Homeતાપણુંભાજપની તો ખબર પડી ગઈ પણ ગુજરાતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક...

ભાજપની તો ખબર પડી ગઈ પણ ગુજરાતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક કોણ તેની તમને ખબર છે ?

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં ખાલી પડેલી આઠ વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચેના આ સીધા જંગમાં ભારે કશ્મકશ બાદ બન્ને પક્ષોના ઉમેદવારો ફાઈનલ થઈ ચૂક્યા છે. ઉમેદવારોની પસંદગીમાં કેટલીક બેઠકો પર બન્ને પક્ષોને પરસેવો વળી ગયો હતો. અંતે રાજ્યની 8 બેઠક માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી થઈ હતી. સાથે જ આઠેય બેઠકો પર અપક્ષોએ પણ ફોર્મ ભરીને ભાજપ-કોંગ્રેસને દોડતા કરી દીધા છે. હાલ 8 બેઠક માટે 102 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે તમામ ફોર્મની ચકાસણી કરાશે અને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે, જો કે મોટાભાગની બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ સામે કોંગ્રેસની લડાઈ જોવા મળશે. કેમકે, ભાજપે ઉભા રાખેલા મોટાભાગના ઉમેદવારો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવેલા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળેલા ઉમેદવારોમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજાનો જંગ કોંગ્રેસના શાંતિલાલ સંઘાણી સાથે થશે. મોરબીમાં ભાજપના ઉમેદવાર મૂળ કોંગ્રેસી બ્રિજેશ મેરજાની આરપારની લડાઈ જયંતીલાલ પટેલ સાથે છે. તો ધારી બેઠક પર કોંગ્રસમાંથી ભાજપમાં આવેલા જે.વી.કાકડિયા સામે કોંગ્રેસે સુરેશ કોટડિયાને મેદાને ઉતાર્યા છે. કરજણ બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અક્ષય પટેલને ટિકિટ આપી છે જ્યારે સામે કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. કપરાડા બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતુ ચૌધરીને ભાજપે પસંદ કર્યા છે જેની સામે કોંગ્રેસે બાબુભાઈ વરઠાને ઉતાર્યા છે. તો ગઢડા બેઠક પર ભાજપે પોતાના જૂના જોગી અને પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે જેમના સીધો જંગ કોંગ્રેસના મોહનલાલ સોલંકી સાથે થશે. ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલ સામે કોંગ્રેસના સૂર્યકાંત ગામિત ચૂંટણી લડી રહ્યા છે અને લીંબડી બેઠક પર ભાજપના અનુભવી અને પૂર્વ વન મંત્રી કિરીટસિંહ રાણા મેદાને છે જેઓની સામે કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતન ખાચર ચૂંટણી લડી રહ્યા છે.

કઈ બેઠક પર કેટલા ઉમેદવાર

સૌથી ઓછા 4 ઉમેદવાર કપરાડા બેઠક પર નોંધાયા છે. મોરબી બેઠક પર સૌથી વધુ 20 ઉમેદવારો નોંધાયા છે. તો અબડાસા બેઠક પર 19, લીંબડી બેઠક પર 14, ગઢડા બેઠક પર 13, ધારી બેઠક પર 12, કરજણ બેઠક પર 11 અને ડાંગ બેઠક પર 9 ઉમેદવારો અત્યાર સુધી માન્ય રહ્યા છે. શનિવારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં 135 ફોર્મમાંથી 33 ફોર્મ ભૂલોના કારણે રદ્દ કરવામાં આવ્યા હતા.

અંતિમ દિવસે ફોર્મ ભરવામાં દોડધામ

આઠ બેઠક માટે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં અંતિમ દિવસે ફોર્મ ભરવામાં ઉમેદવારોએ રીતસરની દોડધામ મચાવી હતી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આઠેય બેઠક પર કૂલ 135 ફોર્મ ભરાયા હતા, 16 ઓક્ટોબરે એક જ  દિવસમાં 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત 53 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 19 ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો જાહેર

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટેની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, બહુજન મહાપાર્ટી,  બહુજન મુક્તિ પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય જન પરિષદ, ભારતીય ટ્રાયબલ પાર્ટી, ઇન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે તમામ પાર્ટી ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસે 8 બેઠકો પર 30 સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા સહિત કેટલાક ધારાસભ્યો અને સાંસદો મળી 30 સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments