Team Chabuk : સતરમી પુતળી વિદ્યાવતીએ મહારાજા ભોજને વિક્રમાદિત્યના પરોપકાર અને ત્યાગની ભાવનાની વાર્તા કંઈક આ રીતે કહી.
મહારાજા વિક્રમાદિત્યની પ્રજાને કોઈ વાતની ઓછપ નહોતી. તમામ લોકો સંતુષ્ટ હતા અને પ્રસન્ન રહેતા હતા. કોઈ દિવસ કોઈ સમસ્યા લઈને આવતું હતું તો રાજા વિક્રમાદિત્ય તુરંત એ સમસ્યાનું નિરાકરણ લાવી દેતા હતા. પ્રજાને કોઈ અધિકારી કષ્ટ આપે તો તેને દંડિત કરવામાં આવતો હતો. જેથી કોઈ પણ જગ્યાએથી રાજાને ફરિયાદ પણ નહોતી મળતી.
રાજા ખૂદ પણ વેશપલટો કરીને ઉજ્જૈન નગરીમાં ફરતો હતો. જેથી નગરજનોની સમસ્યાને જાણી શકાય. આવી જ એક રાતે રાજા વેશ બદલીને ભ્રમણ કરી રહ્યો હતો. એક ઝુંપડીની નજીક રાજા આવ્યો. તેણે કાન દઈ સાંભળ્યું તો વાત સંભળાઈ. કોઈ સ્ત્રી પોતાના પતિને રાજાને સાફ સાફ કંઈક કહેવા માટે કહી રહી હતી. અને બીજી બાજુ તેનો પતિ વારંવાર એક જ વાત કહી રહ્યો હતો, ‘ના, બિલકુલ નહીં, હું મારા સ્વાર્થ ખાતર રાજાના પ્રાણને સંકટમાં ન નાખી શકું.’
‘પણ રાજા વીર છે. પ્રતાપી છે. આથી પણ મોટી સમસ્યાઓનો તેમણે નીવેડો લાવ્યો છે.’ પત્નીએ પોરસ ચડાવ્યું. હકીકતમાં એ પતિ પર દબાણ લાવી રહી હતી અને પતિ તેના દબાણને આધિન નહોતો થતો.
‘એ તું ગમે તે કહે, મોતનું થોડું કંઈ નક્કી હોય છે. સમસ્યા નાની હોય કે મોટી. પ્રાણ સંકટમાં નાખો તો મૃત્યુ થઈ પણ શકે.’
વિક્રમ સમજી ગયો કે તેમની સમસ્યામાં તેમનો સીધો સંબંધ છે, પણ સાફ સાફ સમજાઈ રહ્યું નહોતું. વિક્રમાદિત્યથી રહેવાયું નહિ. પોતાની પ્રજાને સમસ્યા હોય અને રાજા ન આવે તો રાજા કહેવાવાનો અર્થ શું ? વિક્રમાદિત્ય પ્રજાની દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાને પોતાનું કર્તવ્ય સમજતાં હતાં.
તેમણે દરવાજો ખખડાવ્યો. એક બ્રાહ્મણ દંપત્તિએ દરવાજો ખોલ્યો. જોયું તો સામે એક અજાણ્યો પુરુષ હતો. એ અજાણ્યા પુરુષે બ્રાહ્મણ દંપત્તિને સીધો પોતાનો પરિચય આપી દીધો અને તેમને પૂછ્યું, ‘મેં સાંભળ્યું. તમે મારું નામ લેતા હતા. હું ઉપસ્થિત છું. બોલો શું સમસ્યા છે?’
વિક્રમને પોતાની આંખની સામે ઊભેલા જોઈ બ્રાહ્મણ દંપત્તિ તો થરથર કાપવા લાગ્યા. રાજાએ તેમને કહ્યું, ‘નિર્ભય થઈ આખી વાત કહો. હું તમારો રાજા છું અને રાજા સામે સમસ્યા ન રાખો તો કોની સામે રાખશો?’
બ્રાહ્મણે રાજાને કહ્યું, ‘અમારા વિવાહને બાર વર્ષ થયા છે પણ સંતાન નથી. આ બાર વર્ષમાં અમે ઘણા પ્રયત્નો કર્યા. વ્રત-ઉપવાસ, ધર્મ-કર્મ, પૂજા-પાઠ પણ કોઈ ફાયદો ન થયો.’
ને પછી બ્રાહ્મણીએ કહ્યું, ‘મેં એક સપનું જોયું છે. સપનામાં એક દેવી આવી અને મને કહ્યું કે, ત્રીસ કોસ દૂર પૂર્વ દિશામાં એક ગીચ જંગલ આવેલું છે. જ્યાં કેટલાક સાધુ અને સંન્યાસી શિવની સ્તુતિ કરે છે. શિવને પ્રસન્ન કરવા માટે હવન કુંડમાં પોતાના શરીરના અંગ કાપીને નાખે છે. જો એમની માફક જ ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમાદિત્ય હવન કુંડમાં પોતાના અંગ કાપીને નાખશે તો શિવ પ્રસન્ન થઈ તમારી ઈચ્છિત ચીજ માગવાનું કહેશે. એ પછી તમે એટલે કે રાજા વિક્રમાદિત્ય અમારા માટે શિવ પાસેથી સંતાનની માગ કરી શકો છો. એ વરદાનથી અમારા ઘરમાં બાળકની કિલકારી ગુંજી ઉઠશે.’
વિક્રમે એ વાત સાંભળીને તેમને આશ્વાસન આપ્યું, ‘હું એ કાર્ય અવશ્ય કરીશ.’
બ્રાહ્મણ દંપત્તિના ઘરેથી નીકળી જઈ રસ્તામાં એમણે બે વેતાલનું સ્મરણ કર્યું અને નગરીમાંથી હવન સ્થળે પહોંચાડી દેવા જણાવ્યું.
એ જગ્યાએ સાચેક સાધુ સંન્યાસી હવન કરી રહ્યા હતા અને પોતાના અંગોને કાપી અગ્નિ-કુંડમાં ફેંકી રહ્યા હતા. વિક્રમ પણ એક બાજુ બેસી ગયો અને તેમની માફક જ પોતાના અંગોને કાપીને અગ્નિ-કુંડમાં અર્પણ કરવા લાગ્યો. જ્યારે વિક્રમે પોતાના શરીરના મોટાભાગના અંગો હવનમાં નાખી દીધા તો એ મૃત્યુ પામ્યો. શિવગણ ઉપસ્થિત થયા અને તમામ તપસ્વીઓ પર અમૃતનો છંટકાવ કરીને જીવિત કરી દીધા, પણ વિક્રમને છોડી દીધો.
તપસ્વીઓ જીવિત થયા તો તેમણે રાખમાં વિક્રમના અંગોને સળગતા જોયા. તમામ તપસ્વીઓએ શિવની સ્તુતિ કરી અને વિક્રમને જીવનદાન દેવાનું કહ્યું. ભગવાન શિવે તપસ્વીઓની પ્રાર્થના સાંભળી લીધી અને અમૃત નાખીને વિક્રમને ફરી જીવંત કરી દીધો.
વિક્રમ જીવંત થતાં જ શિવની સામે બે હાથ જોડી નતમસ્તક થયો અને બ્રાહ્મણ દંપત્તિને સંતાન સુખ આપવાની વાત કહી. શિવ તેમની ત્યાગ અને પરોપકારની ભાવનાથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. થોડાં મહિનાઓ બાદ સાચે જ બ્રાહ્મણ દંપત્તિને ત્યાં પુત્ર લાભ થયો.
(ક્રમશ:)
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત