લેખક – હરિશંકર પરસાઈ
અનુવાદક – Team Chabuk
અનુશાસન
એક શિક્ષક હતો. સરકારી નોકરી કરતો હતો. એ શિક્ષકની પત્ની બીમાર હતી. હોસ્પિટલમાં દાખલ હતી. ત્યાં જ તેની બદલીનો ઓર્ડર આવ્યો. શિક્ષા વિભાગના મોટા સાહેબો એ જ વિસ્તારમાં રહેતા હતા. તેમનો બંગલો શિક્ષકના ઘરેથી દેખાતો હતો. એ તે મોટા બંગલાની સામેથી નીકળતો તો તેમને નમસ્તે કરીને ચાલ્યો જતો હતો. માસ્તરે વિચાર્યું, સાહેબને કઉં તો એ હાલ પૂરતી મારી બદલી રોકી દે.
એ સાહેબની ઘરે ગયો. બહારથી જ સાહેબે પૂછ્યું, ‘કેમ શું વાત છે ?’
‘સાહેબ એક પ્રાર્થના છે.’
‘બોલો.’
‘મારી પત્ની હોસ્પિટલમાં ભરતી છે. ખૂબ જ ગંભીર છે.’
‘તો?’
‘મારી બદલીનો ઓર્ડર આવ્યો છે.’
‘તો?’
‘સર કૃપા કરીને હાલ પૂરતો ઓર્ડર કેન્સલ કરાવી દો.’
સાહેબ તો નારાજ થઈ ગયા અને બોલ્યા, ‘તને અનુશાસનના નિયમ ખબર છે ? તું સીધો જ મને કેમ મળવા આવી ગયો ? તારે આવેદન કરવું જોઈએ. થ્રૂ પ્રોપર ચેનલમાં ચાલવું જોઈએ. તારે તારા હેડમાસ્તરની લેખિત અનુમતિની સાથે મને મળવું જોઈએ. જા બદલીનો ઓર્ડર કેન્સલ નહીં થાય. અને તને અનુશાસન ભંગ કરવા બદલ સજા પણ મળશે.’
શિક્ષકને તેના ઉપરી સાહેબ ખીજાણા. તેમને ફરી કોઈ વખત સાહેબને સીધા મળવા ન જવાની ચેતવણી આપવામાં આવી અને ખૂદ બે મહિનાની રજા લઈ લીધી.
એક સાંજે સાહેબના ઘરમાં આગ લાગી ગઈ. આસપાસના લોકો આગ ઠારવામાં લાગ્યા હતા. શિક્ષક તેના આંગણામાં ઊભો ઊભો જોતો હતો. આગ ઠરી ગઈ વધારે નુકસાન ન થયું.
બીજા દિવસે શિક્ષક નીકળ્યા તો સાહેબ ફાટકની બાજુમાં ઊભા હતા. સાહેબે કહ્યું, ‘માસ્તર કાલે સાંજે મારા ઘરમાં આગ લાગી તો તમે ઊભા ઊભા જોતા હતા, ઠારવા કેમ ન આવ્યા ?’
શિક્ષકે નમ્રતાથી કહ્યું, ‘સાહેબ હું મજબૂર હતો. હેડમાસ્તર સાહેબ બહાર ગયા છે. તેમની લેખિત અનુમતિ વિના કેવી રીતે આવત. તમારા ઘરની આગને ઠારવા માટે પણ થ્રૂ પ્રોપર ચેનલમાં કાર્ય થવું જોઈએને!’
ઓફિસર કવિ
એક કવિ હતા. એ રાજ્ય સરકારમાં ઓફિસર હતા. ઓફિસર જ્યારે રજા પર ચાલ્યો જાય ત્યારે એ કવિ બની જાય અને કવિ જ્યારે રજા પર ચાલ્યો જાય ત્યારે તે ઓફિસર બની જતા.
એક વખત પોલીસની ગોળી ચાલી અને દસ બાર લોકો મૃત્યુ પામ્યા. તેમની અંદરનો ઓફિસર ત્યારે રજા પર ચાલ્યો ગયો અને કવિ આ કાંડમાં બહાર આવી ગયો. તેમણે એક કવિતા લખી અને છપાવી દીધી. કવિતામાં આ કાંડની અને મુખ્યમંત્રીની કડક શબ્દોમાં આલોચના કરી.
કોઈએ મુખ્યમંત્રીને આ કવિતા વંચાવી દીધી. ઓફિસર ત્યાં સુધીમાં રજા પરથી પાછો ફરીને આવી ગયો. તેને ખબર પડી તો તે ડરી ગયો અને તેણે કવિને રજા પર મોકલી દીધો.
ઓફિસર કવિએ એક પ્રભાવશાળી નેતાને પકડી લીધો અને કહ્યું, ‘મને મુખ્યમંત્રી પાસે લઈ જાઓ. એને કહો મને માફ કરી દે.’ નેતા એમને મુખ્યમંત્રી પાસે લઈ ગયા. તેમણે પરિચય આપ્યો જ ત્યાં તો ઓફિસર કવિએ મુખ્યમંત્રીના પગ પકડી લીધા.
મુખ્યમંત્રીએ કહ્યું, ‘આ એ કવિ ન હોઈ શકે જેમણે આ કવિતા લખી.’
અશ્લીલ
શહેરમાં રાડારાડી મચેલી હતી કે અશ્લીલ સાહિત્યનો ખૂબ જ પ્રચાર થઈ રહ્યો છે. વર્તમાનપત્રોમાં સમાચાર અને નાગરિકોના ચર્ચાપત્રો છપાતા કે રસ્તાઓની આજુબાજુ ખુલ્લેઆમ અશ્લીલ પુસ્તકો વેચાઈ રહ્યા છે.
દસથી બાર ઉત્સાહી સમાજ-સુધારક યુવકોએ મંડળી બનાવી અને નક્કી કર્યું કે જ્યાં પણ આવું સાહિત્ય મળશે અમે તેને આંચકી લઈશું અને તેની સાર્વજનિક હોળી કરીશું.
તેમણે એક દુકાન પર દરોડો પાડ્યો. અને વીસ-પચ્ચીસ અશ્લીલ પુસ્તકો લઈ લીધા. દરેકની પાસે એક કે બે પુસ્તકો હતા. ટોળામાંથી મુખીયાએ કહ્યું, ‘આજ તો મોડું થઈ ગયું. કાલ સાંજે કોઈ અખબારને સૂચિત કરીને સાર્વજનિક સ્થળે ભડકો કરીશું. એ રીતે પ્રચાર કરવાથી બીજા લોકો પર પણ અસર પડશે. કાલ સાંજે બધા મને મારા ઘર પર મળો. પુસ્તકો તો ભેગા કરીને ઘરે ન લઈ શકીએ. વીસથી પચ્ચીસ છે. ઘરમાં પિતા અને કાકા છે. જોઈ જશે તો મુસીબત આવી પડશે. આ બે ત્રણ પુસ્તકો છુપાવીને તમે ઘરે લઈ જાઓ. કાલ સાંજે લેતા આવજો.’
બીજા દિવસે સાંજે બધાની મુલાકાત થઈ, પણ પુસ્તક કોઈ લાવ્યા નહોતા. ટોળાના મુખીયાએ કહ્યું, ‘પુસ્તક આપી દો, હું અહીં છુપાવીને રાખી દઉં. એ પછી સળગાવવાના સ્થાને કોથળામાં ભરીને લઈ જઈશું.’
પુસ્તક તો કોઈ નહોતું લાવ્યું.
એકે કહ્યું, ‘કાલ નહીં પરમદિવસે સળગાવીએ એ પહેલા વાંચી તો લઈએ.’
બીજાએ કહ્યું, ‘હજુ તો અમે વાંચી રહ્યા છીએ. પુસ્તકોને બે ત્રણ દિવસ પછી સળગાવી દઈશું. હવે પુસ્તકો તો આપણે જ લઈ લીધા છે ને.’
એ દિવસે પુસ્તકો સળગાવવાનો કાર્યક્રમ ન થઈ શક્યો. ત્રીજા દિવસે ફરી પુસ્તકો લઈ એકઠા થવાનું આયોજન કરવામાં આવ્યું.
ત્રીજા દિવસે પણ કોઈ ન આવ્યું.
એકેએ કહ્યું, ‘અરે યાર, બાપુજીના હાથમાં ચોપડી લાગી ગઈ. હવે તો એ પણ વાંચી રહ્યા છે.’
બીજાએ કહ્યું, ‘અંકલ વાંચી લે પછી હું લઈ આવીશ.’
ત્રીજાએ કહ્યું, ‘ભાભી ઉઠાવીને લઈ ગઈ. બોલી કે બે ત્રણ દિવસમાં વાંચીને પાછી કરી દઈશ.’
ચોથાએ કહ્યું, ‘અરે પાડોશી કાકી મારી ગેરહાજરીમાં ઉઠાવીને લઈ ગઈ. વાંચી લેશે પછી બે ત્રણ દિવસમાં સળગાવી દઈશું.’
એ પછી અશ્લીલ પુસ્તકોનો કોઈ દિવસ ભડકો કરવામાં ન આવ્યો. હવે એ કંઈક વધારે જ વ્યવસ્થિત રીતે વાંચવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત