Team Chabuk-Political Desk : આજે ઉત્તરપ્રદેશમાંથી જ બે મહિલાઓનો જન્મદિવસ છે. એક છે માયાવતી જેઓ યુપીના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અને એક છે અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ. ઉત્તરપ્રદેશના રાજકારણમાં તેઓ કેમેરાની પાછળ રહીને કામ કરનારા મહિલા નેતા છે. તેમની હાજરી મત ખેંચી જવા પૂરતી છે. ચૂંટણીના અવસરે અખિલેશ માટે ભરપૂર પ્રચાર કરે છે. ચૂંટણી હોય ત્યારે સાડી પહેરી લોકોની વચ્ચે જાય છે. યુપીમાં પ્રિયંકા ગાંધીની માફક જ ડિમ્પલ યાદવ પણ એક મોટો ચહેરો છે. ડિમ્પલ યાદવ માટે સોશિયલ મીડિયા કહે છે સિમ્પલ ઈઝ સ્વીટ.
17 વર્ષની ડિમ્પલ યાદવની ઉંમર હતી જ્યારે તેની મુલાકાત 21 વર્ષના અખિલેશ સાથે થઈ હતી. અખિલેશ એ વખતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. અખિલેશની એન્જિનિયરિંગ સામે ડિમ્પલ તો હજુ કોલેજમાં પગલા મુકી રહી હતી. એક મિત્રને ત્યાં અખિલેશ અને ડિમ્પલની પ્રથમ મુલાકાત થઈ ગઈ.
પુણેથી ઈન્ટર કર્યા બાદ ડિમ્પલે લખનઉથી સ્નાતક કર્યું. સંજય લાઠરે અખિલેશ અને ડિમ્પલ યાદવની પ્રથમ મુલાકાતને લઈ લખ્યું છે કે, અખિલેશે પ્રથમ વખત ડિમ્પલને જોઈ તો જોતો જ રહી ગયો હતો. બંને વચ્ચે મુલાકાત થઈ, વાતો થઈ, પણ ત્યાં સુધી અખિલેશ યાદવે કોઈ વાતનો ઘટસ્ફોટ નહોતો કર્યો કે તેઓ મુલાયમ સિંહ યાદવના દીકરા છે. ધીમે ધીમે વાતો થવા લાગી એટલે અખિલેશે સત્ય વાત સામે રાખી દીધી કે એ મુલાયમ સિંહ યાદવના પુત્ર છે. અખિલેશ એ પછી ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ માટે ચાલ્યા ગયા. ફોન પર વાત થતી હતી. એ જમાનો પત્રવ્યવહારનો હતો. પ્રેમની અભિવ્યક્તિઓ પત્રથી કરતા હતા.
અખિલેશ અભ્યાસ પૂર્ણ કરી જ્યારે ભારત પરત આવ્યા તો પિતા મુલાયમ સિંહ યાદવે તેમના માટે એક સુપાત્ર તૈયાર રાખ્યું હતું એવી પણ વાતો થાય છે. યુપીની રાજનીતિની શેરીઓમાં વાતો એવી થાય છે કે એ પાત્ર બીજું કોઈ નહીં પણ લાલુ પ્રસાદ યાદવની પુત્રી હતી. જેથી રાજનીતિમાં યાદવ-યાદવનો સંબંધ થઈ જાય. બિહાર-યુપીમાં જનતાની નજરે પ્રેમ થઈ જાય! મુલાયમ સિંહ યાદવે પુત્રને પૂછ્યું હતું, ‘લગ્ન ક્યારે કરવા છે?’ એ શબ્દો અને અવાજમાંથી સાફ સાફ લાગતું હતું કે પિતાએ પસંદ કરેલી કન્યા સાથે અખિલેશે વિવાહ કરવા, પણ અખિલેશ પહોંચી ગયા દાદીજી પાસે.
અખિલેશે દાદીને વાત કહી. દાદી એ સમયે બીમાર રહેતા હતા, છતાં પુત્ર માટે તેમણે મુલાયમ સામે પ્રેમલગ્નની વાત મૂકી. મુલાયમ માટે આ બાજુ કૂવો આ બાજુ ખાઈ જેવી સમસ્યા ઊભી થઈ ગઈ. ઉત્તરપ્રદેશમાં જાતિવાદી રાજકારણ ચાલતુ હતું અને એવામાં પુત્રના વિવાહ ડિમ્પલ સાથે?? ડિમ્પલ રાજપૂત ફેમિલીમાંથી આવતી હતી. મુલાયમની રાજનીતિ પર અને તેના ધારાસભ્યોને ચૂંટણી જીતવા પર પણ અસર પડે તેમ હતી. એ સમયે ચર્ચામાં ઉત્તરાખંડ હતું. જેનાં રાજ્યની માગ વારંવાર થઈ રહી હતી. એવામાં માથે પુત્રના પ્રેમવિવાહની સમસ્યા આવી પડી. એ પછી તો અખિલેશનું જ ચાલ્યું. એવું પણ કહેવામાં આવે છે કે અમર સિંહે મુલાયમ સિંહ યાદવને અખિલેશ અને ડિમ્પલના લગ્ન માટે મનાવી લીધા હતા.
વાત ફેલાતા વાર ન લાગી. મુલાયમ સિંહ યાદવે ડિમ્પલના પરિવારને બોલાવી લીધો. મીડિયાને ભનક લાગી ગઈ કે યાદવ ફેમિલીમાં નવાજૂની થવા જઈ રહી છે. લોકોએ સવાલ પૂછવાની શરૂઆત કરી ત્યારે મુલાયમ સિંહ યાદવે અદ્દલ પિતાના અંદાજમાં જ કહ્યું, ‘‘છોકરો મોટો થઈ ગયો છે તો લગ્ન તો થશે જ ને. લગ્ન કરીશું ત્યારે જણાવી દઈશું.’’ કોઈને કાનોકાન ખબર ન લાગે એ રીતે કંકોત્રી છપાવી લગ્ન કરાવી નાખવામાં આવ્યા. લગ્નમાં મોટા નેતાઓ હતા. અટલજી હતા અડવાણીજી હતા. ઉત્તરપ્રદેશની રાજનીતિના મોટા નેતાઓની સાથે સાથે અમિતાભ બચ્ચન પણ હતા. નેતાઓ અને ફિલ્મ સ્ટારોનો આટલો મોટો જમાવડો થોડો છૂપો રહેવાનો હતો ?
PTIને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ડિમ્પલ યાદવે અખિલેશના રાજકારણમાં આવવા અંગેની વાત કહી હતી. એ મુજબ 24 નવેમ્બરના રોજ 1999ની સાલમાં અખિલેશની સાથે ડિમ્પલ યાદવના લગ્ન થયા. એ ડિસેમ્બર મહિનો હતો અને ક્રિસમસનો તહેવાર હતો એટલે બધાની માફક આ કપલ પણ સિડની કે લંડન જવાની તૈયારી કરી રહ્યું હતું. દહેરાદૂનમાં શોપિંગ કરી રહ્યા હતા. એ વખતે જ મુલાયમ સિંહજીનો ફોન આવ્યો કે, ‘ક્યાં છો ? ઘરે પરત આવી જા કન્નોજથી ચૂંટણી લડવાની છે.’ અખિલેશનું મન રાજનીતિમાં આવવાનું નહોતું. પણ ડિમ્પલે સમજાવ્યું કે જે કહે છે એ કરો. અખિલેશ સાંસદ બની ગયા. એ પછી મુખ્યમંત્રી બની ગયા. આજે વિરોધપક્ષમાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત