HomeસિનેમાવાદHaramkhor : એક છોકરાને ‘લગ્ન’ કરવા માટે છોકરી સામે ‘નગ્ન’ થવું છે

Haramkhor : એક છોકરાને ‘લગ્ન’ કરવા માટે છોકરી સામે ‘નગ્ન’ થવું છે

મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે. શાળામાં પણ ભણાવે છે અને ટ્યૂશન પણ લે છે. નામ છે શ્યામ ટેકચંદ. ટ્યૂશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વચ્ચે એક છોકરી અને બે છોકરાઓ અલગ તરી આવે. છોકરીનું નામ સંધ્યા છે. શિક્ષકનો ભૂતકાળ દાઝેલો છે. એવો દાઝેલો કે હાલ તે પોતાની વિદ્યાર્થિની સાથે જ ગૃહસ્થીજીવન પસાર કરી રહ્યો છે. પણ હવે તેમને સંધ્યા પ્રત્યે અને સંધ્યાને તેમના પ્રત્યે લાગણી દેખાય છે. સંધ્યા તેને તેની પત્ની સાથે સંભોગ કરતા પણ જુએ છે. પેલા બંન્ને છોકરામાંથી એકને પણ સંધ્યા સાથે સેટીંગ પાડવું છે. પણ સેટીંગ માસ્તર સાહેબ પાડી લે છે. હવે આગળ શું થયું ? એ જ તો ફિલ્મ છે હરામખોર.

સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયામાં મોહનીશ બહલના મુખે અમર થઈ ગયેલો સંવાદ છે. ‘એક લડકા ઔર લકડી કભી દોસ્ત નહીં હો સકતે.’ હરામખોર ફિલ્મમાં પણ તેના તૃતીય સંસ્કરણ જેવો એક સંવાદ છે. ‘છોકરો છોકરીને નગ્ન જોઈ લે તો તેના લગન થઈ જાય.’

આઠમાં નવમાં ધોરણમાં બાળકોમાં કોઈ વાર એવું થઈ જાય છે. છોકરીનાં ગાલનું તિલ દિલમાં વસી જાય છે. પણ હરામખોરમાં જે બતાવ્યું છે એ એક સમજદાર વ્યક્તિ તરીકે જુઓ અને ફિલ્મ તરીકે જોઈ તેને ભૂલી જાઓ, તેમાં જ સૌના સારા વાના છે. સમાજ માટે પણ અને જોનારની માનસિકતા માટે પણ. દિગ્દર્શક શ્લોક શર્માને ક્યાંકથી તો આ ફિલ્મની કથા મળી હશે. તેમના અનુભવમાંથી પણ હોય શકે, કે ક્યાંકથી સાંભળી પણ હોય શકે. જેનો તેમણે કોઈ જગ્યાએ ઉઘાડ નથી કર્યો. બાકી 2000ની સાલનું આટલું ડિટેલીંગ કેવી રીતે કરી ગયા ?

આ ફિલ્મ પાત્રોના અભિનયના કારણે ગુડ ફિલ કરાવે છે. કેટલીક ભૂલો છાપરે ચડી આખા ગામને કહી દેવાનું મન થાય છે. થાય છે કે ટાંકી પર ચડીને ધર્મેન્દ્રની જેમ રાડો પાડી પાડીને કહી દઉં, ‘‘અરે ગાંવ વાલો 1999-2000 કિ સાલ મેં ગાંવ કી લડકી જીન્સ નહીં પહેનતી હૈ…’’

એક બાજુ ડાયરેક્ટર 1999નું વિશ્વ રચે છે અને બીજી બાજુ હિરોઈનને જીન્સ પહેરાવે છે. હાથમાં 2000ની સાલની પ્રચલિત વીડિયોગેમ પકડાવે છે. છોકરીને મોપેડ ચલાવતી બતાવે છે. નવાઝભાઈના ઘરમાં તેની અને તેની પત્નીનાં પાંચ-પાંચ ફોટા મુકે છે, જે એ સમયે રિવાજ હતો. સ્માર્ટફોન નહોતા ને !

જેમ સરકાર જનતાનું ધ્યાન ભટકાવવા અવનવા ગતકડાં અજમાવી નવું નવું લાવ્યા કરે, તેમ શ્લોક શર્મા પરફોર્મન્સ દ્રારા ધ્યાન ભટકાવે છે. ખટારામાં એક જોટો ન હોય તો તે ચાલે નહીં. બધા જોઈએ અને સારા જોઈએ. હરામખોરમાં તમામ ટાયર નવા છે અને ટીકડેટી છે.

પાત્રપ્રધાન ફિલ્મ હોવા છતાં સંવાદપ્રધાન નથી બનતી. સંવાદો ફક્ત બોલચાલની ભાષા જેવા છે. પરફ્યુમની બે સેકન્ડની સુગંધની જેમ આવી ફંટાઈ જશે.

જેમાના કેટલાક યાદગાર પણ છે. જેમ કે, ‘બેટા તુમ્હાર હોમવર્ક કોન કરતાં હૈ ? ખાના કોન ખિલાતા હૈ ? ધોતા કોન હૈ?’ આ એક ડાઈલોગ માટે તો દિગ્દર્શકે બાળ અભિનેતા ઈરફાનનો હાથ નથી તોડાવ્યો ને ? સંશય થાય પણ પછી બીજું દ્રશ્ય આવતા સંશયમુક્ત થઈએ. જે જે સંવાદો યાદગાર બન્યા છે તે બધા હાસ્યની કક્ષામાં આવે છે.

ફિલ્મમાં એક શક્તિમાન છે. એ શક્તિમાન પણ તેના કપડાંથી ખૂદ સાબિત કરે છે કે આ કથા 2000ની સાલની છે. એ જે પણ કરે છે મઝા આવે છે. થોડી મિનિટ માટે તેણે ભજવેલા દ્રશ્યોને રિવાઈન્ડ કરવાનું મન થાય.

ગામડાનું લોકેશન ખૂબ સરસ છે. એટલું સરસ છે કે વિશ્વની તબાહી બાદ અહીં માત્ર સાત લોકો જ નિવાસ કરી રહ્યાં હોવાનું લાગે. ગામનો કોઈ વ્યક્તિ કેમેરામાં ભૂલથી પણ કેપ્ચર ન થાય તેનું દિગ્દર્શકે પૂરતું ધ્યાન રાખ્યું છે. દો ગઝ કી દૂરી બહોત જરૂરી!!!

પ્રેમમગ્ન શ્યામ અને સંધ્યાની વાતો વચ્ચે ગામનો ત્રીજો વ્યક્તિ ‘આ શું ચાલી રહ્યું છે.’ એવું કહેવા આવતો દેખાય તો બેમાંથી એક ભાગી જાય, કારણ કે દો ગઝ કી દૂરી બહોત જરૂરી!!! મધ્યપ્રદેશ શહેર અને બસ સિવાય કોઈ જગ્યાએ ભીડ છે જ નહીં.

ફિલ્મ રંગવાદનો ખાડો ખોદે છે. ખાડો ખોદે છે કે પછી ખાડો ખોદવાનો જ છે એવું ડાયરેક્ટરે વિચારીને રાખેલું? નાયકનું નામ શ્યામ. ઉપરથી રંગ કાળો અને તે પત્ની સામે કહે, ‘વો કહેતી હૈ મૈં અચ્છા લગતા હું.’ નવાઝના રંગ ઉપર જ રાત બાકી હૈમાં ફેરનેસ ક્રિમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ રીતે સંધ્યાનો અર્થ થાય આથમવું. એને આથમવું છે પણ આથમવાનું એ ચિત્ર સરસ લાગશે ? અંત તો ઘણું બધું કહે છે પણ એ બધું સાચું અને સારું લાગતું નથી. થોડી થોડી વારે થયા કરે છે કે આપણે જે વિચારીએ છીએ, એ ગણિતના આ દાખલાનો જવાબ છે જ નહીં.

(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments