Team Chabuk : આસામના ડુમડુમા ગામડામાં હોમેન નામનો એક યુવક રહેતો હતો. તેના પિતાનું દેહાંત થઈ ચૂક્યું હતું. તેની માતાએ જ તેને ઉછેર્યો હતો.
હોમેનના ચાર કાકા હતા. એમને હોમેનથી ખૂબ જ ઈર્ષ્યા હતી. એક દિવસ તેમણે હોમેનના ઘરમાંથી વાછરડું ચોરી લીધું અને મોતને ઘાટ ઉતારી દીધું. હોમેનને જ્યારે આ વાતની ખબર પડી તો તે ખૂબ જ દુ:ખી થયો. પછી ખબર નહીં એને શુંય વિચાર આવ્યો. વાછરડાનું માથું કાપી નાખ્યું અને ધડને જમીનની અંદર દફન કરી દીધું.
નજીકના જ ગામડામાં એક બ્રાહ્મણ રહેતો હતો. વાછરડાનું કપાયેલું માથું તેના આંગણામાં સંતાડીને હોમેને બ્રાહ્મણને કહ્યું, ‘તમારા ઘરમાંથી તો ગૌમાંસની દુર્ગંધ આવે છે.’
બ્રાહ્મણ ક્રોધિત થઈ બોલ્યો, ‘અસંભવ…. જો એવું હોય તો મારા ઘરમાંથી ગાયનું માંસ શોધીને બતાવ.’
હોમેને ગાયના વાછરડાનું મોઢું તેને બતાવ્યું. બ્રાહ્મણની આંખો ફાટી ગઈ. તેની માથાની ચારેબાજુ પોપટ ઉડવા લાગ્યા. તેણે હોમેનને અઢળક ધન આપ્યું જેથી ગામડાના લોકોને તે આ વાત વિશે ન જણાવે.
હોમેને થેલીમાં અઢળક રૂપિયા ભરી લીધા અને પોતાના કાકાઓને બતાવતા બોલ્યો, ‘નજીકના ગામડામાં મોઢે માગ્યા રૂપિયે ગૌમાંસ ખરીદી લીધું. એ લોકો તો હજુયે માગી રહ્યા હતા. મેં કીધું કાલે આવીશ.’
કાકા તો ખૂબ જ ખુશ થયા. એ બધાએ પોત પોતાના ગાય અને વાછરડાઓને મારી નાખ્યા. મારી કાપી અને માંસ પાડોશી ગામડામાં લઈ ગયા. ગામડાના લોકોએ તેમને ગાયના માંસ સાથે જોયા તો આંખમાં જ્વાળામુખી ઉમટી પડ્યો. હોમેનના ચારેય કાકાને મારી મારીને હાડકા ખોંખરા કરી નાખ્યા.
કાકાઓ ગુસ્સામાં હતા. એમણે હોમેનની ઝૂંપડીને આગ લગાવી દીધી. હોમેન અને તેની મા ઘરવિહોણા થઈ ગયા. માના આંસુ જોઈને હોમેન સળગી ઉઠ્યો. તેણે સળગેલી ઝૂંપડીની રાખ એકઠી કરી અને નજીકના ગામડામાં જઈ પહોંચ્યો.
‘લઈ લ્યો આંખમાં આંજવાનો સુરમો લઈ લ્યો… આ સુરમાને આંખમાં આંજતા જ જમીનમાં દાટેલું ધન મળી જાય છે. જેના લગ્ન ન થતા હોય તેના લગ્ન થઈ જાય છે.’
ધડાધડ સુરમો વેચાવા લાગ્યો. જે રાખ બચેલી હતી તે હોમેને છુપાવી દીધી અને પછી પોતાના કાકાની પાસે જઈને બોલ્યો, ‘મારી તો ઝૂંપડીની બધી રાખ વેચાઈ ગઈ.’
ચાચા તો આશ્ચર્યચકિત્ત થઈ ગયા અને પૂછ્યું, ‘એ કેવી રીતે ? બિલકુલ ન હોય.’
હોમેને થેલીમાં રહેલા પૈસા બતાવ્યા, ‘હવે કોઈ શંકા ને સ્થાન છે?’ આટલું કહી હોમેને તેમને ઉશ્કેર્યા, ‘તમે એક કામ કરો. તમારી ઝૂંપડીને આગ ચાંપી દો. તમારી તો ઝૂંપડી પણ મોટી છે. રાખ પણ વધારે થશે. બાજુના ગામમાં વેચશો તો અઢળક રૂપિયા કમાશો.’
તેના કાકા તો હોમેનની વાતોમાં આવી ગયા. ચારેયે પોત પોતાના ઘરને ફૂંકી માર્યા અને રાખ લઈ વેચવા જવાની તૈયારી કરવા લાગ્યા. હોમેને કહ્યું, ‘ગામડાના લોકોને કહેજો કે અમને સુરમાવાળાએ મોકલ્યા છે. બધી તુરંત જ વેચાઈ જશે.’
જેવા ચારે ગામડામાં પહોંચ્યા અને સુરમાવાળાનું નામ લીધું તો આખું ગામ ટોળે વળી ગયું. વાંસની લાકડીઓ અને દંડા ભેગા કરવા લાગ્યા. પીઠ પર લાકડીઓ એટલી પડી કે ઘર સુધી ભાખોડિયા ભરીને આવવું પડ્યું. હવે ચારેયે ગુસ્સે થઈ હોમેનને પતાવી નાખવાની યોજના બનાવી.
તેમણે હોમેનને નદીના કિનારે દોરડાથી બાંધી દીધો અને પોતે ભાત ખાવા ચાલ્યા ગયા. તેમના જતા જ ત્યાંથી એક વેપારી પસાર થયો. તેણે હોમેનને પૂછ્યું, ‘કેમ ભાઈ, તને અહીં શા માટે બાંધેલો છે ?’
હોમેને વાત કહી, ‘મારા કાકા મારા લગ્ન એક સુંદર છોકરી સાથે કરાવવા માગે છે. હું તો ના પાડુ છું. મેં વધારે આનાકાની કરી તો મને બાંધી દીધો.’
વેપારી બોલ્યો, ‘હું લગ્ન કરી લઉં એ છોકરી સાથે, બોલ આવું થઈ શકે.’
તેણે હોમેનને કેદમાંથી મુક્ત કરી દીધો તો હોમેને તેને પોતાની જગ્યાએ બાંધી દીધો અને તેનો ઘોડો લઈ ભાગી ગયો. ચારેય કાકા ભાત ખાઈને પાછા ફરવાની જગ્યાએ આળસના કારણે ઊંઘવામાં લાગી ગયા. ગામના લોકોએ ધોલાઈ પણ એટલી કરી હતી કે ઊભા નહોતા થઈ શકતા. એમણે નોકરને હુકમ કર્યો, ‘જા તું હોમેનને નદીમાં ફેંકી આવ, અમારાથી તો ઊભું પણ નથી થવાતું ભાઈ.’
નોકરેય કંઈ ઓછો નહોતો. તેણે પોતાના સંબંધીને આ કામ સોંપી દીધું. એ સંબંધીએ તો વેપારીને જ હોમેન સમજીને નદીમાં ફેંકી દીધો. વેપારી બરાડા પાડતો રહ્યો પણ સંબંધીએ કંઈ સાંભળ્યું નહીં. નોકરે કાકાઓને માહિતી આપી કે કામ થઈ ગયું છે.
ચારે મળીને હોમેનની મોતની ખુશી મનાવવા લાગ્યા. હોમેન ઝાડની પાછળ છુપાઈને આ બધું જોઈ રહ્યો હતો. તે ઘોડો લઈ કાકાઓની પાસે પહોંચી ગયો અને બોલ્યો, ‘નોકરે વધારે જોરથી ધક્કો નહોતો માર્યો એટલે ખાલી ઘોડો મળ્યો. જો વધારે જોરથી ધક્કો મારેત તો નક્કી ગાય, ભેંસ કે હાથી મળી જ જાત.’ ચારે કાકાઓ ફરી તેની વાતમાં આવી ગયા.
હોમેનને પૂછ્યું, ‘શું સાચેક નદીમાંથી જાનવરો મળી રહ્યા છે?’
‘હા, હા, તમે લોકો પણ લઈ આવો.’
ગામડાના લોકોએ કરેલી પીટાઈ અને આળસને ખંખેરી ચારે કાકાઓ નદી તરફ ચાલવા લાગ્યા. નોકરને પણ સાથે લઈ લીધો. કિનારા સુધી પહોંચી નોકરને આદેશ આપ્યો, ‘અમને ચારેયને જોરથી પાણીમાં ધક્કો મારી દે.’
નોકરે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કર્યું. હોમેનને કાયમ માટે દૃષ્ટ અને ઈર્ષ્યાળુ કાકાઓથી મુક્તિ મળી ગઈ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત