Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-9-સજ્જનતા

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-9-સજ્જનતા

Team Chabuk : ભારે મહેનત પછી વેતાલ હાથમાં આવ્યો. વિક્રમે તેને ખભા પર ચડાવ્યો. સિદ્ધવડ તરફ એક નજર નાખી અને પછી સ્મશાનમાંથી ચાલવા લાગ્યો. વેતાલે તેને કહ્યું, ‘હે મહાપ્રતાપી અને હઠી રાજા. હું તને એક વાર્તા સંભળાવું.’

મિથલાવતી નામની એક નગરી હતી. નગરીમાં ગુણધિપ નામનો રાજા રાજ કરતો હતો. પ્રતાપી હતો. યશસ્વી હતો. દૂર દૂર સુધી તેના વિજયની વાતો થતી હતી. તેનાથી અન્ય રાજાઓ અને લૂંટારાઓ ભયભીત રહેતા હતા. રાજાને શિકાર કરવાનો ખૂબ શોખ હતો. સમય હોય કે ન હોય શિકાર કરવા પોતાના સૈન્ય દળ સાથે જંગલમાં અચૂક જાય.

એક દિવસ રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો. સૈનિકો પણ સાથે હતા. રાજા જંગલના એવા ભાગમાં પહોંચ્યો જે ખૂબ જ ભેંકાર હતું. ઝાડ એટલા ઊંચા અને ઘેઘૂર હતા કે સૂર્યનો પ્રકાશ પણ માંડ માંડ પહોંચતો હતો. જંગલની વચ્ચે પહોંચીને રાજાની આંખો શિકારને શોધવા લાગી. થોડા સમય પછી રાજાને એક હરણ દેખાયું. હરણ દેખાતા જ રાજા તેની પાછળ દોડ્યો. રાજાની સુરક્ષા માટે તેના સૈનિકો પણ તેની પાછળ દોડ્યા. રાજા તીર ચલાવે પણ હરણ ચબરાક હતું. તે એવી રીતે દોડતું હતું કે રાજાનું તીર તેને અડકે તે પહેલા જ તે ઝાડની પાછળ સંતાઈ જતું અને ફરી દોડીને દૂર ચાલ્યું જતું.

રાજા ગુણધિપ શિકારની પાછળ એટલો દોડ્યો કે જંગલમાં તેના સૈનિકો તેનાથી વિખૂટા પડી ગયા. રાજાએ પાછું વળીને જોયું તો તેના સૈનિક, મંત્રી અને નોકર સહિત કોઈ ન હતા. રાજા ખૂદને એકલો મહેસૂસ કરવા લાગ્યો. તેણે જંગલમાં રાડ પાડી પણ તેનો અવાજ પડઘાતો અને સૈનિકો, ‘રાજાનો અવાજ તો અહીંથી આવે છે.’ કહી બીજી બાજુ ચાલ્યા જતા હતા.

‘વિક્રમ ભાગ્યનો ખેલ તો જો.’ વેતાલે વાર્તા સંભળાવતા સંભળાવતા રાજાને નામથી ઉદ્દેશી ફરી વાર્તા શરૂ કરી.

રાજા જંગલમાં એકલો પડી ગયો. તેને ચિંતા થવા લાગી. ચિંતા તો એ વાતની પણ હતી કે ગુણધિપને કકડીને ભૂખ લાગી હતી. પેટમાં ઉંદરડા દોડી રહ્યા હતા. હરણે રાજાને કસરત કરાવી દીધી હતી અને એ કસરત બાદ હવે જઠરાગ્નિ તૃપ્ત કરવાની મહેચ્છા હતી. રાજા આજુબાજુ નજર કરતો હતો અને ત્યાં તેને લાકડા કાપનારો મળી ગયો. તેણે રાજાને જંગલમાં આમ એકલા રખડતા ટોક્યો.

પહેલા તો રાજાને મજા આવી ગઈ કે ચાલો આ સૂમસામ જંગલમાં માણસ જેવું કોઈ છે તો ખરી. રાજા તેની પાસે ગયો અને અહીં આવવાનું તેનું ઉદ્દેશ્ય પૂછ્યું. છોકરાએ હાથમાં કુહાડી ઘુમાવતા કહ્યું, ‘હું રોજ લાકડા કાપવા આવું છું.’

છોકરાને ખબર પડી ગઈ કે રાજાને ખૂબ ભૂખ લાગી છે. રાજાની જીભ બહાર નીકળતી હતી અને અંદર જતી હતી. ઝાડ પર કોઈ ફળની આશાએ નજર ટકેલી હતી. ઝાડ પર તો કોઈ ફળ નહોતા. છોકરાએ રાજાને પોતાનું ભોજન આપી દીધું. જે તે લાકડા કાપીને થાકે એટલે કરતો હતો. રાજા ભોજનને જોઈ રાકાની જેમ ત્રાટકી પડ્યો અને ખાવા લાગ્યો. ખાતા ખાતા છોકરાની સાથે ચર્ચા પણ કરવા લાગ્યો.

છોકરાએ રાજાને જમતા જોઈ કહ્યું, ‘હે રાજન્ સજ્જનતા એ દરેક મનુષ્યને એકબીજાની મદદ કરવા માટે પ્રેરિત કરે છે અને છ વાતો માણસને જમીન પર લાવી પછાડી દે છે. ખોટા યુવક પ્રત્યે સ્નેહ, કારણ વિનાનું હાસ્ય, સ્ત્રી સાથેનો વિવાદ, અસજ્જન માલિકની સેવા, ગધેડાની સવારી અને સંસ્કૃત વિનાની ભાષા. અને હે રાજા પાંચ વસ્તુઓ મનુષ્ય પેદા થાય ત્યારે જ વિધાતા તેના ભાગ્યમાં લખી નાખે છે. આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને યશ. રાજન્ જ્યાં સુધી માણસનું પુણ્ય ઉદય રહે છે ત્યાં સુધી તેના મિત્રો અને નોકરોની સંખ્યા વધારે રહે છે. પુણ્યમાં ઓટ આવે એટલે ભાઈ પણ દુશ્મન બની જાય છે. હા એક વાત તો છે. માલિકની સેવા વ્યર્થ નથી જતી. ક્યારેક ને ક્યારેક તો ફળ મળે જ છે.’

એક લાકડા કાપનારા છોકરાના મોઢામાંથી આવી વાણી સાંભળી રાજા તો વિચારવા લાગ્યો. આવા જ્ઞાની પુરુષનું અરણ્યમાં શું કાર્ય? છોકરાએ રાજાને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો, પણ રાજા એકલો જંગલમાંથી નહોતો જવાનો. તેને આ છોકરામાં અપ્રતિમ રસ પડ્યો અને તે તેને પણ નગરમાં લઈ ગયો. રાજાએ તેને પોતાને ત્યાં સેનાપતિ બનાવ્યો. તેને સુંદર વસ્ત્રો અને આભૂષણો આપ્યા. એક સમયે તે જંગલમાં લાકડા કાપતો હતો તેવું કોઈને ન લાગે તેવો થઈ ગયો.

એક દિવસ સેનાપતિ કોઈ અગત્યના કામથી બહાર ગયો. રસ્તામાં દેવીનું  મંદિર આવ્યું. તેણે મંદિરમાં પ્રવેશ કરી દેવીની પૂજા કરી. એ મંદિરની બહાર નીકળતો જ હતો ત્યાં જુએ છે કે એક સુંદર યુવતી સામેથી ચાલીને આવે છે. તેના સૌંદર્ય આગળ તે અભિભૂત થઈ ગયો. યુવતીએ સેનાપતિની સામે જોઈ કહ્યું, ‘સૌ પ્રથમ તમે કુંડમાં સ્નાન કરી લો, પછી તમે જે કહેશો એ હું કરીશ.’

સ્ત્રીના સૌંદર્યની આગળ સેનાપતિનું હ્રદય પાણી ભરવા લાગ્યું હતું. તેણે વસ્ત્રો ઉતાર્યા અને કુંડમાં ડુબકી લગાવી દીધી. ડુબકી લગાવતા જ તે સીધો નગરમાં પહોંચી ગયો. આજુબાજુ જુએ છે તો મંદિર નહીં. સ્ત્રી પણ નહીં. જ્યાં તે રાજાની ચાકરી કરતો હતો એ નગર. તે દોડીને રાજાની સામે ગયો અને બોલ્યો, ‘મહારાજા હું તમને એક અચરજની વાત જણાવવા માગુ છું. આ વાત હું તમને કહીશ તો તમે મને પાગલ હાથીમાં ખપાવી દેશો.’

મહારાજા તો સેનાપતિના જ્ઞાનથી પરિચિત હતા. એની તો કોઈ વાત ગાંડામાં ન ખપાઈ. તેમણે બોલવાનો આદેશ કર્યો અને સેનાપતિ એ મંદિરથી લઈ કુંડ સુધીની વાત રાજા સામે રાખી. રાજાના વિચારો પણ પડખા ફરવા લાગ્યા, ‘આવું તે કંઈ હોતું હશે? વ્યક્તિ પાણીમાં ડૂબકી મારે અને નીકળે નગરમાં. અને આ સ્ત્રી કોણ છે ? શું તે સેનાપતિ કહે છે એ મુજબ જ અત્યાધિક સુંદર છે ? આ જાદુને જોવા માટે તો મંદિરમાં જ જવું પડે.’

રાજા અને સેનાપતિ ઘોડા પર બેસીને મંદિરની ઘટનાની સત્યતા તપાસવા આવ્યા. મંદિરની અંદર પ્રવેશ કરી દેવીના દર્શન કર્યા અને પછી જેવા બહાર નીકળે છે તો એ જ સ્ત્રી. એ સુંદરી. મઘમઘતું સૌંદર્ય સામે ચાલીને આવી રહ્યું હતું.

સ્ત્રી રાજાની પાસે આવી અને બોલી, ‘મહારાજા હું તમારા રુપથી અંજાઈ ગઈ છું. હવે તમે જે કહેશો એ જ હું કરીશ.’ રાજા વિચારવા લાગ્યો. સેનાપતિની વાત સાચી હતી. આ તો જગતની સર્વ સુંદરીઓમાં શ્રેષ્ઠ છે.

રાજા ક્ષણિક વિચારોમાં તણાયા અને પછી બોલ્યા, ‘હે સુંદરી જો એવી જ વાત હોય તો તું મારા આ સેવક સાથે વિવાહ કરી લે.’

સુંદરી બોલી, ‘એ બિલકુલ નહીં થાય. હું તો તમને ચાહું છું. તમને પ્રેમ કરું છું.’

રાજાએ કહ્યું, ‘સજ્જન લોકો જે કહે છે તેને નિભાવે પણ છે. તું તારા વચનનું પાલન કર. તે કહ્યું હતું કે હું જે કહીશ એ જ તારે કરવાનું છે.’ એ પછી રાજાએ તેના વિવાહ પોતાના સેવક સાથે કરાવી દીધા.

વેતાલે વાર્તા પૂરી કરી અને રાજા વિક્રમને પૂછ્યું, ‘હે રાજન્ બોલ. રાજા અને તેના સેવકમાંથી કોનું કાર્ય મોટું ? કોની સજ્જનતા વધારે ?’

રાજાએ કહ્યું, ‘સેવકનું.’

વેતાલે પૂછ્યું, ‘એ કેવી રીતે ?’

વિક્રમ બોલ્યો, ‘ઉપકાર કરવો એ તો રાજાનો ધર્મ છે. જેથી તેના ઉપકાર કરવામાં તો કોઈ મોટી વાત નથી. પણ જેનો ધર્મ નથી તેણે ઉપકાર કર્યું તો તેનું કામ મોટું થયું કહેવાય? જેથી લાકડા કાપનારો છોકરો જે બાદમાં સેનાપતિ થયો તેની જ સજ્જનતા વધારે છે.’

વેતાલ ઉડી ગયો. રાજા ફરી તેની પાછળ ભાગ્યો.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments