Homeગામનાં ચોરેBig Breaking: રામદાસ અઠાવલે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરશે

Big Breaking: રામદાસ અઠાવલે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરશે

ગોવાબાપા : ચાબુક રામદાસ અઠાવલેની પાર્ટીનું નામ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા છે અને મને લાગે છે કે એમને ગેરસમજ થઈ છે કે આપણી પાર્ટી અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી એ એક જ છે.

‘કેમ શું થયું ?’ 

રામદાસ અઠાવલેએ કહ્યું છે કે, એના કારણે અમારી પાર્ટીની છબી ખરડાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન એ યોગ્ય નથી. અમારી પાર્ટીનું નામ ખરાબ થાય છે એટલે હું તેની સાથે વાત કરીશ. તને તો ખ્યાલ જ છે ચાબુક કે ભારતના રાજકારણમાં મનોરંજનનું બીજું નામ રામદાસ અઠાવલે છે. ગો કોરોના ગો જેવું અદભુત સ્લોગન એ લાવેલા અને સંસદમાં પણ એમની કવિતાઓ ન હોય તો મજા જ ન આવે. જોઈએ હવે ટ્રમ્પને ફોન કરીને એ શું વાત કરશે ?

ટ્રમ્પભાઈ ફેક આઈડી જેવું પણ કંઈ હોય

હે ચાબુક ટ્રમ્પની વાનરસેનાએ ન કરવાનું કર્યું. એણે લોકશાહીનું વસ્ત્રાહરણ કરી નાખ્યું. ભારેલો અગ્નિ જેવી સ્થિતિ કરી નાખી. ટ્રમ્પ તો બહાર પણ નહોતો નીકળ્યો પણ અત્યારે સૌથી વધારે નુકસાન એમને જ થયું છે.

‘એ કેવી રીતે ?’

હવે તને તો ખબર જ છે કે આ જગતમાં સોશિયલ મીડિયા વિના કોઈનું ગાડુ ગબડતું નથી. એમાં બિચારા ટ્રમ્પના આઈડી બંધ છે. બંધ હોય એ તો પાછા ચાલું થાય પણ સાવ બંધ હોય એનું શું કરવું ? ટ્વીટર ઉપર ડોનાલ્ડ ટ્રમ્પનું આઈડી કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વીટરે આટલી મોટી કાર્યવાહી કરી એ ઉપરથી લાગે છે કે હવે ટ્રમ્પે પણ એકાદ ફેક આઈડી બનાવવું પડશે. અમારે તો આંઈ ઘણાનું આમ જ હાલે છે તમારે ટ્રમ્પભાઈ કરવું હોય તો બોલો. આ સિવાયનો પણ એક ઉપાય ખરો કે ટિકટોકમાં આઈડી બનાવ્યા જેવું છે. અમારે અહીં એ બંધ કર્યા પછી બેરોજગારોની સંખ્યાનો સાચો આંકડો ખબર પડ્યો.

ટ્રમ્પને સંલગ્ન આ સિવાયની ખબર એ છે ચાબુક કે 20મી તારીખે સત્તા હસ્તાંતરણ થશે. ટ્રમ્પ બાઈડેનને સત્તા આપી દેશે પણ એમના શપથ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. ટ્રમ્પે કહ્યું છે કે, મારા 7.5 કરોડ વોટર્સ સાથે અન્યાય ન થવો જોઈએ. હું ચૂંટણી પરિણામનું સમર્થન નથી કરતો. હવે તો ચાબુક ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પાર્ટીના સાંસદે ટ્રમ્પને હટાવવાની તૈયારીઓ કરી લીધી છે. નેન્સી પોલે પણ કહ્યું છે કે, ટ્રમ્પ ઉપર બીજો મહાભિયોગ ચલાવીશું.

ટ્રમ્પ અને તેના સોશિયલ મીડિયા એકાઊન્ટના બંધ થતા જ યાદ આવ્યું ચાબુક કે વોત્સએપના કંઈક ભગા હાલે છે.

વોટ્સએપ ?

એ તમે જવાનિયાં કહો અમે તો વોત્સએપ જ કહીએ. વોત્સએપ ઝુકરબર્ગના ખાતામાં ગઈ ત્યારથી લાગતું હતું કે આ ગમે ત્યારે નવાજૂની કરશે જ. અને હવે એણે નવા જૂની બાજુ પગ મુકી દીધા છે. વોત્સએપે જ્યારથી નવી પ્રાઈવસીનું કીધું છે એ પછીથી ઘણાને બીક ઘરી ગઈ છે કે આપણી પ્રાઈવસીનું શું ? જોકે હું આવા લોકોને કહી દઉં કે તમે સ્માર્ટ ફોન હાથમાં લ્યો છો પછી તમારી પ્રાઈવસી રહેતી જ નથી. અટાણ સુધી તો વોત્સએપવાળા આવું કંઈ માગતા નહોતા હવે માગવા મંડ્યા એટલે આખું ગામ ખારું ધુધવાર થઈ ગ્યું. બીજી બાજુ વોત્સએપવાળા કેય છે કે અમારી શરતોથી કોઈના ફાટેલા કચ્છા બનિયાન નહીં દેખાય. એટલે કે તમારી પ્રાઈવસીનો ભંગ નહીં થાય. ઉપરથી કહે છે કે, વોત્સએપની નવી શરતોના કારણે વેપાર કરવો સહેલો થઈ જાશે. ઘણાય વોત્સએપનો વેપાર માટે ઉપયોગ કરે છે. હવે મને નથી ખબર પડતી ચાબુક કે આ વોત્સએપ ઉપર વેપાર થાય કેમ ?

મારો એક મિત્ર છે બત્રી. એ રોજ મને એની દુકાનના કપડાંના ફોટા મોકલે કે તમારે ખરીદવા હોય તો. બસ આ જ રીતે બિઝનેસ થાતો હઈશે. દુકાનના માલના ફોટા પાડીને મૂકવાના.

‘હઈશે હવે કાલ કોકને પૂછી લઈશું. આગળ સમાચારમાં જાવ હવે.’

તયે હે ભાજપ તને હવે કેમ સમજાવું ?

વાત કંઈક એવી છે ચાબુક કે ભાજપ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરના ન ઉડાવે તો ઘણા સવારમાં ઉઠીને બહાર આટો મારી ખરાઈ કરી લે છે કે હું ગુજરાતમાં જ છું ને ? ક્યાંક બહાર તો નથી આવી ગયો ને ?

વાત એવી કે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરવાનું હતું. એમાં એકેયે નિયમ જેવું રાખ્યું નહીં. પ્રમુખ વિજય શાહ અને ધારાસભ્ય મનીષા વકીલ પણ ઉપસ્થિત હતા. પ્રમુખ વિજય શાહ તો પોતે એમ કહે છે કે સાવધાન રહો, સાવચેતી રાખો અને આજે એમની જ ઉપસ્થિતિમાં નિયમોના લીરેલીરા ઉડ્યા.

સરકાર માનતી નથી

ખેડૂતો અને સરકારની મીટીંગ એટલી હદે નિષ્ફળ જાય છે કે વાત જ ન પૂછ. જેટલી વખત અમારો પાડોશીનો મનીયો દસમામાં ફેલ નથી થયો તેનાથી વધારે વખત મીટીંગ નિષ્ફળ ગઈ છે. હવે જો ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે પણ આ અંગે કહ્યું છે કે, ખેડૂતોની સરકાર સાથેની વાતચીતને લઈ કોઈ સમાધાન નીકળ્યું નથી. સરકાર કોઈ પણ વાત માટે તૈયાર નથી. એટલે 15મી જાન્યુઆરીના રોજ ફરી બેઠક થશે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, સરકાર કાયદો રદ્દ કરવા માગતી નથી અને ખેડૂતો આંદોલન પૂર્ણ કરવા માગતા નથી. જોકે મને લાગે છે ચાબુક 26મી જાન્યુઆરી સુધીમાં ગમે તેમ સરકાર આ આંદોલનનો નિવેડો લાવશે જ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments