ગોવાબાપા : ‘જોતો ખરી પણ કોરોના થયો પછી તો પતિ પત્નીનું ધ્યાન રાખે એમ શરીરનું ધ્યાન રાખો છો હો ગોવાબાપા. સ્વેટર ઠપકારીને આવ્યા છો.’
એલા રાખવું પડે. રાખવાનું કારણ તને આજના સમાચારથી જ કઉં. તે સાંભળ્યા કે નહીં ?
‘ના.’
તો મૂકી દે ને નોકરી.
ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો
હે ચાબુક જેમ દૂધમાં પાણી નાખતા પાણી નહીં પણ દૂધ વધે એમ ગુજરાતમાં સાંજના છ વાગતા તો રાતના દસ વાગી ગયા હોય એવું થઈ જાય છે. મૂળ વાત તો એ જ કે આવનારા સમયમાં ઠંડીનો ચમકારો વધવાનો છે. એમાંય ચાર દિવસ પછી જાન્યુઆરી મહિનો આવશે ત્યારે અતિશય ઠંડી પડશે. આખા ગુજરાતની જો વાત કરીએ ચાબુક તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ઠંડી પડવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
‘ગોવાબાપા શિયાળો આવે ત્યારે ઉત્તર ગુજરાતવાળાવે દક્ષિણબાજુ આવતા રહેવાય.’
‘કાં?’
‘જર્સી, ધાબળા ને લાકડા બાળવાની મહેનત ન રહેને. તમે જ કીધું હમણાં ઉત્તરમાં ઠંડી સારી પડવાની એટલે કઉં છું.’
બોલવામાં ધ્યાન રાખો
રાજકારણમાં બોલવામાં બોવ ધ્યાન રાખવું પડે હો ચાબુક. અમારો પાડોશી ગીગો એક વખત સરપંચની ચૂંટણીમાં ઊભો ર્યો ત્યારે એણે વાયદો કરેલો કે, હું જીતું તો આખા ગામને અડધો વીઘો જમીન એમનેમ આપું. એ જીતી ગયો. એનો સરપંચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો, પણ ગામના લોકોને અડધો વીઘો જમીન ન મળી. એના પછી જમનો સરપંચ બન્યો એણે પણ એમ જ કીધું કે, હું સરપંચ બનું તો ગીગાનો અધૂરો વાયદો પૂરો કરું. જમનોય સરપંચ બની ગયો. પછી તો એનોય કાર્યકાળ પૂરો થયો પણ કોઈને જમીન મળી નહીં. એના પછી ધમનો સરપંચ બન્યો. એણેય કીધું કે, જે ગીગે અને જમને ન કર્યું એ હું કરીશ. એના પછી….
‘એ ગોવાબાપા મૂળ વાત ઉપર આવોને…’
‘અમારા ગામમાં આવા 233 સરપંચ એ જ વાત ઉપર સરપંચ બની ગયા છે કે ગીગે જે ન કર્યું ને એ હું કરી બતાવીશ. હવે આવું મીઠું મીઠું બોલવાનો રમલાનો વારો છે.’
‘તમને ખબર જ છે કે કોઈને અડધો વીઘો જમીન મળવાની જ નથી તો પછી મત જ શું કામે આપો છો?’
‘આ તો શું ચાબુક સાંભળવામાં સારું લાગેને એટલે.’
હવે હું મૂળ વાત ઉપર આવું. આ તો અમથી આડી વાત તને કરી દીધી કે જનતા કેમ વાયદાઓના બજારમાં ભોળવાય જાય છે. અને આવું જ એક નિવેદન જે.પી.નડ્ડાએ યાદ કરાવ્યું છે. એમણે ટ્વીટર પર રાહુલ ગાંધીનો એક જૂનો વીડિયો પોસ્ટ કરી દીધો છે. રાજકારણમાં તો ચાબુક એવું હોય જ નહીં કે, કોઈ એક વખત બોલે અને ફોગટ ચાલ્યું જાય. હવેના જમાનામાં તો પૂરાવા રૂપે વીડિયો બતાવે અને ભાજપ પણ રાહુલ ગાંધીનો વીડિયો ઉઠાવી લાવી છે.
‘શું છે વીડિયોમાં ?’
આ લે તું પેલા જોઈ લે પછી હું વાત કરું.
ये क्या जादू हो रहा है राहुल जी?
— Jagat Prakash Nadda (@JPNadda) December 27, 2020
पहले आप जिस चीज़ की वकालत कर रहे थे, अब उसका ही विरोध कर रहे है।
देश हित, किसान हित से आपका कुछ
लेना-देना नही है।आपको सिर्फ़ राजनीति करनी है।लेकिन आपका दुर्भाग्य है कि अब आपका पाखंड नही चलेगा। देश की जनता और किसान आपका दोहरा चरित्र जान चुके है। pic.twitter.com/Uu2mDfBuIT
નડ્ડાએ તો ખૂબ મીઠા મીઠા પ્રહાર કર્યા છે. એમણે લખ્યું છે ચાબુક કે, રાહુલ ગાંધીજી આ શું જાદુ થઈ રહ્યું છે ? પહેલા તો તમે જેના વખાણ કરતા હતા હવે એનો જ વિરોધ કરી રહ્યા છો. તમારે તો દેશ ને ખેડૂતોના હિતથી કંઈ લેવા દેવા નથી. તમને તો માત્ર રાજનીતિ કરતા જ આવડે છે. હવે તમારું પાખંડ નહીં ચાલે.
બહિષ્કાર
ખેડૂતોના આંદોલનનો રેલો હવે બાબા રામદેવ સુધી પહોંચી ગયો છે ચાબુક.
‘એ કેવી રીતે ?’
તને તો ખબર છે કે બાબા રામદેવની પતંજલિ પણ ખૂબ મોટું માર્કેટ ધરાવે છે. ખેડૂતોએ પહેલા જિયોનો બહિષ્કાર કર્યો અને હવે પતંજલિની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાના છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરુનામસિંહ છે. એમણે આ વાત કહી છે અને બાબા રામદેવની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડી કાઢી છે.
‘એનો અર્થ તો એ થયો ગોવાબાપા કે ભાજપને નુકસાન નહીં પહોંચાડવાનું પણ ભાજપના નજીકનાઓને નુકસાન પહોંચાડવાનું.’
હવે સીધા ગાડી વાળીએ રંગીલા રાજકોટ બાજુ
રાજકોટ આમ તો રંગીલું પણ કોરોના આવ્યો ત્યારથી એના રંગમાં બરાબરનો ભંગ પડ્યો છે. કોરોનાને વધતો અટકાવવા માટે રાજકોટમાં થર્ટી ફર્સ્ટના રોજ એક પણ પાર્ટી નહીં થાય. પોલીસ પાર્ટી થાશે તો એને રોકવા સજ્જ થઈ ચૂકી છે. ઉપરથી શહેરમાં રાત્રિ કરફ્યૂનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. મોલથી લઈ બજારમાં અને પાર્ટીઓના સ્થળો પર પોલીસની બાજ નજર રહેશે. જોકે પોલીસે પણ કહ્યું છે ચાબુક, કે અમને પાર્ટી કરો એવી એક પણ અરજી મંજૂરી માટે હજુ સુધી આવી નથી.
‘મને નથી લાગતું આવે પણ ખરી.’
(રોજ માણો આખા દિવસના મહત્વના સમાચાર ગોવાબાપાની હળવીફુલ શૈલીમાં)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત