લખતી વખતે તમારી આખી પ્રોસેસ શું હોય છે ? કંઈ ખાસ સમય જોઈને બેસો છો, કે જ્યાં બેસો ત્યાં લખવાનું શરું ?
લખતી વખતે મારી પ્રોસેસ એટલી જ કે લખતા પહેલાં હું મારા વિષય બાબતે ક્લિયર અને કન્વિન્સ્ડ હોવો જોઈએ. આ બે બાબતો હોય તો પછી તો માત્ર લખવાની ક્રિયા જ બાકી રહે છે. લખતા પહેલાં તૈયારી થઈ ગઈ હોય એટલે પછી બધું સડસડાટ ચાલે. વચ્ચે વચ્ચે સંદર્ભો કે જોડણીઓ જોતા રહેવાની મને આદત નથી. હા, એવું બને કે લખતા લખતા ક્યારેક ખમણ- બટાકા વડા ખાઈ લઉં કે ક્યારેક ક્યાંક ચક્કર મારી આવું કે કોઈકની સાથે ગામ ગપાટા કરું. બાકી, આમ બીજી કોઈ પ્રોસેસ નથી!
અને મારે માટે લખવા માટેનો કોઈ ખાસ સમય હોતો નથી. રાધર એક પ્રોફેશનલ રાઈટરને એ લક્ઝરી કહો તો લક્ઝરી અને ચેટક કહો તો ચેટક પરવડે એમ પણ નથી. ‘ટ્રેન ટેલ્સ’ આખી મેં ટ્રેનમાં લખી છે. ટ્રેનમાં પણ પાછી જુદી જુદી વિવિધતા. કોઈક વાર જનરલ કોચના ઉપરના પાટીયે બેસીને લખ્યું છે તો કોઇક વાર ભીડમાં ઊભા ઊભા જ મોબાઈલમાં લખ્યું છે. મોબાઈલમાં પણ લખવાની આદત કેળવાઈ ગઈ છે એટલે ઘણીયવાર ફૂલ લેન્થના આર્ટિકલ્સ પણ મોબાઈલમાં લખ્યાં છે!
ચાર પુસ્તકો લખ્યાં પછી એક લેખક તરીકે કેટલા પરિપક્વ થયા છો ?
લેખક તરીકે પણ અને વ્યક્તિ તરીકે હું ખરેખર પરિપક્વ થયો છું. લખાણની પ્રક્રિયા અંતતઃ તમને પરિપક્વતા અને સંતોષ જ આપે છે. પરંતુ માત્ર મારા લખાણની પરિવક્વતા વિશે વાત કરું તો એ વાત નક્કી જ છે કે પહેલાં પુસ્તકમાં મારે બધું જ કહેવું હતું અને ચોથા પુસ્તક સુધીમાં મને એ બાબતનો ખ્યાલ આવી ગયો કે ખરું સૌંદર્ય લાઘવમાં છે અને લાઘવ જ કળા છે! તો હવે મારો પ્રયત્ન રહે છે કે હું થોડા પણ ચોટદાર શબ્દોમાં મારી વાત કઈ રીતે કહી શકું?
મને એમ કહો અંકિતભાઈ વાંચવા વિશે તમારું શું માનવું છે ? પહેલા કઈ રીતે વાંચતા અને હવે કઈ રીતે વાંચો છો ?
જેમ કોઈ સ્પોર્ટ્સમેન માટે ફીઝિકલ ફિટનેસ જરૂરી છે કે કોઈ મૉડેલ માટે ચોક્કસ કદનું શરીર જરૂરી છે, એમ જ કોઈ પણ લેખક માટે વાંચન અત્યંત જરૂરી છે. બીજા કોઈને માટે વાંચવું એ હૉબી હોઈ શકે, પરંતુ જો તમે લેખનમાં હો તો વાંચવું એ તમારી પ્રાથમિક જરૂરિયાત છે. અને વાંચવું એટલે માત્ર એક પ્રકારનું કે એક જ ભાષાનું નહીં. જો તમે લેખનમાં હો તો ગુજરાત્યેતર પણ વાંચવું પડે. એ આવશ્યક છે.

મારા વાંચનની વાત કરું તો એક સમયે હું માત્ર નવલકથાઓ વાંચતો. એ પણ ગુજરાતીની જ. પરંતુ હવે વ્યાપ વધ્યો છે. હું ફિક્શન અને નોનફિક્શનમાં ઘણું વાંચું છું અને મને જે ત્રણ ભાષાઓ આવડે છે એ ત્રણેય ભાષા એટલે કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં વાંચું છું. પાછલા બે-ત્રણ વર્ષોમાં મને પુરાણો અને ઇતિહાસમાં વધુ રસ જાગ્યો છે. હવે મને આપણી સમૃદ્ધિ કે પડતીના મૂળ તરફ જવામાં વધુ રસ જાગે છે. તો હું એ પ્રકારના પુસ્તકો વાંચુ છું. મને આપણો વિભાજનકાળ અને વિભાજન પછીની તરતની ઘટનાઓ અત્યંત વિચલિત કરી દે છે. એ ઘટનાઓ વિશે વિચારું તો એમ થાય કે માણસ જાત સાથે આવું ખરેખર થઈ શકે? તો પાછલા કેટલાક મહિનાથી મેં વિભાજનકાળ અને એ સમયની રાજકીય, સામાજિક સ્થિતિને રજૂ કરતા પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે.
એવું કઈ ક્ષણે તમને લાગ્યું કે લખવું છે. યાદ ખરું કે પ્રથમ લેખ કે વાર્તા જેવું લખેલું અને હવે તો છેક ચાર પુસ્તકો થઈ ચૂક્યા છે.
ઘરમાં પહેલેથી બધા સાયન્સ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સ હતા એટલે કળાઓ તરફ મારો ઝોક પહેલેથી હતો. કારણ એક જ કે, મને એમની વાતોમાં જરાય રસ ન પડતો. એટલે નાનપણમાં- ટીનએજમાં ક્યારેક ગાયક બનવાના અભરખા થતા તો ક્યારેક નૃત્ય કરવાનું મન થતું. એ બધું જરા રોમાંચક અને નવીન લાગતું. ત્યારે જોકે લેખક થઈશ એવો વિચાર નહોતો આવ્યો. પરંતુ ઘરનો માહોલ એવો કે ઘરમાં સમયાંતરે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ કે મહેશ યાજ્ઞિકની નવલકથાઓ ખડકાયા કરે. સફારી અને ચિત્રલેખા પણ હોય અને એમાં જે છપાયું હોય એની ચર્ચાઓ પણ વડીલોમાં થયા કરતી. ક્યારેક કૂતુહલવશ ઉપરથી એ બધું જોઈ જતો, પણ ત્યારે સમજણનો સમૂળગો અભાવ. હા, પુરાણો અને વિશ્વયુદ્ધની વાતો પણ રાત્રે ઉંધતી વખતે નિયમિત થાય. પ્રથા એવી રાખેલી કે રાત્રે ઉંઘતી વખતે પપ્પા અથવા કાકા મહાભારત, રામાયણ અથવા વીસમી સદીના વિશ્વના અને ભારતના ઇતિહાસમાંથી એક કિસ્સો કહે પછી જ ઉંઘવાનું. એ કિસ્સાનું નરેશન એવું મજાનું થતું કે આજે મારી નરેશન શૈલીને સરખાવું તો એમાં ઘણું સામ્ય દેખાય. એટલે કે ત્યારે એવી સમજણ નહોતી કેળવાઈ કે મારે લખવું છે, પરંતુ નરેશનની ટૅક્નિક તો ત્યારે પણ આકર્ષતી જ. એ ટૅક્નિકને લીધે જ ઇતિહાસ કે પુરાણોની વાતો સાંભળવાની પ્રબળ ઈચ્છા થતી, જે આમ તો મારો રિયાઝ જ હતો.
લખવા વિશે ચોક્કસ કહું તો એ ઘેલું લાગેલું ‘દિવ્ય ભાસ્કર’ અખબારને લીધે. ૨૦૦૩માં ‘દિવ્ય ભાસ્કર’ આવેલું ત્યારે શરૂ શરૂમાં લગભગ દરેક પૂર્તિમાં તેમણે વાચકોને લખવા માટેના વિભાગો રાખેલા. દર સોમવારે અડધું પાનું ભરીને ચર્ચા પત્રો પણ આવતા. એટલે ત્યારે એ બાબતનું ગાંડપણ કે કંઈ પણ ગાંડુઘેલુ લખો અને અખબારમાં આપણું નામ છપાવો! નસીબજોગે પાંચ- સાત વાર ‘દિવ્ય ભાસ્કર’માં મારા ચર્ચાપત્રો છપાયેલા પણ ખરા. આજે હવે એ જ અખબારમાં વીકલી કૉલમ લખું છું તો એક સર્કલ પૂરું થયું હોય એવો અહેસાસ થાય છે, કે આ અખબારે જ લેખનનો રસ જગાવ્યો અને એ અખવારે જ મને લેખક તરીકેની પ્રસિદ્ધિ અપાવી!
જોકે વાત ત્યાં પતી નથી જતી. એ જ વર્ષોમાં એટલે કે હું અગિયારમાં અને બાર સાયન્સમાં હતો ત્યારે મને ‘નવનીત સમર્પણ’ અને ‘અખંડ આનંદ’ વાંચવાનં ઘેલુ લાગેલું. વિચારો અને આવડતને ખરો ઓપ જ ત્યારે અપાયો કારણ કે એ સામયિકોમાં મને હિમાંશી શેલત, વર્ષા અડાલજા, પ્રવીણસિંહ ચાવડા, ગુણવંત શાહ, દિનકર જોષી કે બીજા અનેક લેખકો વાંચવા મળ્યા અને ત્યારે મને સમજાવા માંડ્યું કે સાહિત્ય અથવા મુલ્યયુક્ત લખાણ આને કહેવાય. ત્યારેય પાછા નામ છપાવવાના અભરખા તો ખરા જ. એટલે કાલીઘેલી ભાષામાં ગઝલો(જોડકણા જ તો!), ગીત કે વાર્તા લખીને હું નવનીત સમર્પણ કે ‘અખંડ આનંદ’માં મોકલતો. અને મજાની વાત એ છે કે એ બધાય સભાર પરત થતા!

પરંતુ એ મેગેઝિન્સનો ફાયદો એ થયો કે એ મેગેઝિન્સના માધ્યમથી હું સારા લેખકોથી પરિચિત થયો અને એ લેખકો વિશે જાણીને મેં લાયબ્રેરીમાં જઈને તેમના પુસ્તકો વાંચવાના શરૂ કર્યા, જેને લીધે જાણ્યે અજાણ્યે મારો બેઝ તૈયાર થઈ રહ્યો હતો. આપોઆપ મારી ભાષા સુધરી રહી હતી અને લેખન વિશેની મારી ક્ષિતિજો વિસ્તરી રહી હતી. એટલે પહેલો લેખ અને વાર્તા તો યાદ નથી, પરંતુ ત્યારે આવેલી સાભાર પરતની ટપાલો અહીં જરૂર બીડું છું. એ જોઈને આજે હસવું પણ આવે અને આનંદ પણ થાય કે ત્યારે ભલે ખબર નહોતી કે કઈ રીતે લખવું, પરંતુ લેખક બનવાની પ્રક્રિયા ત્યારથી શરૂ તો થઈ જ ગઈ હતી.

ટ્રેન ટેલ્સ અને આથમતો અજવાસ તમે લખી. બંન્નેમાં ચરિત્ર ચિત્રણ કર્યું છે. તો એક લેખક તરીકે તમે જે તે વ્યક્તિનું કઈ રીતે નિરીક્ષણ કરો છો ?
બંને જોનર જુદા છે. ‘ટ્રેન ટેલ્સ’માં કોઈ એક વ્યક્તિનું ચરિત્ર નથી. અથવા અનેક વ્યક્તિઓના ચરિત્રો પણ નથી. એમાં વાર્તાઓ છે, જેના કેન્દ્રમાં ટ્રેન છે. એકાદ-બે વાર્તાઓ પાત્રપ્રધાન છે ખરી, પરંતુ એમાં પાત્ર પોતે પણ એક વાર્તા છે. પાત્રનું ચરિત્ર એમાં નથી.

પરંતુ હા ચરિત્ર હોય કે વાર્તા, એ બધાયમાં પાત્રનું સપાટી પર આવવું, પાત્રનું વાચક સાથે જોડાણ થવું અત્યંત મહત્ત્વનું છે. લખાણમાં પાત્ર એ માત્ર નામ કે સંવાદ દ્વારા થતો ઉલ્લેખ નહીં, પરંતુ લખાણનું એક આખેઆખું અંગ છે. એને માટે આસપાસમાં શ્વસતા, ફરતા લોકોનો અભ્યાસ કરવું અનિવાર્ય છે. અને એ અભ્યાસ માત્ર બાહ્ય દેખાવો પૂરતો નહીં, પરંતુ તેની આંતરિક ગડમથલો, તેના સંવેદનો અને તેની થૉટ પ્રોસેસનો અભ્યાસ પણ મહત્ત્વનો છે. નિરીક્ષણ વખતે હું આ બાબતોનું ખાસ ધ્યાન રાખું છું. જોકે એ મારે એ પણ કબૂલવું રહ્યું કે આ નિરીક્ષણો સહજ રીતે થતા હોય છે. એ માટે કોઈ એક્સ્ટ્રા ઍફર્ટ્સ હું નથી લગાવતો. લેખનના થોડા અનુભવ અને રિયાઝ પછી હવે અમુક પ્રક્રિયા ઑટો મોડમાં થતી હોય છે. નિરીક્ષણો બાબતે એવું જ છે.
જીવનમાં એક કામ તો પૂર્ણ કરવું જ છે. એવું કયુ કામ ?
કામ કોઈ પૂર્ણ નથી કરવા, પરંતુ એક ઈચ્છા છે કે પ્રેમ અને નિસ્બત મારી સાથે હંમેશાં રહે. બાકી, જીવનમાં અન્ય બધી જ બાબતો પરિવર્તનશીલ છે. એક સમયે અખબારોના તંત્રી થવાની ઈચ્છા હતી, પણ સમય સાથે બદલાવ એવો આવ્યો કે એક મેગેઝિનમાં એક્ઝિક્યુટિવ એડિટરના પદ સુધી પહોંચ્યા પછી એક નાનકડો સેડબેક આવ્યો અને થોડા મનોમંથન બાદ મેં એ ક્ષેત્ર જ છોડી દીધું. અલબત્ત એ પલાયનવાદ નહોતો, પરંતુ વર્નાક્યુલર જર્નલિઝમના કેટલાક લિમિટેશન્સ અને મારી ખેવનાઓનો સરવાળો કર્યો તો મને જવાબ કંઈ જૂદો અને કન્વિન્સિંગ જડ્યો. તો મેં એ જવાબને ફૉલો કર્યો.
વળી, એક સમય એવો પણ હતો કે મને દેશ- દુનિયામાં બનતી તમામ ઘટનાઓ પર ઑપિનિયન આપવાના અભરખા થતાં, પણ હવે કેટલીક ઘટનાઓ ઉંઘ સુદ્ધાં ઉડાડી દે છે છતાંય એના પર ઑપિનિયન આપવું કે લખવું મને બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના જેવી વ્યર્થતાની લાગણી થાય છે કારણ કે મારા લખ્યાં પછીય દસ-વીસ કેમેન્ટ્સ અને ‘ઓહો અંકિતભાઈ તો શું લખે છે’ના પ્રતિભાવો ઉપરાંત એમાં ફરક શું પડવાનો? એક સમયે મારે અનેક વિષયોને આવરી નવલકથાઓ લખવી હતી, કૉલમ્સ લખવી હતી. હવે એમ થાય છે કે માધ્યમોમાં મારી પ્રેઝન્સ ન હશે તો ચાલશે, પરંતુ જે વિષય મને આનંદ નથી આપતો કે જેમાં હું કન્વીન્સ નથી થતો એ વિષયો મારે સ્પર્શવા નથી.

એક સમયે એવી ઈચ્છા હતી કે બુલેટ લેવું છે અને આખા દેશમાં સોલો ટ્રાવેલિંગ કરવી છે. પણ હવે ક્યાંક પ્રવાસમાં હોઉં અને મારો દીકરો જો સાથે ન હોય તો મને એક જ ઈચ્છા થાય કે હું મારા દીકરા પાસે પહોંચી જાઉં. એના વિના શું માણવું અને જાણવું? હમણાં હમણાં મને અત્યંત ઈચ્છા છે કે હું એક સ્પોર્ટ્સ સાયકલ વસાવું અને ઘણા સમયથી ઘરે કોઈ શ્વાન નથી તો એક શ્વાન લઉં. પરંતુ મને ખબર છે કે આવનારા થોડા જ સમયમાં મારી એ ઈચ્છામાં પણ પરિવર્તન આવી જશે.
ઈનશોર્ટ સમય અને સમજણની સાથે ઈચ્છાઓ અને પ્રાપોરિટીઝ બદલાતી રહે છે. એટલે કોઈ એક કામ કરવું જ છે એવું કેમ કહી શકાય? પણ કોઈ પણ સ્થિતિ અથવા પ્રાયોરિટીઝમાં પ્રેમ અને નિસ્બત મારી સાથે રહેશે તો સંતોષ અને શાંતિ આપોઆપ મારી સાથે રહેશે. અને મારે માટે હવે સંતોષ અને આંતરિક શાંતિ આ બે જ બાબતો મહત્ત્વની રહી છે. આ બે બાબતોમાં ડખા થાય ત્યારે જ કદાચ જીવનમાં પણ ડખા આવતા હશે.
ઘણા બધા લેખક ગમતા હોય. એકની પસંદગી ન થઈ શકે, છતાં તમને ખૂબ ગમતો હોય એવો એક માત્ર ગુજરાતી સર્જક કયો ?
હિમાંશી શેલત. જો કોઈક કારણસર હું મહિનાઓ સુધી કોમામાં રહું અને મહિનાઓની ઉંઘ ખેંચ્યા બાદ કોઈક ક્ષણે અર્ધજાગ્રત અવસ્થામાં આવું અને એ ક્ષણે પણ જો કોઈ મને પૂછે કે તારા પ્રિય સર્જક કોણ? તો ત્યારેય આ જ જવાબ હશે. એમની વાર્તાઓ થ્રિલર નથી હોતી, પરંતુ એમની વાર્તાઓ વાંચ્યા પછી મને જે થ્રિલ થાય છે એ અનુભૂતિ હું શબ્દોમાં બયાં નહીં કરી શકું.

આથમતા અજવાસ પછી શું ?
આમ તો હમણા એકસાથે અનેક પ્રોજેક્ટ્સ પર કામ ચાલે છે. બધું સમુસૂથરું ચાલશે તો આવનારા સમયમાં મારા બીજા બે પુસ્તકો પણ આવશે. એ સિવાય હું વિભાજનકાળ પહેલાની એક ઘટના પર રિસર્ચ કરી રહ્યો છું અને એના પર અત્યંત કામ કર્યું છે. એ વિષય પર પિરિયોડિક નોવેલ લખવા ધારું છું. પરંતુ અગાઉ કહ્યું એમ સમય સાથે પ્રાયોરિટીઝ બદલાતી રહે છે. એટલે હવે હું પહેલાં જેવી તીવ્રતાથી કામ નથી કરતો. તીવ્રતા એટલે ઝડપના સંદર્ભે. ક્વોલિટીના સંદર્ભે નહીં. પરંતુ આટલા બધા પ્રોજેક્ટ્સ પૂરા કરી શકાય એમ હોવા છતાં હવે હું અત્યંત ધીમી ગતિએ, મારી શરતે અને મને ઈચ્છા થાય તો કરું છું. કારણ કે હમણાં મને મારા દીકરાને ઉછરતો જોવાનું ખૂબ ગમે છે. તો હું એનામાં જ રમમાણ રહું છું.

બીજું કારણ એ કે આળસ એ મારો મૂળભૂત સ્વભાવ છે. એટલે આળસને કારણે હું ઘણું બધુ નથી કરી શકતો. અને ત્રીજું એ કે હવે મને સમજાઈ ગયું છે કે મારા કામ કરવાથી કે ન કરવાથી માત્ર મને જ ફરક પડે છે, બીજા કશાયને નહીં. એટલે હું નહીં લખું કે નહીં કામ કરું તો સમાજનું શું થશે અથવા એક લેખક તરીકે મારી તો આવી આવી જવાબદારીઓ બને છે એવા દંભમાં હું નથી. એટલે હવે હું મને જેમાં આનંદ પડે એ જ બાબતોમાં વધુ રચ્યો પચ્યો રહું છું. એ બાબતોમાં સૂર્યાસ્ત માણવાથી લઈ પ્રાણીઓ સાથે સમય વીતાવવા કે માત્ર વાંચતા રહેવાથી લઈ દોસ્ત સમી પત્ની સાથે અલગારી રખડપટ્ટી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. મીડિયા કે સોશિયલ મીડિયામાં પ્રેઝન્સને ખાતર કે મારી બૌદ્ધિકતા બતાવી દેવા ખાતર, કે જુઓ હું કેવો યુનિક છું, એવું બતાવવા હવે હું નથી લખવો. એટલે જ ચોક્કસ રીતે નહીં કહી શકું કે હવે શું? કારણ કે મનેય નથી ખબર એ વિશે.