લેખક – શ્રીલાલ શુક્લ
સાહિત્ય પ્રકાર- વ્યંગ
મૂળ ભાષા – હિન્દી
અનુવાદ – Team Chabuk
પટ્ટાવાળાએ શિસ્તપૂર્વક પડદો હટાવીને ગોળ આકારના કક્ષમાં મારો પ્રવેશ કરાવી દીધો. હું સોફા પર બિરાજમાન થયો તો એણે કક્ષમાં પહોંચાડ્યાનાં અહેસાનનો બદલો મેળવવાની ગરજથી મિત્રભાવ દર્શાવતા પૂછ્યું, ‘ઈલેક્ટ્રીસીટીના નાના એન્જીનિયર થઈને આવ્યા છો ને તમે?’
મેં હકારમાં માથું ધુણાવ્યું અને ગંભીર બનવાનો પ્રયત્ન કર્યો, પણ તેની નિરાધાર મિત્રતાને જાણે આધાર મળવાનો હતો. તેણે ફરી પૂછ્યું, ‘બર્ટી સાહેબની જગ્યાએ આવ્યા છો ને?’
મેં ગંભીરતાથી કહ્યું, ‘હા.’
તેણે ફરી પ્રેમથી પૂછ્યું, ‘તમે તો બામણ છો ને ?’
ડરતાં કે ક્યાંક એ પગે ન લાગી પડે… મેં હકારમાં ફરી માથું ધુણાવ્યું અને નાકનું ટીચકું ચડાવીને પ્રશ્નના અનૌચિત્ય પર પ્રકાશ નાખ્યો.
પણ પટ્ટાવાળા પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. અદમ્ય આત્મીયતાથી તેણે કહ્યું, ‘બર્ટીની જગ્યાએ તમે આવી ગયા. સારું થયું. એ ખૂબ જ બદમાશ હતો. એનાથી બધા હેરાન હતા.’
વિષય તો ખૂબ જ આકર્ષક હતો. છતાં વાતને આગળ ચલાવાય કે નહિ, બસ આ સંશયમાં જ મેં કોઈ જવાબ ન આપ્યો. ધીમેથી સ્મિત લહેરાવી ફરી ગંભીર થઈ ગયો.
પટ્ટાવાળાને જાણે મારા પગનું તળિયું મળી ગયું. ધીમેથી જાણે ઘરનો કોઈ માણસ હોય તેમ તેણે કહ્યું, ‘તમે બેસો હું સાહેબને જાણકારી આપી આવું.’
એ ચાલ્યો ગયો. પાછો ન ફર્યો. હું ચૂપચાપ ગોળ કક્ષમાં બેઠો.
ગોળાકાર કક્ષ સુરુચિપૂર્વક શણગારવામાં આવ્યો હતો. કોઈ સો-સવા-સો મહિનાના રૂપિયા મેળવનારી સુરૂચિએ એટલે કે કોઈ વિભાગીય ડિઝાઈનરે સમજદારીપૂર્વક મોટા મોટા પુસ્તકિય કરિશ્માઓ બતાવ્યાં હતાં. હું એક સંગેમરમરના ક્યૂપિડ – કામદેવથી લઈને માટીના બનેલા બુદ્ધ સુધી મારી નજર ફેરવતો રહ્યો. એક સાથે શૃંગાર અને શાંત રસમાં ડૂબી ગયો.
આ વચ્ચે દરવાજા પર આહટ થઈ. મેં ઉઠવા ઈચ્છ્યું, પણ ઉઠતાં ઉઠતાં બેસી ગયો.
લગભગ સાત-આઠ વર્ષનો એક છોકરો મારી સામે ઊભો હતો. સફેદ, સ્વસ્થ, હાફ પેન્ટ અને બુશકોર્ટ પહરેલ. વાળ માથા સુધી ફેલાયેલા હતા. ગૂંચળા વાળેલી લટો મોઢા પર લટકતી હતી. વગેરે… વગેરે… મનમાં વાત્સલ્ય ભાવ ઉમટ્યો. મેં હસીને કહ્યું, ‘હેલ્લો.’
એ હસીને મારા ઘૂંટણ પાસે આવીને ઊભો રહી ગયો. બોલ્યો, ‘હેલ્લો.’
મેં પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું, ‘બેટા, તારું નામ શું છે ?’
તેણે કહ્યું, ‘નથી કહેવું.’
એ મારા ખોળા પર ચડી ગયો. જેમ કે એ કોઈ ખુરશી હોય. તેનું મુલાયમ શરીર થોડી વાર માટે ખૂબ જ નાજુક લાગ્યું. એ મારી જાંઘ પર ઊભો રહી ગયો. હાથથી મારા વાળ પકડીને પોતાની બાજુ ખેંચતા બોલ્યો, ‘કાં નથી કહેતો ? પોતાનું નામ કહે ?’
હવે આ સ્થિતિમાં મારું નામ જણાવતા મને ખૂબ જ સંકોચ થયો. મેં તેના હાથ મારા વાળથી છોડાવ્યા. વાળ બગડી જતા મનમાં ને મનમાં તેના પર ફિટકાર વરસાવતા, તેને નીચે ઊભો રાખી દીધો. એ પછી મારા વડીલ હોવાનો અનુભવ થતા જ, એ સર્વકાલીન સમજાવટ આપી, ‘સારા બાળકો આવું નથી કરતાં.’
હવે તે ખૂબ તીવ્રતાથી દાંત ભીંસતા મારા ખોળા પર ચઢવા દોડ્યો અને રાડો પાડવા લાગ્યો, ‘સારા બાળક, સારા બાળક, સારા બાળક, નામ બતાવ તારું.’
મને ડર લાગ્યો કે લોકો એ ન સમજે કે હું તેની હત્યા કરી રહ્યો છું. અંતે સરળતા ખાતર મેં તેને કહ્યું, ‘મારું નામ ગોપાલ છે.’
તેણે ટાઈ પોતાની બાજુ ખેંચતા આનંદથી જવાબ આપ્યો, ‘અરે વાહ રે ગુપલ્લૂ! ગુપલ્લૂ! ગુપલ્લુ!’
આ કહેતા એણે જેવું મોઢું કર્યું તેનાથી જ મેં વિચાર કર્યો કે બાળકોને ઠીક રાખવા માટે લાકડીનું મહત્વ હજુ યોગ્ય રીતે સમજવામાં નથી આવ્યું.
પણ મારી ટાઈ બગાડીને થોડી ક્ષણ માટે તે શાંત થઈ ગયો. પ્રેમથી બોલ્યો, ‘મારું નામ લીલુ છે.’
મેં કહ્યું, ‘વેરી ગુડ.’
એ ફરી બોલ્યો, ‘દીદીનું નામ જાણો છો ?’
મેં ‘ના’ માટે માથું હલાવ્યું.
‘ક્વીની, એનો યાર બોલાવે છે.’
મેં વિસ્મયથી આંખો પહોળી કરી. તેણે પૂછ્યું, ‘પિતાનું નામ જાણો છો ?’
મેં ફરી એ જ રીતે માથું હલાવ્યું. એ બોલ્યો, ‘વરુ; ડ્રાઈવર બોલે છે. … મમ્મીનું જાણો છો ?’
મેં ફરી માથું હલાવ્યું, ‘ડાર્લિંગ, ડેડી ડાર્લિગ બોલે છે.’
હું ઉદાસ થઈને બેસી ગયો તો તેણે કહ્યું, ‘એ શું છે ?’
મેં જવાબ દીધો, ‘બુદ્ધ’
એ તાળીઓ વગાડતો ઉછળી પડ્યો અને બોલ્યો, ‘બુદ્ધ નહીં, બુદ્ધુ! બુદ્ધુ! તું બુદ્ધુ! તું બુદ્ધુ!’
મારી હાસ્યપ્રિયતાનું દેવાળું ખૂબ પહેલા જ ફૂંકાઈ ચૂક્યું હતું. મેં કડક અવાજમાં કહ્યું ‘ચૂપ રહે.’
તેના પર તેણે બુમ પાડી, ‘ચૂપ રહો નહીં; શટઅપ, શટઅપ, શટઅપ બ્લડીફુલ’
મેં વ્યાકુળ થઈને અહીં તહીં જોયું. ત્યાં એ પણ જોયું કે વાળ અને ટાઈ પણ નથી. મારા કોટ અને પાટલુન પર પણ તેનો અસર આવી ચૂક્યો છે. ત્યાં તેના બુટના નિશાન છપાયેલા છે. આ મારા ખોળામાં ચડવા ઉતરવાનું પરિણામ હતું.
હું રડ્યો નહિ. ધીમેથી કહ્યું, ‘લીલુ, શું બકે છો?’
એ મોઢું મટકાવતો રહ્યો, ‘શું બકું છું હું ? એમ.’ થોડી વખત માટે એ શાંત રહ્યો ને પછી બોલ્યો, ‘એ તસવીરમાં શું છે ?’
‘જંગલ છે.’
‘અને પેલો છોકરો અને છોકરી.’
મેં ક્યૂપિડની મૂર્તિને મનમાં જ નમસ્કાર કરીને કહ્યું, ‘હા, એ પણ છે.’
‘શું કરે છે?’
હું ચૂપ રહ્યો.
‘શું કરે છે ?’ એ જોરથી બોલ્યો.
મેં કહ્યું, ‘તું જ કહે.’
‘કહું ?’ એ થોડી વાર ચૂપ રહ્યો એ પછી જોરથી બોલ્યો, ‘કિસિંગ! કિસિંગ! કહું?’
હું ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને મોઢામાંથી નીકળી ગયું, ‘હે ભગવાન.’
ત્યાં તેણે છેલ્લો દાવ અજમાવ્યો, ‘કૂતરાનું મોઢું કાળું છે તું મારો સાળો છે.’
એટલામાં દરવાજા પર એક ભૂતડી આવીને ઊભી રહી ગઈ. એટલે કે જે આવીને ઊભી રહી તેને ભૂતડી સમજવામાં જ સરળતા રહેશે. કાળા શરીર પર સફેદ સાડી ફેલાયેલી હતી. લાગતું હતું કે પીપળાના ઝાડ પરથી ઉતરીને, છત પરથી થઈને કોઈ રીતે નીચે આવી છે…
પણ હું અન્યાય કરી રહ્યો છું. એ મારી રક્ષા કરવા માટે આવી હતી. હું તેનો આદર કરું છું. આવતા જ તેણે કહ્યું, ‘બાબા. બऽऽ, બऽऽ અંદર ચાલ.’
બાબા આનંદથી હસતો હતો અંદર જવા લાગ્યો. ત્યાં જ ચીફે કક્ષમાં પ્રવેશ કર્યો. આવતા જ પૂછ્યું, ‘બાબા સાથે રમતાં હતાં ? ખૂબ તોફાની છે.. હા… હમ્મમ્મ…. હા’
એ ખબર નહિ શું શું બોલતા રહ્યા. હું હારેલો, ધોવાયેલો સાંભળતો રહ્યો; વિચારતો રહ્યો, સંસારમાં કોઈ સાર નથી. કોઈ કોઈનું નથી. કામિની કંચનનો મોહ તો વૃથા છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસનું વચન છે કે અનાસક્ત થઈને રહો. જેવી રીતે તમે તમારી ઓફિસની સંપત્તિને પોતાની કહીને પણ પોતાની નથી માનતા. જેવી રીતે તમારી આયા તમારા બાળકોને પોતાનું બાળક હોય એમ રાખતી હોવા છતાં પોતાનું નથી માનતી…
ત્યાં જ સહસા વિચાર આવી ગયો. જે બાબાના વચનમાત્રએ સંસારને સાર વિનાનું સમજાવી દીધું અને જે આયાના દર્શન માત્રથી કામિની ને કંચનનો મોહ છૂટી ગયો. તેની સાથે નિરંતર રહેનારો આ સાહેબ કેટલો મોટો પરમહંસ હશે! સાક્ષાત્ બુદ્ધ!
અકસ્માતના આદરથી ફૂલાઈને હું સોફા પર પલોઠીવાળીને બેસી ગયો અને સાહેબના ઉપદેશને એકચિત્ત થઈને આદરતાપૂર્વક સાંભળવા લાગ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત