Homeતાપણુંદોઢ વર્ષ પહેલાં જ યુપી વિધાનસભા ચૂંટણીનું ગણિત માંડી રહ્યા છે રાજકીય...

દોઢ વર્ષ પહેલાં જ યુપી વિધાનસભા ચૂંટણીનું ગણિત માંડી રહ્યા છે રાજકીય પક્ષો

દેશના સૌથી મોટા રાજ્ય. જેની રાજનીતિ પર સૌની નજર હંમેશાં મંડરાયેલી રહે છે તેવા ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ ચહલ પહલ શરૂ થઈ ચૂકી છે. વિધાનસભા ચૂંટણી 2022માં યોજાવાની છે પરંતુ દોઢ વર્ષ પહેલાંથી જ રાજકીય પાર્ટીઓ પોતાની વ્યવસ્થા અને રણનીતિ ગોઠવવામાં લાગી ગઈ છે. હવે તો અરવિંદ કેજરીવાલની પાર્ટી પણ ઉત્તર પ્રદેશની રાજનૈતિક ભૂમિ પર ઝાડુ મારવા તૈયાર થઈ ગઈ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાની જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાં કહ્યું કે, ‘આગામી 2022ની ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે. દિલ્હીમાં યુપીના ઘણા બધાં ભાઈઓ-બહેનો રહે છે. જ્યારથી દિલ્હીમાં ત્રીજી વખત આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારથી દિલ્હીમાં રહેતા ઘણા યુપીના લોકો મારી પાસે આવ્યા. યુપીથી પણ ઘણા બધા લોકો અને સંગઠનો મારી પાસે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ યુપીમાં ચૂંટણી લડવી જોઈએ. જે સુવિધા તમે દિલ્હીમાં આપી છે તે સુવિધા યુપીમાં રહેતા અમારા પરિવારને મળવી જોઈએ. મેં આ લોકોને પૂછ્યું કે અમારી નાની પાર્ટી આ બધું કેવી રીતે કરી શકશે ? તો તેમણે કહ્યું કે યુપીની જનતા હવે આ જૂની પાર્ટીઓથી ત્રાસી ગઈ છે. યુપીના લોકો આગળ આવશે, આમ આદમી પાર્ટીની સાથે જોડાશે. અને યુપીને પોતાની જાગીર સમજનાર આ મોટા મોટા નેતાઓને હરાવશે.’

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, ‘જો દિલ્હીના સંગમ વિહારમાં મોહલ્લા ક્લિનિક બની શકે તો લખનઉના ગોમતીનગરમાં ન બની શકે ?’ કેજરીવાલે દિલ્હીની હોસ્પિટલ, શાળા અને વીજળીની સુવિધાને લઈને પણ યુપી સરકાર પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલનું કહેવું છે કે, ‘યુપીની જનતાએ દરેક રાજકીય પાર્ટીઓ પર વિશ્વાસ મૂક્યો પરંતુ રાજકીય પાર્ટીઓએ જનતાની પીઠ પર ખંજર માર્યું છે.’

અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં સત્તા પર આવ્યા પછી ઘણા બધા ફેરફાર કર્યા હતા. જેમ કે મફત પાણી, વીજળી જેવી સુવિધા ઉપરાંત મહોલ્લા ક્લિનિક જેવી સુવિધા પણ જનતા માટે ઉપલબ્ધ કરાવી છે. કેજરીવાલની આ સુવિધાઓની અન્ય રાજ્યના લોકોએ પણ નોંધ લીધી છે. ત્યારે યુપીમાં પણ અરવિંદ કેજરીવાલ આ તમામ મુદ્દાઓને લઈને જ ચૂંટણીના રણમેદાનમાં ઉતરશે તેવું આજના સંબોધન પરથી લાગી રહ્યું છે.

અખિલેશની પણ નવી રણનીતિ

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાની વ્યૂહરચના જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અને બસપા સાથે મળીને ચૂંટણી લડીને કઈ ન ઉકાળી શકનાર અખિલેશને હવે મોડે મોડે ભાન આવ્યું છે અને તેઓ હવે મોટી પાર્ટી સાથે મળીને ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. અખિલેશ યાદવે કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કોઈ મોટી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે પરંતુ નાની-નાની પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે.’

અખિલેશ યાદવે કહ્યું કે, ‘અગાઉની ચૂંટણીઓમાં મોટી પાર્ટીઓ સાથે ચૂંટણી લડવાનો અમને ખરાબ અનુભવ થયો છે. જેથી અમે આગામી ચૂંટણીમાં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરીશું.’

ઉત્તર પ્રદેશમાં જાતિના આધારે ઘણી બધી નાની પાર્ટીઓ સક્રિય છે. અને સમય આવ્યે મોટી પાર્ટીઓ આ નાની પાર્ટીઓનો સહારો લેતી હોય છે. 2017માં પણ ભાજપે આ ફોર્મ્યુલા અપનાવ્યો હતો. અનુપ્રિયા પટેલની અપના દળ અને ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી અને ભાજપને ફાયદો પણ થયો હતો. જેથી હવે આ રણનીતિ અખિલેશ યાદવ પણ આગામી ચૂંટણીમાં અપનાવવા માગે છે.

મહત્વનું છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને હવે દોઢ વર્ષ જેટલો સમય બચ્યો છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે હવે યુપીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી ચર્ચાનું કેન્દ્ર બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments