Homeગામનાં ચોરેA TO Z : આ વાંચી લો એટલે આખા વર્ષનું પુનરાવર્તન...

A TO Z : આ વાંચી લો એટલે આખા વર્ષનું પુનરાવર્તન થઈ જશે

2020નું વર્ષ ક્રિકેટની 20-20 મેચ જેવું જ રહ્યું. અનેક ઉતાર ચઢાવ આવ્યા. અનેક ઘટનાઓ બની. વર્ષની શરૂઆત સારી થયા બાદ વચ્ચે કોરોનાનું વિઘ્ન આવ્યું જેમાંથી હજુ પણ આપણે પસાર થઈ રહ્યા છીએ. જેમ ક્રિકેટમાં જલદી વિકેટ પડતાં ટીમ પર દબાણ બને તેમ કોરોનાએ વિશ્વ પર દબાણ બનાવ્યું અને મોટો આર્થિક ઝટકો પણ આપ્યો. જોકે, આ વર્ષે કોરોના વાયરસ ઉપરાંત અનેક ઘટનાઓ બની છે જે ખૂબ ચર્ચામાં રહી છે. તો ચાલો એક નજર વર્ષ 2020ની હાઈલાઈટ્સ પર કરીએ.

આ વર્ષે રામમંદિરનો શિલાન્યાસ થયો. વર્ષો જૂનો વિવાદ ઉકેલાયો. તો બીજી તરફ કોરોના વાયરસે લોકોને અનેક નવા શબ્દોની સમજ આપી. લોકડાઉન, કર્ફ્યૂ, રાત્રી કર્ફ્યૂ, સોશિયલ ડિસ્ટન્સિંગ, ક્વોરન્ટાઈન, માસ્ક અને સેનેટાઈઝર વગેરે વગેરે. આ કોરોનાકાળ દરમિયાન જ તબલીગી જમાત ચર્ચામાં રહી. તો સેંકડો કિલોમીટર સુધી પગપાળા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયેલા મજૂરોનું દર્દ પણ કેમ ભૂલાય ?  જો કે, 2020એ માત્ર રડાવ્યા જ નથી ક્યારેક સ્મીત પણ લહેરાવ્યું છે.

NRC અને CAA

2020ની શરૂઆત NRC અને CAAના વિરોધ સાથે થઈ હતી. ફેબ્રુઆરી સુધીમાં વિરોધ એટલો ઉગ્ર બન્યો કે પ્રદર્શનકારીઓએ દિલ્હીને બાનમાં લીધું હોય તેવું લાગ્યું. કેટલીય જગ્યાઓએ અથડામણ થઈ. કેટલાય લોકોની અટકાયત અને ધરપકડ પણ થઈ. 23થી 29 ફેબ્રુઆરી સુધીમાં આ ઘટનાઓ વધારે પ્રકાશમાં આવી. અથડામણમાં કુલ 53 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા. આ દરમિયાન કડકડતી ઠંડીમાં દિલ્હીના શાહીન બાગમાં સેકડો મહિલાઓ CAA અને NRCના વિરોધમાં મહિનાઓ સુધી રસ્તા પર બેઠી રહી.

કોરોનાએ પગલાં પાડ્યા

એક તરફ દિલ્હીમાં અથડામણો રોકાવાનું નામ ન હતી લેતી. બીજી તરફ દેશમાં હોળીના તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. હોળીએ લોકોને ખુશી આપી પરંતુ બીજી તરફ ભયનો પર્યાય બની ચુકેલો કોરોના ભારતમાં પ્રવેશી ચુક્યો હતો. આમ તો, જાન્યુઆરીમાં જ કોરોનાની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ હતી, પરંતુ 17 માર્ચે કર્ણાટકમાં કોરોનાના કારણે પહેલું મૃત્યુ થયુ જેના કારણે દેશમાં કોરોનાનો ખૌફ શરૂ થયો. ત્યારબાદ ટ્રેન અને બસોના પૈડાં થંભી ગયા. ઉડાનો રદ કરી દેવાઈ અને મહિનાઓ સુધી લોકો ઘરમાં પુરાઈને રહ્યા. ધીમે ધીમે લોકોએ કોરોના સાથે જીવતા શીખ્યુ છે. જોકે, કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી. સાવચેતી જરૂરી છે. અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે અને આ આંકડો રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો.

લોકોડાઉન થયું

કોરોનાથી દેશને બચાવવા માટે 25 માર્ચથી 21 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લગાવી દેવાયું. ગુજરાતમાં અગાઉ જ લૉકડાઉન લગાવી દેવાયું હતું. જનતા કર્ફ્યૂનો પણ સંપૂર્ણપણે અમલ થયો હતો. આ દરમિયાન દેશમાં એવા દુઃખદ દ્રશ્યો સર્જાયા જેને જોઈને દેશવાસીઓની આંખો ભીંજાઈ. કામ ધંધા બંધ થતાં દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાંથી શ્રમિકોએ પગપાળા જ પોતાના વતનની વાટ પકડી. કેટલાય શ્રમિકો મોતને પણ ભેટ્યા. બીજી તરફ શ્રમિકોને સમજાવવા માટે જાગૃતિ અભિયાનો પણ ચાલ્યા. કેટલાય લોકોએ આર્થિક સહાય પણ કરી.

એ દર્દનાક ચીસ

8 મેએ એક દર્દનાક ઘટના બની. વતન જઈ રહેલાં 16 શ્રમિકો થાકીને રેલવે ટ્રેક પર ઉંઘી રહ્યા હતા અચાનક ટ્રેન આવી અને બધુ સમાપ્ત. તમામ 16 શ્રમિકના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા. આ ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો. આ મુદ્દે સરકારની આકરી ટીકા પણ થઈ હતી.

દેશ ત્રણ વસ્તુથી ચાલે ‘અર્થવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, અર્થવ્યવસ્થા’

કોરોનાના કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પર ખૂબ માઠી અસર પડી. જેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોનાથી પ્રભાવિત ભારતની GDPમાં એપ્રિલથી જૂન સુધીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો.

ખૂદના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા

યસ બેંકમાં જે લોકોનું ખાતુ છે તે લોકો એ દિવસો ક્યારેય નહી ભૂલી શકે જ્યારે ચર્ચા શરૂ થઈ હતી કે યસ બેંક ડૂબશે અને ડૂબાડશે. અચાનક યસ બેંક તૂટી પડી હતી અને તેમાં કરોડો લોકોના રૂપિયા ફસાયા હતા. 2020ની શરૂઆતમાં જ RBIએ યસ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે મુજબ યસ બેંકનો ખાતાધારક પોતાના જ ખાતામાંથી એક મહિનામાં 50 હજારથી વધુ રૂપિયા ન ઉપાડી શક્યો. આ દરમિયના યસ બેંકના શેર તૂટીને પાંચ રૂપિયા સુધી પહોંચી ગયા હતા.

નરાધમો નર્કમાં

દેશના ઈતિહાસમાં 20 માર્ચ 2020ને ન્યાયના દિવસ તરીકે યાદ કરવામાં આવશે. કેમ કે આ દિવસે નિર્ભયા પર અત્યાચાર કરનારા ચારે રાક્ષસો પવન, મુકેશ, અક્ષય અને વિનયને ફાંસીના માચડે ચડાવી દેવાયા હતા.

શિવરાજ ચોથી વખત મુખ્યમંત્રી બન્યા

2020માં મોટા રાજકીય ફેરફારો પણ જોવા મળ્યા. જેમાં મધ્યપ્રદેશની કમલનાથ સરકારનું પડવું અને શિવરાજ સિંહનું ચોથી વાર મુખ્યમંત્રી બનવું પણ સામેલ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના 22 સમર્થકોએ એક સાથે રાજીનામું ધરી દીધું હતું જેને લઈને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અલ્પમતમાં આવી અને કમલનાથને મુખ્યમંત્રી પદ પરથી 20 માર્ચે રાજીનામુ આપી દીધુ. 23 માર્ચે શિવરાજસિંહે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા.

ગેહલોત વિરુદ્ધ પાયલટ

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ સર્જાયો. અશોક ગેહલોતની સરકારની નાવ ડૂબવાના આરે પહોંચી અને સમાધાન થતાં ફરી ઉભરી.

30 હજાર ઘર પાણીમાં

2020માં કોરોનાના કહેર વચ્ચે બંગાળની ખાડીમાં અમ્ફાન વાવાઝોડાએ પણ કહેર મચાવ્યો. અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે નુકસાન થયું. અંદાજે 30 હજાર ઘર પાણીમાં વહી ગયા અને 88 હજાર હેક્ટરમાં ઊભેલો પાક નષ્ટ થઈ ગયો. વાવાઝોડાના કારણે પશ્ચિમબંગાળને 13.9 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું. મમતા બેનર્જીએ તો આ આફતને કોરોના કરતા મોટી આફત ગણાવી હતી.

તીડનું ટેન્શન

હજુ તો વાવાઝોડાનો કહેર ઓછો થયો હતો ત્યાં પાકિસ્તાનથી ઘૂસી ગયેલા તીડના ઝુંડે પાક બરબાદ કર્યો. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તીડના ઝુંડે ખેતરોમાં ખૂબ મજ્જા કરી. બીજી તરફ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો.

સરહદે અથડામણ

15-16 જૂને લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ. આ ઘટનામાં ભારતે 20 વીર સપૂતોને ગુમાવ્યા. બીજી તરફ ભારતીય જવાનોએ 40 ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાની વાત પણ સામે આવી. આ ઘટના બાદ ભારતે ચીન વિરૂદ્ધ લાલ આંખ કરી. સેકડો ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ મુક્યો. જેમાં ભારતમાં સૌથી વધુ ચાલી રહેલી ટીકટોક, લૂડો અને પબજી પણ સામેલ હતી. ચીની સામાનનો વિરોધ પણ થયો જેના કાણે ચીનને કરોડો ડોલરનું નુકસાન થયું. આ તમામ ઘટનાઓ બાદ પણ હજુ સીમા પર સ્થિતિ સામાન્ય નથી થઈ.

રાફેલની ભારતમાં એન્ટ્રી

ચીન વિવાદ વચ્ચે ભારત ફ્રાન્સથી રાફેલ ફાઈટર વિમાન લઈ આવ્યું જેને લઈને દુશ્મનોના પેટમાં તેલ રેડાયું. 27 જુલાઈએ રાફેલ ફ્રાન્સથી ભારત પહોંચ્યા જેનાથી ભારતીય વાયુસેનાની તાકાત વધી. 10 સપ્ટેમ્બરે રાફેલને સત્તાવાર રીતે ભારતીય સેનામાં સામેલ કરાયા. 4 નવેમ્બરે વધુ ત્રણ રાફેલ ભારત લવાયા. હાલ ભારતીય વાયુ સેના પાસે કુલ 8 રાફેલ છે. ભારતે ફ્રાન્સ સાથે કુલ 36 રાફેલ વિમાનની ડીલ કરી છે. જ્યારે રાફેલને પહેલીવાર ભારત લવાયા હતા ત્યારે તેમાં હવામાં ફ્યૂલ ભરાયું હતું. હવામાં ફ્યૂલ ભરીને ભારતે દુશ્મનોને રાફેલની તાકાત બતાવી હતી.

ભારતને 184 મત

જૂન 2020માં ભારતને સંયુક્ત સુરક્ષા પરિષદમાં આઠમી વાર અસ્થાયી સભ્ય ચૂંટવામાં આવ્યો. આ દરમિયાન 192 મત પૈકી ભારત તરફી 184 મત પડ્યા હતા.

બોલિવુડ માટે વસમુ વર્ષ

2020 બોલિવુડ માટે ખુબ દુઃખદ અને ખરાબ રહ્યું. 2020માં ઋષિ કપૂર અને ઈરફાન ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહ્યું. બીજી તરફ સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાથી બોલિવુડના ચાહકો શોકમાં ગરકાવ થયા. સુશાંતના નિધન બાદ તેની હત્યા થઈ હોવાનો પણ આરોપ લાગ્યો. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ ખુબ ઉછળ્યું. આ બાદ મામકાવાદનો મુદ્દો પણ ઉઠ્યો. બીજી તરફ બોલિવુડના અનેક સ્ટાર્સ ડ્રગ્સ કનેક્શનમાં પણ ઝડપાયા. તેમનું નામ પણ બદનામ થયું.

વિકાસ દુબે ખતમ….

3 જુલાઈ કાનપુરનું બિકરૂ ગામ ચર્ચામાં આવ્યું. અહીં કુખ્યાત આરોપી વિકાસ દુબેએ પોતાના સાથીઓ સાથે પોલીસની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતુ. વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર વિકાસ દુબે પહેલાંથી જ ઘાત લગાવીને બેઠો હતો. જેવી પોલીસ પહોંચી ત્યારે તેણે અને તેના સાથીઓએ ફાયરિંગ કર્યું. જેમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ત્યારબાદ વિકાસદુબે ઉજ્જૈનથી પકડાયો. તેને કાનપુર લઈ જવાઈ રહ્યો હતો કે રસ્તામાં તેણે ભાગવાની કોશિશ કરી જેમાં તેનું એન્કાઉન્ટર થયું. આ દરમિયાન આઠ દિવસમાં જ યુપી પોલીસે વિકાસ દુબેની ગેંગનો પણ સફાયો કરી દીધો.

મંદિર ત્યાં જ બન્યું

2020માં ઓગસ્ટ મહિનામાં પાંચ તારીખે રામ મંદિરનો શિલાન્યાસ થયો. મંદિરના શિલાન્યાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં 2019માં જ અયોધ્યા જમીન વિવાદનો મુદ્દો ઉકેલાયો હતો. મંદિર ઉપરાંત મસ્જિદ માટે પણ જમીન ફાળવાઈ છે. હાલમાં મસ્જિદની ડિઝાઈન પણ સામે આવી ગઈ છે.

બિહારમાં નીતિશ 

કોરોનાકાળમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચૂંટણીપંચે સાવચેતી સાથે ચૂંટણીનું આયોજન કર્યું જે સફળ રહ્યું. ભાજપની મદદથી જનતા દળ યુનાઈટેડ સતત ચોથીવાર સરકાર બનાવવામાં સફળ રહી.

દર્શકોની વિનાની આઈપીએલ

2020માં કોરોના વચ્ચે દુબઈમાં IPLની 13મી સિઝન સ્ટેડિયમમાં દર્શકો વગર જ રમાઈ. મુંબઈ ઈન્ડિયન્સે 13મી સિઝનનો ખિતાબ પોતાના નામે કર્યો. 19 સપ્ટેમ્બરે શરૂ થયેલી IPLની ફાઈનલ 10 નવેમ્બરે રમાઈ હતી. 2020માં IPLની વ્યૂઅરશીપે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડ્યા. ભારતીયોએ ટીવી પર જ IPL નિહાળી જેના કારણે વ્યૂઅરશીપ 23 ટકા વધી ગઈ.

શરમજનક રેકોર્ડ

તાજેતરમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચમાં ભારતનો એક શરમજનક રેકોર્ડ નોંધાયો. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં આઉટ થઈ ગઈ. ભારતની સસ્તામાં વિકેટ્સ પડી જતાં ઓસ્ટ્રેલિયા હારેલી મેચ જીતી ગયું.

ખેડૂતોનું આંદોલન

વર્ષની શરૂઆત CAA અને NRCના વિરોધ સાથે થઈ. તો હવે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનથી વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. પંજાબ અને હરિયાણા સહિત કેટલાય રાજ્યોના ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને દિલ્હીની બોર્ડર પર બેસી ગયા છે. ખેડૂતોની માગણી કૃષિ કાયદાને રદ કરવાની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments