Team Chabuk-National Desk : શું કોઈ જવાન પોતાના મૃત્યુ પછી પણ ડ્યૂટી નિભાવી શકે છે ? શું ક્યારેય કોઈ જવાનની આત્મા સીમાની રક્ષા કરી શકે છે ? આ સવાલ થોડા આશ્ચર્યજનક છે. પેરાનોર્મલ છે. હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ જેવા છે. નહીં ? જો કે, આ સવાલ સાચા છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય છે?
સિક્કીમના લોકો અને ત્યાં તૈનાત જવાનો આ સવાલનો જવાબ જાણે છે. સવાલનો જવાબ છે. હા. મૃત્યુબાદ પણ કોઈ જવાન દેશની સેવા કરી શકે છે. તેના અહીં પુરાવા પણ છે. જેના નામના પરચા ભારત તેમજ ચીનના જવાનોને પણ મળ્યા છે. તેમનું નામ છે બાબા હરભજન સિંહ. એટલે જ તો આ સૂરાનું મંદિર બન્યું છે. ખુદ સેનાએ પણ આ વાતને સ્વીકારી છે. આ કારણે જ મૃત્યુ બાદ પણ બાબા હરભજન સિંહને પગાર, પ્રમોશન અને રિટાયરમેન્ટ સહિતનું ભથ્થુ મળે છે.

માન્યતા એવી છે કે, હરભજન સિંહની આત્મા ચીન તરફથી આવનારી આફતો વિશે પહેલાં જ સૈનિકોને અવગત કરી દે છે. એવા સંકેતો આપી દે છે કે સૈનિકો સતર્ક થઈ જાય છે. એટલું જ નહીં દાવો એવો પણ છે કે, હરભજન સિંહની આત્માને ચીનના સૈનિકોની કોઈ હરકત પસંદ નથી આવતી તો તેમને પણ સંકેત આપીને ચેતવણી આપી દે છે. આ વાત ખુદ ચીની સૈનિકો પણ માને છે. એટલે જ ભારત અને ચીન વચ્ચે થનારી દરેક ફ્લેગ મિટિંગમાં હરભજન સિંહના નામની એક ખાલી ખુરશી મુકવામાં આવતી હતી.
30 ઓગસ્ટ 1946માં જન્મેલા હરભજન સિંહની જીવની બહુ ખાસ છે. 1965ની સાલમાં DAV કોલેજમાંથી મેટ્રિક એટલે કે એ સમયનું દસમું ધોરણ તેમણે પાસ કર્યું હતું. એ પછી એક જ વર્ષની અંદર અંદર જ આર્મીમાં જોડાઈ ગયા. એમની આર્મીની કરિયરની જો વાત કરવામાં આવે તો 30 જૂન 1965ના રોજ કમિશન મળ્યું અને 14 રાજપૂત રેજીમેન્ટમાં તેમનો સમાવેશ થયો. 1965ની સાલના ઈન્ડો-પાક યુદ્ધમાં તેમણે શૌર્ય બતાવ્યું. એ યુદ્ધ બાદ તેમનું ટ્રાન્સફર 18 રાજપૂત રેજીમેન્ટમાં કરી દેવામાં આવ્યું. આ રેજીમેન્ટમાં ફરજ દરમિયાન જ 11 સપ્ટેમ્બર 1967ના રોજ સિક્કિમમાં તેમની મૃત્યુ થઈ ગઈ.

તેમનું મોત પહેલા તો આકસ્મિક લાગતું હતું પણ પછી સત્ય સામે આવ્યું. નાથુલા દર્રેમાં તિબેટ અને સિક્કિમની વચ્ચે થયેલી ચીનાઓ સામેની ઝડપમાં તેઓ શહીદ થયા હતા. મૃત્યુપર્યત તેમને 1965ના ઈન્ડો-પાક વોરમાં દર્શાવેલા સાહસ બદલ મહાવીર ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક લોકોએ એવા કિસ્સા કહ્યા છે કે બાબા હરભજન સિંહ ખચ્ચરો પર આર્મીનો કેટલોક સામાન લાદીને આવી રહ્યા હતા. એ વખતે ગ્લેશિયર પડવાના કારણે તેમનું મોત થઈ ગયું.

દુર્ઘટના બાદ તેમનો પાર્થિવદેહ મળી ન હતો રહ્યો. બે દિવસ બાદ પણ તેમનો મૃતદેહ ન મળ્યો એટલે તેઓ ખુદ મિત્રના સપનામાં આવ્યા અને જે જગ્યાએ તેમનો મૃતદેહ હતો તેના વિશે જણાવ્યું. સવારે તે જગ્યાએ જોયું તો સાચે જ હરભજન સિંહનો પાર્થિવદેહ ત્યાં હતો. ત્યારબાદ પુરા સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જ સાથી સૈનિકોની તેમના પ્રત્યે આસ્થા જોડાઈ ગઈ અને તેમના બંકરને જ મંદિર બનાવી દીધું. તેઓ કેટલાક સાથી મિત્રોના સપનામાં પણ આવ્યા હતા અને મેમોરિયલ બનાવવાની વાત કહી હતી. એ પછી મેમોરિયલ બનાવી દેવામાં આવ્યું. એ મેમોરિયલ આસ્થાનું પ્રતીક બની ગયું. લોકોની આસ્થા અને વિશ્વાસના કારણે તેને તીર્થસ્થાનમાં બદલી દેવામાં આવ્યું.

સમય જતાં હરભજન સિંહના ચમત્કાર વધતા ગયા. એક બાદ એક સૈનિકોને હરભજન સિંહના પરચા મળ્યા. લોકોએ પણ હરભજન સિંહ વિશે જાણ્યું અને તેઓ બાબા હરભજન સિંહના નામે ઓળખાવા લાગ્યા. વધુ સમય પસાર થયો બાબા હરભજન સિંહનું એક પાકુ મંદિર પણ બનાવી દેવાયું. આ મંદિર ગંગટોકમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. જૂનું બંકરવાળું મંદિર આ મંદિરથી એક હજારથી વધુ ઉંચાઈ પર આવેલું છે. મંદિરમાં બાબા હરભજન સિંહનો એક ફોટો અને તેમનો સામાન છે.
બાબા હરભજન સિંહને પગાર પણ આપવામા આવે છે. નિયમો અનુસાર તેમનું પ્રમોશન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં નિયમો પ્રમાણે તેમને રજા પણ આપવામાં આવતી હતી. જો કે, આ ઘટનાને લોકોએ અંધશ્રદ્ધા સાથે જોડી દીધી હતી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેથી આવું કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

બાબા હરભજન સિંહની રજા હોય છે તે દરમિયાન બોર્ડર પર હાઈ અલર્ટ જાહેર કરી દેવામાં આવે છે. નોકરીના એકદમ પાક્કા એવા બાબા હરભજન સિંહ આખા વર્ષમાં બે મહિનાની રજા લે છે. પંજાબના કપૂરથલામાં આવેલા ઘરે જાય છે. સ્થિતિ એવી છે કે તેઓ તો હયાત નથી પણ જે આર્મીમાં ક્રિયાઓ થાય છે તેનાથી લાગે છે કે એ જીવંત જ છે. બે મહિનાની રજાથી યાદ આવ્યું 13 સપ્ટેમ્બરના રોજ બાબા ઘરે જાય છે. ડિબ્રૂગઢ એક્સપ્રેસમાં તેમના માટે બર્થ બુક કરવામાં આવે છે. તેમની ફોટો અને ત્રણ સૈનિકોની સાથે તેમને ગામડામાં મોકલી દેવામાં આવે છે. જ્યાં તેમને તેમના પરિવારના લોકો લેવા માટે આવે છે. એક સૈનિકે બાબા હરભજન સિંહ માટે કહેલું, ‘‘આમ તો આ વાતને અંધવિશ્વાસ કહી માનીએ નહીં પણ જમીનથી 14 હજાર ફૂટ ઉપર અમને સૈનિકોને આ તીર્થસ્થાન વિશ્વાસ અપાવે છે.’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત