Homeગામનાં ચોરેએલા લે પાકિસ્તાનવાળા નરેન્દ્રભાઈને કહે છે કે અમને સ્વતંત્રતા અપાવો

એલા લે પાકિસ્તાનવાળા નરેન્દ્રભાઈને કહે છે કે અમને સ્વતંત્રતા અપાવો

ગોવાબાપા : ‘હે ચાબુક તાંડવ વેબ સિરીઝ કોણે લખી એ તને ખ્યાલ છે ?’

‘ના ગોવાબાપા હું તો અભણ છું. મને નથી ખબર કે એ ગૌરવ સોલંકીએ લખી છે.’

વાહ બેટા મુજ ગઈઢા ગોવાને મુર્ખ બનાવે છે. ઉંમરનો તો ખ્યાલ રાખ. છિનીયર છું તારો છિનીયર. તે જ તો ગૌરવ સોલંકી વિશે હજ્જાર ઉપર શબ્દમાં ઘસડી માર્યું હતું.

હવે ચાબુક આજે હું સોશિયલ મીડિયા પર લટાર મારતો હતો. એમાં ગૌરવભાઈની એક સોળ તારીખે મુકેલી પોસ્ટ મારી નજરે ચડી ગઈ. મેં જોયું તો જોતો જ ર્યો. અટાણ સુધી જ્યાં કોઈ એક કોમેન્ટેય માંડ કરતું હતું ત્યાં ગાળોના ઢગલે ઢગલા થઈ ગયા હતા. મારી તો આંઈખુ ઊંડીયું ઉતરી ગઈ તોય હું વાંચી શકતો હતો. આ હદનું ટ્રોલિંગ.

‘વાહ ગોવી, એવું બધું તો તું તુરંત વાંચી લે હો.’

ગૌરવભાઈ સોલંકી. જેમણે ગ્યારવી એ કે લડકે નામની બુક લખી. હવે આ બુક પણ વિવાદમાં રહી હતી. વરિષ્ઠ સાહિત્યકારો કહેતા હતા કે ગૌરવે અશ્લીલ વાર્તાઓ લખી છે. ગૌરવને તેના કવિતાના પુસ્તક માટે અકાદમી પુરસ્કૃત કરવાની હતી પણ અશ્લીલ વાર્તાઓ લખી હોવાથી તેની ફોન પર ઝાટકણી કાઢી. આ વાતથી ગુસ્સામાં આવીને ગૌરવે એર્વોડ ન સ્વીકાર્યો અને કમિટીને પત્ર લખી નાખ્યો હતો. વાર્તાઓ વિવાદમાં રહી પણ કોઈ કહી ન શકે કે ગૌરવની વાર્તાઓમાં સાહિત્ય નથી. છોકરો હોશિયાર છે. આર્ટિકલ-15 તેણે જ અનુભવ સિંહા સાથે મળીને લખી હતી. તાંડવ મેં જોઈ નથી પણ વિવાદ ખૂબ વકરી રહ્યો છે. પ્રતિબંધ લાદવાની વાતો થઈ રહી છે.

હિંદુ સંગઠનો અને ભાજપના નેતા રામ કદમની સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોમાં તેના વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ગઈકાલે જ સૈફ અલી ખાનના ઘરની બહાર પોલીસ પહેરો વધારી દેવામાં આવ્યો હતો. રામ કદમ સહિતના નેતાઓએ કહ્યું હતું કે, તેમાં હિંદુ ધર્મની આસ્થાને ઠેંસ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત દેશના વિવિધ સ્થળોમાં એ વેબસિરીઝને લઈ વિવાદ વકર્યો છે. સ્ટાર્સ તો ઠીક પણ એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના હેડ અપર્ણા પુરોહિતની સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

પાકિસ્તાનમાં નરેન્દ્રભાઈ પાસે મદદ મંગાઈ

વાત જો વિરોધની જ થતી હોય તો પાડોશી દેશ પાકિસ્તાનમાં લટાર મારી આવીએ. છે એવું ચાબુક કે પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમસોર જિલ્લામાં અલગ દેશની માગણી ઉઠી છે. મને લાગે આમ જ જો બધા પાકિસ્તાનમાંથી છૂટ્ટા થઈ ને અલગ અલગ દેશોની માગણી કરતા રહેશે તો પાકિસ્તાન પેન્સિલની અણી જેવડુય નહીં રહે.

અલગ દેશની માગણી સાથે ન્યાં ટોળેટોળા રસ્તામાં ઉતરી પડ્યા છે અને પાકિસ્તાનડા આપણને કહેતા’તા કે ખેડૂતોનો મુદ્દો ભટકાવવા અમારે ન્યાં લાઈટ ઉડાડી દીધી. હવે કંઈ તમારું સ્પ્ટેસન થોડું ભારતમાં છે. પાકિસ્તાનમાં લોકો રસ્તે ઉતર્યા એનાથીય મોટી વાત તો એ છે કે એમના હાથમાં તમામ દેશના નેતાઓના ફોટા હતા અને વિરોધ કરી રહ્યા હતા.

‘પોસ્ટરમાં શું લખ્યું હતું બાપા ?’

બેટા પોસ્ટરમાં એમણે વિદેશના નેતાઓને અરજ કરી હતી કે, મિસ્ટર નરેન્દ્ર મોદીજી અમને પાકિસ્તાનથી સ્વતંત્રતા અપાવો, શ્રીમતી એન્જેલા માર્કેલ અમને પાકિસ્તાનથી આઝાદી અપાવો અને આ જ રીતે ન્યુઝિલેન્ડ, બાંગ્લાદેશ સહિતના કેટલાય દેશના નેતાઓના પોસ્ટર લઈ એ લોકો આઝાદી માગવા રસ્તા વચ્ચે નીકળી પડ્યા હતા. લે તું ય ટ્વીટુ જોઈ લે….

ખેડૂતોની મૂડી

વાત આવે છે દેશની. વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈ મોદી સરકારની ફરી ટીકા કરી છે. એમણે કીધું છે કે, મૂડીવાદી મિત્રોનું દેવું માફ કર્યા પછી હવે ખેડૂતોની મૂડી પર નજર છે. આમ કહીને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ખેડૂતોની મૂડી છિનવવાનો આરોપ નાખ્યો હતો.

હા મોજ હા

મને તો ચાબુક એમ હતું કે કોરોનાનો સમય છે તો અર્થવ્યવસ્થા સ્થિર થઈ ગઈ હશે પણ આજે જે સમાચાર મને મળ્યા એ ઉપરથી જરાય એવું નથી લાગતું કે કોરોના અને લોકડાઉનના કારણે સરકારની તિજોરી ખાલી રહી હોય.

‘છે શું ?’

છે એવું કે કોરોનાકાળમાં પેટ્રોલ-ડિઝલના કારણે સરકારની તિજોરી ભરાઈ છે. ટેક્સમાં રેકોર્ડ વૃદ્ધિ નોંધાઈ છે. જેમાં એક્સાઈઝ ડ્યુટીમાં 48 ટકાની વૃદ્ધિ થઈ જે એક કિર્તીમાન છે. એમાંય ડિઝલના વેચાણમાં તો તોતિંગ ઘટાડો નોંધાણો. કુલ એક કરોડ ટનથી પણ વધારાનો ઘટાડો ને છતાં એક્સાઈઝ ડ્યુટી કલેક્શનમાં તો વૃદ્ધિ જ નોંધાઈ છે. આને શું કહેવાય ખબર છે ?

‘હા મોજ હા.’

‘હા મોજ હા’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments