Homeસાહિત્યવાર્તા વિશ્વ : હરિશંકર પરસાઈની પાંચ લઘુકથા

વાર્તા વિશ્વ : હરિશંકર પરસાઈની પાંચ લઘુકથા

લેખક-હરિશંકર પરસાઈ
સાહિત્ય પ્રકાર- લઘુકથા
અનુવાદ – Team Chabuk

પોતાનું-પારકુ

‘તમે કઈ શાળામાં શિક્ષક છો? ’

‘હું લોકહિતકારી વિદ્યાલયમાં છું. કેમ, કંઈ કામ હતું ? ’

‘હા, મારા છોકરાને શાળામાં એડમિશન અપાવવું હતું. ’

‘તો અમારી જ શાળામાં ભરતી કરાવી દો. ’

‘ભણાવવા-બણાવવાનું કેવું છે ? ’

‘એક નંબર. ખૂબ જ સારા શિક્ષક છે. ખૂબ જ સારું વાતાવરણ છે. ખૂબ જ સારી શાળા છે. ’

‘તો તો તમારોય છોકરો ત્યાં ભણતો હશે ? ’

‘જી નહીં, મારો છોકરો તો આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ’

સુધાર

એક જનહિતની સંસ્થામાં કેટલાક સભ્યોએ અવાજ ઉઠાવ્યો, ‘સંસ્થાનું કામ અસંતોષજનક ચાલી રહ્યું છે. તેમાં ઘણી સુધારાની આવશ્યકતા છે. સંસ્થા બરબાદ થઈ રહી છે. તેને ડૂબતા બચાવવી જોઈએ. તેને કાં તો સુધારવામાં આવે અથવા તો ભંગ કરી દેવામાં આવે.’

સંસ્થાના અધ્યક્ષે પૂછ્યું કે કયા કયા સદસ્યોને અસંતોષ છે?

દસ સભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો.

અધ્યક્ષે કહ્યું, ‘અમને તમામ લોકોનો સહયોગ જોઈએ. તમામને સંતોષ હોય એ રીતે જ અમે કામ કરવા માગીએ છીએ. તમે દસ સજ્જન શું સુધારો ઈચ્છો છો તે કૃપા કરી જણાવો.’

અને તે દસે સભ્યોએ અંદરો અંદર ચર્ચા-વિમર્શ કરી જે સુધારા સૂચવ્યા તે આ પ્રમાણે હતા.

-સંસ્થામાં ચાર સભાપતિ, ત્રણ ઉપસભાપતિ અને ત્રણ મંત્રી વધારાના હોવા જોઈએ.

આ દસેય સદસ્યોને કામથી ખૂબ જ અસંતોષ હતો હો…

રસોડું અને સંડાસ

ગરીબ છોકરો છે. કોઈ પણ રીતે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરીને કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છે છે. માતા-પિતા નથી. બ્રાહ્મણ છે.

શહેરમાં તેની જ જાતિના સજ્જનને ત્યાં રહેવા અને ખાવાનો પ્રબંધ થઈ ગયો. મેં આ ઘટનામાં થોડી એવી મદદ કરી હતી. આ કારણે જ છોકરો હંમેશાં મને મળવા આવે છે. ખૂબ જ સાદગીવાળો, સરળ અને સભ્ય છોકરો છે. સાથે જ કુશાગ્રબુદ્ધી પણ હતી.

એક દિવસ મેં પૂછ્યું, ‘કેમ? તારું બધું કામ બરાબર થઈ ગયું ને? એ ભાઈને ત્યાં કોઈ તકલીફ તો નથી ને?’

તેણે થોડું સ્મિત કર્યું અને કહેવા લાગ્યો, ‘તકલીફ તો નથી પણ ત્યાં એક વાત વિચિત્ર અને મનોરંજક છે.’

‘શું વાતે છે?’ મેં પૂછ્યું.

એ બોલ્યો, ‘આમ તો હું એ બધાની સાથે બેસીને જમવાનું જમું છું. પણ ઘરમાં જે વૃદ્ધા છે તે કહે છે કે, બહાર આવેલા સંડાસમાં સંડાસ જા. ઘરમાં એક મોટું સંડાસ છે. જેમાં ઘરના લોકો જાય છે. એક બીજું સંડાસ પણ છે જેમાં નોકરો જાય છે. મને એ કહેવા લાગી કે બહારના લોકો માટે આ બહારનું સંડાસ છે. મને ઘરમાં તો પ્રવેશ મળી ગયો છે, પણ સંડાસમાં પ્રવેશ નથી મળ્યો.’

જો તારી ખોટી પ્રતિષ્ઠા જમવામાં પ્રદર્શિત નહીં થઈ શકે તો તું સંડાસમાં જ પ્રદર્શિત કરીને રહીશ. જો મારા રસોડામાં ઊંચુ કે નીચું કોઈ નહીં રહે તો તું સંડાસમાં ઊંચો થઈને બીજાને નીચો બતાવીશ. શાબાશ.

ભંડોળનો ડર

એક નાની એવી સમિતિની બેઠક બોલાવવાની યોજના ચાલી રહી હતી. એક સજ્જન માણસ સમિતિના સભ્ય હતા. કામ કંઈ નહીં ને ખોટે ખોટી સમસ્યા ઊભી કરતા હતા અને સાવ ખાલેખાલી વાહ વાહી ઈચ્છતા હતા. લાંબા ભાષણ આપતા હતા.

એ સમિતિની બેઠકમાં ન આવે એવું કેટલાક લોકો કરવા ઈચ્છતા હતા. પણ એ તો કોઈ જાતના આમંત્રણ વિના પહોંચી જાય ત્યાં અહીં તો નિમંત્રણ મળવાનું જ હતું, કારણ કે તેઓ સમિતિના સભ્ય હતા.

એક વ્યક્તિ બોલ્યો, ‘એક આઈડિયા છે. સાંપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટે. સમિતિની બેઠકની સૂચનામાં નીચે એ લખી દેવામાં આવે કે બેઠકમાં પૂરગ્રસ્તો માટે ભંડોળ એકઠું કરવામાં આવશે. એ એટલી ઉચ્ચકોટીના કંજૂસ છે કે જ્યાં ભંડોળ ભેગા કરવાની વાત આવે ત્યાં તે ગુડાતા જ નથી.’

દાનેશ્વરી

પૂરગ્રસ્તો માટે ભંડોળ ભેગુ કરવામાં આવી રહ્યું હતું. કેટલાક જનસેવકોએ સંગીત સમારોહનું પણ આયોજન કર્યું અને તેમાં જ પૈસા ભેગા કરવાની યોજના બનાવી. તેઓ એક મોટા શેઠ પાસે પહોંચ્યા. તેમને જઈ કહ્યું, ‘દેશ પર આ સમયે સંકટ આવી ગયું છે. લાખો ભાઈ-બહેનો ઘર વિહોણા થયા છે. તેમના માટે ભોજન અને વસ્ત્ર એકઠા કરવા માટે મોટી રકમની જરૂર છે. તમે સમારોહમાં અચૂક પધારજો.’

એ બોલ્યા, ‘ભગવાનની ઈચ્છામાં કોણ વિક્ષેપ નાખી શકે. જ્યારે ઈશ્વરની જ ઈચ્છા છે તો અમે કોઈને કેવી રીતે મદદ કરી શકીએ ? આમેય ભાઈ, રોજ બે-ચાર પ્રકારનું દાન તો અમે આપીએ જ છીએ અને વેપાર પણ હમણાં સરખો નથી ચાલતો.’

એક જનસેવીએ કહ્યું, ‘સમારોહમાં ખાદ્યમંત્રી પણ આવવાના છે અને તેઓ પોતે જ ભંડોળ ભેગુ કરશે.’

શેઠના ચહેરા પર ચમક આવી ગઈ. જેવી રીતે ભક્તના મોઢા પર ભગવાનના નામનું રટણ કરતાં આવે છે. એ બોલ્યા, ‘હા, બિચારા તકલીફમાં જ તો છે. શું કરી શકીએ? અમારાથી તો જેટલું થાય છે એટલી મદદ તો કરીએ જ છીએ. આખરે અમે પણ તો દેશવાસી જ છીએ. હવે તમે આવ્યા જ છો તો ખાલી હાથે થોડા જવા દઈશ. એક હજાર આપીશ. મંત્રીજી જ લેશે ને ? એ જ અપીલ કરશે ને ? તેમના જ હાથમાં આપવાનું હશે ને ?’

એ બોલ્યા, ‘બિલકુલ મંત્રીજી જ રકમ લેશે.’

શેઠજી બોલ્યા, ‘બસ બસ તો ઠીક છે. હું બરાબર સમયે જ પહોંચી જઈશ.’

સમારોહમાં શેઠજી એક હજાર રૂપિયા લઈને પહોંચ્યા. પણ સંજોગાવશાત્ મંત્રીજી થોડા સમય પહેલા ઉઠીને જરૂરી કામ માટે ચાલ્યા ગયા. એ અપીલ ન કરી શક્યા અને દાન ન લઈ શક્યા.

આયોજકોએ અપીલ કરી. બધા પૈસા આપવા લાગ્યા. શેઠજીની પાસે પહોંચ્યા. શેઠજી બોલ્યા, ‘એલા મને મુર્ખ બનાવે છો. તે તો કહ્યું હતું કે મંત્રીજી પોતે પૈસા લેશે. એ તો હાલી નીકળ્યા.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments