Homeવિશેષકોલેજ કથા - યુનિવર્સિટી રોડથી થોડે દૂર...

કોલેજ કથા – યુનિવર્સિટી રોડથી થોડે દૂર…

Team Chabuk

એક એવીય તાતી ક્ષણ આવે :
છોડીએ ઘર ને સામે રણ આવે.

‘હેલ્લો… મધુ હું આજે મોડો આવીશ. દિલ્હીથી ઓફિસનું કામ પતાવી એરપોર્ટ પર જસ્ટ લેન્ડ જ થયો જ હતો અને ઘર તરફ આવતો હતો ત્યાં મલ્હોત્રાનાં બચ્ચાએ કામનું નવું પડીકું પકડાવી દીધું.’

એકત્રીસ વર્ષનો પવન કાર ડ્રાઈવ કરતાં કરતાં પત્ની મધુ સાથે વાત કરી રહ્યો હતો. ફોન કટ થતાં જ પવનનાં વાળ ઊડ્યા અને તે પવનના સૂસવાટાની જેમ મોઢામાંથી હવા કાઢતો હસી પડ્યો. પત્નીને ફોન કરી યુ-ટર્ન જેવો જવાબ આપવો એ તો એક બહાનું હતું. હકીકતે તો પવન ઈમાનદાર મળવા જઈ રહ્યો હતો. પોતાની કોલેજકાળની પ્રેયસી માલતીને.

ગઈ કાલે દિલ્હીમાં હતો અને માલતીનો ફોન આવ્યો તો જાણે એકસામટા હજાર સપના તેની આંખોમાં રમવા લાગ્યા. સપના કરતાં પણ સાપોલિયા તેની આંખોમાં રમવા લાગ્યા. પવન જેવા ઓછા રૂપિયાવાળાને ત્યાં ભવાનીદાસે માલતી નામનો ભમરો ન હતો પરણાવ્યો. આ વાતનો અંદરથી માલતી અને પવનને પણ વસવસો હતો. સમય આવ્યો અને માલતી અને પવન જૂના અવશેષોને દાંટી પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત બની ગયા. પણ જૂના અવશેષોનું કોઈ દિવસ તો ઉત્ખનન થવાનું જ હતું ! અને આ તો પ્રેમ હતો. પવન અને માલતીનો પ્રેમ.

કાર પૂરપાટ વેગે પસાર થઈ અને યુનિવર્સિટીના રોડ પર આવીને ઊભી રહી. રૂપ રૂપનાં અંબાર જેવી માલતી સાડી પહેરી ઊભી હતી. સાડીનાં એક છેડેથી પવનને તેની કમર દેખાઈ અને તેના મનમાં કામવાસનાના વિચારોનું યુદ્ધ જામ્યું. એ ઘડીએ તેને વિચાર આવી ગયો કે બીચારા આંધળા કેટ કેટલું ગુમાવતા હશે! માલતી હજુ હતી એવી ને એવી જ લાગતી હતી. એણે અરિસામાં જોઈ વાળ સરખા કર્યા અને હસી લીધું. પોતે પણ ક્યાં હીરોથી ઓછો લાગતો હતો. અનિલ કપૂર ? હા, એ જ તો ઘરડો નથી થતો. એણે ફરી હસી લીધું.

કારનો દરવાજો ખોલતા જ માલતી નામનું ઈમ્પોર્ટેન્ટ જોબનિયું તેની બાજુમાં ગોઠવાયું. જાણે ઈન્દ્રની કોઈ અપ્સરા આવીને બેસી હોય તેવી પવનને અનુભૂતિ થવા લાગી. તેની આજુ બાજુ પવન સ્થિર થઈ ગયો. ગાડીમાં જ માલતીને ભીંસી દેવાની તેને અદમ્ય ઈચ્છા થઈ આવી. તેનાં હોઠને પી લેવાની એષણા તરવરી ઉઠી. ત્રણ વર્ષના દુકાળને નાથવા માટે પવન નામનું ચોમાસું તેની તરફ નમી જ જાત અને માલતીને ભીંજાવી દેત, પણ તેણે ધીરજના ફળ મીંઠા આમ કરી યુનિવર્સિટીના ગેટ તરફથી ગાડી ઘુમાવી લીધી.

કારમાં ચાલતું ગીત બંધ કરી દીધું. માલતી હજુ તેની સામે નહોતી જોઈ રહી, ‘માફ કરજે શું હું ઘરડો થઈ ગયો છું?’

‘કેમ, આવો વિચાર આવી ગયો મિસ્ટર પવન ઈમાનદાર ?’

‘નહીં, આ તો તને મારા કરતાં કાચની બારી બહાર વધારે રસ છે એટલે. કોઈ બીજું નથી ગમતું ને ?’ પવનના અવાજમાં છણકો ઉમેરાયો. તેણે માલતીમાં પોતાના માટે બચેલા અધૂરા પ્રેમની પરીક્ષા કરી.

‘ગમે છે ને અને તે છે તું. મારા પતિ કરતાં પણ વધારે મને તું ગમે છે. ભલે તેને હું પરણી ગઈ પણ તને ભૂલાવી નથી શકી.’ તેના હોઠ વચ્ચેથી નીકળતા શબ્દો જ્યારે પવનના કાને અથડાયા ત્યારે બે ઘડી તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું.

‘અને તું શું કરે છે ? તારી પત્ની…?’

‘ક્યાં તે એનું નામ લીધું. સારી છે. ઘરકામ કર્યા કરે છે. ગૃહિણીની જેમ રહે છે. પૈસા ટકાનો વધારે ખર્ચ કરતી નથી. એકદમ બકવાસ અને બોરિંગ.’ માલતી ઘડીભર તેના ચહેરાને તાકતી રહી. પવનના મોઢા પર કડવાશ ઉમેરાતી દેખાઈ.

માલતીએ પર્સમાંથી એક હેરપીન કાઢી અને છુટ્ટા રહેલા વાળને ભેગા કરી પીન લગાવવામાં લાગી ગઈ. બારી ખુલ્લી હતી અને બંને પવનને તે પજવી રહી હતી. તેના સૌંદર્યથી પવન પણ પાણી પાણી થઈ રહ્યો હતો. બસ એને કોઈ એકાંતની રાહ હતી. જ્યાં આ ફૂલ અને ભમરા સિવાય કોઈ ન હોય. પીન નાખતી વખતે તેની ધોળી પીઠને પવન નીરખતો રહ્યો. તેને હાથ ફેરવવાની ઈચ્છા જાગી પણ ઈચ્છાને દાબી દીધી. તેણે મનમાં ફરી શબ્દોનું તોરણ બાંધ્યું, ‘ક્યાં કોઈ બીજો માળી આ ફૂલને ચૂંટી લેવાનો છે.’

કોલેજમાં માલતી અને પવન દરેક જગ્યાએ સાથે જોવા મળતા. મિત્રોને પણ તેમણે કહી દીધું હતું કે લગ્ન કરવાના છે, પણ લગ્ન થઈ ન શક્યા ત્યારે મોઢું બતાડવા જેવા નહોતા રહ્યાં. બેઉંને એક સાથે આ વિચાર આવી ગયો અને બેઉંના ચહેરા પર ખીન્નતા વ્યાપી ગઈ. એક પણ શબ્દ નહોતા બોલ્યા છતાં વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું. મૌનના પરપોટાને ફોડવા માટે માલતી એ પૂછ્યું, ‘કોઈ બાળક ?’

‘ના અને તારે?’

‘નહીં. પરાશરની હાલ ઈચ્છા નથી.’

માલતીના ઓષ્ઠ વચ્ચેથી તેના પતિનું નામ નીકળ્યું. પરાશર. આ શબ્દનું ગળું ઘોંટી દેવાનું તેને મન થઈ ગયું, પણ તે રોકાઈ ગયો. કારમાં એરકન્ડિશન્ડ વિના જ વાતાવરણ ગરમ થઈ ગયું.

‘સુખ આપે છે?’

‘કયા સુખની વાત કરે છે?’

‘બેઉં પ્રકારનાં.’

‘ચોખ્ખુ કેમ નથી કહી દેતો કે પથારીની પણ વાત કરે છે.’ માલતીના શબ્દોએ ક્ષણભર માટે પવનને મૂંગો કરી દીધો.

તે અંદરથી બબડ્યો, ‘નહીં જ આપતો હોય. ન આપે ત્યારે જ તો તેને અહીં સુધી લાંબા થવું પડે. મારી પાસે. આટલા વર્ષે ફોન જોડવો પડે.’ કારમાં બેઠેલી પારસ પદમણી ઉપર પવને એક નજર નાખી. સામેથી બીજી કાર ન આવતી હોત તો તેને આંખોથી જ પીતો રહેત.

તેણે આજુબાજુ નજર કરી અને ધીમેથી બોલ્યો, ‘ક્યાંક એવી જગ્યા હોય, જ્યાં અમારા બે સિવાય કોઈ ન હોય.’ હવે તરવરાટ વધતો જતો હતો. કારના વાતાવરણમાં એસી હોવા છતાં ઉષ્મા વ્યાપી ગઈ હતી. અપ્સરા કારમાં હતી. પવનના મનોબળ અને તપોબળની અગ્નિપરીક્ષા લેતી હતી.

પવનને એક જગ્યા દેખાઈ ગઈ. એણે કારને જોરથી ટર્ન માર્યો. ઓચિંતા આ ટર્નથી માલતી પવનના ખભા પાસે આવી અથડાય.

‘ઓહ…. આઈ એમ સોરી.’

‘નો પ્રોબ્લેમ.’ પવનને જો આ પહેલાથી ખબર હોત તો બે ચાર આવા ટર્ન મારી તેને ખોળામાં લાવી દેત. પણ શાંત. તેણે માલતી નામના શાંત જળમાં અટકચાળા ન કર્યા!

કાર રોડથી દૂર જતી રહી. હવે માણસ તો શું પણ જાનવરેય દેખાતું ન હતું. સ્મશાનવત્ શાંતિ. એણે જોયું બે ચાર લવરિયા હતા. વાતાવરણને રંગીન બનાવવા હોઠની આપ-લે કરતાં હતા. પવનને થઈ ગયું કે જગ્યા બદનામ છે. ચહેરા પર સ્મિત આવ્યું અને તે મનમાં જ બોલી ગયો, ‘થોડી વારમાં પોતે પણ તો…’ તે વધારે શબ્દો ગોઠવી ન શક્યો. માત્ર વિચારોનો ઘેઘુર વડલો બાંધ્યો.

ગાડી ઊભી રહી. ટાયર ઘસડાવાનો અવાજ આવ્યો. માલતી અને પવન કાચની બારી સામે જોતા હતા. પવને કારમાંથી ઉતરવું મુનાસીબ ન માન્યું. તેને આ ફૂલનો રસ અહીં જ પીવો હતો. એણે માલતીના વાળ પકડી લીધા અને તેને પોતાની નજીક ખેંચી લીધી. આ ક્ષણની તો રાહ જોતા હતા. બે આંખો અને લાંબી જીભથી બચવા કેટલું દૂર આવવું પડ્યું ?

પવન માલતી પરથી હટ્યો. બંન્નેનાં શ્વાસ ધમણની માફક ચાલી રહ્યા હતા. માલતીએ પવનની ઉત્તેજનાથી વિખાયેલી સાડી ઠીક કરી અને આછેરુ હસી લીધું. એ પ્રેમભર્યા દિવસો યાદ આવી ગયા. જ્યારે આમ જ બે આંખોથી દુર એકબીજાને મનભરીને પીવા આવતા હતા. પવને માલતીના વક્ષ:સ્થળને જોયા અને તેની આંખોમાં હાર્યો જુગારી બમણું રમે એવા ભાવ તરી આવ્યા.

કારનો દરવાજો ખુલ્યો. માલતી અને પવન ઉતર્યા ત્યારે બેઉં પરણિત નહીં પણ કોલેજિયન હતા. એ જૂની યાદો સ્મરણપટ પર તરી આવી. ઠંડી હવાને પવને શ્વાસમાં ભરી અને દૂર નજર નાખી. તેમની જેમ જ બે પ્રેમી પંખીડા હતા. બાઈક પર બેઠા હતા. પ્રેમની આપ-લે કરી રહ્યા હતા.

‘હવે?’ માલતીએ મુદ્દાની વાત છેડી.

‘હવે શું ? હવે બસ આમ જ મળતા રહીશું.’ પવનના અવાજમાં આત્મવિશ્વાસ છલક્યો. જાણે કહી રહ્યો હોય, કે ચાલ અબઘડી તને મારી બીજી ભાર્યા બનાવી દઉં. આખું જગત, તારું પરિવાર, તારો પતિ પરાશર અને મારી પત્નીને જે વિચારવું હોય એ વિચારે. આમ ચોરી છૂપે મળી રમતદાવ કરવા નથી.

પવનની નજર ફરી પેલી ટુ વ્હિલ પર ગઈ. ઘાસ આડેથી ધૂંધળા ચહેરા દેખાતા હતા. પુરુષની પીઠ દેખાતી હતી. એ સીટ પર બેઠો હતો અને છોકરી કે મહિલા કોણ છે ? તે જાણવાની તેને પુરુષ સહજ ઈચ્છા તરવરી ઉઠી. અંદરથી એક બીજા પવને કહ્યું, ‘નજીકમાં મેનકા છે અને તારું ધ્યાન ત્યાં છે.’

માલતીની નજીક આવી તેણે બંન્ને હાથ તેના ગળામાં પરોવ્યા. માલતીએ તેની આંખોમાં આંખો પરોવી. પવને તેને ગાલમાં હળવેકથી ટપલી મારી અને કોલેજની યાદો જીવંત કરી. માથા પરથી ગળા પર અને ત્યાંથી છાતી પર હાથ પસવાર્યો. તેના કાને અવાજ પડ્યો. પેલી બાઈક ચાલુ થઈ ગઈ હતી. કોઈ મોટો ગફલો ન થાય એટલે તેણે માલતીનો હાથ પકડી કારમાં બેસવાનું કહ્યું.

માલતી અને પવન કારમાં ગોઠવાયા. કારના ફિલમ પ્રકારનાં કાચ બંધ કરી દીધા. પવનની આંખો હજુ પેલી છોકરીને જોવા થનગની રહી હતી. ટુ વ્હિલ નજીક આવવા લાગી. માલતી અસ્વસ્થ હતી. બાઈક કારની નજીકની કેડીએથી નીકળવા માટે પસાર થઈ અને પવન જકડાઈ ગયો. એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, ‘મધુ….’ કારની અંદરના વાતાવરણમાંથી પ્રેમ અને કામની ઉષ્મા લિપ્ત થઈ ગઈ.

(શિર્ષક પંક્તિ : ભગવતીકુમાર શર્મા)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments