એક વખત ગાલિબે પ્રભુને પ્રાર્થના કરી કે – હે પરમ કૃપાળુ ઈશ્વર આપ મને એક વખત ધરતી પર જવાની અનુમતિ આપો. મારે મારા પ્રશંસકોને જોવા છે. તેમની સાથે બે વાત કરવી છે. એમના હાથમાં રહેલા મારા પુસ્તકો પર ઓટોગ્રાફ આપવો છે.
પહેલા તો ઈશ્વરે તેને ના પાડી પણ ગાલિબે ઈશ્વરને આજીજી કરતા કહ્યું, ‘તમે મને જવાની પરવાનગી નહીં આપો તો હું અહીં જ બે ચાર શેર ફટકારી દઈશ.’
પ્રભુને ડર લાગી ગયો. પ્રભુ કવિઓથી ખૂબ ડરે છે. તેઓ પોતાની સભામાં કવિઓ અને ગઝલકારોને આમંત્રણ પાઠવતા જ નથી. તેઓ આવે છે તો તેમની સામે પણ હાથ જોડી ટૂંકાણમાં જ વાત પતાવે છે. ગાલિબની વાતનું માન રાખીને અને શાયરીઓ ન સાંભળવી પડે આ માટે તેને ધરતી પર મોકલવામાં આવ્યો.
ગાલિબનું જ્યાં ઉતરાણ થયું એ ગુજરાતની ધરતી હતી. ગાલિબની સાથે એક માર્ગદર્શક પણ હતો. જે ગાલિબને ધરતી પરની કોઈ જગ્યાએ જવાનું માર્ગદર્શન જોઈએ તો તેની સાથે આવ્યો હતો. પ્રભુએ ખાસ તેને મોકલેલો. માર્ગદર્શન માટે નહીં પણ ગાલિબને દુ:ખ લાગે તો તે કોઈના ખભા પર માથું ઢાળીને રડી શકે આ માટે.
ગાલિબે પેલા માર્ગદર્શકને પૂછ્યું, ‘મારા પ્રશંસકો ક્યાં હશે ? આપણે તેની શોધ અત્યારથી જ આદરી દેવી જોઈએ કે પછી સત્ય કહે કે મારા પ્રશંસકો અહીં જ ક્યાંક રખડ્યા કરે છે કે ? હું હજુ પણ એટલો જ લોકપ્રિય છું.’
પેલો ગાલિબને શું કહે ? તેણે જણાવ્યું, ‘મહાન ગાલિબ તમારે જેની પણ સાથે વાત કરવી હોય કરી શકો છો. આ બધા તમને ઓળખે છે કારણ કે દરેક ઘરનો એક વ્યક્તિ કવિના વ્યવસાય સાથે જોડાયેલો છે.’
ગાલિબની પહેરેલ ટોપી ઊંચી થઈ ગઈ, ‘આટલા બધા કવિઓ છે તો સાંભળે છે કોણ ? શું કોઈને શ્રોતા થવું પસંદ નથી ?’
‘સાંભળતા કોઈ નથી. એ પોતાનો વારો આવવાની જ રાહ જોતા હોય છે. કવિતાના મંચ પર એક ગાલિબનો વારો પતી જાય એટલે બીજો ગાલિબ બોલવા માટે તૈયાર જ હોય છે. કોઈ ખૂદને દક્ષિણ ગુજરાતનો ગાલિબ સમજે છે કોઈ ખૂદને ઉત્તર ગુજરાતનો ગાલિબ સમજે છે. આમ વિવિધ ઉપનામો રાખી લીધા છે.’
‘મારા નામનો તો ચટણી કરતાય ઊંચા માઈલો છૂંદો કરી નાખ્યો છે. મારી ગેરહાજરીમાં આવી સ્થિતિ. આ લોકોને મારી શેર-શાયરી યાદ પણ છે કે નહીં ? અગિયાર વર્ષની ઉંમરે મેં શાયરીઓ લખવાની શરૂઆત કરી હતી. મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર પણ મારી શાયરીઓથી પ્રભાવિત થયા હતા. આ બધી આ લોકોને ખબર છે ?’
‘ઈતિહાસ જાણવામાં હવે નવી પેઢીને બિલકુલ રસ નથી. તેમના માટે ભણવાનું અને સાચો ઈતિહાસ જણાવવાનું કામ તો વોટ્સએપ અને ફેસબુક કરે છે. તમારી શાયરીઓ પણ ઓનલાઈન છે જોકે એ વંચાતી નથી. એ લોકોને તો બસ એટલી જ ખબર છે કે કોઈ પણ શાયરીની વચ્ચે તમારું નામ કેવી રીતે ઘુસાડી દેવું.’
‘ઘુસાડી દેવું એટલે શું ? ગમે તેવી શાયરીમાં મારું નામ દાખલ કરી દે છે ?’
‘હા, ગમે તેવી શાયરીમાં તમારું નામ ચાલ્યું જાય છે. હજુ તો ગઈકાલે જ એક રાજકારણીએ તમારા નામની ખોટી શાયરી જાહેર સભામાં વાટી નાખી. ને કોઈ વિવેચકે એમને ટોક્યા પણ નહીં કે આ વોટ્સએપની બનાવટી શાયરી છે. ગાલિબની ઓરિજલન શાયરી નથી. સાહિત્યકારો બોલે પણ ક્યાંથી. એમનેય એવોર્ડ તો લેવો હોયને.’
‘એ શાયરી હતી કેવી ?’ ગાલિબે ક્રોધથી દાંત કચકચાવી હોઠની બહાર કાઢતા પૂછ્યું.
‘હવે ગાલિબ મર્યા પછી બીજી વખત મરવાની આશા ન રાખો તો સારું છે.’
‘તું મને કહે તો ખરી પેલો રાજકારણી મારું નામ કેવી રીતે વગોવી ગયો ?’
‘એણે તમારી શાયરી કંઈક આ રીતે બોલી…’
પછી કંઈક એવું પકડાવી દીધું મારા હાથમાં ગાલિબ
કે ન ઈચ્છતો હોવા છતાં મેં પક્ષપલટો કરી લીધો.
‘માર્ગદર્શક આવું તો મેં લખ્યું જ નથી ભાઈ.’
‘મને પણ ખબર છે મિર્ઝા ગાલિબ કે આવા ખોટેખોટા લિસોટા તમે તાણ્યા જ નથી. આ તો સાપ ગયા અને લિસોટા રહી ગયા જેવી વાત થઈ. તમારા નામે તો આવું ઘણું બધું ફરે છે. ઈન્ટરનેટની દુનિયામાં ચરે છે. ગુજરાતના કચ્છમાં તો એક જણાએ તમારા નામ પર શું લખ્યું છે ? શું લખ્યું છે ? શું લખ્યું છે ? કઉં તો ભર શિયાળે પાણી પાણી થઈ જશો. તમારા માટે અમદાવાદ સીધું કચ્છમાં બદલી જશે.’
‘શું લખ્યું છે ?’
‘લ્યો સંભળાવું…’
હમારે કચ્છ મેં ગરમી કા યે આલમ હૈ ગાલિબ
લુગડા ધોતે હી સુકાયા જાતા હૈ ઔર પહનતે હી ભીના હો જાતા હૈ
‘અરરર…. કોઈ મારા નામને સાચી અને સારી રીતે યાદ તો નથી જ કરતું, પણ જે ઈજ્જત છે એ પણ આમ જ વટાવે છે. આ ગુજરાતીઓની ખેર નથી.’
‘શું ગુજરાતીઓની ખેર નથી. એકલા એમણે જ નહીં સમગ્ર ભારતવર્ષે ભેગા થઈ તમારા નામને વાટી નાખ્યું છે.’
‘તો હું એમના પર કેસ ઠોકી દઉં તો. કાજી મને ન્યાય અપાવશે જ.’
‘રહેવા દો ગાલીબ. રહેવા દો. કેસ ઠોકવાની ઉતાવળ ન કરતા. કોઈને ખબર જ નથી કે તમારા નામ પર આવા શેર કોણ લખી રહ્યું છે ? આ તો બસ મોબાઈલમાં રખડતા રખડતા આવે છે અને વાઈરલ થઈ જાય છે.’
‘કોઈ સારું નથી લખતું?’
‘હા.’ આટલું કહી માર્ગદર્શક મિર્ઝા ગાલિબનો હાથ પકડીને એક ખાસ જગ્યાએ લઈ ગયો. એ જગ્યાએ ફક્ત પુરુષો જ આવતા જતા હતા. લાંબી લાઈન લાગી હતી તેની પાછળ માર્ગદર્શક અને મિર્ઝા ગાલિબ ઊભા રહી ગયા.
ગાલિબે માર્ગદર્શકને કહ્યું,‘ સ્ત્રીઓ તમામ વસ્તુમાં મહિલા સશક્તિકરણની વાત કરે છે, પણ ગઝલમાં મહિલા સશક્તિકરણ ક્યારે આવશે ? અહીં તો ફક્ત પુરુષો જ આવે છે અને જાય છે. મહિલાઓએ પણ સહભાગી થવું જોઈએ. આખરે શાયરી પર કંઈ પુરુષોનો જ અધિકાર નથી.’
માર્ગદર્શક મિર્ઝા ગાલિબની આવી મહત્વની વાત પર ન બોલ્યા. એમની ચાંચ બંધ હતી. ગાલિબે આગળ ફરમાવ્યું, ‘માર્ગદર્શક મને કહે જોઈએ. પુરુષો જ્યાં જાય છે એ જગ્યાની અંદર મોટું સ્ટેજ હશે. પુરુષો ચીચીયારીઓ પાડતા હશે. ગાલિબ ગાલિબ થતું હશે.’
‘તમે લાઈનમાં ઊભા રહો. વારો આવશે એટલે ખ્યાલ આવી જશે.’ દસ મિનિટ પછી પુરુષોની લાઈનમાં ઊભેલા ગાલીબનો વારો આવ્યો. એ અંદર ગયા. ગયા અને જમીન પર મૂર્છિત થઈ પડી ગયા. માર્ગદર્શક તેમને ઉઠાવીને પ્રભુ પાસે લઈ ગયો. ઈશ્વરે તેને જગાડવાની ખૂબ કોશિશ કરી પણ તે ન ઉઠ્યા.
‘માર્ગદર્શક તું આને કઈ જગ્યાએ લઈ ગયો હતો ?’
‘શહેરની ખ્યાતનામ સાર્વજનિક મૂતરણીમાં, જ્યાં ગાલિબના નામ પર પેલી શાયરી લખેલી છે ત્યાં…’
પ્રભુ રડતા રડતા બોલ્યા, ‘ग़ालिब हम शर्मिंदा हैं, ग़ज़ल के क़ातिल ज़िंदा हैं’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત