તમે ઘણી વખત કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ભૂલી જાય તો તેને કહેતા હશો કે ભૂલક્કડ બદામ ખાતો જા બદામ. પણ બધાના મગજ સરખાં ન હોય, હા ભગવાને બનાવ્યા ભલે સરખા હોય પરંતુ બધાયને સરખું યાદ ન રહેતું હોય. મગજ પણ એક હદે યાદ રાખી રાખીને થાકી જતું હોય. અને જેમ જેમ નવી ઘટનાઓ જીવનમાં બનતી જાય તેમ તેમ જુની યાદો ડિલીટ થતી જાય. પરંતુ શું કોઈની યાદશક્તિ એટલી તેજ હોઈ શકે કે તેને પોતાના જન્મથી લઈને અત્યાર સુધીની તમામ ઘટનાઓ યાદ હોય. તમે કહેશો કે અશક્ય. પરંતુ આવી વ્યક્તિ આ ધરતી પર છે.
ઓસ્ટ્રેલિયાની રહેવાસી રેબેકા શેરોકની યાદશક્તિ એટલી પાવરફુલ છે કે તે જન્મી પછી તરત શું થયું તે પણ યાદ છે બોલો. 30 વર્ષની રેબેકા શેરોકની યાદશક્તિ વિશે વાત કરીએ તો તેને પોતાના પહેલા જન્મદિવસથી લઈને અત્યાર સુધીની તમામ ઘટનાઓ યાદ છે. એ પણ ઉપરછલ્લી નહીં તમામ માહિતી સાથે ઘટનાઓ તેના મગજમાં સંગ્રહ થઈને પડી છે. રેબેકાને આજથી વર્ષો પહેલાની જુની ઘટના વિશે પૂછો એટલે એકડે એકથી તમામ વસ્તુ તમારી સામે બોલી જાય.
તેણે બીબીસીને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેણે કરેલી કેટલીક વાતો સાંભળશો તો ખબર પડશે કે તેણે તેના ભૂતકાળ વિશે કેટલી ડિટેઈલમાં વાત કરી છે. ઇન્ટરવ્યૂમાં રેબેકા પોતાના જન્મ સમયની વાત કરતાં કહે છે કે, જ્યારે હું એક અઠવાડિયાની હતી ત્યારે મને યાદ છે કે હું એક ગુલાબી ધાબળામાં હતી. મને મારી માતા ખોળામાં લેતી હતી ત્યારે મને ખબર પડી જતી હતી. મને ખબર પડી જતી હતી કે તે મારી પ્રિય વ્યક્તિ હતી.
રેબેકા જ્યારે ચાલવા શીખી તે વખતની પણ ઘટનાઓ તેને યાદ છે. રેબેકા આ વિશે કહે છે કે, હું મારા ઘોડિયામાં હતી અને માથું હલાવીને આસપાસની વસ્તુઓને નીરખતી. ઘોડિયાની પાસે રહેલા પંખાને પણ હું જોતી. મને તેને જોઈને ખૂબ મજા આવતી. હું જ્યારે દોઢ વર્ષની થઈ ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો કે હું ઉઠીને પંખા પાસે જાઉં અને જોઉં કે તે શું વસ્તું છે.
રેબેકાએ કહેલી ઉપરની વાતો પરથી તમને લાગતું હશે કે આ કઈ રીતે શક્ય છે. હકીકત એ છે કે રેબેકાને આ બધી ઘટનાઓ યાદ રહેવા પાછળનું કારણ એક પરિસ્થિતિ છે જેને હાઈલી સુપીરિયર ઓટોબાયોગ્રાફિકલ મેમરી એટલે કે HSAM કહેવાય છે. આ પરિસ્થિતિને હાઈપરથાઈમીસિયા પણ કહેવાય છે. અને આ બહુ ભાગ્યે જ જોવા મળે છે. અત્યાર સુધી દુનિયામાં 60 લોકો જ એવા મળ્યા છે જેને આ પ્રકારની યાદશક્તિ હોય. રેબેકાને પણ પહેલા આ બધું સામાન્ય લાગતું. તે સમજતી કે તેને જેવી રીતે બધું યાદ છે તેમ બધા લોકોને પણ યાદ હશે. પરંતુ તેણે 2011માં એક ટીવી શોમાં આ પ્રકારના લોકો વિશે આ વાત જાણી તો રેબેકાએ તેના માતા-પિતાને આ વિશે વાત કરી. અને લોકો આ પરિસ્થિતિને કેમ આટલી વખાણી રહ્યા છે. ત્યારે તેના માતા-પિતાએ રેબેકાને કહેલું કે આ પ્રકારની કંડીશન સામાન્ય નથી. અને કદાચ રેબેકાને પણ આ કંડીશન હોઈ શકે છે.
HSAMમાં શું હોય છે ?
આ કંડીશન પર બહુ રિસર્ચ નથી થયું. પરંતુ અમુક સંશોધનના આધારે કહેવાય છે કે જે લોકોને આ કંડીશન હોય છે તેમના મગજનો અમુક ભાગ અન્ય લોકોના મગજ કરતાં થોડો મોટો હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ન્યૂરોબાયોલોજીના પ્રોફેસર ડૉ. જેમ્સ મેકગોએ સુપર ઓટોબાયોગ્રાફિકલ મેમરી વિશે પ્રથમ વખત વાત કરી હતી. તેમની સાથે કામ કરનાર ન્યૂરો સાયન્ટિસ્ટ ડૉ. લેરી કાહિલે HSAM કંડીશન ધરાવતા લોકોના મગજનો MRI કર્યો. અને અભ્યાસ કરીને જણાવ્યું કે આવા લોકોના મગજનો ટેમ્પોરલ લોબ એટલે કે કાનની ઉપર આવતો મગજનો ભાગ થોડો મોટો હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મગજનો આ ભાગ નવી મેમરીને સ્ટોર કરવાનું કામ કરે છે.
જો કે રેબેકા પ્રથમ વ્યક્તિ નથી જે આ પ્રકારની યાદશક્તિ ધરાવતી હોય. આ પ્રકારના લોકોમાં સૌપ્રથમ નામ જિલ પ્રાઈસ નામની મહિલાનું લેવાય છે. હાલ તેની ઉમર 55 વર્ષની છે. તેને પણ ચોદ વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધીનું બધું યાદ છે. આ સમગ્ર મુદ્દા પર જિલે એક પુસ્તક પણ લખ્યું છે.
આ કંડીશનમાં હોય તો ખબર કેમ પડે ?
જો કોઈ વ્યક્તિ આવી યાદશક્તિ ધરાવતી હોય તો તેની ચકાસણી માટે એક રિગરસ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટની પ્રક્રિયા વિશે રેબેકા કહે છે કે, આ એક લાંબી પ્રક્રિયા છે. મારા માતા-પિતાએ મારા ટેસ્ટ માટે કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેકગો અને સ્ટાર્ક લેબનો સંપર્ક કર્યો હતો. આ જ લેબમાં વર્ષ 2006માં HSAMની શોધ થઈ હતી. અને આ પ્રકારની કંડીશનમાંથી તમે પસાર થાવ છો તે આ લેબમાં જ ખબર પડે. સમગ્ર પ્રક્રિયા ખૂબ લાંબી છે. મારે પણ ઘણા ટેસ્ટ કરાવવા પડેલા. ટેસ્ટિંગ પ્રક્રિયામાં ઘણા સવાલો પણ પુછવામાં આવે છે. જેનું રેકોર્ડિંગ પણ થાય છે. અને બે વર્ષ પછી પુછવામાં આવે છે કે બે વર્ષ પહેલાં આ સવાલોના જવાબમાં મેં શું કહેલું. અઠવાડિયામાં કયા દિવસે કઈ ઘટના ઘટી એ પણ પુછવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં મોટાભાગના લોકો નાપાસ થાય છે પરંતુ હું આ ટેસ્ટ પાસ કરી ગઈ.
મુશ્કેલી પણ ઉભી થાય
એક ન્યૂઝ રિપોર્ટનું માનીએ તો HSAMના લક્ષણો જેનામાં પ્રથમ વખત દેખાયા હતા તે જિલ પ્રાઈસ પોતાની ઢગલાબંધ યાદોથી મુશ્કેલીમાં રહેતી હતી. રેબેકાએ પણ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનું માનસિક સ્વાસ્થ્ય તણાવ અને અસ્વસ્થ છે. જ્યારે તેને ત્રણ વર્ષની હતી ત્યારની કોઈ ઘટના યાદ આવી જાય તો તે ત્રણ વર્ષની હોય તેવું વર્તન કરવા લાગે છે.
જો કે રેબેકા કહે છે કે તે જુની યાદો ભુલાવવા માટે કરન્ટ અફેર્સ વાચતી રહે છે. કોઈ ખરાબ સમાચાર ટીવી પર દેખાય જાય તો પણ ઘણી મુશ્કેલી ઉભી થઈ જાય છે. HSAM પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં કદાચ સંશોધનના માધ્યમથી ખરાબ યાદોને કંટ્રોલ કરવાનો કોઈ ઉપાય મળે છે કે કેમ તે સમય જ બતાવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત