Team Chabuk-International Desk: સૌથી આકરી સજા એટલે મોતની સજા. કોઈ ગુનેગાને મોતની સજા સંભળાવવામાં આવે એટલે દેશભરમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ જાય. ઘણા કિસ્સાઓમાં તો દુનિયાભરમાં મુદ્દો ગાજવા લાગે. આવી જ એક સજાની ચર્ચા આજકાલ થઈ રહી છે. ઘટના છે અમેરિકાની જ્યાં એક મહિલાને અપાયેલી મોતની સજાની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. ચર્ચા થવાનું કારણ પણ જાણવા જેવું છે કેમ કે અમેરિકામાં 67 વર્ષ પછી કોઈ મહિલાને મોતની સજા આપવામાં આવી છે. 67 વર્ષ પછી કોઈ મહિલાને મોતની સજા સંભળાવવામાં આવે તો દુનિયાભરમાં આ મુદ્દે ગણગણાટ થવો સહજ છે.
અમેરિકાના કેનસસ સિટીમાં રહેતી 52 વર્ષની લીસા મોંટગોમરીને મોતની સજા આપવામાં આવી છે. વર્ષ 1953 પછી અમેરિકામાં પ્રથમ વખત કોઈ મહિલાને મોતની સજા આપવામાં આવી છે. અમેરિકામાં મોતની સજા ભાગ્યે જ આપવામાં આવે છે. અને જો અમેરિકામાં કોઈને મોતની સજા અપાય તો તેના પર ખૂબ ચર્ચાઓ અને વિવાદો થાય છે તેથી આજે પણ અમેરિકાના ઘણા રાજ્યમાં મોતની સજા નથી અપાતી, પરંતુ હાલ અમેરિકામાં લીસાને ફટકારવામાં આવેલી મોતની સજાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે હાલમાં જ લીસા નામની મહિલાને મોતની સજા પર રોક લગાવવાની ના પાડી દીધી હતી. જેથી લીસાને આપવામાં આવેલી મોતની સજાનો રસ્તો સાફ થઈ ગયો.
લીસાને મોતની સજા કેમ અપાઈ ?
ડિસેમ્બર, 2004માં લીસા મોંટગોમરીની બોબી જો સ્ટિન્નેટ સાથે વાત થઈ હતી. લીસા એક શ્વાનનું બચ્ચુ ખરીદવા માગતી હતી. જેના માટે લીસા કેનસસથી બોબી પાસે મિસોરી પહોંચી હતી. જ્યાં લીસાએ બોબીના ઘરમાં ઘુસીને તેના પર હુમલો કર્યો હતો અને ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. બોબીની હત્યા થઈ ત્યારે તેના પેટમાં આઠ મહિનાનો ગર્ભ હતો. લીસા એટલી હદે ક્રુર બની ગઈ હતી કે બોબીના પેટ પર ચપ્પુના ઘા મારીને પેટ ચીરી નાખ્યું અને પેટમાંથી બાળકને કાઢીને તેને લઈને ભાગી ગઈ. થોડા સમય માટે લીસાએ આ બાળક પોતાનું હોવાની વાત કરી હતી.

વર્ષ, 2007માં લીસાને હત્યા અને અપહરણના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી અને સર્વસંમતિથી તેને મોતની સજા આપવામાં આવી. પરંતુ સામે લીસાના વકીલે દલીલ કરી કે બાળપણમાં લીસાને ખૂબ મારવામાં આવી હતી જેથી તેના માથા પર ઘા લાગ્યા છે જેના કારણે તે માનસિક રીતે બીમાર છે. તેથી તેને મોતની સજા ન આપવામાં આવે. પરંતુ કોર્ટે આ કોઈ વાત ન સાંભળી અને લીસાને મળેલી મોતની સજા યથાવત રાખી.

મહત્વનું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં મોતની સજા આપવાના કેસ વધી ગયા હતા. જુલાઈ 2020 પછી લીસા 11મી એવી આરોપી હતી જેને મોતની સજા ફટકારવામાં આવી હોય. ડોનાલ્ડ ટ્રમ્પ મોતની સજાના સમર્થિત માનવામાં આવે છે. 2016માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં મોતની સજાઓ પણ અપાવા લાગી. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાના 17 વર્ષ સુધી કોઈને મોતની સજા આપવામાં ન હતી આવી.
સમાચાર એજન્સી એપી અહેવાલ મુજબ જ્યારે મોતની સજા આપતા પહેલાં લીસાને તેની છેલ્લી ઈચ્છા પુછવામાં આવી તો તેણે માથું હલાવીને ના પાડી દીધી. લીસાને જ્યારે મોતની સજા માટે ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારબાદ તેનું શરીર શાંત થઈ ગયું.
ભારતમાં પ્રથમ મહિલાને મોતની સજા
ભારતમાં રેણુકા શિંદે અને સીમા ગાવિત નામની બે બહેનોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જે ભારતમાં કોઈ મહિલાને મળેલી પ્રથમ મોતની સજા છે. બન્ને બહેનો પર પાંચ બાળકોની હત્યાનો આરોપ હતો.

1996માં બન્ને બહેનો બાળકોનું અપહરણ કરીને હત્યા કરવાના આરોપમાં ધરપકડ થઈ હતી ત્યારે સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બન્ને બહેનોને મળેલી મોતની સજા યથાવત રાખી. આરોપીના વકીલે રાષ્ટ્રપતિ પાસે સજા રદ કરવા અપીલ કરી હતી પરંતુ છેલ્લે 2014માં રાષ્ટ્રપતિએ પણ સજા યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. જો કે આ બન્ને બહેનોને હજુ સુધી મોતની સજા મળી નથી પરંતુ માત્ર સજા સંભળાવવામાં જ આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત