Homeગામનાં ચોરેબાબા કા ઢાબાના માલિક નહીં પણ એક રેસ્ટોરન્ટના માલિક

બાબા કા ઢાબાના માલિક નહીં પણ એક રેસ્ટોરન્ટના માલિક

2020નું વર્ષ કોરોનામાં દુઃખી, દુઃખી વિત્યું. જેના ધંધા રોજગાર ધમધોકાર ચાલતા હતાં, ગ્રાહકોની લાઈનો લાગતી હતી તેવા અનેક દુકાનદારો અને વેપારીઓ નવરા થઈ ગયા. દેશની જીડીપી પણ તળિયે ચાલી ગઈ. લગભગ લોકોને 2020નું વર્ષ ફળ્યું નહીં. જેનું એકમાત્ર કારણ કોરોના. પરંતુ દેશમાં અમુક લોકો એવા પણ છે જેના માટે 2020નું વર્ષ શુભ મંગળ નિવડ્યું. એમાંનું એક નામ એટલે બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ. હવેથી તેઓ બાબા કા ઢાબાના માલિક નહીં પણ એક રેસ્ટોરન્ટના માલિક તરીકે ઓળખાશે.

2020નું વર્ષ દિલ્હીના આ 80 વર્ષીય કાંતા પ્રસાદની કિસ્મત ચમકાવીને વિદાઈ લઈ રહ્યું છે. ત્યારે કાંતા પ્રસાદે એક કેબિનમાંથી પોતાની રેસ્ટોરન્ટ ખોલી નાખી છે. દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે કે, હેરાફેરી ફિલ્મના ગીતના શબ્દો કાંતા પ્રસાદને લાગુ પડે છે. જોકે કાંતા પ્રસાદની આ કાયાપલટમાં સોશિયલ મીડિયાનો ફાળો અનન્ય રહ્યો છે. કાંતા પ્રસાદને મળેલી આ સફળતાને રાતો રાત મળેલી સફળતા નહીં કહીએ તો શું કહીશું, કેમ કે જે બાબા કા ઢાબા પર કાંતા પ્રસાદ આખો દિવસ ઉભા ઉભા કામ કરતાં હતાં તે હવે રેસ્ટોરન્ટમાં રિવોલ્વિંગ ચેર પર બેસીને રેસ્ટોરન્ટ ચલાવશે.

કાંતા પ્રસાદે દિલ્હીના માલવીય નગરમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલી છે. સમાચાર એજન્સી એએનઆઈએ કાંતા પ્રસાદની આ નવી રેસ્ટોરન્ટની કેટલીક તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે કાંતા પ્રસાદની આ નવી રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પ્રવેશતાં જ મજા પડી જાય તેવી સરસ સજાવટ કરવામાં આવી છે. દિવાલો પર કલરથી ડિઝાઈન કરાઈ છે. લાઈટના પ્રકાશમાં રેસ્ટોરન્ટનો માહોલ આકર્ષક લાગી રહ્યો છે. પહેલા બાબા કા ઢાબા પર લોકો ઉભા રહીને ભોજન લેતાં હતા હવે કાંતા પ્રસાદની આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો માટે ટેબલ-ખુરશી ગોઠવાઈ ગયા છે. રેસ્ટોરન્ટમાં કિચન વિભાગ પણ અલગથી બનાવાયો છે. જ્યાં કાંતા પ્રસાદ ગ્રાહકો માટે ભોજન બનાવશે જો કે રેસ્ટોરન્ટમાં કાંતા પ્રસાદે રસોઈ બનાવવા હેલ્પર પણ રાખ્યા છે.

તસવીરમાં જોઈ શકાય છે કે કાંતા પ્રસાદ માટે એક રિવોલ્વિંગ ચેર પણ રાખવામાં આવી છે જ્યાં કાંતા પ્રસાદ બેસીને ગ્રાહકો પાસેથી રૂપિયા લેશે. રેસ્ટોરન્ટમાં સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે કાંતા પ્રસાદે આ નવી રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારની સુવિધા ઉભી કરી છે.

કાંતા પ્રસાદે આ રેસ્ટોરન્ટ માલવીય નગરમાં તેમના બાબા કા ઢાબાની નજીકમાં જ બનાવી છે. કાંતા પ્રસાદે આ અંગે વાત કરતાં કહ્યું કે, અમે ખૂબ ખુશ છીએ, ભગવાને અમને આશીર્વાદ આપ્યા છે. હું લોકોને તેમને કરેલી મદદ માટે આભાર વ્યક્ત કરું છું. અને તેમને મારી આ રેસ્ટોરન્ટની મુલાકાત લેવા માટે અપીલ કરું છું. અહીંયા અમે ભારતીય અને ચીની ભોજન લોકોને જમાડીશું.

બાબા કા ઢાબાથી લઈને હવે રેસ્ટોરન્ટ ખોલનાર કાંતા પ્રસાદને લઈને ટ્વિટર પર ઘણા લોકો મીમ મૂકીને મજાક પણ ઉડાવી રહ્યા છે. તો ઘણા લોકો અભિનંદન પણ પાઠવી રહ્યા છે.

કોરોનાના કારણે લોકડાઉન થતાં અન્ય વેપારીઓની જેમ કાંતા પ્રસાદની રોજીરોટી પર પણ બ્રેક લાગી ગઈ. કેબિનમાં ચાલતી તેમની નાની રેસ્ટોરન્ટ બંધ કરવી પડી. તેમની પત્ની સાથે તેઓ લોકડાઉનમાં જેમ-તેમ કરીને જીવન નિર્વાહ કરવા લાગ્યા. ધીમે ધીમે લોકડાઉન ખુલતા ધંધા રોજગારની ગાડી પાટા પર ચડવા લાગી. કાંતા પ્રસાદે ફરી પોતાની કેબિન શરૂ કરી. પરંતુ ગ્રાહકો પહેલાં કરતાં ઓછા આવી રહ્યા હતા.

તેવામાં એક દિવસ ગૌરવ વાસન નામનો ફૂડ યૂ-ટ્યુબર તેમની  કેબિન પર પહોંચ્યો અને અહીંથી વીડિયો ઉતાર્યો. વીડિયોમાં કાંતા પ્રસાદ પોતાની પરિસ્થિતિ વર્ણવતા રડવા લાગ્યા. ગૌરવ વાસનનો આ વીડિયો કોરોના વાઇરસની માફક દેશભરમાં ફેલાઈ ગયો. સમાચારોમાં બાબા કા ઢાબા ચમકી ગયું. બીજા દિવસે બાબા કા ઢાબાની સામે ગ્રાહકોની લાઈન લાગી ગઈ.

ગ્રાહકોએ એટલો પ્રેમ અને સાથ સહકાર આપ્યો કે બાબા કા ઢાબાની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો. જો કે બાબા કા ઢાબાને દેશભરમાં પ્રસિદ્ધી અપાવનાર ગૌરવ વાસન સાથે કાંતા પ્રસાદને વિવાદ પણ થયો. જેથી કાંતા પ્રસાદની ઘણા લોકોએ ટીકા પણ કરી. પરંતુ હવે કાંતા પ્રસાદે કેબિનને તિલાંજલી આપીને રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments