Team Chabuk : હું ગુજરાતી સાહિત્ય પરિષદથી થઈને ચાલીને આવતો હતો. મારી સામે સાબરમતી નદી અને ત્યાંથી મેં મારા મિત્ર શેક્સપિયરને ચાલતો આવતો જોયો. એ મારો પાક્કો મિત્ર. વિશ્વ સાહિત્યમાં ટૂંકા ગાળામાં મોટી નામના કમાઈ ચૂક્યો હતો. તેના વિશે મર્ધુન્ય સાહિત્યકારો કહેતા પણ ખરાં કે જો છોકરો મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળે અને પૂરતું ધ્યાન લેખનમાં જ આપે તો છે તેના કરતાં પણ સારા નાટકો લખી શકે. જોકે યુવા શેક્સપિયરને કોઈ વાતની પડી નહોતી. મારું પુસ્તક છપાતું નહોતું અને શેક્સપિયરના નાટકો છપાયા છપાઈ થયા હતા. મંચ પર ભજવાતા જતા હતા અને કોઈ વખત નબળા દિગ્દર્શક દ્વારા નાટક ભજાવાય તો દર્શકગણ તરફથી ટમેટા પણ પડતા. એ નાટકમાં અમને જેટલા પણ ટામેટા પડતા અમે તે એકઠા કરી લેતા હતા. અમને બંનેને ભય હતો કે સરકાર ગમે ત્યારે ટામેટાના ભાવ વધારી દે તે પહેલા સ્ટોક કરી રાખવો સારો. એટલે શેક્સપિયર પણ ખરાબ દિગ્દર્શકને જ પોતાના નાટક ભજવવા માટે આપતો હતો. આ કારણે પૈસા પણ મળતા, ટામેટા પણ મળતા અને અખબારને જોઈએ તેવી જ વિવાદાસ્પદ પબ્લિસિટી પણ મળતી.
પરિષદ પાસે આવેલી સાબરમતી નદીની નજીક મેં તેને લટાર મારતો જોયો. તેનું ધ્યાન મોબાઈલમાં હતું. મને વિચાર આવી ગયો કે, તેની એક પોસ્ટમાં આવતી બે હજાર કોમેન્ટનો તે બધાને જવાબ આપે છે તો પછી લખવાનો સમય આને ક્યારે મળતો હશે ? હાથમાં મોબાઈલ હતો અને સામે થાંભલો આવી ગયો તેની તેને ખબર ન રહી. એ ધડાંગ કરતો થાંભલા સાથે અથડાયો. તેનું માથું થાંભલા સાથે એવું અફડાયું હતું કે નજીકમાં રહેલો સિક્યુરિટીવાળો દોડીને આવ્યો. તેને દોડતો આવતો જોઈ મને લાગી ગયું કે માનવતા જીવે છે. તેણે શેક્સપિયરને કહ્યું, ‘આંધળા મોબાઈલમાં ઓછું ઘ્યાન આપતો હો તો. હમણાં થાંભલો તૂટી જાત તો પૈસા કોણ આપેત ? તને ખબર પણ છે કે અહીંની ચીજવસ્તુઓ કેટલી મોંઘી છે?’
શેક્સપિયરને સિક્યુરિટીની કોઈ વાત સંભળાતી નહોતી. એ તો બસ માથામાં વાગ્યું અને કાનમાં તમરા બોલી ગયા તે યથાયોગ્ય કરવામાં જ ઉંધે કાંધ પડ્યો હતો.
હું તેની નજીક આવી ગયો અને શેક્સપિયર કેમ છે ? વાગ્યું તો નથી ને ? આવું બે વખત બોલ્યો છતાં પણ તેના કાને વાત ન પહોંચી એટલે મને થઈ ગયું કે કેન્દ્ર સરકાર જેવી શેક્સપિયરની હાલત થઈ ગઈ છે. સિક્યુરિટીવાળાને દૂર આંતરી મેં શેક્સપિયરને ઉઠાવ્યો અને દવાખાને લઈ ગયો. ડોક્ટરે તેના માથાને એક વાંદરો બીજા વાંદરાના માથાને જુએ એમ જોયું અને પછી કહ્યું, ‘માથું એટલું જોરથી ભટકાયું છે કે આગળના ભાગનાં વાળ કાપવા પડશે અને પાટા પીંડીં કરવી પડશે.’
ડોક્ટર વાત કહે ત્યાં સુધીમાં તો શેક્સપિયરે મોબાઈલમાં સેલ્ફી લઈ લીધી હતી અને ફેસબુકમાં અપલોડ પણ કરી દીધી હતી. મેં મારો મોબાઈલ ખોલીને જોયું તો તેમાં શેક્સપિયરે લખેલું હતું, ‘Me Ghayal At Sabarmati Riverfront…’ ધડાધડ લાઈક અને કોમેન્ટ આવવા લાગી. ડોક્ટરે શેક્સપિયરના આગળના વાળ કાપવા માટે હાથમાં કાતર લીધી અને વાઢવા જ જતો હતો ત્યાં મેં ડોક્ટરને સૂચિત કર્યા, ‘તમને નથી લાગતું કે આપણે કોઈ વાળંદ પાસે શેક્સપિયરના સુંદર રીતે વાળ કાપવા જોઈએ. આ યુવા લેખકની કૃતિઓની જેમ તેના વાળ પર પણ કેટલીક છોકરીઓ મરે છે.’
ડોક્ટરે કાતરથી પોતાના જ બે વાળ કાપી નાખ્યા અને ગુસ્સામાં મારી સામે જોઈ બોલ્યો, ‘આ કંઈ મચ્છર મારવાની અગરબત્તી છે કે એના પર છોકરીઓ મરે છે? હું પહેલા વાળંદનો જ વ્યવસાય કરતો હતો. અસ્ત્રાથી કઈ કઈ જગ્યાઓની શસ્ત્રક્રિયા કરવી એ મને બખૂબી આવડે છે.’ આમ કહી તેણે શેક્સપિયરના આગળના વાળ કાપી નાખ્યા અને પોતું મૂકી પાટો વાળી દીધો.
દાક્તરને રૂપિયાનું ચૂકવણું કરી અમે નીકળ્યા. થોડા દિવસ પછી શેક્સપિયરનો મારા પર ફોન આવ્યો કે હવે હું કાયમી ટાલ જ રાખીશ. ડોક્ટરે કાપેલા વાળ મને ગમે છે. હું ખુશ થયો. સાહિત્યમાં તેને કોઈ બીજા લેખકની રચના નહોતી પસંદ પણ વાળની નવી સ્ટાઈલ તેને ગમી, જે કહેવાતા ડોક્ટર પણ ખરા અર્થમાં વાળંદે કાપી હતી. ત્યારથી મારા મિત્ર શેક્સપિયરના વાળ આગળથી કપાયેલા છે.
અમે બંને ભવનાથના મેળામાં ગયેલા ત્યારે તેને કાનમાં પહેરવાની કડી પસંદ આવી ગયેલી. ભાવતાલ કરવો પડ્યો પણ તે કડી તો તેને જોતી જ હતી. શેક્સપિયરની તસવીરમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે જે કડી તેણે પહેરેલી છે તે જૂનાગઢના ભવનાથના મેળામાંથી લીધેલી છે. એ કડી પહેર્યા પછી અમે મેળામાં રખડતા હતા. ભવનાથના મેળામાં તો ભીડ એટલી હોય કે ખોવાવાનો ભય રહે જ. શેક્સપિયર મારાથી દૂર ચાલ્યો ગયો. તેને હું ઘઉંમાં કાંકરી શોધું તેમ શોધતો હતો. પણ ઘઉં વધારે હતા અને કાંકરી ઓછી હતી. મારી કાંકરી મને મળી નહોતી રહી. લાંબી રખડપટ્ટી પછી હું પોલીસ પાસે ગયો. ટેન્ટમાં જઈ મેં તેમને કહ્યું, ‘મારો મિત્ર ખોવાઈ ગયો છે?’
‘શું નામ ?’ ફુગ્ગા જેવી ફાંદ પર હાથ રાખતા સાહેબે પૂછ્યું.
‘શેક્સપિયર.’ ફાંદમાં હાથ ફેરવી રહેલા સાહેબને મેં નામ કહ્યું તો તે અંદર જઈ શેક્સપિયરને તાણી લાવ્યા અને મને જણાવ્યું, ‘આ છેડતી કરતો હતો.’
મેં પૂછ્યું, ‘કઈ રીતે ? એને કવિતામાં તો રસ પણ નથી, એ તો બસ નાટક જ લખે છે. જેથી કોઈને પ્રેમ કરવા ખાતર ભૂલથી પણ છેડતી ન કરી શકે.’
પોલીસ સાહેબે દંડો હાથમાં લીધો અને શેક્સપિયરને મારી સામે લાવતા બોલ્યા, ‘છેડતી કરનારા કેવા હોય તેની અમને દૂરથી જ ખબર પડી જાય. આગળથી વાળ નહીં અને પાછળથી વાળ લાંબા. કાનમાં પહેરેલી કડી. આ બધું એ વાતની સાબિતી આપે છે કે આ ભાઈ અહીં ખાસ છેડતીઓ કરવા આવ્યા હતા.’
મેં પૂછ્યું, ‘આ ભાઈ છોકરીઓની છેડતી જ કરવા આવ્યા હતા તેનું કોઈ પ્રમાણ આપની પાસે?’
‘ના, પણ વાળ અને કાનમાં કડી પહેરવાથી અમને ખબર પડી જાય.’ એની વાતમાં કંઈ માલ નહોતો છતાં દળી દળીને ઝીણું કરતો અને મારી આંખમાં ઉડાવતો હતો. મારું બંધારણનું જ્ઞાન મને નબળું લાગવા માંડ્યું. બંધારણની એવી કઈ કલમ છે કે જેમાં કાનમાં કડી પહેરેલી હોય અને પાછળથી વાળ લાંબા હોય તો છોકરીની છેડતી કરનારામાં તમારો તાત્કાલિક સમાવેશ થઈ જાય? આ તો શેક્સપિયરને કાશ્મીરના આતંકીની માફક પકડ્યો.
માંડ પીછો છોડાવીને અમે પાછા અમદાવાદ આવ્યા ત્યારે શેક્સપિયરે નક્કી કર્યું કે કાનની કડી અને પાછળના લાંબા વાળનો છેડતીમાં સમાવેશ ન થઈ જાય આ માટે કોલર લાંબો કરી નાખવો. ઘણા દરજીઓને ત્યાં ફર્યા અને ઘણું કાપડ બગાડ્યું ત્યારે એક કરસનજી કરીને દરજીએ અમને શેક્સપિયરના ગળાના માપનો કોલર કરી દીધો.
શેક્સપિયરે શર્ટ પહેર્યો તો પાછળથી એ કોલર મને તદ્દન નાકમાં શરદી થાય એવે ટાણે નાસ લેવાનું જે ભૂંગળું હોય તેના જેવું જ લાગતું હતું. દરજીએ પણ વખાણ કર્યા, ‘તમે તો સિંહ જેવા લાગો છો.’ તમે ભલે આગળ અને પાછળથી સર્કસના જોકર લાગતા હોય પણ કોઈનેય પૈસા આપીને તો વખાણ કરાવી જ શકોને ? પૈસા લઈ મોટા મોટા એવોર્ડ ખરીદી શકાય તો આ તો પ્રશંસા છે. થોડો સમય જ મોજ કરાવે.
હું અને શેક્સપિયર ઘી કાંટા પોળમાંથી બહાર નીકળ્યા. આસપાસના લોકો શેક્સપિયરને જોઈ રહ્યા હતા એ વાત હું અહીંયા લેખની લીટી લંબાવવા માટે લખું નહીં તો પણ તમને તો ખબર પડી જ ગઈ હશે. શેક્સપિયર પણ સામેથી જે વ્યક્તિ નીકળે તેને નીરખી નીરખીને જોતો હતો. એવામાં એક વ્યક્તિ જે તેનું કાચિંડાની જેમ નિરીક્ષણ કરી રહ્યો હતો તેને શેક્સપિયર જોઈ ગયો. શેક્સપિયર તેને જુએ અને આ તેને જુએ. જાણે અજાણી શેરીના બે કૂતરા ભટકાઈ ગયા હોય. પાછળથી એક વ્યક્તિ આવ્યો અને શેક્સપિયરને જોયા કારવ્યા વિના તેના માથાના ભાગે થેલીમાંથી ઘઉંના દાણા કાઢી નાખી દીધા.
શેક્સપિયર પોતાના પર અચાનક ઘઉંના થયેલા આ વરસાદથી હચમચી ગયો. એકાદ કબૂતર પણ આવી બે ચાર ચાંચ મારી ગયું. જોકે શેક્સપિયરે તેને ઉડાવી દેતા, તે મેકઅપ ઉતાર્યા બાદ વધુનો અસલી ચહેરો સામે આવે અને વર છેતરાય તેવું જ અનુભવતો હશે.
પેલો તો માફી માગી જતો રહ્યો, ‘માફ કરજો ભાઈ. જે રીતે સરકારે હરતા ફરતા પુસ્તકાલયો, હરતા ફરતા બ્લડ ડોનેશનના લાલ કલરના ખટારાઓ, હરતા ફરતા ભોજનાલયો શરૂ કર્યા છે એ રીતે જ પક્ષીઓ માટે હરતા ફરતા ચબુતરા શરૂ કર્યા હશે તેવું મને લાગી આવ્યું.’
ધીમે ધીમે શેક્સપિયરનો લુક સમગ્ર અમદાવાદ સહિત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો. તેના નાટકો કરતા પણ. તેના લુકની લોકો કોપી કરવા લાગ્યા જેમાંથી પ્રેરિત થઈ તેણે કોમેડી ઓફ એરર્સ જેવું નાટક લખ્યું. જેમાં બે જોડીયા ભાઈઓની વાત હતી. સાહિત્ય પરિષદમાં કેટલાક લેખકો થેલો લઈ આવતા જેમના પરથી ઓથેલો નામ રાખ્યું. એક વખત હેલમેટ ન પહેરવા પર મસમોટો દંડ પોલીસે ફટકાર્યો તો હેલમેટ પરથી હેમલેટ નાટક લખ્યું. મારે આ બધી વાત કરવાની જ ન હોય. અંગ્રેજીના વિદ્યાર્થીઓ તો આ બધું જાણે જ છે. મારે તો ફક્ત મારા મિત્ર શેક્સપિયરની વેશભૂષાની વાત કરવી હતી. તો મેં એ કરી દીધી. હમણાં જ એ આવતો હશે. મને મળવા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત