતો. તેણે બંધ આંખે જ કહી દીધું, ‘આવ મહારાજ આવ.’

આટલું બોલતા જ યોગીની ઉપર ઉડી રહેલા ભૂત-પ્રેત અને પીશાચો જંગલમાં દૂર ક્યાંક ચાલ્યા ગયા. જેના પર રાજા વિક્રમનું હજી સુધી ધ્યાન જ નહોતું પડ્યું.

‘બોલો યોગીજી મારા માટે શું આજ્ઞા છે?’

યોગીએ કહ્યું, ‘રાજન્ આટલી ભયાનક જગ્યાએ આવતા તને ડર ન લાગ્યો. હું જો દાડમમાંથી હીરા કાઢી શકતો હોઉં તો તારા જેવા મનુષ્ય સાથે શું શું કરી શકું?’

‘ના યોગીજી તમારું ઋણ છે મારા પર અને ઋણ ત્યારે જ કોઈ રાખે છે જ્યારે તેને પોતાની પહોંચથી દૂર રહેલી વસ્તુ પ્રાપ્ત કરવી હોય.’

‘ઠીક છે. તો સાંભળ રાજન્ અહીંથી દક્ષિણ દિશામાં જઈશ એટલે દૂર એક સ્મશાન આવેલું છે. એ સ્મશાનમાં એક સિદ્ધવડ આવેલું છે. એ સિદ્ધવડના ઝાડ પર એક મડદું લટકે છે. એને તું મારી પાસે લઈ આવ ત્યાં સુધી હું પૂજા કરું છું. એ મડદાને તું મારી પાસે લાવીશ એટલે મારી સમગ્ર વિધિ સંપન્ન થઈ જશે.’ આટલું કહી યોગીએ આકાશ તરફ જોયું અને ખડખડાટ હસ્યો, ‘આજની રાત લાંબી પસાર થવાની છે….’

વિક્રમે વાત સાંભળી અને બે હાથ જોડી નમન કરી ત્યાંથી ચાલી નીકળ્યો. સિદ્ધવડ તરફ જતો રસ્તો ખૂબ જ ભયાનક હતો. ચારેબાજુથી જાનવરોના અવાજ આવી રહ્યા હતા. ભૂત-પ્રેત અવાજ કરી રહ્યા હતા. રાજાને અંધારામાં એક એક ડગલું ધ્યાનથી રાખવું પડતું હતું. સાંપ આવી ગમે ત્યારે પગમાં આટી મારી ચડી જતા હતા. રાજાને સિદ્ધવડ સુધી જતા રોકવા માટે રસ્તા પર આવતી દરેક વસ્તુ તેને તેના ધ્યેયથી ડગમગાવતી હતી. રાજા તલવાર ખુલ્લી રાખીને ચાલતો હોય ત્યાં તો નજીકમાં આવેલો પથ્થર પણ ગબડીને પડે.

એ સ્મશાન પાસે પહોંચી ગયો. યોગીના સ્મશાન કરતા પણ આ સ્મશાન અધિક ભેંકાર લાગતું હતું. એક સિંહ ગર્જના કરી રહ્યો હતો. અચાનક તે દોડ્યો અને પસાર થતા હરણ પર તૂટી પડ્યો. રાજા ડર્યા વિના સ્મશાનની અંદર પ્રવેશ્યો. સ્મશાનની અંદરથી સિદ્ધવડ સુધી પહોંચવા જાય છે ત્યાં ઉપરથી એક સાંપ તેની માથે પડ્યો. તેની ગરદન અને છાતીને ભીંસવા લાગ્યો. રાજાએ મહામુસીબતે તેનાથી છૂટકારો મેળવ્યો. તે આગળ ચાલવા જતો જ હતો ત્યાં એક ગાંડો હાથી તેના રસ્તા વચ્ચેથી પસાર થયો. રાજા સમયસૂચકતા વાપરીને ત્યાંથી ઠેકડો મારી છટકી ગયો. તેને ભારે આશ્ચર્યું થયું કે આ કંઈ જેવું તેવું સ્મશાન તો નથી જ. એક સ્મશાનમાં હાથી, સાંપ અને સિંહ જેવા ખૂંખાર જાનવરો.

તે આગળ વધતો ગયો અને પહોંચી ગયો સિદ્ધવડની પાસે. સિદ્ધવડ સળગી રહ્યું હતું. રાજા વિક્રમ આવ્યો અને આગ ઠરી ગઈ. રાજાને મનમાં થયું કે, ‘દેવે કહ્યું એ આ જ વાત લાગે છે.’

સિદ્ધવડ ઊંચું હતું. રાજાએ ઉપર જોયું તો દોરડાથી બાંધેલું એક મડદું લટકતું હતું. તેનું શરીર આખુ સફેદ હતું. રાજા ઝાડ પર ચડી ગયો અને તલવારથી દોરડું કાપી નાખ્યું. મડદુ ધડામ કરતું નીચે પડ્યું.

‘હવે આને લઈ જાઉં.’ રાજા બોલતો બોલતો સિદ્ધવડ પરથી ઉતરી અને મડદાને લેવા જતો જ હતો ત્યાં મડદું રડવા લાગ્યું, ‘આહાહહાહાહા…. ઓઓઓઓઓ…’

રાજા પાછો મૂંઝવણમાં મૂકાયો. તેને કૌતુક થયું. તેણે મડદાની નજીક આવી પૂછ્યું, ‘તું કોણ છે?’

મડદાએ જવાબ ન આપ્યો. રાજાએ ફરી પૂછ્યું, ‘તું કોણ છે?’

મડદું જોરજોરથી હસવા લાગ્યું, ‘હા… હા…..હા…. હા….’

‘તું એમ નહીં માને.’ રાજા તેની નજીક ગયો તો મડદું ઉડ્યું. ઉડીને ફરી સિદ્ધવડ પર ઉલટું લટકી ગયું. રાજા ફરી ઉપર ગયો તો મડદું નીચે આવી ગયું. રાજા નીચે આવ્યો તો મડદું ઉપર ચાલ્યું ગયું. આ રમત તો ચાલી પૂરજોશમાં. રાજા ઉપર તો મડદું નીચે અને મડદું ઉપર તો રાજા નીચે. આખરે રાજાએ મડદું નીચે હતું ત્યારે કૂદકો માર્યો અને પકડી લીધું. હવે રાજા કોઈ વાર મડદા ઉપર ચડી તેને પકડવાની કોશિશ કરે તો મડદું ભાગવાની કરે. રાજા તેને પકડીને પૂછતો જાય, ‘બોલ કોણ છો તું?’

મડદું કંઈ બોલ્યું નહીં.

રાજાએ મડદાને પકડી પોતાની પીઠ પર લાદી દીધું અને ચાલવા લાગ્યો. મડદાએ વિક્રમના સવાલનો હવે છેક જવાબ આપ્યો અને પ્રતિ પ્રશ્ન પણ કર્યો, ‘રાજન મારું નામ વેતાલ છે. તું કોણ છે ? જવાબ દે.’

રાજાએ જવાબ આપ્યો, ‘હું ધારાનગરીનો રાજા વીર વિક્રમ છું. તને યોગી પાસે લઈ જવા આવ્યો છું.’

વેતાલે કહ્યું, ‘હું એક શરત પર તારી સાથે ચાલું. જો તું રસ્તામાં બોલીશ તો હું ઉડીને ફરી સિદ્ધવડ પર ચાલ્યો જઈશ.’

રાજાએ શરતનો સ્વીકાર કર્યો.  

શરતનો સ્વીકાર થતાં જ વેતાલ બોલ્યો, ‘પંડિત, ચતુર અને જ્ઞાની તેના દિવસો તો સારી સારી અને મીઠી મીઠી વાતોમાં જ વીત્યા રાખે છે. જ્યારે મુર્ખાઓના દિવસો ઝઘડા અને ઊંઘમાં. સારું તો એ જ કહેવાય રાજન્ કે આપણી વાતો પણ સારી સારી સારી વાતોમાં જ પસાર થાય. હું તને એક વાર્તા સંભળાવું લે….’

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments